એક જ દિવસમાં એક સાથે ચાર ચાર
ફિલ્મ રીલીઝ થઈ હોય એવું ઘણા સમયે બન્યું. રીવ્યુ લખવાનો સૌથી મોટો વાંધો એ હોય છે
કે અખબારમાં માત્ર એક જ રીવ્યુ છાપી શકાય માટે ક્યુ ફિલ્મ જોવું એ પ્રશ્ન ઊભો થાય જ,
તો પણ પહેલા આજે રીલીઝ થયેલી ’ચાર ફુટિયા છોકરે’ જોવાની કેમ પસંદ કરી એ માટે
બાકીની ત્રણ ફિલ્મ્સ વિશે થોડી વાત કરી લઈએ....
આજે રીલીઝ થનારી પહેલી ફિલ્મ છે ’દેસી કટ્ટે’. મારધાડની
દુનિયા, મિત્રતા, ગેંગવોર જેવા મસાલા એક સમયે ખૂબ જ ચાલતા. મુંબઈની ભાઈગીરી વાળી ફિલ્મ્સ
માટે લોકોની ભીડ જામતી પણ સમય જતા એ ક્રેઝ ગયો તો પણ પ્રોડ્યૂસર ડિરેક્ટર આનંદ કુમારને
થયું કે ચાલ ફરી એકવાર પ્રયત્ન કરી જોઈએ. આ પહેલા ’દિલ્હી હાઇટ’ અને
’જિલ્લા ગાજીયાબાદ’ જેવી બે લગભગ આ નજીકના વિષયની જ ફિલ્મ આપી ચૂક્યા હતા માટે
તેમના ઝોનરની જ આ ફિલ્મ બનાવી. જય ભાનુસાલી, અખીલ કપૂર, શશા આગા, સુનીલ શેટ્ટી જેવા
કલાકારોને લેવામાં આવ્યા જેથી ફિલ્મનું બજેટ બહુ વધારે ન થાય. માત્ર ૪૫૦ સ્ક્રીન મેળવી
શકેલી આ ફિલ્મ મને નથી લાગતું કે કોઈ ખાસ કમાણી કરી શકે. આજે રીલીઝ થનારી બીજી ફિલ્મ
છે ’૩એ.એમ.’ વિશાલ મહાડકરનું ડિરેક્શન. વિશાલ એટલે મોહિત સુરીના આસિસ્ટન્ટ. મોહિત સાથે
રહ્યા હોય એટલે હોરર ફિલ્મ બનાવવાનો પહેલો વિચાર આવે! ના ડરથી નહીં પણ ભટ્ટ કૅમ્પ સાથેના
પરિચયને લીધે. રણવિજય સિંઘને તમે ઘણી ટેલિવિઝન કોમર્સિયલમાં જોયો હશે અને આ ઉપરાંત
નામ ન સાંભળ્યા હોય એવી ચાર પાંચ ફિલ્મ્સ પણ કરી ચૂક્યો છે. તાજેતરમાં ’બે યાર’માં
જોયેલો જાડિયો મિત્ર કેવિન દવે પણ ફિલ્મમાં છે. ફિલ્મ બહુ જ ઓછા લોકેશન પર અને બહુ
ઓછા પાત્રો સાથે શૂટ કરવામાં આવી છે. આમ જુઓ તો પેરા નૉર્મલ એક્ટીવીટી પર ઘણી ફિલ્મ્સ
આવી ચૂકી છે તો પણ વિશાલને થયું કે એક ટ્રાય મારી લઈએ. એક અવાવરુ જગ્યા પર ભૂત થાય
છે એવા સમાચાર પર એક રીયાલીટી શો માટે એપીસોડ શૂટ કરવા ટીમ પહોંચે છે અને જે હાલત થાય
છે એ જ ફિલ્મની થીમ છે. હવે જ્યારે અંગ્રેજી હોરર ફિલ્મ્સની પણ પકડ ઢીલી પડતી જાય છે
ત્યારે હિન્દી હોરરની શું હાલત થશે એ ભગવાન જાણે. આ ફિલ્મને પણ ૪૦૦ સ્ક્રીન જ મળી છે.
ત્રીજી ફિલ્મ છે ’બલવિંદર સિંઘ ફેમસ હો ગયા’ કાયમ ચાલતો વિષય એટલે કૉમેડી પણ હિન્દી સિનેમા
ઇન્ડસ્ટ્રીમાં કૉમેડી બનાવવી હોય તો એક વણ લખ્યો નિયમ થઈ ગયો છે કે તમારે પરેશ રાવલ,
અસરાની, અનુપમ ખેર, જહોની લીવર, રાજપાલ યાદવ જેવા કલાકારો લેવા જ જોઈએ બાકી ફિલ્મ કેમ
ચાલે! તો પછી ફિલ્મમાં અનુપમ ખેર, રાજપાલ યાદવ અને અસરાની છે જ પણ મારી હિંમત ત્યાં
મરી ગઈ કે સાથે ફિલ્મના લીડ કલાકાર તરીકે મીક્કા સિંઘ અને શાન છે. એકાદ ગીતમાં આમ તેમ
હાથ ઘુમાવી જવા કે રીયાલીટી શોમાં થોડું એક્ટીંગ કરી જવાથી આખી ફિલ્મ લીડ થતી નથી.
ફિલ્મનું ટ્રેલર જોઈને જ એમ થાય કે ધરાર હસાવવાનો પ્રયત્ન છે. એમાં પણ સુનિલ અગ્નીહોત્રીનું
ડિરેક્શન. આ પહેલા ’લાટ સાહબ’, ’જય કિશન’, ’દાવા’ અને ’અલીબાબા ઔર ચાલીસ ચોર’ આપી
ચૂક્યા છે જેમાંથી એક પણ ફિલ્મ સહન નહોતી થઈ શકી એટલે આ ફિલ્મ પણ સ્કીપ કરી.....
’ચાર ફુટિયા છોકરે’ જોવા પાછળના મુખ્ય બે કારણો હતા. એક તો ફિલ્મનો
વિષય હ્યુમન ટ્રાફીકીંગનો છે જે દેશની ખૂબ મોટી સમસ્યા છે અને બીજુ કારણ હતું ફિલ્મના
કલાકારો. ફિલ્મના ડિરેક્ટર મનીશ હરીશંકરની આ કદાચ પહેલી ફિલ્મ જ છે પણ જે ગજાના કલાકારો
છે એટલે ફિલ્મ ખેંચી શકશે એવી આશા જાગી. આજની ત્રણ ફિલ્મ કરતા વધારે એટલે કે ૭૦૦ સ્ક્રીન
રીલીઝ અમસ્તાં નહીં મળી હોય પણ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે અહેસાસ થયો કે કદાચ બાકી રહેતી
ત્રણ ફિલ્મ માંથી કોઈ પણ ફિલ્મ જોઈ હોત તો એ આ ફિલ્મ કરતા તો સારી હોત જ. તમે ધારો
તો પણ સોહા અલી ખાન, ઝાકીર હુશેન, મુકેશ તિવારી, સીમા બિશ્વાસ, લેખ ટંડન જેવા આર્ટિસ્ટ્સ
લઈને ખરાબ ફિલ્મ ન બનાવી શકો પણ ફિલ્મના રાઇટર ડિરેક્ટર મનીશ હરીશંકરને સલામ કરવા પડે
કે આવા ગ્રેટ આર્ટિસ્ટ્સ સાથે આટલી ખરાબ ફિલ્મ બનાવી શક્યા! અને એથી પણ મોટું આશ્ચર્ય
એ છે કે આવા કલાકારો આટલી ખરાબ વાર્તા પર કામ કરવા પણ તૈયાર થયા....
ફિલ્મની ટેકનિકલ વાતો પર વાત કરીએ તો ટેક્નીકલી લગભગ શૂન્ય કહી શકાય
તેવું મૂવી. ફિલ્મનો એક પણ શોટ ફિલ્મના નિયમ મુજબ લેવામાં આવ્યો નથી. ફિલ્મમાં ટ્રૉલીના
ઉપયોગ કર્યો છે પણ જ્યાં જરૂર ન હોય ત્યાં, ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે પણ ફિલ્મના
નિયમ વિરુદ્ધ ક્રેન ચાલે છે. અરે આખી બે મીનીટના એક દ્ગશ્યમાં મુકેશ તીવારી અને ઝાકીર
હુસનની ફરતે કેમેરો ગોળ ગોળ ફર્યા જ કરે! કોણ જાણે કેટલું ગરીબ પ્રોડક્શન હશે કે કૅમેરા
માટે પૂરતા ટ્રાયપોડ પણ નહીં હોય માટે મોટા ભાગના શોટ હેન્ડી કૅમેરાથી લેવામાં આવ્યા
છે જે સતત ફિલ્મને હલચલ કરાવતા રહે છે અને આંખમાં જાણે કોઈ ખીલા ભરાવતું હોય એવો અહેસાસ
આપે છે. ફિલ્મ માર્ક થ્રી કૅમેરા પર શૂટ કરવામાં આવી છે પણ કદાચ કોઈ ફોકસ પુલર સાથે
રાખવામાં નહીં આવ્યું હોય માટે કેમેરો જ્યારે પણ પેન કરે છે ત્યારે કોઈ પાત્ર અચાનક
ફોકસમાં આવી જાય છે અને કોઈ પાત્ર અચાનક આઉટ ઑફ ફોકસ જતું રહે છે. એક પણ કૅમેરા એંગલમાં
ક્રીએટીવીટી નથી અને જ્યાં લાવવાની કોશિશ કરવામાં આવી છે એનાથી ખરાબ દ્ગશ્ય ક્રીએટીવીટી
વગરના પણ નથી લાગતા! ફિલ્મમાં જ્યારે પાત્રોને બેસાડવામાં આવે ત્યારે તેનું એક ચોક્કસ
કંપોઝીશન બને છે જે જોવું ગમે છે. અહીં એક પણ જગ્યા પર કંપોઝીશન છે જ નહીં. ફિલ્મમાં
એક્સ્ટ્રા પાત્રો જે ગામમાં તમે શૂટ કરતા હો ત્યાંથી જ લેવામાં આવે છે જેથી ફિલ્મનો
ખર્ચ બચે પણ સારા ડિરેક્ટર તેમને ટ્રેઇન કરે અને પછી લે છે જ્યારે અહીં બધા જ એક્સ્ટ્રા
પાત્રો જોઈને તમને ખ્યાલ આવી જશે કે ધરાર પકડીને ઊભા રાખવામાં આવ્યા છે. રહી વાત એક્ટીંગની
તો દિગ્ગજ કલાકારો હોવા છતા બિચારાંને ડિરેક્ટરે એક્ટીંગ કરવાનો મોકો નથી આપ્યો. ફિલ્મની
વાર્તાનો બેઝ એટલે ત્રણ બાળકો પણ આ ત્રણ બાળકો તો જાણે એક્ટીંગ વિશે કંઈ જ જાણતા ન
હોય અને બેસાડી દેવામાં આવ્યા હોય એવું જ લાગે. ફિલ્મના ડાયલૉગ પણ કોઈ જ અસર વગરના.
સ્ક્રીનપ્લે નામે તો કંઈ છે જ નહીં. ગમે તે દ્ગશ્ય ગમે ત્યારે આવવા લાગે અને સ્ટોરી
ટ્રાન્સીશન નામે કંઈ જ નહીં. ટૂંકમાં કહીએ તો ખરાબ ફિલ્મ કેવી રીતે બની શકે એનો પ્રયોગ
જોવો હોય તો આ ફિલ્મ જોઈ લેવી. ફિલ્મને સ્ટાર આપવાની હિંમત એકઠી કરી તો પણ આપી નથી
શક્યો તો વાંચકો માફ કરે....
પેકઅપ:
"મને મેચ્યોર પાત્રો ભજવવા
ગમે છે"- સોહા અલી ખાન... સાવ સાચું, તમને ફિલ્મમાં જોઈને જ ખબર પડી ગઈ કે હવે
ઉમર થઈ છે...
No comments:
Post a Comment