ફિલ્મનું ટ્રેલર જોઈને મને મનમાં થયું કે માત્ર વિદ્યા બાલનને
અલગ અલગ વેશભુષામાં દેખાડવા અને ધરાર કૉમેડી ઊભી કરવા ફિલ્મ બન્યું હશે પણ જે રીતે
ઘણીવાર ટ્રેલર જોયા પછી ફિલ્મમાં રૂપિયા પડી ગયા એમ થાય એ રીતે જ એવું પણ બને કે ટ્રેલર
ખરાબ હોય તો પણ ફિલ્મ સારુ હોય શકે. એવી ઘણી ફિલ્મ તમે જોઈ હશે જેમાં હીરો કે હીરોઇનને
કંઈક બનવા માટેનો ક્રેઝ હોય અને એ ક્રેઝ માટે એ ગમે તે કરતો કે કરતી હોય પણ જો એ વાત
જ જો મજબૂત ના હોય તો તમે મૂળ વાર્તાને ગળે ના ઉતારી શકો પણ ’બોબી જાસૂસ’ની વાર્તા
એટલી સરળ રીતે રજૂ થઈ છે કે તમને સાવ સરળતાથી સમજાય જાય. એ સાથે ફિલ્મની રજૂઆત પણ એટલી
હળવી રીતે થઈ છે કે તમારે કહેવું જ પડે કે સરળ વાત અને સરળ રજૂઆત...
સમર શેખનું આ
પ્રથમ ડિરેક્શન છે. સમર આમ તો સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે પ્રખ્યાત છે. ’ધુમ’, ’બંટી
ઔર બબલી’, ’ફના’, ’ધૂમ-2’,
’ચક દે ઇન્ડિયા’, ’ટશન’, ’રોડ
સાઇડ રોમિયો’ અને
’ધૂમ-3’ માટે એમણે સ્ટોરી બોર્ડ તૈયાર કર્યું હતું. આ ઉપરાંત ’ધૂમ’ અને
’રોડ સાઇડ રોમિયો’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. એક વાત તો માનવું
જ પડે કે કોઈ પણ રીતે સમરનું આ પહેલું ડિરેક્શન હોય એવું લાગતું નથી. એક એક આર્ટિસ્ટ
પાસેથી જે રીતે કામ લઈ શક્યા છે એ માટે ડિરેક્શનના વખાણ જ કરવા પડે. અમુક દ્ગશ્યોમાં
રડાવી શક્યા છે તો અમુક સાવ સામાન્ય વાત પર હસાવી પણ શક્યા છે. ખૂબ જ ઓછા લોકેશનમાં
જ્યારે રમવાનું હોય ત્યારે ડિરેક્ટરની ખરી પરીક્ષા થાય છે. સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે
રહી ચૂકેલા છે એટલે સ્ટોરીને સારી રીતે રજૂ કરી શક્યા છે. વિદ્યા બાલનને ઘણા સમયે ખરા
અર્થમાં એક્ટીંગ કરી ...
ફિલ્મની શરૂઆતથી
જ લીડ કૅરેક્ટર માટે વિદ્યા બાલન ફીક્સ જ હતી. હીરો માટે થોડી શોધ થઈ પણ અલી ફઝલ ખૂબ
સરળતાથી નક્કી થઈ ગયો. અલી ફઝલને યાદ કરવો હોય તો ’થ્રી ઇડિયટ્સ’નું
ગીત યાદ કરી લો ’મર મર કે ...’. જો કે અલીની ફિલ્મ કેરિયરની શરૂઆત ’ધ અધર એન્ડ ઑફ લાઇફ;થી
થઈ હતી. આ પછી અલીએ ’ઓલવેયઝ કભી કભી’, ’ફૂકરે’ અને ’બાત બન ગઈ’ કરી
છે. આ ફિલ્મમાં વિદ્યા સામે થોડો નાનો લાગે છે પણ જોડી બહુ ખરાબ નથી લાગતી...
ફિલ્મનું કાસ્ટિંગ
મજબૂત છે. વિદ્યા બાલનના ફેમીલીમાં મમ્મી તરીકે સુપ્રિયા પાઠક, પપ્પા તરીકે રાજેન્દ્ર
ગુપ્તા, ખાલા તરીકે તન્વી આઝમી, બહેન તરીકે બેનાફ જેવા જાણીતા ચહેરાઓ છે. સુપ્રિયા
પાઠક માટે તો કંઈ કહેવાની જરૂર જ ન પડે! આ રીતે જ તન્વી આઝમીનો અનુભવ પણ કંઈ ઓછો નથી.
બેનાફ સાથે મારી ખૂબ સારી મિત્રતા રહી છે. બેનાફ કોઈ પણ કામ પ્રત્યે પૂરી વફાદાર હોય
છે. ’બા બહુ ઔર બેટી’ સિરિયલમાં દીકરીની ભૂમિકાથી બધા જ તેને ઓળખે છે. ૧૯૯૮માં
’ચાઇના ગેઇટ’ બેનાફની
પ્રથમ ફિલ્મ હતી અને છેક આટલાં વર્ષે આ ફિલ્મમાં જોવા મળી. રાજેન્દ્ર ગુપ્તા તગડો કલાકાર
તો છે જ પણ આ ફિલ્મમાં સૌથી શ્રેષ્ઠ એકટીંગ તેમનું છે. વિદ્યાના સહાયકો મુન્ના એટલે
કે આકાશ ડાહ્યાં અને પ્રસાદ બર્વે શેટ્ટી તરીકે છે. પ્રસાદ બર્વે આમ તો વોઇસ ઓવર આર્ટિસ્ટ
છે પણ ’દિલ મિલ ગયા’, ’હાઇડ & સીક’ એમ બે ફિલ્મમાં એક્ટીંગ પણ કરી ચૂક્યો છે.
અર્જન બાવજા લાલાના કૅરેક્ટરમાં છે. દિલ્હીના ડેપ્યુટી મેયરનો છોકરો અર્જાનની ફિલ્મ
કેરિયરની શરૂઆત ૨૦૦૧માં તામિલ ફિલ્મથી થઈ હતી. ’વો તેરે નામ થા’ ૨૦૦૩માં
તેની પ્રથમ હિન્દી ફિલ્મ હતી. આ પછી ’ગુરૂ’, ’સમર’, ’ફેશન’ અને
’સન ઑફ સરદાર’માં
જોવા મળ્યો હતો... લાલાની પ્રેમિકાની ભૂમિકામાં અનુપ્રિયા છે. છોકરી ખરેખર સુંદર છે
કદાચ આગલી ફિલ્મમાં લીડમાં જોવા મળે પણ ખરી. ઘણા સમયે કિરણ કુમાર એક મોટા રોલમાં જોવા
મળ્યા. કિરણ કુમારની ઉમર દેખાય છે પણ હીર તો હજુ એ જ છે! ઝરીના વહાબ પણ નાનકડી ભૂમિકામાં
છે અને નાનો પણ સારો રોલ નિભાવ્યો છે...
સાહિલ સંધા અને
દિયા મિર્ઝાનું પ્રોડક્શન હાઉસ બોર્ન ફ્રી એન્ટરટાઇન્મેન્ટ. આ પ્રોડક્શનનું પહેલું
ફિલ્મ હતું ’લવ બ્રેકઅપ જિંદગી’ હતું. ખાસ ચાલ્યું ન હતું એટલે આ ફિલ્મ પર બંનેને એટલી આશા
છે કે બંને આ ફિલ્મ સમયે જ લગ્ન કરવાના હતા પણ ફિલ્મના કારણે પોસ્ટપોન્ડ રાખ્યું. ૨૩
નવેમ્બર ૨૦૧૩ના રોજ ફિલ્મનું મહુરત કરવામાં આવ્યું અને સળંગ ૫૫ દિવસનું શેડ્યૂલ નક્કી
કરવામાં આવ્યું. ફિલ્મનું મોટા ભાગનું શૂટીંગ વાર્તાને અનુરૂપ હૈદરાબાદમાં જ કરવામાં
આવ્યું છે...
મ્યુઝિક શાંતનું
મલ્હોત્રાનું છે. ફિલ્મમાં ગીતો કર્ણપ્રિય છે. સ્ટોરી સંયુક્તા ચાવલા શેખની છે. સિનેમેટોગ્રાફી
બ્રિન્દાની છે. ફિલ્મ ખૂબ સારી રીતે એડીટ થઈ છે. ફિલ્મના એડીટીંગનો શ્રેય ગુજરાતી મિત્ર
હેમલ કોઠારીને જાય છે. ફિલ્મ એક સંયુક્ત પ્રયાસ છે. કોઈ એક કામ પણ ખરાબ થાય તો સારી
ફિલ્મ પણ ખરાબ બની શકે. ’બોબી જાસૂસ’માં પૂરી ટીમનું ટીમ વર્ક જોવા મળ્યું. જો
કે હું જ્યારે ફિલ્મ જોવા ગયો ત્યારે આખી ટૉકીઝમાં માત્ર ૭ દર્શકો હતા એટલે એમ પણ માની
શકાય કે હજુ દર્શકો સુધી પ્રચાર માધ્યમથી આ ફિલ્મ પહોંચ્યું નથી....
ફિલ્મની સ્ટોરી
મુસ્લિમ મહોલ્લા અને મુસ્લિમ ફેમિલી સાથે જોડાયેલ છે. એક ટીપીકલ મુસ્લિમ સ્ટાઇલથી એમ
છતા પણ આ ફિલ્મને દૂર રાખી શકાયું છે. એક સંયુક્ત કુટુંબમાં રહેતી સૌથી મોટી છોકરી
બિલકીશ એટલે કે વિદ્યા બાલન પોતાની જાતને મહાન જાસૂસ સમજે છે પણ કામ તો સાવ નાના નાના
જેમ કે કોઈની પત્નીનો પ્રૉબ્લેમ, કોઈના ઘરનો પ્રૉબ્લેમ એવા જ મળે છે. એક મોટા કામની
આશામાં બેઠેલી બોબીને એક કામ મળે છે અને રૂપિયા પણ. હવે આ કામ કરવા માટે તેને કરેલા
પ્રયાસો અને તેણે ગોઠવેલી બાજી સાવ સીધી સાદી છે પણ કામ તો કરે જ છે. કિરણ કુમાર આ
કામો તેની પાસે શા માટે કરાવે છે એવો પ્રશ્ન ઊભો થતા જ સ્ટોરી વળાંક લે છે. સ્ટોરી
સાથે જ અલી અને વિદ્યાની લવ સ્ટોરી પણ આગળ ચાલે છે. ફિલ્મમાં કોઈ મોટા પ્રસંગો નથી
પણ વાર્તા આગળ વધતી રહે છે, કારણ વગરના પ્રસંગો છે પણ કંટાળો અપાવે એવા નથી. ઓવરઓલ
ફિલ્મ માણવા લાયક છે. માત્ર વિદ્યા બાલન આધારિત ફિલ્મ નથી. વિદ્યા ચોક્કસ રીતે મુખ્ય
પાત્ર છે પણ તેની સાથે જોડાયેલા પાત્રો પાસે પણ પર્ફોર્મન્સનો પૂરો ચાન્સ છે જ અને
બધા આર્ટિસ્ટ્સ આ ચાન્સ લેવામાં સફળ પણ રહ્યા છે. ફિલ્મની મહેનત અને સ્ટોરીની સરળતા
માટે ફિલ્મ ૩ સ્ટાર ડીઝર્વ કરે છે....
પેકઅપ:
બુદ્ધિઆંક માટે નવો પેરામીટ૨ શોધાણો છે અને જેને ’ભટ્ટ’ નામથી
ઓળખવામાં આવશે. સૌથી ઊંચા આંક માટે ’આર્ય ભટ્ટ’ અને નીચા આંખ માટે ’આલ્યા ભટ્ટ’...
No comments:
Post a Comment