Friday, 8 March 2013

સાહેબ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન: એવા જ મૂડ સાથે રિટર્ન








        જો તમે સીધા સાદાં આનંદ અપાવતા ફિલ્મ્સના શોખીન હો, જો તમને ’એ..એ...એ... નહીં લગતા...’ બોલતો અને કારણ વગર હસતો શાહરુખ ખાન ગમતો હોય, જો તમને અક્ષય કુમાર ગમે ત્યાં  જરૂર હોય કે ન હોય તો પણ ભોળો ચહેરો કરીને ઊભો હોય છતા માણવો ગમતો હોય તો કદાચ ’સાહેબ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન ન પણ ગમે. હું લખતો રહ્યો છું કે ફિલ્મ ગમવી કે ન ગમવી એ માટે બધાનો પોતપોતાનો ટેસ્ટ હોય છે પણ જ્યારે રીવ્યુ લખવાની વાત આવે ત્યારે ફિલ્મ એક સામાન્ય દર્શક થઈને જોવાનો પ્રયત્ન કરતો આવ્યો છું અને કરતો રહીશ. ફિલ્મના રીવ્યુ અલગ અલગ લોકો અલગ અલગ રીતે લખે છે અને ક્યારેક સામાન્ય વાત કે ફિલ્મમાં થયેલી ભૂલોને પણ મહાનતામાં ખપાવી દેવામાં આવે છે! તો પણ મેં કહ્યું એમ બધાનો અંગત અભિપ્રાય હોય શકે. મારી ઓછી પસંદગીની ફિલ્મ્સમાં હું ’સાહેબ, બીવી ઔર ગૅંગ્સ્ટરને સ્થાન આપુ છું ત્યારે બીજા ભાગની જાહેરાતથી જ આ ફિલ્મને હું ફોલોવ કરતો રહ્યો છું. મોટાભાગે પહેલો ભાગ ખૂબ સરસ રહ્યો હોય ત્યારે બીજો ભાગ ખરાબ બને એવા દાખલાઓ જ જોવા મળે છે પણ જ્યારે ’સાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન જોયું ત્યારે લાગ્યું કે વાહ ફિલ્મ રિટર્ન તો થયું પણ એવા જ મૂડ સાથે...


        ’સાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટર ૨૦૧૧માં રીલીઝ થયેલી અને બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવેલી પણ જેટલાં લોકોએ જોઈ એટલાં બધાંએ વખાણેલી. સમય સાથે ફિલ્મની કથાનો મૂડ પણ બદલાયો છે. એક સમય હતો અને કદાચ અમુક દર્શકો માટે હજુ પણ એવો સમય છે કે મેલોડ્રામા ગમે છે. ખોટી લાગણીઓ, ખોટા આંસુઓ, કારણ વગરના ઇમોશનલ દ્ગશ્યો જેવી કેટલીક બાબતો ભારતીય માનસમાં રહેલી છે પણ સમય સાથે ’સીધી બાત, નો બકવાસફૉર્મ્યુલા પણ હીટ થતી જાય છે. આ ફિલ્મ માણવી હોય તો એક એક ડાયલૉગ, એક એક સીન પર તમારે નજર રાખવી જ રહી. ફિલ્મમાં એક પણ દ્ગશ્ય અર્થ વગરનું નથી. આગલી ફિલ્મની સીક્વલ બનાવવાની હોય ત્યારે એ ફિલ્મની વાર્તા, પહેરવેશ, સમય દરેક પાસાંનું ધ્યાન રાખવું પડે. આ રીતે સેકન્ડ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવો ખૂબ જ અઘરું કામ છે. આ ઉપરાંત બોલીવુડની અન્ય ફિલ્મ્સની સરખામણીએ ખૂબ જ ટૂંકું બજેટ પણ ભાગ ભજવતું હોય ત્યારે તો ખાસ. ’સાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટર બની ત્યારે ફિલ્મનું બજેટ માત્ર ૪ કરોડ જ હતું. ફિલ્મ મેકર્સ માટે આ ફિલ્મ એક ઉદાહરણ સ્વરૂપ હતું. ફિલ્મ બનાવવા માટે સારી વાર્તા, સારા કલાકારો અને સારો સ્ક્રીનપ્લે હોય બાકીની બાબતો મેનેજ કરી શકાય. મુંબઈની એક જર્નાલિઝમ કૉલેજમાં તો આ ફિલ્મને અભ્યાસક્રમમાં સમાવવામાં આવી હતી. ’સાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન’નું બજેટ પણ માત્ર ૭ કરોડ જ છે! આટલાં નાના બજેટમાં આટલી સરસ ફિલ્મ બનાવીને તિગ્માંશુ ધુલિયાએ ઘણા ન્યુ ફિલ્મ મેકર્સને નવો રસ્તો સુઝાડ્યો છે.


        તિગ્માંશુ ધુલિયાના પિતા અલ્હાબાદ હાઇ કોર્ટના જજ હતા અને માતા સંસ્કૃતના પ્રોફેસર. તિગ્માંશુ માટે ફિલ્મ એ પહેલેથી જ પેશન રહી છે. આ કારણથી જ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ૧૯૮૬માં એડમીશન લઈને ૧૯૮૯માં માસ્ટર ડિગ્રી મેળવી. ૧૯૯૦માં મુંબઈ આવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ શરૂ કરી. તિગ્માંશુ ’બેન્ડીટ ક્વીનમાં કાસ્ટિંગ ડિરેક્ટર ઉપરાંત આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તમને નેહા ધુપિયા અભિનીત ’રાજધાની સિરિયલ યાદ હશે, આ સિરિયલ તિગ્માંશુએ ડિરેક્ટ કરેલી. ખાસ્સા લાંબા સમય સુધી લેખક, આસિસ્ટન્ટશીપ, કાસ્ટિંગ ડિરેક્શન, એક્ટીંગ કરી ચૂકેલા તિગ્માંશુને ૨૦૦૩માં પહેલી ફિલ્મ મળી ’હાંસીલ. આ ફિલ્મ ઝી સિને એવૉર્ડમાં બેસ્ટ ડેબ્યુટ ડિરેક્ટર સહિત ૬ કેટેગરીમાં નોમીનેટ થઈ હતી. આ પછી તો  ૨૦૦૪માં ’ચરસ, પણ ડિરેક્ટ કરી પણ ફરી એક લાંબો ગેપ પડ્યો.  ૨૦૧૧માં ’સાગીર્દ ડિરેક્ટ કરી ત્યારે ખાસ એક વર્ગે ફિલ્મ ખૂબ વખાણી હતી. આ પાછળનું કારણ હતું ફિલ્મનો સ્ક્રીનપ્લે. તમે આખી ફિલ્મમાં હવે પછીની ઘટના શું બનશે એ પ્રીડીક્ટ જ ન કરી શકો. હાં સ્ક્રીનપ્લે તિગ્માંશુ એ જ લખેલો. આ જ વર્ષમાં ’સાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટર પણ ડિરેક્ટ કરી. ૨૦૧૨માં ’પાનસિંગ તોમર ડિરેક્ટ કરી ત્યારે મીડિયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિટીક્સ બધા જ તિગ્માંશુના વખાણ કરવા લાગ્યા. તિગ્માંશુની ૨૦૧૩ની પહેલી ફિલ્મ ’સાહબ, બીવી ઔર ગૅંગ્સ્ટર રિટર્ન અને થોડા સમયમાં જ સૈફ અને સોનાક્ષીની ફિલ્મ ’બુલેટ રાજા પણ આ જ વર્ષમાં રીલીઝ થવાની છે. તિગ્માંશુ એક સારો એક્ટર પણ છે. ’ગેંગ્સ ઑફ વસેપુરના બંને પાર્ટમાં નેતાનું પાત્ર અતિ સરસ રીતે ભજવ્યું છે. જો સારા ડિરેક્ટરના હાથમાં સ્ક્રીનપ્લે અને ડિરેક્શન હોય તો ફિલ્મ ખરેખર સરસ બની જ શકે એ તિગ્માંશુ ધુલિયાએ સાબિત કરી આપ્યું. બાકી રામ ગોપાલ વર્માની જેમ વર્ષોનો અનુભવ હોય, પૂરતું બજેટ હોય તો પણ ’ધ એટક ઑફ 26/11’ જેવી ફિલ્મ બને.


        ફિલ્મના બીજા પાર્ટની જાહેરાત રાહુલ મિત્રા દ્વારા કરવામાં આવી હતી. આ જાહેરાત વખતે પણ રાહુલે પ્રોમીસ કર્યું હતું કે ’અમે પહેલા પાર્ટને ધ્યાનમાં રાખીને પુરી વફાદારી સાથે બીજો ભાગ બનાવીશું. જો કે એ સમયે નવા ગેંગસ્ટરનું પાત્ર નીલ નિતીન મુકેશ ભજવશે અને સાહેબ, બીવી એમ જ રીપીટ કરવામાં આવશે એમ કહેવામાં આવ્યું હતું. હવે જ્યારે જાહેરાત થઈ ચૂકી હોય ત્યારે સ્ટાર થોડા ભાવ ખાય એ વાજબી વાત છે. નીલ નિતીન મુકેશ અને રાહુલ મિત્રા વચ્ચે થોડું ઘર્ષણ થયુ એટલે નીલને પડતો મૂકવામાં આવ્યો. તિગ્માંશુની છેલ્લી ફિલ્મમાં ઇરફાન ખાન હતો એટલે સંબંધો તાજા અને સારા જ હતા. નીલને પડતો મૂકવાની સાથે જ ગેંગસ્ટરના પાત્ર માટે ઇરફાનને સાઇન કરી લેવામાં આવ્યો. આવું જ નેહા ધુપિયા સાથે પણ થયું. નેહા અને તિગ્માંશુના વર્ષો જૂના સંબંધને કારણે ફિલ્મમાં નેહા એક આઇટમ સોંગ કરશે એવી જાહેરાત થઈ પણ છેલ્લે આ ગીત મુગ્ધા ગોડસેના ભાગે આવ્યું. ફિલ્મનું શૂટીંગ આગલાં ભાગની જેમ જ ગોંડલ અને પાલનપુર મહેલમાં કરવામાં આવ્યું. ફિલ્મ માટે દરેક કલાકારોએ ખાસ ડેટ્સ ફાળવી હતી. એપ્રિલ ૨૦૧૨માં ફિલ્મ શરૂ કરવામાં આવ્યું હતું પણ એક બ્રેક પછી છેલ્લા બે મહિનામાં આ ફિલ્મ પુરી કરવામાં આવી. આ ફિલ્મમાં સોહા અલી ખાનને સાહબની બીજી પત્ની તરીકે લેવામાં આવી છે. સોહા ઘણા સમયે પડદા પર જોવા મળી. સોહા ધીમે ધીમે એકદમ શર્મિલા ટાગોર ખાન જેવી જ દેખાવા લાગી છે. ફિલ્મમાં રાજ બબ્બરને પણ લેવામાં આવ્યા છે. આ ફિલ્મ સાથે રાજ બબ્બરે સૌથી વધુ ફિલ્મ કરવાનો રેકૉર્ડ નોંધાવ્યો છે.


        ફિલ્મના એક પણ દ્ગશ્યમાં તમને કેમેરો ખોટી જગ્યાએ ફરતો નહીં લાગે. કોઈ પણ પાત્ર પર રહેતો કેમેરો જે બતાવવા માગે છે એ બહુ જ સ્પષ્ટ બતાવે છે. હવે આ કમાલ યોગેશ જાનીની સિનેમેટોગ્રાફીનો કહો કે પછી તિગ્માંશુના ડિરેક્શનનો પણ જે હોય એ કમાલ સિનેમેટોગ્રાફી તો છે જ. રાજમહેલ જ્યારે ફિલ્મનું બેકડ્રોપ હોય ત્યારે લાઇટીંગ કરાવી શકે એ જ ખરો કૅમેરા ઑપરેટર કહેવાય. ફિલ્મમાં સંગીત સંદીપ ચૌટાનું છે પણ એક ગીત કદાચ ટી સીરીઝની બહારથી લેવામાં આવ્યું છે. મલ્ટી ટેલેંટેડ પર્સનાલિટી પિયુષ મિશ્રા અને તિગ્માંશુ ખાસ અંગત મિત્રો છે. આ ફિલ્મમાં પિયુષ મિશ્રા પાસે એક ગીત ગવડાવવામાં આવ્યું છે. પિયુષના અવાજમાં એક જાદુ છે. તમને ’ગેંગ્સ ઑફ વસેપુરનું ’ઇક બગલ મેં ચાંદ હોગા...’ ગીત યાદ હશે. આ ગીત મારા ઓલ ટાઇમ ફેવરીટ ગીતમાં છે.


        ફિલ્મની વાર્તાનો હાર્દ સંબંધો, રાજનીતિ, રમત, પ્રેમ, નફરત જ છે પણ વાર્તાની રજૂઆત સુંદર રીતે થઈ છે. હું વાર્તા વિશે કંઈ લખુ એ કરતા તમે જ જોઈ લો. ફિલ્મને ૪ સ્ટાર અચૂક પણે આપી શકાય પણ શર્ત એ છે કે એક પણ મટકું માર્યા વગર, એક પણ ડાયલૉગ ચૂક્યા વગર ફિલ્મ માણવી...




પેકઅપ:

"શૂટીંગ શરૂ થઈ રહ્યું છે માટે ટાંચણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ જોઈએ"-ડિરેક્ટર
.....
....
"હવે ટાંચણી તો ફેંકો..."-શૂટીંગ સ્ટાફ

4 comments:

  1. જોવી જ પડે - વિશાલ ભરદ્વાજ-અનુરાગ કશ્યપ - અને હવે તિગ્માંશુ ફિલ્મ આવે એટલે એકટર કોણ તે જોવાની ઈચ્છા જ ના થાય અને અહી તો ઈરફાન પણ છે...લટકામાં !
    પહેલા ભાગના ઘણા દ્રશ્યો-પંચમહાલના(હવે દાહોદ જીલ્લાના) દેવગઢબારિયા માં પણ ફિલ્માવાયા હતા-

    ReplyDelete
  2. @rakesh patel

    હાં... આખી ફિલ્મ લગભગ ગુજરાતમાં જ શૂટ થઈ છે. એકવાર જોઈ લેજો. જો તમે ક્લાસ ફિલ્મના શોખીન છો તો આ ફિલ્મ ચૂકવા જેવી નથી...

    સમીર

    ReplyDelete
  3. ha pan gujarat na dahod jila na devgadh baria ma soot thai che ,nahi ke palanpur ane gondal ma..................

    ReplyDelete
  4. હાલ તો જોવાનો મોકો મળે એમ નથી પણ 'આ ફિલ્મ માણવી હોય તો એક એક ડાયલૉગ, એક એક સીન પર તમારે નજર રાખવી જ રહી. ફિલ્મમાં એક પણ દ્ગશ્ય અર્થ વગરનું નથી' અને 'એક પણ દ્ગશ્યમાં તમને કેમેરો ખોટી જગ્યાએ ફરતો નહીં લાગે' - આ વાત પર છેવટે HD ડી.વી.ડી. લાવીને પણ જોવી પડશે.

    ReplyDelete