માત્ર ભારતમાં જ નહીં પણ બધા જ દેશને પાડોશી દેશ સાથે વાંધો
હોય જ અને જે વાતનું રીફ્લેક્શન ત્યાં બનતી ફિલ્મ પર પડતું જોવા મળ્યું જ છે. જે દેશ
ફિલ્મ બનાવતું હોય તે હંમેશા પોતાના દેશને જીત મળતી હોય એવું જ દેખાડે અને તો જ પબ્લીકની
તાલીઓ અને સીટીઓ મળે. ભારત માટે પણ આ વાત બહુ જ સામાન્ય છે કે કોઈ પણ રીતે પાકિસ્તાનને
ફિલ્મમાં ઘુસેડવું. જોકે પાકિસ્તાન આપણી ઇન્ડસ્ટ્રીને મસાલો પૂરો પાડવા માટે કારણો
પણ આપતું જ રહ્યું છે. વિષય આતંકવાદીનો હોય, ઘૂસણખોરીનો હોય, હથિયાર સપ્લાયનો હોય,
જાસૂસીનો હોય કે સ્પોર્ટ્સનો હોય પાકિસ્તાન સાથે જોડીને ઘણી ફિલ્મને સ્ટોરી મળી રહી
છે. ’ગદર’ જેવી
ખરાબ ફિલ્મ હોય તો પણ સુપરહીટ થાય, કારણ એટલું જ કે પાકિસ્તાનમાં જઈને સની દેઓલ એકલે
હાથે જંગ જિતાવી આવે, ભલે પછી પાઇપ વગરની ડંકી ઉપાડીને ફાઇટ કરતા દ્ગશ્યો હોય. આવો
જ હોટ ટોપીક એટલે પાકિસ્તાન સાથેની વોર અને પહેલીવાર જોયું કે કોઈ માણસાઈનો સહારો લઈને
યુદ્ધ રોકવાની વાત કરવામાં આવી હોય! આટલાં અઘરા વિષયની રજૂઆત કૉમેડીમાં સરળ રીતે કરવી
એ ખૂબ જ મુશ્કેલ કામ છે પણ ’વોર છોડ ના યાર’ સાચે જ સફળ રહ્યું...
ફિલ્મ લખ્યું
અને ડિરેક્ટ કર્યું છે ફરાઝ હૈદરે. ફરાઝ હૈદરનું આ પહેલું ડિરેક્શન છે. ફરાઝ આ પહેલા
દિબાકર બેનર્જીના ’ઓયે લકી, લકી ઓય’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો. આમ જોઈએ તો ફરાઝને
બહુ જ ટૂંકા ગાળામાં બહુ જ મોટો બ્રેક મળ્યો કહેવાય. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા આસિસ્ટન્ટ
ડિરેક્ટર્સ છે જે કેપેબલ હોવા છતા આખી જિંદગી ડિરેક્ટર બની શકતા નથી. એ.ઓ.પી.એલ. એન્ટરટાઇન્મેન્ટનું
પણ આ પહેલું બોલીવુડ મૂવી છે. આ પહેલા એ.ઓ.પી.એલ. એન્ટરટાઇન્મેન્ટ ૩ મલયાલમ ફિલ્મ્સ
બનાવી ચૂક્યું છે. ફરાઝની વાત સાંભળી કંપનીએ તેના પર ટ્રસ્ટ મૂક્યો અને ૩૦ માર્ચ ૨૦૧૩ના
રોજ ફિલ્મ જાહેર કરવામાં આવી. ડિરેક્ટર નવો હોય ત્યારે અમુક ક્ષતિઓ દેખાય તો પણ ફરાઝનું
ડિરેક્શન જરા પણ અમેચ્યોર નથી લાગતું. જ્યાં સુધી એક્ટર્સની વાત છે એ મજબૂત રીતે કામ
લઈ શક્યો છે. ફરાઝ અને ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર અસ્લમ કેયી સારા મિત્રો છે. અસ્લમે
પોતાના મ્યુઝિક આલબમનું ડિરેક્શન ફરાઝને સોંપ્યું હતું. ફિલ્મનું મ્યુઝિક ખૂબ વખાણવા
લાયક નથી પણ સારુ ચોક્કસ છે. જો કે મ્યુઝિકમાં મને એક સૌથી મોટું આશ્ચર્ય એ થયું કે
કુલ ૨૩ સીંગર્સ એ મળીને ફિલ્મના ગીત ગાયા છે.
સૌથી સરસ મઝાની
વાત છે ફિલ્મની વાર્તા. વાર્તા એટલી સરળ છે અને જે લગભગ ભારતીય કે પાકિસ્તાની નાગરિકના
મનમાં હોય જ છે કે યુદ્ધ શા માટે? આવા યુદ્ધથી ફાયદો કોને? આમ જનતાને યુદ્ધ કરવામાં
કોઈ જ રસ નથી હોતો. યુદ્ધ થાય છે માત્ર વિદેશી સત્તાઓના પાપે કે પછી ખોટી રાજકીય દોરવણીથી.
અહીં પણ એવું જ છે. બોર્ડર પર સામસામે બે બટાલિયન છે. ભારતની બટાલિયનનો કૅપ્ટન છે શરમન
જોષી અને સામે તરફ સંજય મીશ્રા અને જાવેદ જાફરી છે. શરમન જોષીના એક્ટીંગ માટે તો ક્યારેય
શંકા કરી જ ન શકાય. શરમનની ફિલ્મની સફર સાથે નાટ્ય જગતની સફર પણ એટલી જ લાંબી છે. શરમન
સમય સાથે ઘડાયેલો કલાકાર છે અને સાથેસાથે કુટુંબનો પણ એટલો મોટો વારસો પણ ખરો. સંજય
મીશ્રા હવે કૉમેડી પર એટલો મોટો હાથ જમાવતો જાય છે કે કોઈ પણ કૉમેડી વિષય હોય સંજયનો
એક રોલ તો ફીક્સ જ હોય. ટીપીકલ પાકિસ્તાની બ્રીગેડીયર તરીકે સંજયને જોઈને જ કૉમેડી
ઊભી થાય છે. જાવેદ જાફરી પોતે તો સારો કલાકાર છે જ પણ જાવેદનો અવાજ તેની અદાકારીમાં
ચાર ચાંદ પૂરે છે. સોહા અલી ખાન સમય જતા વધારેને વધારે એની માં શર્મીલા ટાગોર જેવી
દેખાતી જાય છે. સોહા એક પત્રકારના પાત્રમાં છે. સોહા માટે ખાસ રોલ લખવામાં આવ્યો હોય
એમ ફિલ્મમાં શરમન કરતા પણ વધારે એના પાત્રને વજન આપવામાં આવ્યું છે. વર્ષોથી સિરિયલ્સ
અને ફિલ્મમાં દેખાતા દિલીપ તાહીલને બહુ ઓછા પ્રમાણમાં કૉમેડી રોલમાં જોયા છે. દિલીપ
તાહીલ ફિલ્મમાં ત્રણ રોલ કરે છે. પાકિસ્તાની પ્રાઇમ મીનીસ્ટર, ભારતના રક્ષા મંત્રી
અને અમેરિકાના આર્મ સેલર. આ ત્રણે પાત્રની ખાસિયત બાખુબી નિભાવી છે. એકદમ મઝાનું પાત્ર
જો કોઈએ ભજવ્યું હોય તો મુકુલ દેવે. ઘણી બધી સિરિયલ્સમાં અને ’દસ્તક’ ફિલ્મમાં
ક્લાસ રોલ કરી ચૂકેલો મુકુલ આ ફિલ્મમાં એકદમ મૂર્ખ અફઘાની ખાન બતાવવામાં આવ્યો છે.
ફિલ્મ દરમિયાન માત્ર બે થી ત્રણ વાર જ દેખાય છે પણ એ પાત્રને યાદ કરીને તમે ફરી ફરીને
હસશો....
ફિલ્મનું સૌથી
અઘરું ઝોનર એટલે કૉમેડી. કૉમેડીની અંદર પણ ઘણા પેટા વિભાગો છે. ઘણી ફિલ્મ સેટાયર હોય
છે એટલે કે ફિલ્મમાં તમને હાસ્ય તો જ આવે જો તમે ફિલ્મની શાર્પ કટ્સ સમજો અને ઘણી સીધી
જ કૉમેડી હોય છે. એમાં પણ બે પ્રકારની કૉમેડી હોય છે એક કે જે ડાયલોગ્ઝથી ઊભી થાય છે
અને બીજી જે સીચ્યુએશનથી ઊભી થાય છે. જેમ કે ’હેરાફેરી’ એ ડાયલોગ્ઝથી
ઊભી થતી કૉમેડી ફિલ્મ હતી અને ’હંગામા’ સીચ્યુએશનથી ઊભી થતી કૉમેડી ફિલ્મ હતી.
’વોર છોડ ના યાર’ ખરા અર્થમાં સૂક્ષ્મ અને સ્થૂળ બંને કૉમેડીને મહદ અંશે નિભાવી
શકી છે. વોર જેવા સમયે પણ વાતને એકદમ લાઇટ બનાવીને રજૂ કરવી અને ત્યારે વોરની પરિસ્થિતિ
સાથે કૉમેડીની મઝા બંને સુભગ રીતે જોવી અને ફીલ કરવી એ એક લહાવો જ છે. સૈનિકો આખરે
તો માણસ જ છે. યુદ્ધ બે દેશ વચ્ચેની વાત છે પણ માણસ માણસ વચ્ચેના પ્રેમને કોણ રોકી
શકે? વાતના વિષય અને મર્મને સમજી, હસી અને ફિલ્મને માણજો.
ફિલ્મની સૌથી
મોટી નબળાઇ છે ફિલ્મનું લાઇટીંગ. સારો કેમેરામેન હંમેશા ફિલ્મનું દ્ગશ્ય રાતનું હોય
તો પણ મુખ્ય પાત્રને કી લાઇટ એ રીતે આપવામાં આવે કે પાત્રોના ચહેરા ડાર્ક ન જાય અને
ફેશ એક્ટીંગ માણી શકાય પણ અહીં એવું કરવામાં આવ્યું નથી જે સીધી જ નબળી ટેક્નિકની ચાળી
ખાય છે. આ રીતે જ ફિલ્મની શરૂઆત ખરેખર નબળી છે પણ થોડા સમય જતા જ ફિલ્મ ગ્રીપ પકડી
લે છે. સેજલ શાહની સિનેમેટોગ્રાફી થોડી નબળી છે પણ ફિલ્મનું કંટેઇન જ્યારે સારુ હોય
ત્યારે ટેકનિકલ વાતો જતી કરવી જોઈએ. સ્ટાર આપવાની વાત હોય તો ૩ સ્ટાર અચૂક આપી જ શકાય...
પેકઅપ:
"લગ્નની પહેલી રાતે પણ ચાંદલાનો ટોટલ લગાડવામાં વ્યસ્ત
રહે એ ગુજરાતી"


No comments:
Post a Comment