Friday, 5 September 2014

મેરી કોમ: સ્પોર્ટ્સની ગેઇમ









        ફિલ્મના અનેક ઝોનરમાં એક ઝોનર સ્પોર્ટ્સ હંમેશા હીટ રહ્યું છે પણ એના માટે સૌથી જરૂરી વાત છે વાર્તાની. જ્યારે કોઈ એક રમતને કે કોઈ એક રમતવિરને લઈને વાત વણવાની હોય ત્યારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે, જેમ કે રમત હોય તો રમતના કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી થતું અને જો ખેલાડી હોય તો એ ખેલાડીની અંગત કોઈ એવી વાતો નથી થઈ જતીને કે જે ફિલ્મ રીલીઝ થતી જ અટકાવી દે. જોકે ફિલ્મની વાત કરીએ ત્યારે એક વણ લખ્યો નિયમ છે કે ભારત જ જીતતું હોય કે જે ખેલાડી છે તે જ ચેમ્પિયન થતો હોય! જીત કોને ન ગમે? પણ જીત માટેનો મુકાબલો જે રીતે કૅમેરામાં કંડારવો જોઈએ એ રીતે જ કંડારવામાં આવે તો જ ફિલ્મની મઝા લૂંટી શકાય અને જો એમ કરવામાં ભૂલો થાય તો સ્પોર્ટ્સની ગેઇમ બની જાય....



        પાંચ પાંચ વાર વર્લ્ડ બોક્સીંગ ચેમ્પીયનશીપ જીતેલી ભારતની એક માત્ર મહિલા પર ફિલ્મ બનાવવું હોય ત્યારે સૌથી પહેલા તો તેના વિશે જાણવા અને સ્ક્રીપ્ટ લખવા પર જ એટલું ધ્યાન રાખવું પડે કે વાત વિષયની બહાર ન જાય અને છતાં દર્શકો માણી શકે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સાઇવીન સાઇવીન ક્વાડર્સને સોંપવામાં આવ્યા. ફિલ્મને ફિલ્મી બનાવવા માટે ફિલ્મના સ્ક્રીનપ્લે સાથે ઘણા ચેડા થયા છે. ફિલ્મની શરૂઆત મણીપૂરમાં ચાલતા દંગા દરમિયાન મેરીની ડીલીવરી સમયથી કરવામાં આવી છે જે સીધે સીધી ચાડી ખાય છે કે ધરાર આ રીતે વાર્તાને ફિલ્મી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ વાતને પણ સ્વીકારી લો અને આગળ વધો તો ફિલ્મ ઝોક ખાતી નજર આવી છે અને અંતને સુધારવા તો રીતસર મોલોડ્રામા ઊભું કરવામાં આવ્યું છે જે કોઈ પણ સંજોગોમાં ગળે ઊતરે એમ નથી. અંતમાં જ્યારે મેરી ફાઈનલમાં પહોંચે છે અને વિંગમાં દાખલ થવાનો કોલ આવે છે ત્યારે જ તેના પતિ સાથે વાત થાય છે કે તેના બાળકના હ્રદયમાં કાણું છે અને તેનું ઓપરેશન અત્યારે ચાલે છે. આ વાત સાથે જર્મની સામેની ફાઈનલમાં બે રાઉન્ડ સુધી ખૂબ જ માર ખાય છે અને બીજી તરફ બાળકનું ઓપરેશન દરમિયાન હ્રદય અટકી જાય છે. અચાનક જ બાળકનું હ્રદય ચાલુ થાય અને છેલ્લી એક મીનીટમાં આટલો માર ખાધા પછી મેરી ફાયનાલીસ્ટને ધૂળ ચાટતી કરી દે! આવો મેલોડ્રામા ઊભો કરવાને બદલે સ્ટોરી રાઇટર ધારત તો આટલાં ખરાબ સમાચાર છતા મેરી બોક્સીંગને કેટલી વફાદાર છે એ બતાવવા ભૂલીને ફાઇટ કરતી બતાવી શકાય હોત પણ ફિલ્મી બનાવવાની લ્હાયમાં આ વાત દરગુજર થઈ છે. ફિલ્મના ડાયલૉગ્ઝ રમેન્દ્ર વશિષ્ઠ અને કરણ સિંઘને સોંપવામાં આવ્યા છે. મણિપૂર સ્ટેટની ખાસિયત મુજબ ’તુમ ક્યોં નહીં આયા જેવો પ્રયોગ કરવા જતા વાર્તાને નબળી પાડી ગયા છે....



        ફિલ્મની જો સર્વશ્રેષ્ઠ બાબત હોય તો પ્રિયંકા ચોપરાનું એક્ટીંગ. પ્રિયંકાએ ફિલ્મને ન્યાય આપવા માટે કરેલી મહેનત અને ફિલ્મમાં આપેલું ડેડીકેશન સીધુ જ દેખાય છે. પ્રિયંકાને આ રોલ ઑફર થયો ત્યારે જ તે જાણતી હતી કે ફિલ્મ તેના માતે ચેલેંજીંગ જ બની રહેશે. રોલને ન્યાય આપવા માટે પ્રિયંકા મણિપૂર ગઈ અને મેરી પાસેથી જાણ્યું કે પોતે પતિ, ફેમિલી, પ્રેક્ટીસ, બાળકો આ બધું જ કઈ રીતે મેનેજ કરતી હતી. મેરીની રહેવાની બોક્સીંગની બધી જ સ્ટાઇલ અપનાવી આટલું જ નહીં આ ઉપરાંત પ્રિયંકાએ ૧૦ દિવસ બોક્સીંગ પ્રેક્ટીસ અને ફીઝીકલ ટ્રેનિંગ પૂરી ઈમાનદારી સાથે અને પૂરી મહેનત સાથે લીધી. શૂટીંગ દરમિયાન પ્રિયંકાને ઘણીવાર સાચે જ લાગ્યું હતું. એક દ્ગશ્ય વખતે તો તેની આંખમાં ઈજા થઈ અને મેકઅપ દાદા છુપાવવાની કોશિશ કરતા હતા પણ ડિરેક્ટરે ના કહી અને વગર મેકઅપ એ રીયલ લાગે એ રીતે દ્ગશ્ય શૂટ કરવામાં આવ્યું. પ્રિયંકા માટે આ રોલ બીજી રીતે પણ ચેલેજીંગ જ રહ્યો કેમ કે ફિલ્મની શરૂઆત ૧૭ જૂન ૨૦૧૩માં શરૂ કરવામાં આવી હતી અને અચાનક જ પ્રિયંકાના પિતાનું અવસાન થયું માટે શેડ્યૂલ લેઇટ લઈ જવામાં આવ્યું. આ શેડ્યૂલ ફરી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪માં શરૂ થઈ શક્યું. ઉદય શિરલે એ પ્રિયંકાના લૂકનું ધ્યાન રાખવાનું હતું અને પ્રિયંકાના ફીઝીક્સમાં કંઈ જ ફેર ન પડે આ માટે સળંગ ૪૫ દિવસનું શૂટીંગ શેડ્યૂલ રાખવામાં આવ્યું. પ્રિયંકાની મહેનત માટે વખાણ કરીએ એટલાં ઓછાં છે. પ્રિયંકાએ કરેલું ટ્વિટ "મેં હ્રદય, લોહી, પરસેવો બધું જ આપી દીધું... હવે મિત્રો તમારા પર છોડું છું" બધું જ કહી જાય છે.....



        ફિલ્મના અન્ય કલાકારો પણ ખૂબ સારી એક્ટીંગ કરી ગયા છે. મેરીના કોચના પાત્રમાં સુનીલ થાપા છે. સુનીલ આમ તો નેપાળી ફિલ્મમાં વિલન તરીકેની વધારે ભૂમિકાઓ ભજવે છે પણ હિન્દી ફિલ્મમાં પણ વર્ષોથી કામ કરે જ છે. ૧૯૮૧માં તેમની પહેલી હિન્દી ફિલ્મ ’એક દુજે કે લીયે હતી. દર્શન કુમાર મેરીના પતિની ભૂમિકામાં છે. એક આદર્શ પતિ કેવો હોવો જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેરીના પતિની ભૂમિકામાં જોવા મળશે. શિશિર શર્મા સેકન્ડ કોચની ભૂમિકામાં છે. લગભગ કોઈ પણ આર્ટિસ્ટ જાણીતા આર્ટિસ્ટ નથી પણ બધા જ પોતાના પાત્રમાં યોગ્ય જ છે... 



        એક વાત અહીં નોંધવી પડે કે જ્યારે કોઈ એક સ્પોર્ટ્સ પરસન પર બનેલી ફિલ્મમાં તમે ’ભાગ મીલખા ભાગ જોઈ ચૂક્યા હો ત્યારે બીજી ફિલ્મ નબળી જ લાગે તો પણ ’મેરી કોમ વધુ સારી બની શકી હોત. જો સ્પોર્ટ્સ પરની ફિલ્મ પર ધ્યાન આપો તો ’ઇકબાલ, ’જો જીતા વહી સિકંદર, ’લગાન, ’ચક દે ઇન્ડિયા જેવી દરેક ફિલ્મ ઑડિયન્સ દ્વારા સ્વીકારવામાં આવી જ છે હવે જોઈએ કે આ ફિલ્મને કેટલી હદે સ્વીકારવામાં આવે છે. આમ તો યુટ્યુબ પર આ ફિલ્મના ટ્રેઇલરને ૫૦ લાખ આસપાસ હીટ મળી ચૂકી છે એટલે એવરેજ ચાલવાના ચાન્સ તો છે જ. આમ જોઈએ તો સંજય લીલા ભણસાલીએ જ્યારે ફિલ્મ પ્રોડ્યૂસર કરી ત્યારે જ કહ્યું હતું કે ’આ ફિલ્મ માસની નહીં પણ ખાસની છે. વાયા કોમ 18 પણ સાથે જોડાયેલ છે એટલે ઓછામાં ઓછું ૨૦૦૦ સ્ક્રીનનું રીલીઝ તો મળે જ. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર રોહિત કુલકર્ણીનો છે અને જે ખાસ રહ્યો નહીં. ગીતો શશી અને શિવમે કંપોઝ કર્યા છે. ફિલ્મમાં એક માત્ર ગીત પ્રિયંકા ગાય છે બાકી બધા જ બૅકગ્રાઉન્ડ સોંગ્સ છે. રાઇટર એક વાત ભૂલી ગયા છે કે જો ભાષામાં ’મેં આયા જેવો શબ્દપ્રયોગ થતો હોય તો ગીતમાં પણ આવો પ્રયોગ કરવો જોઈએ. ફિલ્મનું કાસ્ટિંગ શ્રુતિ મહાજન અને પરાગ મહેતાને સોંપવામાં આવ્યું હતું. કાસ્ટિંગ એટલું પરફેક્ટ છે કે બંનેને પૂરા માર્ક આપવા પડે. સિનેમેટોગ્રાફી કૈકો નકાહરાની છે. સિનેમેટોગ્રાફીમાં કોઈ ખાસ કમાલ જોવા નથી મળ્યો પણ ખરાબ સિનેમેટોગ્રાફી ન જ કહી શકાય. ફિલ્મને વધુ સારી રીતે સ્પોર્ટ્સ સીક્વન્સથી સજાવવા માટે રોબ મીલરને સાથે લેવામાં આવ્યા હતા. રોબ મીલરે ’ચક દે ઇન્ડિયા અને ’ભાગ મીલખા ભાગની સ્પોર્ટ્સ સિક્વન્સ ઍક્શન ડિરેક્ટ કરી હતી....



        માત્ર જો ફિલ્મની સ્ટોરી પર અને સ્ક્રીનપ્લે પર ધ્યાન આપવામાં આવ્યું હોત સ્પોર્ટ્સ વિષય પર વધુ એક ફૂટમાર્ક ફિલ્મ આપી શકાણી હોત. આમ છતા પણ જો ફિલ્મ જોવી હોય તો પ્રિયંકા ચોપરા માટે જોવી જ જોઈએ. ફિલ્મની તમામ ક્રેડિટ પ્રિયંકાને જાય છે અને ફિલ્મ જો ૩ સ્ટાર મેળવે છે તો એ પણ પ્રિયંકાને લીધે જ....




પેકઅપ:
"માત્ર બે જ વસ્તુ તમને ઊંચાઈ પર પહોંચાડી શકે છે.... એક લિફ્ટ અને બીજી સીડી...." - આલિયા ભટ્ટ

No comments:

Post a Comment