જો ફિલ્મ બનાવવા માટે સૌથી અઘરી
વાત હોય તો પિરિયડ ફિલ્મ બનાવવું. જ્યારે એક ચોક્કસ સમય કાળની વાત હોય ત્યારે ઘણી બધી
જીણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે અને તેમાં પણ પ્રખ્યાત પાત્રને લઈને ફિલ્મ
બનાવવાનું હોય તો ફિલ્મની વાતથી લઈને પાત્રો સુધી ખૂબ કાળજી લેવી પડતી હોય છે. આમ તો
ટેલિવિઝન સિરિયલ ’બ્યોમકેશ બક્ષી’ આવી ગયેલી હતી એટલે મુખ્ય પાત્રને એસ્ટાબ્લીસ કરવાનો સમય ઘટી
જ ગયો હતો પણ એક સામાન્ય ઘટનાથી લઈને વાર્તા કલકત્તા બચાવવા સુધી દોરી જવી એ સહેલી
વાત ન હતી. એક વાક્ય પણ ક્લૂ છોડીને જતું હોય ત્યારે જો સહેજ પણ ફિલ્મની બહાર નીકળશો
તો ફિલ્મ નહીં માણી શકો. ફિલ્મ મનોરંજક છે જ પણ મગજને કસીને ફિલ્મ જુઓ તો જ...
દિબાકર બેનર્જી આમ તો એડ ફિલ્મના માણસ. કોપી રાઇટિંગ ટીમના હેડ રહેલા
દિબાકરમાં ફિલ્મ માટે એક ઝનૂન હતું. એક નવા પ્રોડયૂસરને લઈને ૨૦૦૬માં ’ખોસલા કા ઘોંસલા’ ડિરેક્ટ
કરી, જે પાછળથી યુટીવી મોશન પીક્ચરે ખરીદી લીધી અને ખૂબ જ ચાલી. દિબાકરની પહેલી જ ફિલ્મ
બેસ્ટ ફિલ્મ નેશનલ એવૉર્ડ જીતી. આ પછીની તેની ફિલ્મ ’ઓયે લક્કી, લક્કી ઓયે’ પણ
સારી ચાલી અને તેને પણ બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ નેશનલ એવૉર્ડ જીતી. સાવ જ અલગ પ્રકારની
તેમની ફિલ્મ ’લવ સેક્સ ધોખા’ પણ સરસ રહી. ૨૦૧૨ની તેમની ફિલ્મ ’સંઘાઈ’ લાઇફ
ટાઇમ મેમરીમાં સાચવી રાખવા જેવી ફિલ્મ હતી. ’બોમ્બે ટૉકીઝ’માં
એક શોર્ટ ફિલ્મ દિબાકરની પણ હતી જે જોતા જ ખબર પડી જાય કે આ દિબાકરની ફિલ્મ હશે. દિબાકર
એક ઉચ્ચ કક્ષાના ડિરેક્ટર સાબિત થઈ રહ્યા છે....
ફિલ્મનું કાસ્ટિંગ શરૂ થયું ત્યારે સૌથી પહેલા મુખ્ય વિલનનું પાત્ર
આમિર ખાનને ઑફર થયેલું પણ આમિર ’ધૂમ ૩’ના શૂટમાં વ્યસ્ત હોવાથી સ્વીકારવા તૈયાર
ન થયો હતો. સુશાંત સિંઘ રાજપૂત મુખ્ય પાત્ર માટે પહેલેથી જ નક્કી હતો. સુશાંતની સામેનું
પાત્ર રાની મુખર્જીને ઑફર થયું હતું પણ ફિલ્મમાં બોલ્ડ દ્ગશ્યો હોવાને લીધે રાનીએ પાત્ર
સ્વીકાર્યું નહોતું. આ પછી આ પાત્ર નવોદિત દિવ્યા મેનનને આપવામાં આવ્યું પણ પાછળથી
વાર્તામાં ફેરફાર આવ્યા અને દિવ્યા મેનનના ઘણા સિન્સ કાપી નાખવામાં આવ્યા. આનંદ તીવારી
ભલે મેઇન સ્ટ્રીમ સિનેમામાં ઓછો દેખાયો પણ ’સ્લમ ડોગ મીલિયોનર’, ’ઉડાન’, ’વોટ
અ ફીશ’ જેવી
ઘણી ક્લાસ ફિલ્મ કરી ચૂક્યો છે. આ ફિલ્મમાં લેખક અજીત બંદોપાધ્યાયનું પાત્ર તેને આપવામાં
આવ્યું છે. સ્વાતીકા મુખર્જી બંગાળી ફિલ્મમાં મોટું નામ ધરાવે છે. સ્વાતીકાએ ૨૦૧૦માં
બંગાળી ભાષામાં ’બ્યોમકેશ બક્ષી’ ફિલ્મ કરી હતી જેનો સીધો જ લાભ આ ફિલ્મમાં મળ્યો અને અંગુરી
દેવીનું પાત્ર આપવામાં આવ્યું. મીયાંગ ચાંગ ટેલિવિઝનમાં સારુ નામ ધરાવે છે પણ ફિલ્મમાં
’બદમાશ કંપની’ પછી
ઘણા સમયે જોવા મળશે. ડો. ગુહાનું પાત્ર નિરજ કબીએ ભજવ્યું છે અને સાચે જ ખૂબ સારુ પાત્ર
કહી શકાય. શરૂઆતથી અંત સુધી તેમના બદલાતા રંગો જોવાની એક અલગ જ મઝા છે. ફિલ્મ કલાકારોના
કાફલાથી ભરપૂર છે જેમાં બહુ ઓછા ફિલ્મમાં જાણીતા નામ છે પણ કોઈ પણ પાત્ર પૂરતી પરખ
વગર નક્કી નથી કરવામાં આવ્યા. ૩ મહિના તો ઓડીશન ચાલ્યા હતા...
જૂન ૨૦૧૩માં યશરાજ ફિલ્મ તરફથી જાહેર કરવામાં આવ્યું કે દિબાકર બેનર્જીના
ડિરેક્શનમાં ’ડીટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’ બનાવવામાં આવી રહી છે અને આ માટેના જરૂરી
રાઇટ્સ ખરીદી લેવામાં આવ્યા છે...
ફિલ્મને ૧૯૪૦ના એરામાં લઈ જવાની હતી માટે દરેક નાનામાં નાની વાતો
પર ધ્યાન આપવું જરૂરી હતું. એ સમયની હેર સ્ટાઇલ, એ સમયનો પોશાક બધું જ એક સમયગાળામાં
લઈ જવું પડે. મનીષ મલ્હોત્રાએ કોસ્ચૂમ એ પ્રમાણે જ ખાસ ડિઝાઇન કર્યા છે. ફિલ્મ માટે
એ સમયના સેટ અને પ્રૉપર્ટી પણ એટલી જ જરૂરી હતી. વંદના કટારિયાએ આર્ટ ડિરેક્શન અદભૂત
રીતે કર્યું છે. હાં એ વાત સ્વીકારવી પડે કે બહુ વધારે લોકેશનના લેવા પડે તેના માટે
હરી ફરીને એક કે બે બઝાર જ દેખાડવામાં આવી છે તો પણ આખી એ સમયની ટ્રામ ઊભી કરવી એ સહેલું
કામ ન જ હતું. ફિલ્મનું શૂટ ૨૦૧૪ની શરૂઆતમાં શરુ કરવામાં આવ્યું હતું અને મે ૨૦૧૪માં
પૂરુ કરવામાં આવ્યું. ફિલ્મના નિર્માણ માટે અઢળક ખર્ચ કરવામાં આવ્યો હશે. ફિલ્મ રીલીઝ
થવામાં વાર લાગી તેનું કારણ હતું વીઝ્યૂલ સ્પેસિયલ ઇફેક્ટ. એક ગાળાનું ફિલ્મ સાબિત
કરવા એડીટ માટે ખૂબ જ મહેનત કરવામાં આવી છે. આદિત્ય ચોપરા અને દિબાકર બેનર્જીએ ફિલ્મ
પ્રોડ્યૂસ કર્યું છે. સારાદીંદુ બંડોપાધ્યાય અને દિબાકરે ફિલ્મ લખી છે. સ્ક્રીનપ્લે
ઊર્મિ જુવેકર અને દિબાકરે લખ્યા છે. નીકોસ એન્ડ્રીસાકીસની સિનેમેટોગ્રાફી છે. મ્યુઝિક
માટે ઘણા લોકોને લઈને પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મના દરેક ગીતના મ્યુઝિક ડિરેક્ટર્સ
અલગ છે...
ફિલ્મને પ્રમોટ કરવા માટે સાવ જ અલગ પ્રયોગ કરવામાં આવ્યા છે. ’સી.આઇ.ડી’, ’કૉમેડી
નાઇટ વીથ કપીલ’ ઉપરાંત
ફિલ્મ માટે કોમ્પીટીશન પણ રાખવામાં આવી. બ્યોમકેશ બક્ષી નામની વીડિયો ગેઇમ ડિઝાઇન કરી
માર્કેટમાં મૂકવામાં આવી...
મોટા ભાગે પ્રખ્યાત પાત્ર હોય તો પણ એ પાત્રનું કામ બતાવવા બે ચાર
સિન્સ વધારાના મૂકવામાં આવે જ પણ દિબાકરે કોઈ જ એવો મોહ રાખ્યો નથી અને સીધુ જ તેનું
કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં દરેક પાત્રને કામ આપવામાં આવ્યું છે અને એક
પણ પાત્ર વધારાનું રાખવામાં નથી આવ્યું. ફિલ્મની વાર્તાને એટલી જટીલ છતા પણ સરળ બનાવવામાં
આવી છે કે એક પછી એક ક્લૂ આપવામાં આવે છે અને એ તરફ જ ફિલ્મ ચાલતી રહે છે. એક પણ વાત
લોજિક બહાર લખવામાં નથી આવી. સતત મરતા માણસો વચ્ચે પણ ફિલ્મ વહેતી રહે છે. ફિલ્મમાં
ઇમોશન છે પણ મેલોડ્રામા નથી. ભૂવન નામના પાત્રની લાશ મળે છે અને બસ તેની પત્નીને એક
જોરથી રાડ પાડી રડતી બતાવીને વાત પૂરી કરી દેવામાં આવી છે. આ રીતે અનેક દ્ગશ્યોને સંવાદ
વગર ખાલી આંખોથી જ ભજવવામાં આવ્યા છે. જો તમે સારી કક્ષાની ફિલ્મ જોવા ટેવાયેલા હો
તો આ ફિલ્મ અચૂક જોવી. હાં, ફિલ્મમાં ઘણી જગ્યા પર તમે સહમત નહીં હો તો પણ ફિલ્મ ૩૦૫
સ્ટાર ડીઝર્વ કરતું ફિલ્મ છે....
પેકઅપ:
"અઢારમી સદીની વાત લઈને
’લગાન’ બનાવવામાં
આવી હતી પણ ડિરેક્ટર ભૂલી ગયા કે ત્યારે ૮ બોલની ઓવર હતી પણ ફિલ્મમાં ૬ બોલની જ ઓવર
બતાવવામાં આવી. એક વાર વિચાર તો કરો એક તો લગાન આટલી લાંબી ફિલ્મ અને ઉપરથી ૮ બોલની
ઓવર હોત તો લંબાઈ ક્યાં પહોંચત?"
No comments:
Post a Comment