ભારતની પ્રજા કેટલી
હદે ક્રિકેટ પ્રેમી છે તે રીલીઝ થતી ફિલ્મ્સ પરથી સમજી શકાય છે. છેલ્લા બે અઠવાડિયાથી
રીલીઝ થતી દરેક ફિલ્મ જુઓ તો ખબર પડશે કે જે ફિલ્મ્સને રીલીઝ જ ન મળી શકે તેવી ફિલ્મ્સ
જ રીલીઝ થઈ રહી છે. આ અઠવાડિયાની જ વાત કરો તો આ સાથે જ રીલીઝ થયેલી બીજી ફિલ્મ ’ઇશ્ક
કે પરીંદે’ પણ ઘણા સમયથી રીલીઝ શોધી રહી હતી જેને આજે રીલીઝ મળ્યું. આ રીતે જ ’કાગઝ
કે ફૂલ્સ’ને પણ મહા મહેનતે રીલઝ મળ્યું. જો કે એક વાત ખૂબ જ પોઝીટીવ હતી ફિલ્મનું કાસ્ટિંગ
જેને કારણે ફિલ્મ પડદા પર આવી શકી પણ માત્ર કાસ્ટ પર ફિલ્મ ચાલે એવું હોત તો પરેશ રાવલ,
અનુ કપૂર, નસીરૂદ્દીન શાહ જેવા મહાન કલાકારોને લઈને બનાવેલું ’ધરમ સંકટ મેં’ પણ કોઈના
ધ્યાનમાં ન આવ્યું. ફિલ્મના નામમાં ફુલ નહીં પણ ફૂલ્સ એટલે કે પાગલોની દુનિયા દર્શાવવાની
કોશિશ કરી છે અને તમને ફિલ્મ જોઈને ચોક્કસ લાગશે કે આ એપ્રિલ મહિનામાં તમે પણ ફૂલ બની
જ ગયા...
જ્યારે ફિલ્મનો રન ટાઇમ ઓછો હોય ત્યારે
ફિલ્મ વધારે ક્રીસ્પી બને છે પણ આ ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૧૦ મીનીટ હોવા છતા ફિલ્મ
ખૂબ જ લાંબી લાગશે. આજ દિવસ સુધી તમે ખરાબ ફિલ્મ જોતા હો અને વચ્ચે છોડીને જાવ તો તમને
પૂછવાની ઇચ્છા થશે કે પછી આ વાતનું શું થયું? પણ આ ફિલ્મ એટલી ગેરંન્ટેડ ફિલ્મ છે કે
તમે ગમે ત્યાંથી છોડીને જાવ કોઈ પણ પ્રશ્ન ઊભો નહીં જ રહે. અનીલ કુમાર ચૌધરીની આ પહેલી
ફિલ્મ છે. અનીલ કુમારે જ સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને સ્ટોરી બધું જ લખ્યું છે. દરેક ક્રીએટરને
પોતાનું ક્રીએશન ગમતું જ હોય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલો જ ફેર છે કે ત્યાં માત્ર
વખાણ જ સાંભળવા મળે, ક્યારેય કોઈ ખરા અર્થમાં સમજાવે કે આવી સ્ટોરી ન ચાલે એ કહેવાની
હિમ્મત કોઈમાં નથી હોતી. આ કારણે જ ફિલ્મની કથા જરા પણ આગળ વધતી નથી જે સીધુ જ દેખાય
આવે છે. અનીલ કુમારના ઇન્ડસ્ટ્રીમાં સંબંધો સારા હશે કેમ કે વિનય પાઠક, સૌરભ શુક્લા,
મુગ્ધા ગોડસે, રાઇમા સેન, રાજેન્દ્ર શેઠી, અમીત બહેલ જેવા કલાકારોને આટલું ખરાબ ફિલ્મ
કરવા માટે મનાવી શક્યા...
ફિલ્મની શરૂઆતમાં જ હથોડા છાપ કૉમેડી આપવામાં
આવી કે મરી ગયેલો માણસ વિનય ચોપરા છે કે નહીં તેની તપાસ કરવા માટે વિનયનો સાળો સૌરભ શુક્લા અને વિનયની પત્ની મુગ્ધા
ગોડસે આવે છે. લાશ જોઈને સૌરભ શુક્લા રડે છે. મુગ્ધાના ઓવર રીએક્શન પર કહે છે કે લાશ
વિનયની નથી, તો રડે છે શા માટે એવા સવાલ પર કહે છે "કોઈ તો મરા હૈ ઇસ લીએ રો રહા
હું". આ હથોડા સતત ચાલુ જ રહે છે. વાત ત્યાંથી ફ્લેશબેકમાં જાય છે. એક પાર્ટીમાં
એક રાઇટર અમીત બહેલ મુગ્ધાને સંભળાય તેમ કહે છે કે તેની નોવેલ દર ત્રણ મહિને છપાય છે
અને ઘણી નકલો વેચાય ગઈ છે. આ પછી ધાર્યા મુજબ જ પત્ની રાઇટર પતિ પર રાડો પાડે છે કે
તેને આગળ નથી વધવું. પત્નીની ટકટકથી કંટાળીને વિનય ઘર છોડી એક બારમાં જાય છે અને જુગાર
રમે છે જ્યાં તે જીતે પણ છે અને તેની મુલાકાત રાયમા સેન જે પ્રોસ્ટીટ્યૂટ છે તેની સાથે
થાય છે. ખૂબ દારુ પીધેલો વિનય રાયમા સાથે જાય છે અને પોલીસમાં પકડાય જાય છે. આ વાત
ઘેર ફોન પર કરે છે તો પત્ની ક્યારેય મોઢું ન બતાવવાનું કહે છે. વિનય રાયમા સાથે રહેવા
લાગે છે અને ફરી એકવાર રાજેન્દ્ર શેઠીના બારમાં રમવા જાય છે જ્યાં દસ લાખ જીતે છે.
આ તરફ પત્ની માવતર જાય છે અને કોઈ ઘટના વગર બસ ખટપટ ચાલતી રહે છે. વિનય તેની એક બૂક
’એક ઠહેરી હુઈ જિંદગી’ લઈને એક પબ્લીસર પાસે પોતાની બૂક છપાવવા માટે જાય છે પણ રાઇટર
સસ્તું સાહિત્ય ઉમેરવા કહે છે. હવે કોઈ કારણ વગર જ વિનય ફરી ઘેર પાછું ફરવાનું નક્કી
કરે છે ત્યાં રાજેન્દ્ર શેઠીના માણસો ઉઠાવી જાય છે. ત્યાંથી પોતાની સીધી સારી વાતોથી
છૂટે છે અને ઘેર જાય છે. આ તરફ રાયમા સેન તેની નોવેલને ’એક ઠરકી હુઈ જિંદગી’ નામ સાથે
રી-રાઇટ કરે છે અને પબ્લીસરને પબ્લીસ કરવાનું કહે છે. નોવેલ માર્કેટમાં આવી જાય છે.
આ વાતથી નારાઝ વિનય પોતાની બૂક્સ પાછી ખેંચવા કહી આવે. વાત પૂરી ન કરતા રાયમા અને મુગ્ધાને
ભેગાં કરવામાં આવે અને અંત પણ બસ હવે આવું નહીં કરુ કહ્યા પછી પણ ફરી એજ ટકટક શરૂ છે...
વિનય પાઠક ખૂબ જ સારા આર્ટિસ્ટ છે પણ તેમણે
કોણ જાણે કેમ આ ફિલ્મ સિલેક્ટ કરી હશે એ જ સમજી નથી શકાયું! ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેક્ટર
અમસ્તાં નહીં રાખવામાં આવતા હોય. કાસ્ટિંગ ડિરેક્ટર પાત્ર મુજબનું કાસ્ટિંગ કરે છે.
અહીંયાં વિનય સાથે મુગ્ધા ગોડસેને સિલેક્ટ કરવામાં આવ્યા છે. કોઈ પણ એંગલથી મુગ્ધા
વિનયની પત્ની નથી લાગતી. જો દ્ગશ્ય મ્યુટ રાખીને જુઓ તો બાપ-દીકરીનો પ્રેમ દેખાય. રાયમા
રૂપિયા માટે જ વિનય સાથે હોય કેમ કે એ તેનો ધંધો છે પણ ક્યારેય રૂપિયા પાછળ દેખાણી
નથી વળી જુગારમાં જીતેલા રૂપિયા ઉપરાંત તેની પાસે વધારે કોઈ રૂપિયા નથી તો કેમ આટલી
સુંદર પ્રોસ્ટીટ્યૂટ વિનય પાછળ છે? આ વાત સમજવી પણ અઘરી જ છે. વળી સ્ક્રીનપ્લે લેવલ
પર એટલું ખરાબ લખાયું છે કે વારંવાર ભૂલો સામે આવે છે. વિનય જુગારના જીતેલા રૂપિયા
લઈને થેલામાં મૂકે છે અને ઘેર આવી ખીસ્સા માંથી કાઢીને રૂપિયા આપે છે. ફોન પર વાત કરતા
મુગ્ધાનું ફ્રીજ ખુલ્લું રહી જાય છે પણ કટ શોટમાં બંધ થઈ જાય છે. પાર્ટીની અંદર ચાલતી
વાત અને વિનયના અંદર જવા વચ્ચેનો સમય સ્ક્રેનપ્લેમાં લખવાનું રહી જ ગયું છે...
ફિલ્મનું મ્યુઝિક સંગીતા પંતે આપ્યું છે
અને ખરેખર સારા ગીતો છે પણ એટલી જ હદે ખરાબ નમૂનો બૅકગ્રાઉન્ડ સ્કોર છે જે સુરેન્દર
સોડીનો છે. અનીકેત ખાંડગલેની સિનેમેટોગ્રાફી પણ લગ્નના શોટ હોય તેવી છે. એક પણ એંગલે
કે એક પણ કટિંગ ફિલ્મ લેવલના નથી. કૉમેડી ફિલ્મ સૌથી અઘરી છે, અન્ય કોઈ ઝોનરની ફિલ્મ
હોય તો ચાલી જાય પણ કૉમેડી ટાઇમીંગ અને હાર્ડ કોર લેખકની જ ફિલ્મ હોય છે. આ ફિલ્મમાં
બે માંથી એક પણ વાતનો કમાલ નથી. સ્ટાર આપવાની બહુ જ હિમ્મત કરીએ તો ફિલ્મ બનાવવાની
શક્તિ માટે ૧ સ્ટાર આપી શકાય....
પેકઅપ:
"કાર, મોબાઇલ,
ટીવી અને પત્નીનું સારુ મોડેલ હંમેશા બીજા પાસે જ હોય છે"
No comments:
Post a Comment