Friday, 30 May 2014

સીટીલાઇટ્સ: સોલાર લાઇટ જેવું એક્ટીંગ









       ગ્રામ્ય વિસ્તાર માંથી મોટા સપનાઓ સાથે સીટી તરફ પ્રયાણ કરતા હજારો લોકો છે, એકાદ ટકા જેટલાં આગળ વધી જાય છે પણ ૯૯ ટકા લોકો આખર સુધી ઠેબા ખાતા હોય છે. આ વાત આ રીતે જોઈએ તો સાવ સામાન્ય લાગે છે. આમ તો આવી વાર્તા પર અસંખ્ય વાર્તા લખાય ચૂકી છે તો અસંખ્ય ફિલ્મ્સ પણ બની ચૂકી છે. જો આવા જ વિષય પર ફિલ્મ બનાવવી હોય તો સ્ક્રીનપ્લે અને એક્ટીંગ મજબૂત હોય તો જ એક સારી ફિલ્મ બની શકે. જોકે આ ફિલ્મ માટે મઝા એ હતી કે ફિલ્મનો બ્રીટીશ ફિલ્મ "મેટ્રો મનીલા" પરથી તૈયાર કરવામાં આવ્યો છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો એ ભારતમાં મહેશ ભટ્ટ-મુકેશ ભટ્ટ સાથે રાખીને જ રીલીઝ કરવામાં આવી હતી. લેખક રીતેષ શાહ માટે એક તરફ સહેલું તો બીજી તરફ આ કાર્ય અઘરું પણ હતું. સ્ક્રીનપ્લેના થોડા ખાંચાની વાત છેલ્લે કરીશું પણ અત્યારે તો એટલું કહેવું જ પડે બધા જ કલાકારોનું કામ એટલે સોલાર લાઇટ જેવું ઝળહળતું કામ...


        હંસલ મહેતા આ ફિલ્મના ડિરેક્ટર છે. એમણે પોતાના કેરિયરની શરૂઆત ’ખાના ખઝાના પ્રોગ્રામ જે ઝી ટીવી પર આવતો હતો અને જેને સંજીવ કપૂર ભારતના શ્રેષ્ઠ શેફ દ્વારા હોસ્ટ કરવામાં આવતો એના ડિરેક્શનથી થઈ અને પ્રાઉડની વાત એ છે કે આ નામ પરથી જ ઝી ટીવીએ અલગ ચેનલ ઝી ખાનાખઝાના શરૂ કરી છે પણ હંસલ મહેતાની પસંદ ફ્રીકશન જ હતી.  તેમની ’રીસ્તેમાં ડિરેક્ટ કરેલી થોડી સ્ટોરીઝમાં તેમનું ડિરેક્શન સીધુ જ દેખાય આવે એવું હતું. એમની પહેલી ફિલ્મ ’જયતે ખાસ અસર ન પાડી શકી પણ ૧૯૯૭થી ફૂલ લેન્થ ફિલ્મના ડિરેક્શનની શરૂઆત થઈ ગઈ. આ પછી ૩ વર્ષના ગેપ પછી એમની ’દિલ પે મત લે યાર ફિલ્મ આવી. ફિલ્મ એવરેજ રહી અને ફરી બે વર્ષના ગેપ પછી ૨૦૦૨માં ’છલ અને ’યે ક્યા હો રહા હૈં રીલીઝ થઈ અને બંને બોક્ષ ઓફીસ પર ન ચાલી. આ પછીની ૨૦૦૫ની ’અંજાનમાં પણ એવું જ બન્યું. રામ ગોપાલ વર્માની ’દશ કહાનીયાંમાં એમને ભાગે ’હાઇ ઓન હાઇવે આવી હતી જે વખાણવા લાયક હતી. આ પછી એમણે ’વુડ સ્ટોક વિલા, ’રાખ અને ’શહીદ ડિરેક્ટ કરી. ’શહીદને ઘણા એવોર્ડ્સ મળ્યા હતા. આ બધા પછીની એમની ફિલ્મ એટલે ’સીટીલાઇટ્સ જેમાં તમને સીધી જ ખબર પડશે કે હંસલ મહેતા અનુભવે ઘડાયેલા ડિરેક્ટર છે...


        મહેશ ભટ્ટ કૅમ્પની એક ખૂબી છે કે પાત્રો ઇન્ટ્રોડ્યુસ કરવા, ઓછા ખર્ચે ફિલ્મ બનાવવી અને કમાણી કરી લેવી.  આ સામાન્ય ફૉર્મ્યુલામાં હવે તો એટલાં મોટા ફેરફારો આવી રહ્યા છે કે ફિલ્મનું બજેટ ભલે ૨ કરોડ હોય પણ ૪ કરોડ પબ્લીસીટી પાછળ વાપરીને ફિલ્મને હીટ કરાવી દેવું. જો કે ભટ્ટ સાહેબ હોશિયાર એટલાં છે કે આવા રૂપિયા પણ ન બગાડે. ફિલ્મની વાર્તા ઑલરેડી હીટ ફિલ્મની જ હોય ત્યારે આવું કંઈ પણ કરવાને બદલે બસ સારુ મ્યુઝિક અને સારા લીરીક્સ સાથે દર્શકોને આપવામાં આવે ત્યારે અલગ મસાલો ગમે અને ફિલ્મ કમાણી કરી લે. આ ઉપરાંત આ અઠવાડિયે કોઈ પણ મોટા બેનરની ફિલ્મ રીલીઝ નથી થઈ જેમ કે આજે રીલીઝ થનારી ફિલ્મ્સ હતી ’કુકુ માથુર કી ઝંડ હો ગઈ અને ’તુમ હો યારા હવે જ્યારે બાકીની બે ફિલ્મ્સ સાથે કોઈ મોટું નામ ન જોડાયેલ હોય ત્યારે આ ફિલ્મ જોવામાં આવે એમા નવાઈ શું? 


        બૅકગ્રાઉન્ડ સ્કોર રાજુ સિંઘનો છે. ફિલ્મના દ્ગશ્યો સાથે રાજુ સિંઘનો બૅકગ્રાઉન્ડ સ્કોર મેચ થઈ શક્યો છે. સૌથી મહત્વની વાત હોય કે જ્યાં ડાયલૉગ ન હોય ત્યાં મ્યુઝિક ઉપર જાય અને દ્ગશ્ય એસ્ટાબ્લીશ કરે અને હોય ત્યારે એ ડાયલૉગ એસ્ટાબ્લીશ થાય. ઘણા સારા મ્યુઝિસિયન્સ આ વાતમાં થાપ ખાય જાય છે પણ અહિંયાં ખૂબ સારુ કોમ્બીનેશન જોવા મળ્યું છે. ગીતોનું મ્યુઝિક જીત ગાંગુલીનું છે. વિશેષ ફિલ્મ્સની કોઈ પણ ફિલ્મ હોય સંગીત માટે તો કહેવું જ ન પડે. ફિલ્મના ગીતો એટલાં કર્ણપ્રિય છે કે તમને ગમી જ જાય. આ ઉપરાંત ગીત માત્ર ગીત તરીકે જ રજૂ નથી થતા સ્ટોરીને પણ સપોર્ટ કરે છે..

        રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. રાજકુમારે ઘણા સમય સુધી યાદવ સરનેમ વાપરી પણ લક અને જ્યોતિષ જેટલું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રચલિત છે એટલું ક્યાંય પણ નહીં હોય. આવા જ કંઈક વિચાર સાથે રાજકુમારે યાદવને બદલે રાવ સરનેમ વાપરવાનું શરૂ કર્યું છે. ’લવ સેક્સ ઔર ધોખાથી પોતાની કેરિયર શરૂ કરનાર રાજકુમાર સાથે હમણાં મારે એક ફિલ્મ માટે વાત થઈ ત્યારે ખબર પડી કે તેની પાસે આગલાં બે વર્ષ સુધી ખાલી ડેટ્સ નથી. પહેલી ફિલ્મ પછી આ છોકરો ક્યારેય ક્યાંય અટક્યો નથી. અફલાતૂન એક્ટીંગ માટે રાજકુમારના વખાણ થાય એટલાં ઓછા છે. વિશેષ ફિલ્મ્સ તરફથી ઇન્ડસ્ટ્રીને ઘણા નવા કલાકારો મળ્યા છે. આ ફિલ્મમાં સીક્યુરીટી ઓફીસર તરીકે માનવ કૌલને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. એમની અને રાજકુમારની ક્રોનોલોજી ખૂબ જ સરસ રીતે પડદા પર બતાવી શકવામાં ડિરેક્ટર સફળ રહ્યા છે. એમની સાથે સાથે હીરોઇન તરીકે પત્રલેખા પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. નામ જ સાવ અલગ છે અને એટલું જ અલગ આ છોકરીએ એક્ટીંગ પણ કર્યું છે. કોઈ જ ગ્લૅમર ન ધરાવતી આ છોકરી પોતાને ભાગે આવેલા ઓછા કામમાં પણ એક્ટીંગ તો બતાવી જ શકી છે. ફિલ્મમાં બહુ થોડા પાત્રો છે પણ તમને એવું ક્યાંય નહીં લાગે કે આ નબળો કલાકાર છે. એક્ટીંગ માટે પણ ફિલ્મ જોવી જોઈએ...


        વખાણ તો બહુ થયા તો ચાલો થોડી ભૂલોની પણ ચર્ચા કરી લઈએ. ફિલ્મની કથા મુજબ રાજસ્થાન રહેતું રાજકુમારનું ફેમિલી આર્થિક સંકળામણને લીધે મુંબઈ રહેવા આવે છે. રાજકુમારે દુકાન ખાલી કરવી પડે છે અને એ પાછળનું કારણ માત્ર એક લાખ રૂપિયા બતાવવામાં આવે છે જેની સામે તેની દુકાનનો સ્ટોક અને ઘર એટલાં મોટા દેખાડવામાં આવ્યા છે કે બાત કુછ હજમ નહીં હોતી. આ પણ ઠીક ચલો માની લઈએ તો મુંબઈ આવે છે ત્યારે એક મકાન બતાવવા તેને કોઈ લાવે છે. જેનું ભાડું ૧૦ હજાર મહીને કહેવામાં આવે છે અને ભાઈ ઍડ્વાન્સ આપી દે છે. જે માણસ એક લાખ માટે ગામ છોડે અને એક મહીને ૧૦ હજાર ભાડાનું મકાન રાખે એ વાત પણ બંધ બેસતી નથી. ફિલ્મની ખરી શરૂઆત ઇન્ટરવલ પછીની ૧૫ મીનીટ પછી થાય છે કેમ કે ફિલ્મનો મોટો કહી શકાય એવો પ્રસંગ ત્યારે જ બને છે. આ પહેલા માત્રને માત્ર તકલીફો અને ફિલ્મ એસ્ટાબ્લીશમેન્ટનો સમય છે. જો ધાર્યું હોત તો મુખ્ય પ્રસંગને થોડી વધુ સારી રીતે વહેલો લાવીને ફિલ્મ વધુ જમાવી શકાય હોત. તો પણ ઓવરઓલ ફિલ્મ જોવા લાયક છે. ફિલ્મને ગમે તેમ કરીએ તો પણ ૩ સ્ટાર તો આપવા જ પડે...




પેકઅપ:
એક ટૂંકામાં ટૂંકો જોક...’એક સમજદાર પત્ની હતી

No comments:

Post a Comment