સમય વહેતો જતો હોય અને હીટ ફિલ્મ માટે લોકો તરસી
રહ્યા હોય ત્યારે એક જ વાત ઉગારી શકે કે સાઉથની મસાલા ફિલ્મની રીમેક બનાવો! સિનેમા
મનોરંજનનો વિષય છે એટલે હવે લોજિક પર લોકો ધ્યાન નથી આપતા, માત્ર અને માત્ર મઝા જ લૂટે
છે. આ કારણોથી જ અગાઉ આ જ વાર્તા પર બનેલી ત્રણ ફિલ્મ હીટ ગઈ હોય ત્યારે અહીં પ્રોડ્યૂસર્સ
સંજય લીલા ભણસાલી અને શબીના ખાને નક્કી કર્યું હશે કે ચલો એકવાર હિન્દીમાં પણ થઈ જાય
અને તેમાં પણ વાયાકોમ 18 સાથે હોય તો મોટું રીલીઝ મળે એ ખબર જ હોય. આ વાર્તા પરની પહેલી
ફિલ્મ હતી ’રમના’ ૨૦૦૨માં તામિલ ભાષામાં હતી અને એ ફિલ્મ બધા જ રેકૉર્ડ તોડવા સમર્થ
બની હતી. આ પછી તરત જ ૨૦૦૩ની સાલમાં તેલુગુ ’ટાગોરે’ બની અને ૨૦૦૫માં કન્નડ ’વિશ્નુસેના’
બની. આ રીતે આ થયું ચોથું વર્ઝન. આગલી ત્રણ ફિલ્મ સારી જ રહી છે તો પછી રહી જતી થોડી
ઘણી ખામી પણ દૂર કરવાનો મોકો મળે. માત્ર ફિલ્મને ફિલ્મ તરીકે જે જોવો તો કહેવું પડે
કે મનોરંજન ઇઝ બેક...
સાઉથમાં
ઘણી હીટ ફિલ્મ આપી ચૂકેલા ક્રીશનું હિન્દી ફિલ્મમાં આ પહેલું ડિરેક્શન છે. જો પ્રભુ
દેવા હિન્દી ન જાણતા હોવા છતા હીટ ફિલ્મ્સ આપી શકતા હોય તો ક્રીશને તો ભાંગ્યું તૂટ્યું
હિન્દી પણ આવડે છે. સંજય લીલા ભણસાલી પાસે આ પ્રસ્તાવ ક્રીશે જ મૂકેલો કે આ વિષય પર
ફિલ્મ બનાવવા જેવી છે અને જેનો સંજયે સ્વીકાર કર્યો. આમ તો બધાની ઇચ્છા આ ફિલ્મનું
ટાઇટલ ’રમના’ જ રાખવાની હતી પણ સંજયભાઈ તરફથી રૂપિયા ઉપરાંત પણ કંઈક તો યોગદાન જોઇએ
કે નહીં? તો સંજયભાઈએ ફિલ્મનું ટાઇટલ ’ગબ્બર ઇઝ બેક’ નક્કી કર્યું. ફિલ્મ માટે જેટલું
જરૂરી હતું એ બધું જ મેનેજ કરીને એક લોકોને ખુશ કરતી ફિલ્મ આપવાનો તેમનો આ સફળ પ્રયોગ
કહી શકાય...
અક્ષય
કુમાર છેલ્લા ઘણા સમયથી માત્ર અને માત્ર ઍક્શન ફિલ્મ્સ જ કરી રહ્યા છે. આ વાત એટલી
જ અઘરી છે કેમ કે કોમૅડીમાં તેમણે પોતાની જાતને સાબિત કરી બતાવી છે અને છતા કોમૅડીનો
સ્વીકાર ન કરવો. એક વાત તો છે જ કે હવે અક્ષયની ઉમર દેખાય છે એટલે કેમિયો રોલમાં કરીના
ખાન અને શ્રુતિ હાસન બંને સામે વડીલ લાગે છે.
શ્રુતિને આમ તો ફિલ્મ ગળથૂથીમાં જ મળી છે. ૨૦૦૦ની સાલમાં હોમ પ્રોડક્શનની ફિલ્મ ’હે
રામ’માં એક નાનો રોલ કર્યા પછી ઘણી ફિલ્મ્સ કરી પણ સાવ કોમર્સિયલ કહી શકાય તેવી આ પહેલી
ફિલ્મ ગણી શકાય. સુમત તલવાર તામિલ અને તેલુગુમાં
ઘણી ફિલ્મ કરી ચૂક્યા છે. મારી જાણમાં છે ત્યાં સુધી કદાચ આ તેમનું પહેલું હિન્દી ફિલ્મ
છે. જયદીપ આહલાવત પણ ખૂબ સારા રોલમાં છે. જયદીપનું એક્ટીંગ જોવું હોય તો બસ એક વાર
’ગેંગ્સ ઑફ વસ્સેપુર’ નો પહેલો ભાગ જોઈ લેવો. આ ફિલ્મમાં સ્પેસિયલ કમાન્ડરના રોલમાં
જયદીપ ભલે ઇન્ટરવલ પછી આવે પણ રોલ ઊડીને આંખે વળગે તેવો છે. સુનીલ ગ્રોવર કોન્સ્ટેબલના
રોલમાં છે. સુનીલ પણ ૨૦૦૨થી ફિલ્મ સાથે જોડાયેલા છે. જો કે અત્યાર સુધીમાં સુનીલને
માત્ર ૮ ફિલ્મ્સ જ મળી છે પણ હાં ટેલિવિઝનમાં તેમની સારી બોલબાલા રહી છે. સુનીલના પાત્રને
પણ ખૂબ સારુ વજન આપવામાં આવ્યું છે. મૂળ નામ મંજુ વ્યાસ પણ સ્ક્રીનનું નામ ઈશિતા વ્યાસ
વિણાના પાત્રમાં છે. ઇશિતાએ ૨૦૧૦માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને તરત જ તેને
સારી ફિલ્મ ’પીપલી લાઇવ’ મળી. આ પછી લગભગ ૪ ફિલ્મ કરી પણ ઇશિતાને વધારે તો ટેલિવિઝનને
લીધે જ લોકો ઓળખે છે...
ફિલ્મ
એવું માધ્યમ છે જ્યાં લોકો જે કરી નથી શકતા એ હીરોને કરતો જોવો ગમે છે. આમ જુઓ તો દરેક
સામાન્ય માણસ સપના જોતો જ હોય છે અને પોતાની કલ્પનાની ઇમારત ઊભી કરતો જ હોય છે પણ ફિલ્મમાં
તાદ્દશ નજર આવે તો રંગત જામી જાય. અક્ષય કુમારની પત્ની કરીના પ્રેગનેન્ટ છે અને અચાનક
જ બિલ્ડર સુમત તલવારના કરપ્શનથી મંજૂરી પામેલ બિલ્ડિંગ પડી જતા મૃત્યુ પામે છે. અક્ષય
બદલો લેવા જાય છે પણ દગાથી થયેલા વાર સાથે ઘાયલ થાય છે અને મૃત સમજી તેને ફેંકી દેવામાં
આવે છે. મેડિકલ સ્ટૂડન્ટ્સની એક બસ ત્યાં પહોંચે છે અને તેને બચાવે છે. અક્ષય માટે
હવે એક જ ધ્યેય છે કે કરપ્શન નાબૂદ કરવું. આ માટે અક્ષય તેની પોતાની યુવાનોની એક ફોજ
બનાવે છે જે સૌથી કરપ્ટ ઓફીસર્સને પકડે છે અને પછી ટોપ પર હોય એવા ઓફીસરને મારીને જાહેરમાં
ફાંસી આપી દે છે. આ વાતનો ડર કરપ્ટ લોકોમાં બેસતો જાય છે અને કરપ્શન નાબૂદ થવા લાગે
છે પણ વાર્તામાં ફેર ત્યાં આવે છે કે શ્રુતિના એક એક્સીડન્ટને લીધે એક હોસ્પિટલમાં
જતા ત્યાં તેને હોસ્પિટલમાં ચાલતી અનીતિની ખબર પડે છે. અક્ષય એક મડદાને લઈને ત્યાં
જાય છે જે જીવે છે તેમ કહીને હોસ્પિટલ તેની પાસ રૂપિયા માંગતી રહે છે. અક્ષય આ આખી
વાત સામે લડે છે અને હોસ્પિટલને મૃત વ્યક્તિને ૫૦ લાખ આપવાનું કહે છે જેના ઝગડામાં
સુમત તલવારનો પુત્ર મરી જાય છે. હવે ફરી જૂની અદાવત ખૂલે છે અને બીજી તરફ સ્પેસિયલ
એપોઇન્ટેડ કમાંડો જયદીપ આહલાવત સુનીલ ગ્રોવરની મદદથી કેસ સોલ્વ કરવામાં લાગ્યા છે.
સૌથી અગત્યની વાત એ છે કે સ્ટોરી લેખકે કોઈ પણ પ્રકારનો મોહ રાખ્યા વગર અક્ષયને પોલીસ
સમક્ષ હાજર કર્યો છે અને પબ્લિક તેની સાથે હોવા છતા અંતનો શોટ તેને ફાંસી આપવામાં આવે
જ છે....
ફિલ્મની
મૂળ વાર્તા એ.આર. મૃગદોસની છે. આ ફિલ્મનું પહેલું વર્ઝન તેમણે જ ડિરેક્ટ કર્યું હતું.
ફિલ્મને ટ્રાન્સલેટ કરીને રજત અરોરાએ હિન્દીમાં લખી છે. મ્યુઝિક ચિરંતન ભટ્ટ, યો યો
હની સિંઘ અને મંજ મુસીકે આપ્યું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર સંદીપ ચૌટાનો છે. નિરવ શાહની
સિનેમેટોગ્રાફી છે. રાજેશ પાંડે એડિટર છે. સંજય લીલા ભણસાલી સાથેના બીજા પ્રોડ્યૂસર
શબીના ખાનના અક્ષય ફેવરીટ એક્ટર રહ્યા છે. શબીના આ પહેલા પણ શબીના સાથે ’રાવડી રોઠોર’
કરી ચૂક્યા છે. શબીનાની એક ખૂબી છે કે પોતે એક સમયે એક જ ફિલ્મ કરે છે અને શૂટ દરમિયાન
રોજ સેટ પર હાજર રહે છે. ૧૩૧ મીનીટનો રન ટાઇમ ધરાવતી આ ફિલ્મમાં થોડી ઘણી વાત બાકી
રહી હોય તો ફિલ્મનું ખોટું લંબાણ. અમુક વાત ન જરૂર હોવા છતા આવી છે અને સાથે ગીતો સારા
હોવા છતા ફિલ્મને ડીસ્ટર્બ તો કરે જ છે. એક મનોરંજક ફિલ્મની દ્રષ્ટિએ જ આ ફિલ્મ ૩ સ્ટાર
ડીઝર્વ કરે છે...
પેકઅપ:
"રૂપિયા રોકીને મૂર્ખ બને એ પ્રોડ્યૂસર અને
રૂપિયા આપીને મૂર્ખ બને એ ઑડિયન્સ"
Your review always help us to spend money or not! Thanks Samir Jagot.
ReplyDelete