Friday, 18 October 2013

શાહિદ: સારા વિષયની નબળી માવજત




         ફિલ્મ માટે જરૂરી કથાનક માટે અનેક લોકો હેરાન થતા હોય છે અને જ્યાં સુધી સારો વિષય ન મળે ત્યાં સુધી ફિલ્મ ફ્લોર પર નથી જતી, જો કે એવા ઘણા મૂર્ખ લોકો છે જે ગમે તેવા વિષય પર ફિલ્મ બનાવી નાખે છે. આ પ્રકારની ફિલ્મ્સ આખરે તો ઓડિયન્સના જ માથા પર હોય છે!  હંસલ મેહતા પાસે એક વિચાર હતો જે એમણે રજૂ કરેલો " શાહિદ આઝમી પોતાની વાત કહેવા માટે જીવતા નથી તો મને થયું કે એમના તરફની વાર્તા હું રજૂ કરુ અને એમને માટે, એમના તરફથી ઊભો રહું" શાહિદ આઝમી કોણ હતા? શું હતા? વગેરેની વાત આપણે આગળ કરીશું પણ અહીં એટલું નોંધી લઈએ કે આવા વિષય પર કામ કરવા માટે હંસલ પાસે એક કારણ એ પણ હતું કે આ પહેલા એમને એમની ફિલ્મ ’દિલ પે મત લે યાર વખતે શીવસેનાની ધમકીથી થઈ હતી. વાતનો વિષય ખરેખર ખૂબ જ મજબૂત છે પણ વિષયની માવજત ખરેખર ખૂબ જ નબળી છે...


        શાહિદ આઝમી મુંબઈ મુસ્લિમ વિસ્તારમાં રહેતો એક સામાન્ય માણસ હતો. રોજ છાશવારે થતા ઝગડા અને મુંબઈની પરિસ્થિતિ મુજબ મુંબઈના મુસ્લિમ છોકરાઓને આતંકવાદ તરફ ધકેલવા ખૂબ સહેલા પડે છે. શાહિદ પણ આતંકવાદી કૅમ્પમાં જોડાય ગયેલ અને અચાનક ફરી પાછો વળ્યો હતો. આ વાતની પોલીસને જાણ થતા તેના પર આરોપ મૂકી જેલ હવાલે કરવામાં આવેલ. જેલમાં રહીને ૨ વર્ષ અભ્યાસ કરી એ નિર્દોષ છૂટ્યો હતો. બહાર આવી શાહિદ ’એલ.એલ.બી.’ કરી વકીલાત શરૂ કરી હતી. આ દરમિયાનમાં હ્યુમન રાઇટ્સ એક્ટીવીસ્ટ તરીકે એમનું ખૂબ મોટું નામ બની ગયું. શાહિદ આઝમીને આતંકવાદીના કેશ ઘણા મળ્યા અને લગભગ ૧૭ કહેવાતા કે સાચા આતંકવાદીઓને એમણે બચાવ્યા હતા. આખરે એમનું ખૂન થયુ હતું.  ફિલ્મમાં સંપૂર્ણ પણે શાહિદ આઝમીનો જ પક્ષ લેવામાં આવ્યો છે જ્યારે મીડિયા કંઈક અલગ જ માને છે. હવે સત્ય શું એ વાત પર આખો રીવ્યુ લઈ જવાને બદલે આપણે ફિલ્મ પર જ વાત કરીએ...


        હંસલ મેહતાની શરૂઆતની વાર્તા અને પછીની વાર્તામાં ઘણો મોટો ફેર છે. માત્ર વાર્તા જ નહીં ફિલ્મના ડાય્લોગ્ઝ પણ ઘણીવાર રી-રાઇટ થયા છે. હંસલ મેહતા સાથે સૌથી પહેલા અપૂર્વ અસરાની જોડાયેલા. એમણે લખેલી વાત હજુ પણ નબળી લાગતા સમીર ગૌતમ સિંઘને પણ ડાયલૉગ અને સ્ક્રીનપ્લે લખવા માટે કહેવામાં આવ્યું. અનુરાગ કશ્યપ જ્યારે સુનીલ બોહરા, સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્કૃવાલા જેવા ચાર પ્રોડ્યુસર્સ વચ્ચેનો એક પ્રોડ્યૂસર હોય ત્યારે થોડી ક્રીએટીવીટી માટે મહેનત ઉઠાવે એ સ્વભાવિક જ છે. હંસલ મેહતા ઉપરાંત અન્ય બે લેખકો જોડાયા એથી ડાયલોગ્ઝમાં તો ખૂબ મોટો ફેર પડ્યો પણ સ્ક્રીનપ્લે પર ઓછું કામ થયું. વાર્તાનું મૂળ તત્વ શું હતું એ ખાસ બહાર ન આવ્યું. શાહિદ આઝમી બુધ્ધીશાળી વકીલ હતો એ બતાવવું હતું? આતંકવાદના આરોપ હેઠળ પકડાયેલ દરેક વ્યક્તિ આતંકવાદી નથી હોતા? ઘર અને પત્નીનું પહેલા ધ્યાન રાખવું પછી એક્ટીવીસ્ટ થવું? કે પછી આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવી? જ્યારે વાત મુખ્ય વાર્તા બહાર જતી રહે છે ત્યારે પ્રશ્ન થાય છે કે ક્યા ગોલ સાથે સ્ક્રીનપ્લે ડિઝાઇન કરવામાં આવ્યો હશે? ખૂબ પ્રયત્નો અને વિચાર છતા હું હજુ સુધી એ નિર્ણય નથી લઈ શક્યો કે આખરે ફિલ્મ શું સાબિત કરવા માગતી હતી? જો કે જ્યારે વાત રીવ્યુની થાય છે ત્યારે એક વાત અંદર ઘુસેડીને કહી દઉં કે ’બોસ જેવું ફિલ્મ જોવા કરતા આ નબળું ફિલ્મ પણ સારુ છે...


        ફિલ્મનું લીડ રાજકુમાર યાદવને સોંપવામાં આવ્યું છે. રાજકુમાર યાદવ એક ટીપીકલ સ્ટાઇલનો આર્ટિસ્ટ છે. હજુ સુધી જોયેલા એના દરેક ફિલ્મમાં લગભગ કોઈ જ અલગ સ્ટાઇલ નજર નથી આવી. રાજકુમારની એક્ટીંગથી લઈને ડાયલોગની બધી જ સ્ટાઇલ ’રાગિણી એમ.એમ. એસ.’ જુઓ, ’કાય પો છે જુઓ, ’લવ સેક્સ ધોખા જુઓ કે પછી ’શૈતાન જુઓ એની એજ લાગશે તો પણ રાજકુમાર ખરેખર ખૂબ જ સારો એક્ટર છે. રાજકુમાર સામે તેની પત્નીના પાત્રમાં પ્રભલીન સંધુને લેવામાં આવી છે. પ્રભલીન ફિલ્મમાં એકદમ સ્પષ્ટ વિચાર વાળી સ્ત્રી છે પણ કહ્યું એમ નબળા સ્ક્રીનપ્લેને લીધી લગ્ન કરવાની ના પાડીને જતી પ્રભલીન એ પછીના બીજા જ શોટમાં રાજકુમાર સાથે લગ્ન કરતી બતાવવામાં આવે છે. જ્યારે સ્ક્રીનપ્લે લખાતો હોય ત્યારે આવા શોટ ઉમેરીને પાત્રની ઊંચાઈ નીચી પાડવાનો કોઈ અર્થ નથી. અનુરાગના કહેવાથી એક નાના પાત્રમાં કેય કેય મેનન કામ કરવા તૈયાર થયા. મેનન માટે તો ક્યાં કંઈ કહેવું જ પડે? કોઈ પણ પ્રકારનું પાત્ર હોય મેનનમાં ક્ષમતા છે કે યોગ્ય રીતે જ નિભાવી જાણે. યુસુફ હુસેન પ્રોફેસર સક્સેના બન્યા છે. યુસુફ હુસેને ઘણી ફિલ્મ્સ કરી છે એટલે જેટલું કામ મળે એટલું યોગ્ય જ હોય. શાહિદના ભાઈના પાત્રમાં મહમદ ઝીશાન અયુબ છે. ઝીશાન ધીમેધીમે ઇન્ડસ્ટ્રીમાં એસ્ટાબ્લીશ થતો જાય છે. ઝીશાનને હવે ઘણી ફિલ્મ્સમાં જોઈ ચૂક્યા છીએ પણ મેં પહેલી ફિલ્મ જોઈને જ કહ્યું હતું કે દમ વાળો છોકરો છે. ’રાંઝણાનો પંડિત હોય કે પછી ’શાહિદનો આરીફ ઝીશાન યોગ્ય કાસ્ટિંગ જ બની રહે છે. જો કે ફિલ્મના અન્ય પાત્રો બજીન્દર કૌર (અમ્મી), વિપીન શર્મા (પબ્લિક પ્રોસીક્યુટર, શાલીની વત્સ (પબ્લિક પ્રોસીક્યુટર), પરિતોષ સંદ (જજ), તિગ્માંશુ ધુલીયા (ઍડ્વોકેટ મેનન) બધા જ પાત્રો ખરેખર વખાણવા લાયક એક્ટીંગ કરે છે...


        ફિલ્મની સૌથી ખરાબ બાબત હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી. સિનેમેટોગ્રાફર અનુજ ધવને જાણે કોઈ મહેનત જ નથી લીધી. દરેક શોટની એક વેલ્યૂ હોય છે અને સાથેસાથે એક એક કંપોઝીશનની પણ વેલ્યૂ હોય છે. જ્યારે ફિલ્મ બનાવતા હોઈએ ત્યારે પાત્રનું મોઢું ન દેખાય અને અચાનક એ ખ્યાલ આવતા તમે કૅમેરાની પોઝીસન ઉપર લઈ જઈ બતાવો ત્યારે તમે સૌથી નબળા સિનેમેટોગ્રાફર છો એની સાબિતી આપો છો. ચલો માની લઈએ કે આવી ભૂલ એકાદવાર થઈ ગઈ હોય પણ ’શાહિદમાં તો એક એક પગલે આવા દ્ગશ્યો જોવા મળે છે. આ રીતે જ શોટ ટેઇકીંગની પણ એક ટેકનિક હોય છે. જ્યારે બે પાત્રોને ન્યાય આપવાનો હોય ત્યારે એટલીસ્ટ ડાયલૉગ બોલે એ પાત્ર પર કેમેરો ફોકસ થયેલો હોવો જોઈએ. સિનેમેટોગ્રાફરને એ પણ નથી ખબર કે ક્યારે ક્યા પાત્ર પર ફોકસ કરાય. ફોકસ-ડીફોકસની ગેઇમ ગમે જ પણ અહીં તો મોટાભાગનું આઉટ ઑફ ફોકસ છે...


        ટૂંકમાં એકદમ સારી વાત છે. બજેટ પણ એકદમ ઓછું જ છે. પાત્રો પણ એકથી એક સારા કલાકાર છે પણ નબળા સ્ક્રીનપ્લે અને ખરાબ સિનેમેટોગ્રાફીએ આખા ફિલ્મના મુખ્ય હાર્દનું ખૂન કરી નાખ્યું છે. ફિલ્મ ઘેર બેસીને ડીવીડીમાં જોવી યોગ્ય છે તો પણ ’બોસ કરતા ’શાહિદની ડીવીડીનો ખર્ચ કરજો કેમ કે ફિલ્મ પૂરા ૨ સ્ટાર તો ડીઝર્વ કરે જ છે...




પેકઅપ:


"દરેક સ્ત્રી એક પતિ ઇચ્છે છે કેમ કે બધો જ દોષ ભગવાન અથવા સરકાર પર આપી શકાતો નથી"

No comments:

Post a Comment