Friday, 29 August 2014

બે યાર: ગુજરાતી ફિલ્મનો નવો યુગ






      મારો પણ એક જમાનો હતો કોણ માનશે? ગુજરાતી ફિલ્મ જે રીતે ખાડે જઈ રહી છે ત્યારે આપણી પાસે ગુજરાતી ફિલ્મના ઇતિહાસના વખાણ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ક્યાં છે? એક સમય એ પણ હતો જ્યારે ગુજરાતી ફિલ્મ રીલીઝ થતી ત્યારે હિન્દી ફિલ્મની રીલીઝ પણ પાછળ લઈ જતા હતા. જે જૂના સમયના લોકો હશે એમની પાસે જૂની કોઈ ફિલ્મની વાત કરો તો જોયેલ ફિલ્મ જ નીકળે! પણ સમયનું ચક્ર ફરતું રહે છે જે વિકાસ સાથે વિનાશ પણ લાવે જ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા એવા લોકો આવવા લાગ્યા અને ગુજરાતી ફિલ્મ માટે સૌથી હલકો કહી શકાય એવો શબ્દપ્રયોગ વપરાવવા લાગ્યો કે ગુજરાતી ફિલ્મ એટલે ગામ, ગરબો અને ગોકીરો. જ્યારે કોઈ પણ સિરિયલ ગુજરાતી બૅકગ્રાઉન્ડ વગર ન ચાલતી હોય ત્યારે એમ તો કહી જ ન શકાય કે ગુજરાતી ફિલ્મ પ્રત્યે દર્શકોને લગાવ નથી રહ્યો કેમ કે ગુજરાતી વાતો લોકોને ગમે જ છે પણ હાં એટલું કહી જ શકાય કે ગુજરાતી ફિલ્મ બનાવવા વાળા લોકોએ જ ગુજરાતી ફિલ્મ પ્રત્યે સૂગ ઊભું કરી દીધું છે. થોડા સમયથી પ્રયત્ન તો થતો થયો જ છે એટલે કદાચ અભિષેકનો ’બે યારનો પ્રયત્ન ગુજરાતી ફિલ્મનો નવો યુગ શરૂ કરે તો નવાઈ નહીં...


        અભિષેક જૈન મારો મિત્ર છે. અભિષેક વ્હીસલીંગ વુડ્સ સાથે જોડાયેલ રહ્યો છે એટલે પ્રોફેશનલ ફિલ્મ કેમ બને એટલું તો જાણે જ છે અને વળી અનુભવ માણસને ઘડે છે એ મુજબ ’કેવી રીતે જઈશના અનુભવ પછી જ્યારે બીજી ગુજરાતી ફિલ્મ બનાવે ત્યારે આગલી ફિલ્મમાં રહેલી ક્ષતિઓ દૂર થાય જ. અભિની પહેલી ફિલ્મ ’કેવી રીતે જઈશ જોવા ગયો અને મેં રીવ્યુ લખ્યો ત્યારે ટાઇટલ હતું ’કેવી રીતે જઈશ: ગુજરાતી ફિલ્મ બનાવવાનું પેશન પણ ત્યારે મેં અભિના ડિરેક્શનને ગુજરાતી ફિલ્મ સાથે જ સરખાવ્યું હતું અને એટલાં માટે ગમ્યું હતું કે ગુજરાતી ફિલ્મની સરખામણીમાં ફિલ્મ સાચે જ વખાણવા લાયક હતું. બહુ સાચા શબ્દોમાં કહું તો અભિના બીજા ફિલ્મના ડિરેક્શનમાં પણ એ આશા રાખીને જ ગયો હતો કે ફિલ્મ અન્ય ગુજરાતી ફિલ્મ્સ કરતા સારી હશે પણ ફિલ્મ જોઈને હું કહું છું કે ’બે યાર ગુજરાતી ફિલ્મ સાથે કંપેર કરવાને બદલે હિન્દી ફિલ્મ સાથે કંપેર કરીને જોવા જેવી છે. ફિલ્મમાં માત્ર ગુજરાતી સંવાદો છે બાકી ફિલ્મ હિન્દી જ છે. ટેકનિકલ લેવલ પર એક પણ એંગલથી ફિલ્મ ગુજરાતી નથી જ. ડિરેક્શનની વાત કરીએ તો દિવાલ પર મુક્કો માર્યા પછીના શોટમાં હાથ પર લોહી દેખાવું જોઈએ તો દેખાય જ છે. એક પણ જગ્યા પર ડિરેક્શનનો વાંક કાઢવો અઘરો છે. અભિષેકને કહેવું જ જોઇએ કે થેંક યુ અભિ ગુજરાતની જનતાને એક સારી ગુજરાતી ફિલ્મ આપવા માટે...


        એક્ટીંગની વાત કરીએ તો એક્ટીંગના મહારથીઓ ભર્યાં છે ત્યારે બહુ કંઈ કહેવું ન પડે પણ આ ફિલ્મમાં તો મારા ઘણા સારા મિત્રો જોડાયેલા છે એટલે લખવાની ઇચ્છા રોકી શકાતી નથી. વાત શરૂ કરીએ દર્શન ઝરીવાલાથી. દર્શનભાઈ સાથે મારે વર્ષોથી મિત્રતા છે. મેં એક ફિલ્મમાં ખાસ રોલ માટે દર્શનભાઈને વાત કરી તો એમણે મિત્રતા સાઇડ પર મૂકીને મને સ્પષ્ટ ના પાડી કે મને ફિલ્મની વાર્તા પસંદ નથી તો હું કામ નહીં કરું. દર્શનભાઈ એટલે એવા કલાકાર જેના વખાણ થાય એટલાં ઓછા. પિતાની ભૂમિકામાં સંવેદનથી લઈને સમજ સુધીના દ્ગશ્યોમાં એક તો એવું દ્ગશ્ય બતાવો કે જ્યાં એમના એક્ટીંગમાં ઘટતું મળે! એકાદ બે દ્ગશ્યો માટે તો ઝૂકીને સલામ કરવાની ઇચ્છા થાય. મારા બીજા મિત્ર મનોજ જોશી જે વર્ષોથી ગુજરાતી બનીને હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતને એક નામ અપાવી રહ્યાં છે. ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં જે રીતે ક્નવીન્સ્ડ એક્ટીંગ છે એ માટે કંઈ જ લખી શકાય એમ નથી! મારા અંગત મિત્ર જય વસાવડાએ પણ આ ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા ભજવી છે. જયને હજુ પણ વધારે જોવાની ઇચ્છા હતી પણ ખૂબ જ નાનો રોલ રહ્યો. મને વર્ષો પહેલાની વાત યાદ આવે છે કે જયને ધરાર એગ્રી કરીને પહેલીવાર સ્ટેજ પર મેં એક્ટીંગ કરાવી હતી અને સેલ્યુટ ટુ જય કે જે આજે પણ એ વાત જાહેરમાં કહે છે! દિવ્યાંગ ઠક્કરનું આ અભિષેક સાથેનું બીજુ મૂવી છે. ક્યાંક થોડો નબળો દેખાય છે પણ ઓવરઓલ રેટીંગ કરીએ તો સારું જ કહેવું પડે. ખાસ કરીને જ્યારે ફ્રેંચ બોલતા આર્ટિસ્ટ પાસે ગુજરાતી મિક્સ ઇન્ગલીશમાં વ્યથા ઠાલવતી વખતે કરેલું એક્ટીંગ. તપનની ભૂમિકામાં પ્રતીક ગાંધીનું પણ દિવ્યાંગ જેવું જ રહ્યું. અમુક જગ્યા પર ઓવર એક્ટીંગ લાગી પણ તો પણ ખૂબ જ બેલેન્સ કહી શકાય એવી ઓવર એક્ટીંગ.  એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી બોલતો કેવિન દવે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણે જોવા મળ્યો છે પણ કોણ જાણે અહીં બીજાના એક્ટીંગની સરખામણીએ સૌથી નબળું એક્ટીંગ લાગ્યું. પ્રબોધ ગુપ્તાના પાત્રમાં અમીત મિસ્ત્રી કમાલની એક્ટીંગ કરી ગયો છે. અમીત જાણે આ પાત્ર માટે જ સર્જાયેલ હોય એટલી સારી રીતે એક્ટીંગ કરી શક્યો છે. ડ્રેસિંગ, ભાષા, પ્રેઝેન્ટેશન બધી જ વાતમાં અમીતને પૂરા માર્ક મળે છે. ફિલ્મ શરૂ થયું ત્યારે સુપ્રિયા પાઠક નક્કી થયેલા પણ છેલ્લી ઘડીના ફેરફારમાં ન આવ્યા નહિતર ફિલ્મમાં વધારાનો એક સ્ટાર ઉમેરાત. ફિલ્મમાં હીરોઇન કહેવી કે નહીં એ ખબર નથી પણ સામવેદના થોડું કામ હોવા છતા ન્યાય આપી શકી છે. મારા મિત્ર આશિષ કક્કડને ડૉક્ટરના પાત્રમાં જોઈને પણ આનંદ થયો....


        ખૂબ જ સફળ ફિલ્મ ’ઓહ માય ગોડના રાઇટર ભાવેશ માંડલિયા આ ફિલ્મના કો-રાઇટર છે. નીરેન ભટ્ટે ગીતો ઉપરાંત સ્ટોરી પણ લખી છે. ફિલ્મનું મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મને ગીતોથી ડીસ્ટર્બ કરવાને બદલે ફિલ્મમાં ફિલ્મને ગીતો આગળ વધારવાનું કામ કરે છે. મ્યુઝિક કર્ણપ્રિય છે. હિન્દી ફિલ્મના ગીતો સાથે કંપેર કરો તો પણ નમતું તો નથી જ. ફિલ્મનો રન ટાઇમ ૧૫૫ મીનીટનો છે. અત્યારના જમાનામાં જ્યારે ફિલ્મ્સનો રનટાઇમ ૧૨૦ મીનીટથી ન વધે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય ત્યારે ફિલ્મ ૧૫૫ મીનીટના રન ટાઇમ સાથે રીલીઝ કરવી એ પણ એક હિંમતની વાત છે! જો કે એક વાત બહુ જ સરસ રહી કે આ ૧૫૫ મીનીટ માંથી કદાચ જ તમને ૧૦ મીનીટ એવી લાગે કે જે ફિલ્મની જરૂરિયાત ન હતી બાકી બધો જ સમય એક પૈસા વસૂલ ફિલ્મનો છે. 

        મલ્ટીપ્લેક્ષની એક જ્યાદતી હું પણ તાજેતરમાં મારા ફિલ્મ માટે સહન કરી ચૂક્યો છું જે આ ફિલ્મ માટે પણ લાગુ પડે છે. ટૅક્સ ફ્રી ફિલ્મ હોવા છતાં પણ ૧૫૦ રૂપિયા ટીકીટ! આટલાં રૂપિયા ખર્ચીને ગુજરાતી ફિલ્મ જોવા કોણ જાય એવો ગુજરાતીઓને વિચાર આવે પણ હું જો અંગત રીતે કહું તો ખરાબ હિન્દી ફિલ્મ્સમાં મન ફાવે તેમ રૂપિયા નાખવા કરતા એક ગુજરાતી ફિલ્મ માટે આથી પણ વધારે રૂપિયા આપવા પડે તો પૈસા વસૂલ જ છે.


        ફિલ્મને સ્ટાર આપવાની વાત હોય અને જો હું ગુજરાતી ફિલ્મ તરીકે જોઉં તો ૫ માંથી ૫ સ્ટાર આપું પણ આ ફિલ્મને હું હિન્દી ફિલ્મ તરીકે જ જોઉં છું ત્યારે હું ૪ સ્ટાર આપું છું. જો તમે ગુજરાતી હો તો એકવાર આ ફિલ્મ જોજો અને કહેજો કે ગુજરાતી ફિલ્મ પણ સારી બની જ શકે....



પેકઅપ:
"અનુષ્કા એ જ્યારે વિરાટ કોહલીને કહ્યું કે હનીમૂન માટે ઇંગ્લૅન્ડ જવું છે ત્યારે કોહલીએ સ્પષ્ટ ના કહી કેમ કે તેં ત્યાં પરફોર્મ નથી કરી શકતો...."

Friday, 22 August 2014

મર્દાની: મર્દાનગી વાળુ ડિરેક્શન





          એક સમય હતો જ્યારે સ્ત્રીને એક અબળા તરીકે જ બતાવવામાં આવતી હતી. સ્ત્રી પર થતા અત્યાચારની માત્રામાં ફિલ્મ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ વધારો થતો ગયો. સ્ત્રી તરફી ફિલ્મ્સ પણ ઘણી બની પણ ખૂબ અત્યાચાર વેઠ્યા પછી સ્ત્રી બદલો લે અને રણચંડી બને! સતત મેલોડ્રામાથી ભરપૂર આવી ફિલ્મ્સ જોઈને ઘણા લોકો કંટાળી ગયા હતા એટલે સ્ત્રીના વરવા રૂપની શરૂઆત થઈ અને સ્ત્રીને ખરાબ ચીતરવામાં આવવા લાગી. જો આ બંને વચ્ચેનો કોઈ માર્ગ હોય તો લોકોને ગળે ઊતરી પણ શકે. આવી ઉત્તર દક્ષિણની બે વાતોને મધ્યમાં રહીને કામ કરવું હોય ત્યારે સારા ડિરેક્ટરની જરૂરિયાત ઊભી થાય. ફિલ્મ જ્યારે સત્ય ઘટના પર આધારિત હોય ત્યારે વાતને ન્યાય આપવો વધુ અઘરો બની જાય! પણ ડિરેક્ટર પ્રદીપ સરકારે ’મર્દાની બનાવીને મર્દાનગી વાળું ડિરેક્શન બતાવ્યું....


        પ્રદીપ સરકારને હું પહેલેથી જ સારા ડિરેક્ટર માનું છું. તેમની પહેલી ફિલ્મ ૨૦૦૫માં ’ પરીનીતા આવી હતી. ફિલ્મ દરેક એંગલથી હટકે રહી હતી. આજે પણ એ ફિલ્મ ઘણા લોકોની ફેવરીટ ફિલ્મ્સની યાદીમાં રહી શકી છે. તેમની બીજી ફિલ્મ ’લાગા ચૂનરી મેં દાગ હતી. ફિલ્મ બોક્ષ ઓફીસ પર સારી ચાલી ન હતી પણ ક્રીટીક્સ તરફથી વખાણ થયા જ હતા. એ પછી નીલ નીતીન મુકેશ અને દીપિકા પાદુકોણને લઈને એક અલગ અંદાજ વાળી ’લફંગે પરીંદે ડિરેક્ટ કરી. આ ફિલ્મ પણ ખાસ ચાલી નહીં પણ પ્રદીપનું ડિરેક્શન લોકોની નજર ખેંચવામાં સફળ જ રહ્યું. પ્રદીપ સરકારને તેમની પહેલી જ ફિલ્મ ’પરીનીતા માટે ફિલ્મફેર, ઝી સિને એવૉર્ડ ઉપરાંત નેશનલ એવૉર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મની વાત કરીએ તો રાણી ઉપરાંત કોઈ પણ જાણીતા ચહેરા ન હોવા છતા જે રીતે ફિલ્મને વહાવી છે એ માટે પૂરો જશ ડિરેક્ટર તરીકે પ્રદીપ સરકારને જ જાય...


        ફિલ્મ જગતને ન્યુમેરોલોજીનો ખૂબ ક્રેઝ હોય છે એટલે નામ બદલાવતા રહે છે. રાણી સામે ડૉક્ટર પતિનું પાત્ર ભજવતો બિશ્વરૂપ સેનગુપ્તા જે હાલ જીસ્સુ સેનગુપ્તા તરીકે ઓળખાય છે તે બંગાળી એક્ટર છે. જીસ્સુની પોતાની ’બ્લ્યુ વોટર પિક્ચર નામે ફિલ્મ પ્રોડક્શન કંપની છે. જીસ્સુ આ પહેલા શ્યામ બેનેગલ જેવા ધુરંધર ડિરેક્ટર સાથે ’સુભાષચંદ્ર બોઝ- ધ ફરગોટન હીરોમાં કામ કરી ચૂક્યો છે. આ ફિલ્મ લીડ રાની હતી માટે જીસ્સુના હિસ્સે ખાસ કામ ન હતું પણ જેટલો નાનો રોલ હતો એથી વધારે ઈમાનદારીથી નિભાવી શક્યો છે. ફિલ્મમાં વિલનના પાત્રમાં તાહિર ભસીન છે. તાહિરનું આ પહેલું ફિલ્મ છે પણ કોઈ એંગલથી એવું લાગતું નથી કે તાહિરનું આ પહેલું ફિલ્મ હોય. તાહિર નેશનલ ન્યૂઝ કંપનીમાં હાલ બોડી લેંગ્વેજ શિખવાડે છે માટે ફિલ્મમાં તેની બોડી લેંગ્વેજ જોવાની તો મઝા જ પડે. કદાચ આ ફિલ્મ તેના માટે બોલીવુડના ભવિષ્યના ઘણા દરવાજા ખોલશે. રાણી મુખર્જી ઘણા લાંબા સમયથી સારુ ફિલ્મ આપી શકી નથી. રાણીનું છેલ્લે આવેલું ફિલ્મ ’દિલ બોલે હડીપ્પા પણ માથાનો દુખાવો જ નીકળ્યું હતું. જો કે રાણીની એક ખૂબી રહી છે કે જ્યારે પણ સારા ડિરેક્ટરે ફિલ્મ બનાવી હોય ત્યારે રાણી છવાય ગઈ છે. આ ફિલ્મમાં રાણી સોળે કલાએ ખીલી છે. પોતાના સંવાદોથી લઈને એક્ટીંગ સુધીની તમામ વાતમાં રાણીએ ખાસ મહેનત લીધી છે એ દેખાય આવે છે. રાણી સાથે આદિત્યનું નામ જોડાયું ત્યારથી બીજા બૅનરમાં ખાસ કામ કરતી જોવા મળી નથી પણ અહીં તો ઘરનો જ મામલો હતો અને અસ્તિત્વ ખતરામાં હોય એવું પણ હતું જે તેણે સાબિત કરી દીધું કે પોતે હજુ માર્કેટમાં છે જ. ફિલ્મના ડિરેક્ટર તરીકેની એક સૂઝ ત્યાં પણ વખાણવી પડે કે ખૂબ લાંબો રોલ હોવા છતા અનાથ પ્યારીના પાત્રમાં નવી છોકરી પ્રિયંકા શર્માને લેવામાં આવી. એ છોકરી પાસે ઘણું કામ કરાવવાનું હતું છતાં પણ એક અનાથ અને સામાન્ય લાગે એવી જ છોકરીની પસંદ એ ખરી કલા દ્ગષ્ટિ છે. ફિલ્મમાં કામ કરતા મોટા ભાગના આર્ટિસ્ટ્સ નવા હોવાથી નામ નથી જાણી શકાયું પણ દરેક પાત્ર પોતાની રીતે વજનદાર અભિનય કરી ગયું છે....


        આ ફિલ્મને જો સૌથી વધુ સુંદર બનાવતી વાત હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી છે. અર્તુર ઝુરાસ્કીના કૅમેરાના કમાલ તમને ડગલે અને પગલે જોવા મળશે. મહદ અંશે એવું બનતું હોય છે કે ફિલ્મને સુંદર બનાવવા માટે વધુ પડતી લાઇટ્સનો ઉપયોગ કરી દ્ગશ્યોને ઝાજરમાન બનાવવાનો પ્રયત્ન થતો હોય છે પણ અહીં એવું કંઈ જ કર્યા વગર માત્ર કૅમેરા ફ્રેમ અને મુવમેન્ટ ઑફ કૅમેરાથી જ વાત ઊભી કરવામાં આવે છે. દરેક ફ્રેમ સામાન્ય ફ્રેમથી ઉચ્ચ કક્ષાની છે. એક દ્ગશ્યથી બીજા દ્ગશ્યનું ટ્રાન્સીસનની પણ સંજીબ દત્તાએ એડીટીંગની જવાબદારી સારી રીતે નિભાવી છે.


        ફિલ્મની સ્ટોરી ડ્ર્ગ ડીલર અને સેક્સ રેકેટ ચલાવતા એક હોશિયાર માણસની છે. સ્ટોરીની મૂળ વાત પર જતા પહેલા સ્ટોરીની ડિમાન્ડ મુજબ મૂળ વાત આવતા પહેલા ફીમેલ ઇન્સ્પેક્ટરના પરિચય માટે બે ત્રણ દ્ગશ્યો રાખવામાં આવ્યા છે. આ દ્ગશ્યો પણ સારી રીતે રજૂ થયા છે અને ફીમેલ ઇન્સ્પેક્ટરની પર્સનાલિટી ઉભારી શક્યા છે. એક શેલ્ટર હોમમાં રહેતી છોકરી જેની સાથે ફીમેલ ઇન્સ્પેક્ટરને ખૂબ સારા સંબંધો છે તે અચાનક જ ગુમ થઈ જાય છે. હવે આ છોકરીની શોધ શરૂ થાય છે. પહેલી ક્લ્યુ મળતા જ તે વ્યક્તિનું ખૂન થાય છે. લેડી ઇન્સ્પેક્ટરને ડિપાર્ટમેન્ટનો સપોર્ટ હોવાથી તપાસનો દોર આગળ વધે છે. એક પછી એક વ્યક્તિને શોધતા શોધતા સ્ટોરી છેક દિલ્હી સુધી પહોંચે છે. વચ્ચે સ્ટોરીની ડિમાન્ડ મુજબ ઇમોશનલ દ્રશ્યો પણ નાખવામાં આવ્યા છે તો પણ ગોપી પુથરણની સ્ટોરી એક વાતથી તો સફળ જ કહી શકાય કે બહુ જ ઓછા એવા દ્ગશ્યો છે જેની ફિલ્મમાં જરૂર ન હોય અને નાખવામાં આવ્યા હોય. સ્ક્રીનપ્લે ટાઇટ છે એટલે કંટાળો આવતો નથી. ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૧૩.૦૨ મીનીટનો છે એ ખૂબ જ સારી વાત છે. વાર્તા જેટલી જ ફિલ્મની લંબાઈ છે અને ખોટી ફિલ્મ ખેંચી નથી....


        ફિલ્મની ખરાબ વાત કહીએ તો ઘણી જગ્યા પર લોજિક તૂટે છે. માત્ર ઇન્સ્પેક્ટરની પોસ્ટ ધરાવતી લેડી પાસે આટલી બધી સત્તા ક્યાંથી? જરૂરથી વધારે ઇમોશન પણ ફિલ્મને ડીસ્ટર્બ કરે છે. નાના નાના ઘણ ખાંચા દેખાય છે પણ ઉત્તમ સિનેમેટોગ્રાફી અને ટાઇટ સ્ક્રીનપ્લે દબાવી દે છે. હાં છેલ્લે એક ખૂબ મોટી ભૂલ છે કે રાણી મુખર્જી તાહિર સામે ગન તાકીને ઊભી છે પણ ટ્રીગર પર હાથ નથી. હવે આટલાં સાતીર દિમાગ વિલનની સામે આટલું કૅઝ્યુઅલ કેમ રહેવાય? પણ ફિલ્મની ભાષામાં તેને ફિલ્મ લિબર્ટી કહે છે. ફિલ્મ ૩.૫ સ્ટાર ડીઝર્વ કરે છે...



પેકઅપ:
જે ટ્રક સાથે એક્સિડંટ થાય તેની જ પાછળ લખ્યું હોય છે કે "જિંદગી રહી તો દુબારા મીલેંગે"!!!!

Friday, 15 August 2014

સિંઘમ રીટર્ન્સ: ફરી એવો જ પંજો






         

         કોણ જાણે કેમ પણ પહેલો ભાગ સફળ રહ્યો હોય ત્યારે બીજો ભાગ ખરાબ જ જોવા મળે, આથી પણ વિશેષ કહીએ તો પહેલાથી પણ વધુ ખરાબ બનાવવાની કોશિશ કરી હોય અને એના માટેના તમામ પ્રયત્નો કર્યા હોય એવું જ લાગે પણ જો ડિરેક્ટર સારા હોય તો પોતે આગલી ફિલ્મ સારી હોવા છતા બીજા ભાગમાં પહેલા ભાગની ભૂલોને સુધારવાની કોશિશ થઈ જ હોય. ’સિંઘમની સફળતા પછી એ સમયે જ બીજા ભાગની વાત તો થઈ જ ચૂકી હતી. અજય દેવગણ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટર્ટેઇન્મેટ અને રોહિત શેટ્ટી ફિલ્મ્સ ત્રણે મળીને ફિલ્મ બનાવવાનું નક્કી કરી જ ચૂક્યા હતા. ફિલ્મની સ્ટોરી રોહિત શેટ્ટીની પોતાની જ છે. ફિલ્મના ડાયલૉગ હમણાં જ ખરાબ ફિલ્મ ’એન્ટર્ટેઇન્મેન્ટ આપી ચૂકેલા સાજીદ-ફરહાદના છે અને સ્ક્રીનપ્લે યુનુષ સજવાલનો છે. જે રીતે પહેલો ભાગ એન્ટર્ટેઇન્મેન્ટથી ભરપૂર હતો એ રીતે જ બીજો ભાગ એટલે કે ’સિંઘમ રીટર્ન્સ પણ એવા જ લોહિયાળ પંજા સાથે ત્રાટક્યું છે...



        ફિલ્મની સારી ગૂંથણીનો શ્રેય સ્ક્રીનપ્લે રાઇટર યુનુષને જાય એથી પણ વધારે એ કલ્પનાઓને સાક્ષાત્ કરવાનો શ્રેય રોહિત શેટ્ટીને જ જાય. રોહિત એટલે માર્કેટનો બાદશાહ. માત્ર ૧૭ વર્ષની ઉમરથી જ ફિલ્મ સાથે રોહિત જોડાયેલો રહ્યો છે. રોહિતે ’ફૂલ ઔર કાંટે આસિસ્ટ કરી હતી. તેના ડિરેક્શનમાં પહેલી ફિલ્મ ’ઝમીન હતી અને એ છેક ૨૦૦૩માં આવી હતી. હવે જો આ રીતે જોઈએ તો રોહિતની આસિસ્ટન્ટશીપની સફર પૂરા ૧૩ વર્ષની થઈ પછી પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી! જો કે પહેલી ફિલ્મને કારણે રોહિતને કોઈ ઓળખતું ન થયું પણ તેણે જેવી ૨૦૦૬માં ’ગોલમાલ ડિરેક્ટ કરી એ સાથે જ જાણીતું વ્યક્તિત્વ થઈ ગયો. આ પછી ૨૦૦૮માં ’સનડે ડિરેક્ટ કરી. જો કે આ ફિલ્મ ઓડિયન્સમાં ખાસ અસર ન જમાવી શકી પણ ક્રીટીક્સ તરફથી વખાણ જ સાંભળવા મળ્યા. આ પછી તો રોહિતનો જાણે સિતારો આસમાન પર ગયો. લગભગ ૧૦૦ કરોડ ક્લબની પાંચ જેટલી ફિલ્મ કરી. રોહિતની છેલ્લી ફિલ્મ ’ચેન્નાઈ એક્સપ્રેસ જોઈને એમ થયું કે આમનું પણ રામ ગોપાલ વર્મા જેવું થશે. જો કે રોહિત હોશિયાર ડિરેક્ટર છે અને સાથે બુધ્ધિશાળી પણ ખરો વળી એટલું તો જાણે જ કે શાહરુખ ખાન હોય તો ફિલ્મમાં આટલું જ મળે! આ ફિલ્મમાં લગભગ બધી જ બાબતોની સંભાળ લેવામાં આવી છે અને હાં રોહિત સ્ટાઇલ ગાડીનો ભુક્કો, ક્લાસ ફાઇટ્સ, કૅરેક્ટરને હાઈલાઇટ કરતા શોટ્સ, દરેક કૅરેક્ટરનો પૂરતો ઉપયોગ જેવી ઘણી બધી બાબતો પર ધ્યાન રાખીને પ્રેક્ષકોને એક સંપૂર્ણ મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે અને એ પણ ઈમાનદારી પૂર્વક....



        બાબાના પાત્રમાં અમોલ ગુપ્તેને લેવામાં આવ્યા છે. અમોલનો પરિચય સામાન્ય ઓડિયન્સને નહીં હોય. અમોલ ખૂબ સારા સ્ક્રીપ્ટ રાઇટર છે. ’તારે જમીં પે ફિલ્મની સ્ક્રીપ્ટ માટે તેઓ ખૂબ ચર્ચામાં રહી ચૂક્યા છે. અમોલ સારા ડિરેક્ટર પણ છે. ’સ્ટેનલી કા ડીબ્બા જોયું હોય તો તેના ડિરેક્શનના પણ વખાણ કરવા જ પડે. જો કે અમોલ એક્ટીંગ પણ ઘણા સમયથી કરે છે. એઝ અ એક્ટર તેમની પહેલી ફિલ્મ ’હોલી હતી. આ પછી ’જો જીતા વહી સિકંદર, ’કમીને, ’ફંસ ગયા રે ઓબામા, ’સ્ટેનલી કા ડીબ્બા, ’ભેજાફ્રાય જેવી ફિલ્મ્સ કરી. આ ફિલ્મમાં બાબાનો રોલ ખાસ હતો. થોડી આસારામ બાપુની ઝલક પણ આપવાની હતી. બહુ સ્પષ્ટ કહું તો જો નબળામાં નબળી એક્ટીંગ રહી હોય તો અમોલ ગુપ્તેની બાકી સાથે પોલીટીકલ વિલન તરીકે ઝાકીર હુશેન એટલો જ સરસ રોલ નીભાવી શક્યા છે. જો કે ઝાકીર હુશેન માટે તો જે કહીએ એ ઓછું છે. ઝાકીર દરેક રોલમાં ફીટ જ હોય. ૨૦૦૧માં ’દિશાયેંથી પોતાની એક્ટીંગ કેરિયર શરૂ કરના ઝાકીરની લગભગ આ ૫૦મી ફિલ્મ છે. અજય દેવગણની ટીમમાં દયાનંદ શેટ્ટીને એટલે કે ’સી.આઇ.ડી.’ના દયાને પણ સામેલ કરવામાં આવ્યો છે અને હાં દયા પાસે આ ફિલ્મમાં પણ દરવાજો તોડાવવામાં આવ્યો જ છે. કરીના કપૂર સાચે જ મેડ એક્ટ્રેસ છે. એક સમયે જેને એક્ટીંગ આવડે છે કે નહીં એ પ્રશ્ન થતો જ્યારે અત્યારે સાચે જ ફિલ્મમાં તેની એક્ટીંગ માણવા લાયક બનવા લાગી છે. કરીનાના ભાઈના પાત્રમાં મરાઠી એક્ટર સમીર ધર્માધિકાર છે. જો કે સમીરે ’સત્તા, ’ગેઇમ, ’મુંબઈ મેરી જાન, ’રંગ રસિયા જેવી હિન્દી ફિલ્મ્સ પણ કરી છે એમ છતા લોકો તેને ’ઝાંસી કી રાની સિરિયલના લીડ એક્ટર તરીકે વધારે ઓળખે છે...



        ફિલ્મમાં નાના નાના પાત્રો પણ માર્કેટના મંજાયેલા એક્ટર્સને સોંપવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર તરીકે શરદ સકસેના છે, ગુરૂના પાત્રમાં અનુપમ ખૈર છે, અજય દેવગણના પિતાના પાત્રમાં ગોવિંદ નામદેવ છે, કોન્સ્ટેબલની માતા સરિતા દેસાઇ છે, અજયની ટીમમાં પોમ્પી હંસ છે અને મુખ્યમંત્રી તરીકે મહેશ માંજરેકર છે. બે પાત્રો એવા રહ્યા જેના નામ મને નથી ખબર પણ ખૂબ જ સારુ કામ. અજયની ટીમમાં ગુજરી ગયેલા કોન્સ્ટેબલની પત્ની, એક પુત્રને માર ખાતો બચાવવા આવતી તેની માતા. આ બે દ્રશ્યો પણ એટલાં જ લાજવાબ રીતે કચકડે મઢવામાં આવ્યા છે. અશ્વીની કલસેકર એ.એન.આઇ.ની પત્રકાર લેડીની ભૂમિકામાં છે. અશ્વીની અડધા માર્ક તો પોતાની પર્સનાલીટીના જ લઈ જાય અને રહી જાય તો સારી એક્ટીંગ પણ ખરી...  



        ફિલ્મ માટે હું બે ત્રણ વાતો હર હંમેશા કહેતો આવ્યો છું કે સારી ફિલ્મ બનાવવા માટે સારી સિનેમેટોગ્રાફી, સારો સ્ક્રીનપ્લે અને સારુ ડિરેક્શન ત્રણ વસ્તુ મળે તો જ ફિલ્મ બહાર આવે. ’સિંઘમ રીટર્ન્સની સ્ટોરીની વાત કરો તો આ પહેલા પણ આવી વાતો તમે ક્યાંક ક્યાંક જોઈ ચૂક્યા હશો પણ જો સ્ક્રીનપ્લેની વાત કરો તો આવો સરસ સ્ક્રીનપ્લે બહુ ઓછી ફિલ્મમાં જોવા મળ્યો હશે. ફિલ્મનો રન ટાઇમ ૧૪૨.૦૧ મીનીટનો છે. આજના જમાનામાં જ્યારે લોકો ૨ કલાકથી વધારે ફિલ્મ સહન નથી કરી શકતા ત્યારે અઢી કલાક આસપાસની ફિલ્મ જો તમને બેસાડી રાખે તો તેનું એક કારણ છે ફિલ્મનો સ્ક્રીનપ્લે. સ્ક્રીનપ્લે એટલી સરસ રીતે ગૂંથવામાં આવ્યો છે કે ફિલ્મનું એક પણ દ્ગશ્ય પ્રસંગ વગરનું નથી. ફિલ્મની લવસ્ટોરી પણ મુખ્ય ફિલ્મને ડીસ્ટર્બ કરતી નથી કે ન તો ફિલ્મના ગીતો સ્ટોરીને રોકે છે. આ રીતે જ જો ફિલ્મની સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો એકથી એક ગોર્જીયસ દ્રશ્યો તમને જોવા મળશે. હેલીકોપ્ટર શોટ્સનો ખૂબ જ સારો ઉપયોગ થયો છે જે દ્ગશ્યની વિશાળતા લોકોને પકડી રાખે છે. એક ખોટો પ્રયત્ન ચોક્કસ છે કે વધુ પડતો ક્રેઇન, ટ્રૉલી અને જીમીનો ઉપયોગ ક્યાંક ખોટી રીતે ચાલતો લાગે અને ફિલ્મ કૅમેરાના નિયમોને તોડીને જ્યારે પાત્ર સામે આવતું હોય ત્યારે સાઇડ ટ્રૉલી ન ચાલે પણ અહીં ચાલી છે એમ છતા ડૂડલેની સિનેમેટોગ્રાફી સારી જ કહી શકાય....



        માત્ર એન્ટર્ટેઇન્મેન્ટ માટે બનેલી ફિલ્મ્સ આવી જ હોવી જોઈએ. એક મીનીટ માટે તમે સપનાઓની દુનિયામાં જતા રહેવા જો અને તો જ ફિલ્મ બૉક્સ ઓફીસ પર પણ ચાલે. ૫૫૦૦ સ્ક્રીનનું રીલીઝ એ ઓછું રીલીઝ નથી અને વળે તહેવારો એટલે આ ફિલ્મ ગુજરાતમાં તો ધૂમ મચાવશે જ એટલું તો નક્કી જ છે. અને વળી ફિલ્મ  ૪ સ્ટાર મનોરંજન તો છે જ...




પેકઅપ: 

’ઇબોલા વાઇરસનું નામ કદાચ ગુજરાતી સ્ત્રીઓના જાણીતા હથિયાર ’અબોલા પરથી રાખવામાં આવ્યું હશે!

Friday, 8 August 2014

એન્ટરટેઇન્મેન્ટ: બસ એજ નથી!










       વિદ્યા બાલનના મુખે બોલાયેલો ડાયલૉગ "ફિલ્મે સિર્ફ તીન ચીઝોં સે ચલતી હૈં, એન્ટરટેઇન્મેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ ઔર એન્ટરટેઇન્મેન્ટ" એટલો બધો પ્રખ્યાત થયો કે લગભગ બધાએ સાંભળ્યો હશે અને રીપીટ પણ કર્યો હશે. આ ડાયલૉગ પરથી જ કદાચ રમેશ તુરાણી અને જેન્તીલાલ ગડાને વિચાર આવ્યો હશે કે જો ફિલ્મનું નામ જ એન્ટરટેઇન્મેન્ટ રાખી દેવામાં આવે તો પછી ફિલ્મ ચાલશે જ પણ એ તો ભૂલી જ ગયા કે ફિલ્મમાં પણ એન્ટરટેઇન્મેન્ટની જરૂર પડે! માત્ર કૂતરાનું નામ એન્ટરટેઇન્મેન્ટ રાખી દેવાથી ફિલ્મનો કૉન્સેપ્ટ નવો નથી થઈ જતો. દર્શકો રૂપિયા ખર્ચે છે તો એન્ટરટેઇન્મેન્ટ માટે નહીં કે કોઈનું નામ એન્ટરટેઇન્મેન્ટ હોય એના માટે. ખૂબ લાંબા સમયથી ફિલ્મ પ્રમોટ થઈ રહ્યું છે છતા પણ જો ફિલ્મમાં કંઈ પણ ઘટતું હોય તો એ છે ’એન્ટરટેઇન્મેન્ટ’.....



        સાજીદ-ફરહાદની બેલડીનું આ પહેલું ડિરેક્શન છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની એન્ટ્રી ગીતકાર તરીકે થઈ હતી. ’મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’નું ’એમ. બોલેતો...’ ગીત એમનું લખેલું છે. ગીત માંથી સ્ટોરી તરફ વળવાનો પહેલો મોકો તેમને રામ ગોપાલ વર્માએ આપેલો. આ જોડીનું લખેલું પહેલું ફિલ્મ ’શિવા હતું. આ પછી તેમણે ’સન્ડે, ’ડબલ ધમાલ, ’ગોલમાલ રીટર્ન્સ, ’ઓલ ધ બેસ્ટ, ’હાઉસફૂલ, ’રેડ્ડી, ’ગોલમાલ ૩, ’ચશ્મે બદ્દુર, ’હિમ્મતવાલા, ’ચેન્નાઈ ઍક્સ્પ્રેસ જેવી ફિલ્મ્સ લખવાનો મોકો મળ્યો. ૧૫ ઓગસ્ટ રીલીઝ થતી ’સિંઘમ રીટર્ન્સ પણ એમની જ લખેલી છે. હવે ઉપરના લીસ્ટની ફિલ્મ્સ તમને ગમી હોય કે ન હોય પણ આમાંથી ઓછામાં ઓછી પાંચ ફિલ્મ્સ સો કરોડના આંકડાને વટાવી ચૂકી છે. તમે કેવું લખો છો કરતા કેવું ચાલે છે એ વધારે જરૂરી છે. સાજીદ-ફરહાદને થયું કે ચાલો જો આટલું બધું કર્યું તો પછી ડિરેક્શન પર પણ હાથ જમાવી લઈએ. કે. સુભાષની સ્ટોરી પર સ્ક્રીનપ્લે અને ડાયલૉગ આ જોડીએ જ લખ્યા છે માટે હવે તો બીજા પર દોષ મૂકી શકાય તેમ પણ નથી! ફિલ્મના નબળા ડિરેક્શનની ખબર તમને તરત જ પડી જશે અને ધીમે ધીમે તમે આશા રાખતા જશો કે કદાચ ક્યાંક સારો વળાંક લે પણ છેલ્લે તો હતાશ થઈને પૈસા પડી ગયાની લાગણી સાથે બહાર નીકળશો...



        અક્ષય કુમાર હજુ પણ પોતાની જાતને ફીટ રાખી શક્યો છે. અક્ષયને ખૂબ સારી રીતે ગાંડા કાઢતા આવડે છે પણ હવે જ્યારે ફિલ્મની કથા જ નબળી હોય ત્યારે અક્ષય પણ શું કરી શકે? તમન્નાહ ભાટિયા બોલીવુડ તરફ આવવા માંગે છે પણ કોણ જાણે કેમ એના નસીબમાં ફ્લોપ ફિલ્મ જ આવે છે. તમન્નાહનું ઓરીજીનલ નામ તમન્ના જ હતું પણ ન્યુમોરોલોજીના ચક્કરમાં તમન્નાહ કર્યું. ૧૩ વર્ષની ઉમરથી પૃથ્વી થિયેટર સાથે જોડાયેલી તમન્નાહની પહેલી ફિલ્મ ૨૦૦૫માં ’ચાંદ સા રોશન ચહેરા હતી પણ કોઈને ખબર ના રહી કે ક્યારે આવી અને ક્યારે જતી રહી. આ પછી તમન્નાહે નામ બદલાવી સાઉથની વાટ પકડી. તમન્નાહ ત્યાં તામિલ અને તેલુગુ બંને ઇન્ડસ્ટ્રીમાં સારુ નામ બનાવી શકી. સાજીદ ખાન સાથેના તેના સારા સંબંધોને કારણે સાજીદ લાંબા સમય પછી ’હિમ્મતવાલા માટે ફરી બોલીવુડ તરફ ખેંચી આવ્યો અને એ પછીની તેની જ બીજી ફિલ્મ ’હમશકલ્સમાં પણ તમન્નાહને રોલ આપ્યો. હાય રે નસીબ બંને ફ્લોપ! આ ફિલ્મ પણ ૯૯% તો ફ્લોપના લીસ્ટમાં વધારો કરશે જ...



        નાના નાના રોલ માટે ઘણા બધા કલાકારોને લાવવામાં આવ્યા છે. હ્રીતેષ દેશમુખ. હિતેન તેજવાણી, રેમો, શ્રેયસ તલપડે વગેરે પણ એ લોકોની તાકાત નથી કે ફિલ્મ તારી શકે કે ન તો એવડી મોટી ફેન ક્લબ પણ નથી કે કેમિયો રોલ માટે પણ લોકોમાં ક્રેઝ ઊભો થાય. દર્શન ઝરીવાલાને હિસ્સે ખૂબ નાનો રોલ છે પણ થોડીવાર માટે આવીને વેડફાયા છે. ક્રિષ્ના ફિલ્મ માટે ખૂબ વલખા મારતો હતો અને એના માટે સારી કહી શકાય એવી ઉપરાંત વધુ રોલ વાળી આ પહેલી ફિલ્મ છે. કૉમેડી સર્કસનો કીંગ અહીં બિલાડી બની ગયો છે. ’બોલ બચ્ચન પછી એના માટે સારો ચાન્સ કહી શકાય. જો કે લોકોને ખબર નહીં હોય કે ક્રિષ્ના આ પહેલા ’હમ તુમ ઔર મધર, ’ઔર પપ્પુ પાસ હો ગયા, ’જહાં જાયેગા હમે પાયેગા, ’દેશદ્રોહી, ’હુક ઔર કૃક જેવી ન જાણીતી ફિલ્મ્સ કરી ચૂક્યો છે. પ્રકાશ રાજ એક ગજાનો આર્ટિસ્ટ છે અને એ રીતે જ સોનુ સુદને પણ ખરાબ આર્ટિસ્ટ ન જ કહી શકાય. આ બંને કલાકારોને રીતસર એટલી હદે મૂર્ખ બતાવવામાં આવ્યા છે કે ફિલ્મ જોઈને તેમને પણ પોતાની જાત પર નીચું જોવા જેવું થશે. જહોની લીવર જેવો કલાકાર પણ ખાસ પર્ફૉર્મન્સ દેખાડી શક્યો નથી....

        કૉમેડી ફિલ્મમાં બે રીતે કૉમેડી પીરસવામાં આવે છે, એક સીચ્યુએશનલ કૉમેડી અને બીજી ડાયલૉગ કૉમેડી. અહીં બેય પ્રકારે કોશિશ કરવામાં આવી છે એટલે બાવાના બેય બગડ્યા છે. ફિલ્મની શરૂઆત જૂન ૨૦૧૩માં કરવામાં આવી હતી આ પછી બેંગકોકમાં ત્રણ મહિના લાંબું શેડ્યૂલ થાઇલેન્ડમાં કરવામાં આવ્યું. લગભગ ૯૦% શૂટીંગ થાઈલેન્ડ અને ખાસ કરીને બેંગકોકમાં કરવામાં આવ્યું છે. એપ્રિલ ૨૦૧૪માં બાકી રહેલું એક ગીત મુંબઈ શૂટ કરવામાં આવ્યું અને એ સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દેવામાં આવ્યું. ફિલ્મના ટ્રેઇલરની એક ખૂબી હોય છે કે એ જોઈને ફિલ્મ જોવાની ઇચ્છા થાય પણ સાથે ઑડિયન્સ માટે એટલું ખરાબ હોય છે કે ફિલ્મના ટ્રેઇલરમાં જે હોય છે એથી વધારે કંઈ જ નથી હોતું. તમે જો ’એન્ટરટેઇન્મેન્ટનું ટ્રેલર જોયું હોય તો કહી દઉં કે તેમાં જે કૉમેડી પંચ છે એટલાં જ સારા છે...



        ફિલ્મનું મ્યુઝિક સચીન-જીગરનું છે. મ્યુઝિકમાં કંઈ ખાસ ખાટી જવા જેવું નથી. કદાચ એ કારણે જ પાછળથી ’ડી.જે.નું બુલવા દો...’ ગીત ઉમેરવામાં આવ્યું અને છેલ્લે શૂટ કરવામાં આવ્યું. મને એક વિચાર સતત ખટકે છે કે કોઈ પણ ફિલ્મ બનાવતા પહેલા સ્ટોરી સીટીંગ થતું હોય છે ત્યારે જ કેમ કોઈ કહેવા વાળુ નહીં મળતું હોય કે આવી ફિલ્મ ન બનાવાય! ફિલ્મની વાર્તા ખૂબ જ સીધી સાદી છે. કરોડપતિ બાપના દીકરા હોવાની અક્ષય કુમારને ખબર પડતા જ ૩૦૦૦ કરોડની સંપતી હડપવા બેંગકોક પહોંચી જાય છે ત્યારે ખબર પડે છે કે સંપતી તો કૂતરાના નામ પર કરી દેવામાં આવી છે. હવે કૂતરાને મારવાના પેતરા શરૂ થાય છે અને ધરાર કૉમેડી ઊભી કરવાની કોશિશ કરવામાં આવે છે. કૂતરું અક્ષય કુમારનો જીવ બચાવે પછી ભાઈને પસ્તાવો થાય ત્યાં સેકન્ડ કઝીન્સ એટલે કે પ્રકાશ રાજ અને સોનુ સુદ પ્રૉપર્ટી પચાવી પાડે. અક્ષય કુમાર એન્ડ ગૃપ મળીને આ પ્રૉપર્ટી પાછી લેવા મહેનત કરે અને અંતે ખાધું પીધુને રાજ કર્યું. કૂતરાની ભૂમિકામાં જુનિયર નામનું ગોલ્ડન રીટ્રીવર છે જેનું ફિલ્મમાં નામ એન્ટરટાઇન્મેન્ટ છે. અંત તો એટલી હદે ખરાબ બનાવ્યો છે કે રડવાને બદલે દયા આવી જાય છે. કૂતરો અક્ષય કુમારને લાગતી ગોળી વચ્ચે પડીને પોતે ખમી લે. કુતરાના શ્વાસ બંધ થઈ ગયા હોય ત્યારે મુક્કો મારે અને કૂતરાનું હ્રદય ફરી ધડકવા લાગે. તમે જો તમારી ધડકન સલામત રાખવા માગતા હો તો આ ૨ સ્ટારથી વધારે ડીઝર્વ ન કરતા ફિલ્મ માટે ખર્ચ કરતા પહેલા વિચાર કરજો....





પેકઅપ:

"સાજીદ-ફરહાદ સર તમારી ફિલ્મમાં સૌથી સારી એક્ટીંગ કોની રહી?"
સાજીદ-ફરહાદ: "કૂતરાની"