ફિલ્મને સફળ બનાવવા માટે અનેક ફૉર્મ્યુલામાં અત્યારે એક ફૉર્મ્યુલા
ખૂબ હીટ ચાલી રહી છે અને એ છે સાઉથની ફિલ્મની બેઠી કોપી કરો અને તેને હિન્દીમાં રીલીઝ
કરો. ૨૦૧૨માં તામિલ ભાષામાં આવેલી ફિલ્મ ’થુપ્પકી’ ખૂબ સારી કમાણી કરવામાં સફળ
રહી હતી. ફિલ્મના વખાણ પણ ઘણા થયા હતા. આ ઉપરાંત સાઉથની ખાસિયત મુજબ જ્યારે હીરો એકલે
હાથે દુશ્મનોને પરાસ્ત કરે ત્યારે તાલીઓના ગડગડાટ સાથે પ્રેક્ષકો વધાવે જ. આ પહેલા
પણ અક્ષય કુમાર ’રાવડી રાઠોર’માં કોપી કેટ બની ફિલ્મને ૧૦૦ કરોડ ઉપર ધંધો કરાવવામાં સફળ
રહ્યો હતો એટલે જ પ્રોડ્યૂસર્સના લિસ્ટમાં ટવિંકલ ખન્નાનું નામ ઉમેરાવી આ રીમેક માટે
પૈસા ઉપરાંત પોતાની તારીખો પણ ફાળવી. ફિલ્મ ધંધો તો કરી જ લેશે કેમ કે ખૂબ મોટું રીલીઝ
મળ્યું છે પણ ફિલ્મ માટે એટલું જ કહી શકાય કે વધુ એક સાઉથની કોપી દર્શકો સહન કરશે કે
નહીં એ તો સમય જ નક્કી કરશે...
ફિલ્મમાં નાનું
પણ સરસ પાત્ર ભજવનાર અપૂર્વા અરોરાથી ફિલ્મની વાત શરૂ કરું. હમણાં જ મારા ડિરેક્શનની
ફિલ્મ ’સાથિયો ચાલ્યો ખોડલધામ’માં અપૂર્વા મુખ્ય ભૂમિકામાં છે. અપૂર્વા આ ફિલ્મમાં અક્ષય
કુમારની બહેનના પાત્રમાં છે. અપૂર્વાની એક ખાસિયત અહીં લખવાનું મન થાય છે. અમારી ફિલ્મના
શૂટીંગ દરમિયાનમાં સમાચાર આવ્યા કે અપૂર્વાની મમ્મીને હાર્ટ ઍટેક આવ્યો. કોઈ પણ વ્યક્તિ
આ વાતથી દુ:ખી થાય જ પણ અપૂર્વાનો ખુશ વાતાવરણનો શોટ હતો. એ છોકરીએ જરા પણ પોતાના ચહેરા
પર દુ:ખ લાવ્યા વગર એક્ટીંગ કરી છે એ માટે એક સલામ આપવી જ પડે. ચાલો ત્યારે ફિલ્મના
મુખ્ય પાત્રો પર આવીએ. અક્ષય કુમાર કે જેની ઉમર થતી જ નથી. હર હંમેશા તાજો અને પોતે
જે પાત્ર ભજવે તેને પૂરતો ન્યાય આપવાની તેની કોશિશ હોય જ. સોનાક્ષીને ફિલ્મમાં કેમ
લે છે એ એક પ્રશ્ન છે પણ કદાચ આ પહેલા ’રાવડી રાઠોર’માં આ ટીમ મઝા કરાવી ગઈ હતી એટલે
હોય શકે! સોનાક્ષીનું શરીર મજબૂત થતું જાય છે એટલે લાગે છે કે એ આવનારા વર્ષોમાં માત્ર
સાઉથની ફિલ્મ્સમાં જ જોવા મળે એવું બની શકે! વર્ષો પછી ગોવિંદાને જોયો. એક વખત આખી
ફિલ્મને પોતાના ખભા પર ખેંચતો ગોવિંદા સાવ નાના પાત્રમાં અને એ પણ વેલ્યૂ વગરના પાત્રમાં
જોવા મળે ત્યારે દુ:ખ થાય. આપણો ગુજરાતી એટલે કે સુરત રહેવાસી ફ્રેડી દારુવાલા ફિલ્મમાં
મુખ્ય વિલનની ભૂમિકામાં છે. ફ્રેડીની પર્સનાલિટી હીરો જેવી છે. કદાચ આવનારા વર્ષોમાં
ફ્રેડી હીરો તરીકે પણ જોવા મળે. ૨૦૧૧માં ફ્રેડી એ ’મમ્મી પંજાબી’ ફિલ્મ
કરી હતી પણ કોઈના ધ્યાનમાં આવ્યો ન હતો. સુમિત રાઘવને ટીવી માંથી પહેલીવાર મોટા પડદા
પર પગ મૂક્યો છે. સુમિતે ઘણી બધી સિરિયલ્સ અને શો કર્યા છે. સુમિતને કદાચ કોઈ પણ કામ
કરવામાં વાંધો નહીં હોય કેમકે એણે યુ ટ્યૂબ પર ચાલતા ’સવિતાભાભી કે સેક્સી સોલ્યુસન્સ’ જેવો
શો પણ હોસ્ટ કર્યો છે. બાકી બધા પોતપોતાના રોલમાં યોગ્ય કામ કરી ગયા છે.
ફિલ્મનું સૌથી
ખરાબ પાંસુ છે ફિલ્મમાં ધરાર ઘુસેડવામાં આવેલી લવ સ્ટોરી. ફિલ્મની વાર્તા મુજબ અક્ષય
કુમાર મુંબઈ આવે છે અને જતાની સાથે જ એક છોકરી જોવા જાય છે. છોકરી સાથે તેની લવ સ્ટોરી
શરૂઆતની અડધી કલાક ખાય છે. આ પછી અચાનક જ સ્ટોરી ટર્ન મારે છે અને વાત ઇન્ટરેસ્ટિંગ
બને છે. મુંબઈની એક બસમાં બૉમ્બ બ્લાસ્ટ થાય છે. અક્ષય કુમાર આ કામ માટે જ આવ્યો હોય
એ રીતે કામ પર લાગી જાય છે પણ પોલીસ મીકેનીઝમ મુજબ નહીં પોતાના અંગત રીતે પોતાની ઇન્ટેલીજન્સીને
સાથે જોડીને મૂળ વાત સુધી પહોંચવાનું શરૂ કરે છે. આતંકવાદના એક ખૂબ જ અજાણતી વાત આમાં
લેવામાં આવી છે એ છે સ્લીપર સેલની. સ્લીપર સેલ એટલે આંતકવાદનો એવો હિસ્સો જે આઇ.બી.ની
જેમ કામ કરે. સ્લીપર સેલમાં જોડાયેલા વ્યક્તિ આમ માણસ જ હોય પણ જો તેને હાઇ કમાન્ડ
માંથી ઑર્ડર મળે તો તરત જ જીવ પર ખેલવા તૈયાર થઈ જાય. ફિલ્મની સ્ટોરીનો સૌથી મહત્વનો
કહી શકાય એ સ્ટોરી થોટ એવો છે કે જો હાઈ કમાન્ડ જ ખતમ કરી નાખવામાં આવે તો નીચેના લોકોને
કોઈ સૂચના આપવા વાળુ ન રહે અને સ્લીપર સેલની નીચેની ટીમ બેકાર થઈ જાય. આ માટે બંને
પક્ષે ચાલતી રમતો ખૂબ જ સરસ રીતે ચાલે છે પણ સ્ટોરીની પથારી ત્યારે ફરે છે જ્યારે જ્યારે
સોનાક્ષી સિંહાની એન્ટ્રી થાય અને લવ સ્ટોરી આવે. હવે જ્યારે નેકસ્ટ ટુ બોસ પકડાયો
હોય ત્યારે અચાનક જ કીસ માટે સોનાક્ષી આવી જાય અને ફિલ્મ બંનેને એક સારા લોકેશન પર
ગીત ગાવા મોકલી દે છે. આ ઉપરાંત પોણા ત્રણ કલાકની ફિલ્મની પેશન આજકાલ કોનામાં હોય છે?
જો હિન્દી ફિલ્મ મુજબ હીરોઇન લેવી ફરજિયાત ન હોત તો ફિલ્મ ૨ કલાકની અંદરની રહી શકી
હોત અને માણવા લાયક બની શકી હોત...
એ.આર. મૃગદોશનું
ડિરેક્શન છે. આમ તો કાર્ટૂનીસ્ટ તરીકે કૉલેજ કાળ દરમિયાન ઓળખાતા આ ડિરેક્ટરને મદ્રાસ
ફિલ્મ ઇન્સ્ટીટ્યુટે રીજેક્ટ કરી દીધા હતા પણ જેમના નસીબમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું
હોય તેને ગમે ત્યાંથી પ્રવેશ મળે જ. તામિલના પ્રખ્યાત લેખક પી. કલાઇમણીએ એમને કો-રાઇટર
તરીકે ’મદુરાઈ મીનાક્ષી’ ફિલ્મના ડાયલૉગ લખવા આપ્યા. એ પછી તામિલ ફિલ્મ ’રતચંદન’માં
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. તેના ડિરેક્શનમાં ’ધીના’ પહેલી
ફિલ્મ હતી. આ પછી એમની ત્રણ સારી ફિલ્મ્સ આવી. ૨૦૦૮માં એમણે આમિર ખાનને લઈને ’ગજની’થી હિન્દી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર પગ મૂક્યો. ફિલ્મ એમના ડિરેક્શનને લીધે ચાલી કે પછી આમિર
ખાનને લીધે એ તો ઈશ્વર જાણે. આ પછી આટલાં વર્ષે એટલે કે ૨૦૧૪માં એમની હિન્દી ફિલ્મ
આવી. આ હિન્દી ફિલ્મ એટલે એમણે જ ડિરેક્ટ કરેલી ’થુપ્પુકી’ ની
રીમેક. આમ તો ફ્રેમ ટુ ફ્રેમ જ કોપી થતી હોય પણ આ ફિલ્મમાં ઘણા ફેરફાર કર્યા છે. ટૂંકમાં
ફોટો કોપી નથી કરી એટલે ડિરેક્શનનો થોડો ઘણો ટચ જોવા મળ્યો જ છે...
અરુણા ભાટિયા,
વિપુલ શાહ અને ટવિંકલ ખન્નાનું પ્રોડક્શન છે. સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને ડિરેક્શન એ.આર.
મૃગદોશનું જ છે. મ્યુઝિક પ્રિતમનું છે. આમ તો પ્રિતમનું મ્યુઝિક કોપી હોય તો પણ સાંભળવું
તો ગમે એવું જ હોય છે પણ આ ફિલ્મ માટે પ્રિતમને માફ કરવામાં આવે! નટરાજન સુબ્રમણિયમની
સિનેમેટોગ્રાફી છે. અમુક કૅમેરા એંગલ માણવા લાયક છે. ફિલ્મનું બજેટ ૬૦ કરોડનું બજેટ
છે. આ ફિલ્મની રીલીઝની એક ખૂબી એ છે કે માત્ર મલ્ટીપ્લેક્ષને જ ધ્યાનમાં ન રાખતા નાના
નાના સિંગલ સ્ક્રીન પણ કવર કરવામાં આવી છે. ગમે તે કહો જેટલું ઝાઝું રીલીઝ એટલો ઝાઝો
નફો એટલું તો હવે સારા નિર્માતાઓ શીખી જ ગયા છે. ૧૦૦ કરોડ ક્લબની ફિલ્મ માનવામાં આવે
છે તો જોઈએ ક્યારે ૧૦૦ કરોડ ભેગાં કરે છે... સ્ટારની વાત આવે તો સારા સારા લોકો જ્યારે
૪+ સ્ટાર આપી ચૂક્યા છે ત્યારે હું ૨.૫ સ્ટારથી વધારે નથી આપતો...
પેકઅપ:
"અમારા ફિલ્મ લાઈન વાળાના એક્સ્ટર્નલ અફેરની મીડિયામાં
નિંદા થાય અને સુષ્મા સ્વરાજને ભારતની એક્સ્ટર્નલ
અફેર માટે અભિનંદન મળે! યે બહોત નાઇન્સાફી હૈ-આલિયા ભટ્ટ"
No comments:
Post a Comment