Friday, 25 July 2014

કીક્ક: એન્ટરટાઇન્મેન્ટની લાત







          જ્યારે પણ ફિલ્મના ઇતિહાસની વાત થશે ત્યારે ’કીક્કની વાત થશે જ કેમ કે એક સાથે ૭૦૦૦ સ્ક્રીન અને એ પણ ૬ શો! ભારતમાં રીલીઝ થતી આવી પહેલી ફિલ્મ છે જેને માટે રીતસર રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. સલમાનભાઈની વાત જ અલગ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા જાણે છે કે જો સલમાન હોય તો ફિલ્મ વહેંચાય જ. વિદ્યા બાલને કહ્યું કે ’ફિલ્મ સિર્ફ તીન હી ચીઝોં સે ચલતી હૈં. એન્ટરટાઇન્મેન્ટ, એન્ટરટાઇન્મેન્ટ ઔર એન્ટરટાઇન્મેન્ટ પણ હવે આ ડાયલૉગ બદલે તો નવાઈ નહીં કે ’ફિલ્મ સિર્ફ તીન ચીઝોં સે ચલતી હૈં. સલમાન, સલમાન ઔર સલમાન વાતમાં લોજિક હોય કે ન હોય પણ સલમાનની ફિલ્મ છે એટલે રવિવાર સુધીના આજથી જ શો ફૂલ જોવા મળે છે. ’કીક્કની તાકાત હોય કે ન હોય એન્ટરટાઇન્મેન્ટની લાત તો જરૂર મારશે જ....


        હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તારવા માટે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખડે પગે ઊભી જ હોય છે. ૨૦૦૯માં રજૂ થયેલી તામિલ ફિલ્મ ’કીક્કની જ આ રીમેક ફિલ્મ છે જે સીરીશ કુંદરે ડિરેક્ટ કરી હતી. સાજીદને જ્યારે વિચાર આવ્યો ત્યારે સૌથી પહેલા સીરીશનો જ કૉન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પણ કોઈ કારણસર સીરીશ ફિલ્મ કરવા સમર્થ ન હતા માટે આ પછી ડિરેક્ટર તરીકેની પસંદગી એ.આર. મૃગદોશ સાથે વાત ચાલી પણ એ પણ શક્ય ન બન્યું અને છેલ્લે પ્રોડ્યૂસર પોતે જ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી થયું. સાજીદ આમ તો ગળથૂથીમાં જ ફિલ્મ લઈને જનમ્યા છે. સાજીદની પહેલી પ્રોડ્યૂસર તરીકેની ફિલ્મ ૧૯૯૬માં ’જીત હતી. જો કે પપ્પા સાથે તેના નામનો ઉલ્લેખ ૧૯૯૨માં ’ઝુલ્મ કી હુકુમતમાં થયો હતો. જો મારી ભૂલ ન થતી હોય તો કદાચ આ તેમના ડિરેક્શનમાં પહેલી ફિલ્મ છે. સાજીદ નડિયાદવાલાની જિંદગી વિચિત્ર રહી છે. ખૂબ જ આશાસ્પદ હીરોઇન દિવ્યા ભારતી સાથે ૧૯૯૨માં કર્યા હતા અને લગ્નના બહુ ટૂંકા સમયમાં જ દિવ્યાએ આત્મહત્યા કરી, કારણો વિશે ચર્ચા થતી રહી પણ આખરે કંઈ જ બહાર ન આવ્યું. આ પછી છેક ૨૦૦૪માં પત્રકાર વર્ધા ખાન સાથે ફરી લગ્ન કર્યા. સાજીદનું જો આ પહેલું ડિરેક્શન હોય તો એટલું તો કહેવું જ પડશે કે તેને એન્ટરટાઇન્મેન્ટ પીરસતા આવડે છે...


        ફિલ્મની હીરોઇનની શોધ પણ ખૂબ લાંબી શોધ ચાલી હતી. ઇલેના ડીકૃઝ, દીપીકા પાદુકોણ, અનુષ્કા શર્મા, સોનાક્ષી સિંહા અને પ્રિયંકા ચોપરા સાથે ઘણી વાતો થઈ પણ વાત ન બની. સુપર મોડેલ એન્જલીના જહોનસન સાથે પણ વાતો થઈ અને આખરે જેક્લીન ફર્નાડીશ પર પસંદગી ઉતારવામાં આવી. શ્રીલંકન ફાધર અને મલેસિયન મધરની સુંદર છોકરી માટે આ પહેલું રીયલ બ્રાન્ડેડ ફિલ્મ કહી શકાય. જેકલીને ૨૦૦૯માં ’અલાદ્દીન ફિલ્મથી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. ’હાઉસફૂલ 2’, ’મર્ડર 2' , ’રેસ 2' જેવી હીટ ફિલ્મ તેને મળી ચૂકી છે. સામાન્ય રીતે સલમાનની ફિલ્મમાં હીરોઇનને ભાગે કંઈ ખાસ કામ હોતું જ નથી પણ આ ફિલ્મમાં જેક્લીનને એક્ટીંગ બતાવવાનો પૂરો મોકો આપવામાં આવ્યો છે. મીથુન દા બીજી ઇનિંગ સરસ રમી રહ્યા છે. નાના પણ સારા પાત્રો માટે મીથુન દા પહેલી પસંદગી થવા લાગ્યા છે. ઇન્ટરવલ પછી ભલે એન્ટ્રી કરે પણ નવાઝુદ્દીન સીદ્દીકી એકદમ સરસ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યો છે. સિમોના માટે નાનું જ પાત્ર હતું પણ ધીમેધીમે ફિલ્મ તરફ વળતી દેખાય રહી છે. આ રીતે જ અર્ચના પુરણસિંઘ પણ એક બે દ્ગશ્યો હોવા છતા પોતાની આગવી સ્ટાઇલ બતાવી શકી છે. સૌરભ શુક્લા તો બોર્ન આર્ટિસ્ટ છે જ. જેક્લીનના પિતાના પાત્રમાં ખૂબ જ મઝા કરાવે છે...


        રણદીપ હૂડાને લગભગ સલમાનની સાથોસાથ જ વેઇટેજ આપવામાં આવ્યું છે. ફિલ્મના સ્ક્રીનપ્લે પહેલા દરેક પાત્રનું પાત્રાલેખન થાય અને એમાં પણ જો ચેતન ભગત સ્ટોરી લખે તો પછી ફિલ્મનું પાત્રાલેખન ખાસ રીતે થયું જ હોય. ફિલ્મની સ્ટોરી માટે જો સામે વિરોધી પાત્ર ન હોય તો મુખ્ય પાત્રની કોઈ કિંમત રહેતી નથી. હવે જ્યારે એ વિરોધી પાત્ર લખવામાં આવે તો તેને પણ પૂરો ન્યાય મળવો જોઈએ. રજત અરોરા, કૈથ ગોમ્સ, સાજીદ નડિયાદવાલા અને ચેતન ભગત ત્રણેએ મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે. આમ તો ચેતન ભગતની વાત લોજિક બહાર નથી જતી પણ જો બાકી ત્રણ વ્યક્તિ સાથે હોય તો ક્યાંક લોજિક મૂકવું પડે કેમ કે દર્શકોને એન્ટરટાઇન્મેન્ટ આપવાનું હોય છે! ફિલ્મમાં નવાઝુદ્દીન ૧૫ મીનીટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. આ લોજિક માની પણ લઈએ તો પણ ધડકન થોડી બંધ થાય? હશે જવા દો મૂળ વાત મસાલો વેચવાના હોય તો આવું ચલાવવું પડે....


        ફિલ્મ માટે ખર્ચ કરવામાં કોઈ કચાસ રહેવા દેવામાં આવી નથી. ફિલ્મના શૂટીંગની શરૂઆત ૨૦૧૩ જુલાઈમાં સ્કોટલેંડથી કરવામાં આવી. ઑક્ટોબરમાં દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યું અને રહી ગયેલા થોડા દ્ગશ્યો ફેબ્રુઆરી ૨૦૧૪માં મહેબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યા. ફિલ્મનો એન્ડ પોલેન્ડમાં શૂટ કરવામાં આવ્યો છે, જો કે સલમાનની ઇચ્છા યુ.કે.માં શૂટ કરવાની હતી પણ વિઝા ન મળતા પોલેન્ડમાં જ શૂટ કરવામાં આવ્યો. એક સમાચાર મુજબ કાર, બસ, હેલીકોપ્ટર તોડવામાં જ ૧૨.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું ટ્રેલર ૯ જૂન ૨૦૧૪ના રોજ યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવ્યું હતું અને આજની તારીખ સુધીમાં સૌથી વધારે જોવાયેલા ટ્રેલર તરીકે સ્થાન પામી ચૂક્યું છે...


        ફિલ્મનું મ્યુઝિક હ્રીમેશ રેસમિયા, યો યો હનીસિંઘ અને મીત ગ્રોસ ત્રણ વ્યક્તિએ મળીને આપ્યું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર જુલિયસ પેકીમનો છે. ફિલ્મનો રનટાઇમ ૧૪૬ મીનીટનો છે જે હાલની ફિલ્મ્સના પ્રમાણમાં ખૂબ જ લાંબો કહેવાય પણ એક એક પળ માટે એન્ટરટાઇન્મેન્ટનો ખયાલ રાખવામાં આવ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ ખૂબ સારી કહી શકાય એવી છે. ફિલ્મ મોટા બજેટનું છે એવું દેખાવું જોઈએ અને એ જવાબદારી અયંકા બોઝની હતી. ફિલ્મની મૂળ વાર્તા વક્કંથન વામસીની છે. યુટીવી મોશન પીકચરે ફિલ્મને ડીસ્ટ્રીબ્યુટ કર્યું છે. આ ફિલ્મ પછી ૧૦૦ કરોડની ક્લબ કદાચ અપડેટ થશે. થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ. ૭૦૦૦ સ્ક્રીન એવરેજ ૬ શો એટલે રોજના ૪૨૦૦૦ શો, માત્ર ૧૦૦ ટીકીટનું જ વેચાણ ધારીએ અને ૧૦૦ રૂપિયા જ એવરેજ ભાવ માનીએ તો રોજની કમાણી ૪૨ કરોડની આવક થઈ, હવે માત્ર એક અઠવાડિયું જ આમ ચાલે તો ૨૫૦ કરોડની નવી ક્લબની સ્થાપનાની તૈયારી કરી લો. જો ઇન્ડસ્ટ્રી આ રીતે જ ચાલસે તો નાની ફિલ્મ્સને સ્ક્રીન મળશે જ નહીં! 


        ફિલ્મનો પહેલો ભાગ પાત્રને એસ્ટાબ્લીસ કરવામાં જ જાય છે અને બીજો ભાગ ફાઇટમાં. ફિલ્મના અમુક દ્ગશ્યો ખરેખર સંવેદનશીલ બની શક્યા છે. ખાસ કરીને ઝુમખી વાળો કિસ્સો અને સલમાનનું એમ.એલ.એ. મેડમને પગે લાગવું. ફિલ્મ પાસે લોકોને આનંદ આપવાના બધા જ નુસખા છે, આટલું મોટું સ્ક્રીનીંગ પણ છે, સલમાન જેવો સેલેબલ સ્ટાર છે તો પછી મારા જેવાની દ્રષ્ટિએ ફિલ્મ સારુ કે ખરાબ શું કામનું? જે ફિલ્મ ધંધો કરે એ સફળ ફિલ્મ છે. સાચા સ્ટાર તો ફિલ્મની કમાણી જ ગણાય માટે સ્ટાર બોક્ષ ઓફીસના આંકડા પર છોડીએ...




પેકઅપ:

સલમાન ખાનના ફોટોગ્રાફ ન લેવા એવું નક્કી થયા પછી સલમાનભાઈની હવા સાથે ટ્વિટ.."હું તેમના નિર્ણયથી ખુશ છું"

No comments:

Post a Comment