ફિલ્મની સ્ટોરી સરસ હોય, સ્ક્રીનપ્લે સારા હોય અને સોનામાં
સુગંધની જેમ જો સારા ડાયલૉગ્ઝ પણ હોય તો તમને શરૂઆતથી અંત સુધી ફિલ્મ જોવાનો આનંદ જ
અનોખો હોય! ઘણીવાર સારી સ્ટોરી અને ખરાબ સ્ક્રીનપ્લે હોય તો પણ ફિલ્મ ગમે અને ઉલ્ટુ
સ્ટોરી સારી હોય અને સ્ક્રીનપ્લે ખરાબ હોય તો પણ તમે ફિલ્મ એન્જોય કરી શકો પણ ’એક વિલન’માં
તો ખબર જ નથી પડતી કે સ્ટોરીનો અર્થ શું નીકળે છે! લેખક તુષાર હીરનંદાણીને ખબર જ ન
પડી કે લવ સ્ટોરી બનાવવી છે, સાઇકોડ્રામા બનાવવી છે, ફાઇટ ફિલ્મ બનાવવી છે કે પછી બીજી
કોઈ પ્રકારની ફિલ્મ! આ ઉપરાંત સ્ક્રીનપ્લે ક્યાંથી ઉપાડવો અને ક્યાં વાર્તા ક્યાં જોડવી
એ પણ એટલી જ મહત્વની છે. સ્ક્રીનપ્લેમાં પણ એક વાત જામે ત્યાં જ સ્ટોરી ફ્લેસબેકમાં
જતી રહે અને એ પણ તમને ખબર ન પડે કે અહીં આ વાત રાખવાનો અર્થ શું હતો? આ અખી ફિલ્મને
ખરાબ સ્ટોરી અને સ્ક્રીનપ્લેનો ઉત્તમ નમૂનો કહી શકાય.....
જ્યારે સારા
ડિરેક્ટરના હાથમાં ખરાબ સ્ટોરી આવે તો ધારે તો પણ સારુ ન કરી શકે. મોહિત સુરીનું ડિરેક્શન
થોડા સમયથી વખાણવા લાયક રહ્યું છે. મોહિત સુરી એટલે મહેશ ભટ્ટનો ભત્રીજા, આ કારણથી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમની એન્ટ્રી સરળ હતી. વિક્રમ ભટ્ટની ફિલ્મ ’કસૂર’થી એમણે
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. આ પછી ૨૦૦૨માં ’આવારા પાગલ
દિવાના’ અને
૨૦૦૫માં ’ઝહર’ આસિસ્ટ
કરી. ૨૦૦૫માં જ ’કલિયુગ’ એમના સ્વતંત્ર ડિરેક્શનમાં આવ્યું. ’કલિયુગ’ના ખૂબ
વખાણ પણ થયા. આ પછી એમણે ’રાઝ-મીસ્ટ્રી કન્ટીન્યુસ’, ’કૃક-ઇટ્સ ગૂડ ટુ બી બેડ’ જેવી
ઘણી ફિલ્મ્સ ડિરેક્ટ કરી પણ તેની મોટા ભાગની ફિલ્મ્સ ભટ્ટ કૅમ્પ સાથે જ રહી. ખૂબ લાંબા
સમય પછી ભટ્ટ કૅમ્પ બહારની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે ત્યારે એમના પર ઘણી જવાબદારી
હતી કે લોકો એમ ન માને કે ભાઈ એક જ બૅનર હેઠળ સારી ફિલ્મ આપી શકે છે. જો કે એમના માટે
એક સારી વાત એ હતી કે બાલાજીનું બૅનર મળી રહ્યું હતું. આમ જુઓ તો શોભા કપૂર-એકતા કપૂર
પાક્કા બીઝનેસમેન કે વુમન થઈ ગયા છે. એમને ખબર છે કે માત્ર ફિલ્મના ધંધામાં જ ગુણાકારો
થાય છે એટલે જ કદાચ હવે ફિલ્મમાં તુષાર કપૂરને લેવાની ભૂલ પણ નથી કરતા....
સિદ્ધાર્થ મલ્હોત્રા
દેખાવડો હોવા સાથે સારા મસલ પણ ધરાવે છે વળી બોલીવુડમાં પ્રવેશને હજુ જુમા જુમા ચાર
દિવસ જ થયા છે તો સસ્તો પણ પડે. જો કે સિધ્ધાર્થના કેરિયરની શરૂઆત તો ’માય નેઇમ ઇઝ
ખાન’ના આસિસ્ટન્ટ
ડિરેક્ટર તરીકે થઈ હતી અને ખરા અર્થમાં એક્ટીંગની શરૂઆત ’સ્ટુડન્ટ ઑફ ધ ઇયર’થી થઈ.
ફિલ્મ ખૂબ સારી ચાલી હતી. આ પછીની સિધ્ધાર્થની ફિલ્મ ’હસી તો ફસી’ ક્યારે
આવી અને ગઈ એ પણ ખબર નથી પડી! સિદ્ધાર્થ માટે પણ ફિલ્મ મહત્વની હતી. શ્રદ્ધા કપૂરને
ફિલ્મનો વારસો હોવા છતા પપ્પા શક્તિ ક્પૂરની ખાસ મદદ મળી શકી નથી. શ્રદ્ધા ’તીનપત્તી’ અને
’લવ કા ધ એન્ડ’માં
કોઈની નજરમાં આવી ન હતી પણ ’આશિકી 2’ સાથે જ જાણીતી હીરોઇન બની ગઈ. આ ફિલ્મ માટે એવોર્ડ્સ
પણ મળ્યા. રીતેષ દેશમુખ વિલાસરાવ દેશમુખ જેવા નેતાનો પુત્ર એટલે શરૂઆતમાં તો એમ જ થયું
કે ફિલ્મમાં રીતેષને આ કારણે જ કામ મળ્યું હશે પણ ’તુજે મેરી કસમ’થી કેરિયરની શરૂઆત
કરનાર રીતેષ આજ સુધીમાં લગભગ ૩૭ ફિલ્મ્સ આપી ચૂક્યો છે. રીતેષને આમ તો લોકો કોમેડિયન
તરીકે જ જોવા ટેવાય ગયેલા છે પણ આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા એના માટે પડકાર હતી અને
તેણે નિભાવી. હવે સારી કે ખરાબ એ તો દર્શકો જ નક્કી કરશે. ફિલ્મમાં રીતેષની પત્નીની
ભૂમિકા આમના શરીફે ભજવી છે. આમનાને લોકો ટેલિવિઝન સિરિયલ ’કહીં તો હોગા’ અને
’હોંગે જુદા ના હમ’થી ઓળખે છે. જો કે બોલીવુડની બે ફિલ્મ્સ ’આલુ ચાટ અને ’આઓ વિશ
કરે’ આફતાબ
શિવદાસાની સાથે કરી ચૂકી છે જે લગભગ ઓછા લોકોએ જોઈ હશે. શરદ રંધાવાને ખાસ સીબીઆઇ ઇન્સ્પેક્ટર
તરીકે લેવામાં આવ્યા છે પણ એટલો જ અર્થ વગરનો રોલ છે અને આવો જ બીજો રોલ જેમાં ’રેમો
ફ્રર્નાડીશને વેડફવામાં આવ્યા છે...
ફિલ્મ એડપ્ટ
કરવી એ સૌથી સહેલી વાત છે પણ સાથેસાથે એટલી અઘરી વાત પણ છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ
’શો ધ ડેવિલ’ પરથી
ઉઠાવવામાં આવી છે જો કે મોહિત સુરીના કેહેવા મુજબ આ ફિલ્મના પાત્રો સાવ અલગ છે માટે
આ ફિલ્મ મૂળ ફિલ્મથી સાવ અલગ છે. જો તમે ’શો ધ ડેવિલ’ જોઈ
હશે તો તમે કહેશો કે કાશ ફિલ્મની એમને એમ જ ઉઠાંતરી કરી હોત તો ફિલ્મ સારી બની શકી
હોત!
ફિલ્મનું મ્યુઝિક
અંકીત ત્રીવેદી, મીથુન અને સોચ બેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. ફિલ્મના ગીતો કર્ણપ્રિય
છે. ગીતોને તો ક્રીટીક્સ અગાઉથી જ ૪ સ્ટાર આપી ચૂક્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી વિષ્ણુ
રાવની છે. ફિલ્મના દ્ગશ્યો અદભૂત લાઇટથી અને સતત ફરતા કૅમેરાથી સુંદર લાગે છે. આ ફિલ્મમાં
દરેક દ્ગશ્યમાં ઇવન લાઇટનો જ પ્રયોગ છે માટે જે સુંદર રીતે દ્ગશ્યો ઊભરીને આવવા જોઈ
એ રીતે નથી આવ્યા. આ ફિલ્મમાં ચોક્કસ પણ સૌથી અઘરું કામ એડીટીંગનું જ રહ્યું હશે. દેવેન
મૃદેશ્વરે ફિલ્મ એડીટ કર્યું છે. જ્યારે ફૂટેજ જ દમ વાળુ ન હોય ત્યારે એડિટર પણ શું
કરી શકે? જો કે એક વાત ખૂબ સારી રહી કે ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૩૨ મીનીટનો હતો એટલે
બહુ વધુ ફિલ્મ સહન કરવી નથી પડી! આટલી તો દર્શકોની દયા ખાધી એ જ ઘણું...
સમયની સાથે તાલ
મિલાવતા દર્શકો પ્રયોગાત્મક ફિલ્મ્સ, આર્ટ ફિલ્મ્સ, નાના બજેટની ફિલ્મ્સ જોતા થયા છે
અને વળી અલગ પ્રકારની વાર્તા માટે પણ ફિલ્મ જોવા ટેવાતા થયા છે પણ દર્શકો કદાચ એટલી
બધી છૂટ તો નહીં જ આપે કે વાર્તાનો હાર્દ કે મુખ્ય વિષય જ નક્કી ન થાય! ફિલ્મના કોઈ
પણ પાત્રનું પણ પાત્રાલેખન થાય છે. હીરો કેવો હશે, એની ખાસિયત શું હશે, એનો સ્વભાવ
કેવો હશે જેવી કેટલી બધી બાબતો ફિલ્મ લખાય ત્યારે જ લખવામાં આવે છે. આ વાત માત્ર હીરો,
હીરોઇન કે વિલન માટે જ નહીં, નાનામાં નાના પાત્ર માટે પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
અહીં આ ફિલ્મમાં એક પણ પાત્રનું ધ્યેય શું છે એ જ તમને ખબર નહીં પડે. કદાચ ફિલ્મ સાથે
પાત્રાલેખન કરવામાં નહીં આવ્યું હોય. ફિલ્મને ૨ સ્ટારથી વધારે આપી શકાય એમ નથી પણ અન્ય
ક્રીટીક્સ અત્યાર સુધીમાં ૪ સ્ટાર સુધી પહોંચી ગયા છે....
પેકઅપ:
"હમણાં જ એક અખબારના ઇન્ટર્વ્યૂમાં અનુષ્કાએ કહ્યું કે
તે યશરાજ બેનરની ફેવરીટ હીરોઇન છે અને જ્યારે હીરોનું પૂછવામાં આવ્યું ત્યારે હસતા
જવાબ આપ્યો કે ઉદય ચોપરા .. હવે શાહરુખનું શું થશે???"
No comments:
Post a Comment