Friday, 12 July 2013

ભાગ મીલ્ખા ભાગ: દોડતું મનોરંજન





       માણસ માત્રને જીત ગમે છે અને એમાં પણ જે દેશનો નાગરિક હોય એ દેશને પોતાની જીત જોવી તો અનહદ ગમે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ્સ પર જેટલાં સારા સર્જકોની ફિલ્મ આવી છે એને આવકાર મળ્યો જ છે. અમુક ફિલ્મ્સ તો હદ બહાર સફળ ગઈ છે. ’જો જીતા વહી સિકંદરમાં માત્ર એક સાઈકલ રેસ પર પણ લોકો આફરીન પોકારી ગયા હતા અને એજ કારણથી આમિર ખાનને ’લગાન બનાવી હતી. શાહરૂખ ખાનને જો કોઈ ફિલ્મમાં જોવો ગમ્યો હોય તો ’ચક દે ઇન્ડિયામાં અને એ પણ સ્પોર્ટ્સ પરની જ ફિલ્મ. ખેલને લઈને ઘણી ફિલ્મ્સ બની છે પણ જ્યારે સારા સર્જકે ફિલ્મ બનાવી ત્યારે ફિલ્મ વખાણવા લાયક જ રહી છે. રાકેશ મહેરા પણ કંઈક આવા જ સર્જક છે. આમ તો આ ફિલ્મને બાયો ઇપીક જ કહી શકાય તો પણ વાત તો આખરે સ્પોર્ટ્સની જ છે. ખૂબ મહેનતના અંતે બહાર આવેલી ફિલ્મ ’ભાગ મીલ્ખા ભાગ એટલે સતત દોડતું મનોરંજન અને એ પણ પૂરતી લાગણીઓ સાથે...


        ફિલ્મના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાસ મહેરાની જીવન કહાની પણ ફિલ્મ જેવી જ છે. એમના જીવનની શરૂઆત કે કેરિયરની શરૂઆતમાં તેઓ યુરેકા ફોર્બ્સના વેક્યૂમ ક્લિનર વેચતા. ૧૯૮૬માં તેમણે ફ્લીક્સ મોશન પિક્ચર પ્રા.લી.ની સ્થાપના કરી. એમણે કોક, પેપ્સી, ટોયોટા, બીપીએલ જેવી ઘણી બધી કંપનીઓની જાહેરાત ડિરેક્ટ કરી અને ખરા અર્થમાં બોલીવુડ સાથે જોડાવવાનો મોકો મળ્યો અમિતાભ બચ્ચનના મ્યુઝિક આલબમ ’એબી બેબીથી. આ આલબમ એમણે ડિરેક્ટ કર્યું. એમની પહેલી ફિલ્મ ’અક્સ હતી. આ ફિલ્મ ખૂબ સારી હતી પણ બૉક્સ ઓફીસ પર જાદુ ન જમાવી શકી. રાકેશ પોતે સારા લેખક પણ છે. વી.પી. સિંઘે મંડલ કમિશનની સ્થાપના કરી ત્યારથી દેશ પ્રત્યેના પ્રેમ અને અણગમા વચ્ચે તેમને એક સ્ક્રીપ્ટ લખવાનું મન થયું. આ સ્ક્રીપ્ટ એટલે ’રંગ દે બસંતી આ ફિલ્મ ફિલ્મફેર એવૉર્ડ, નેશનલ એવૉર્ડ, બાફટા એવૉર્ડ અને સૌથી વધુ ક્રેડિટ એ કહી શકાય કે ઓસ્કારમાં બેસ્ટ ફોરેન લૅન્ગ્વેજ ફિલ્મ તરીકે ઓફીશિયલ એન્ટ્રી. રાતોરાત લોકો રાકેશને ઓળખવા લાગ્યા. આ પછી એમણે ’દિલ્હી 6’ ડિરેક્ટ કરી. આ ફિલ્મ પણ વધુ ચાલી નહીં પણ એક સારા ક્રિએશન તરીકે ચોક્કસ વખાણવી જ પડે. આ પછીની એમની ફિલ્મ એટલે ’ભાગ મીલ્ખા ભાગ ખૂબ જ સારુ ડિરેક્શન અને ખૂબ સારી માવજત પણ એમની એક આગવી સ્ટાઇલ મુજબ ફિલ્મ નાની હોય જ નહીં. આ ફિલ્મનો રન ટાઇમ ૧૮૯ મીનીટનો છે! એટલે ત્રણ કલાક ૯ મીનીટની ફિલ્મ. આટલાં લાંબા રન ટાઇમ છતા ઇન્ટરવલ પછીના થોડા સમયમાં એવું લાગે કે ફિલ્મ થોડી ખેંચી રહ્યા છે છતા ખરાબ ડિરેક્શન તો કહી જ ન શકાય. 


        રાકેશ મહેરાનું સ્ટેટમેન્ટ અગાઉથી જ હતું કે "આ ફિલ્મ લખવા માટે અઢી વર્ષ થયા, નેશનલ એવૉર્ડ વિનર પસુન્ન જોષીએ સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખ્યા પણ મીલ્ખાનો રોલ કોણ કરશે? આ વિચારે મને રાતોની રાત ઊંઘવા નથી દીધો" હાં અને એ વાત પણ એટલી જ સાચી છે કે આ રોલ માટે તમે ફરહાન અખ્તર સિવાય બીજા કોઈ પણને વિચારો તો નજર પડી જ ન શકે. ફરહાને આ પાત્ર માટે કરેલી મહેનત સતત અખબારોમાં નોંધાતી રહી છે. ફરહાને ક્યાંય પણ ડુપ્લીકેટ વાપર્યો નથી. ફરહાને પોતે જીમમાં જઈ એટલી હદે મહેનત કરી છે કે ફિલ્મમાં ફરહાનનું બોડી જોતા જ ખબર પડે છે. ફરહાન પોતે પણ કહે છે કે "મેં મારી દોડવાની સ્ટાઇલમાં ફેરફાર કર્યો, મારે મારી સ્ટેમીના વધારવાની હતી પણ અમે જે કરતા હતા એ ફિલ્મને કંઈક સારુ આપવાનો ઇરાદો હતો" ફરહાને સાચે જ ફિલ્મને ઘણું આપ્યું છે. ફરહાને ફિલ્મમાં ત્રણ ચાર જગ્યા પર સોલો લોકી કરી છે એટલે કે સ્વ અભિનય. હાં ત્રણ-ચાર વાર માંથી એકાદવાર નબળો લાગે છે તો પણ ખૂબ જ સારુ કહી શકાય એવું એક્ટીંગ. સોનમ કપુરના ભાગે કંઈ ખાસ કામ ન હતું તો પણ સોનમનું નામ સફળ ફિલ્મ્સ સાથે જોડાવા લાગ્યું છે. સાંભળ્યું છે કે આ ફિલ્મ માત્ર ૧૧ રૂપિયામાં સોનમે સાઇન કરી હતી. ફિલ્મમાં સોનમ ઉપરાંત બે અન્ય હીરોઇન છે. રબૈકા બ્રીડ્સ એક સારી મોડેલ છે. ઑસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકામાં પણ ઘણી ટેલિવિઝન એડ કરી ચૂકી છે. લગભગ ૨૦૦૦ની આસપાસ ટેલિવિઝન સિરીઝ ’વોટર રેટ્સ વખણાયેલી શ્રેણી હતી. રબૈકાએ નાનો છતા સરસ રોલ કર્યો છે. રબૈકા ઉપરાંત પાકિસ્તાની મીશા શફી છે. મીશા બોલીવુડની એક ફિલ્મ ’ધ રેલ્યુકંટ ફંડામેન્ટાલીસ્ટ અને ઉર્દૂ ફિલ્મ ’વાર કરી ચૂકી છે. મીશા સારી સિંગર પણ છે. જો તમને યાદ હોય તો એમ.ટી.વી. કોક સ્ટુડિયો પર મીશાના ચાર ગીતો આવેલા હતા. મીશાનું આલબમ ’જુગની પણ હીટ આલબમ હતું. આમ તો ફિલ્મમાં ઘણા પાત્રો છે અને બધા જ સારુ કામ કરી શક્યા છે પણ રાકેશ મેહરાની માનીતી કલાકાર દિવ્યા દત્તાનો રોલ અદભૂત રોલ છે. દિવ્યા દત્તાના ભાગે ઘણા ઇમોશન દ્ગશ્યો છે અને સાંભળવા મુજબ ફિલ્મમાં દિવ્યાએ ક્યાંય આંસુ સારવા ગ્લિસરીનનો ઉપયોગ નથી કર્યો. ફિલ્મનો આવો જ એક નાનો રોલ હીકારુએ ભજવ્યો છે. આર્મીમાં સ્ત્રી જેવું બોલતો હીકારુ આમ તો બેઝ બોલ પ્લેયર છે પણ ફિલ્મ જોતા લાગ્યું કે એ બેઝબોલ કરતા એક્ટીંગ વધુ સારુ કરી શકે છે. પ્રકાશ રાજ એટલે આમ તો વિલન પણ અહીં મીલ્ટ્રી કોચ અને પોઝીટીવ કૅરેક્ટરમાં છે. એમના એક્ટીંગ માટે તો ક્યાં કંઈ કહેવું જ પડે? આ રીતે જ પવન મલ્હોત્રા સાથે તો હું કામ કરી ચૂક્યો છું એટલે એટલું જ કહીશ કે પવનને જે કામ આપવામાં આવે એ પુરી વફાદારીથી નિભાવે છે. ફરહાનના કોચના પાત્રમાં યોગરાજ સિંઘ છે. યોગરાજ આપણા ભારતની ટીમના જૂના ક્રિકેટર છે. યોગરાજ ભારત તરફથી ૧ ટેસ્ટ અને ૬ વનડે રમી ચૂક્યા છે. જો કે ફિલ્મ પ્રત્યે એમનો લગાવ વર્ષો જૂનો છે. છેક ૧૯૮૩થી ફિલ્મ સાથે જોડાયેલા છે અને ઘણી ફિલ્મ્સ કરી ચૂક્યા છે. મીલ્ખાના પિતાની ભૂમિકામાં આર્ટ મલ્લીક છે. આમ તો પોતે ડૉક્ટર છે પણ સ્ટેજના શોખીન હોવાથી ફિલ્મ ક્ષેત્રે પણ એટલાં જ સક્રિય છે.


        ફિલ્મ ૧૯૬૦ના દાયકાની છે માટે ફિલ્મને એક સમયની વાત તરીકે રજૂ કરવી હોય ત્યારે આર્ટ ડિરેક્ટરનું કામ વધી જાય. વખાણવા લાયક વાત એ છે કે ક્યાંય પણ એક પણ એવી પ્રૉપર્ટી નજર નથી આવતી કે તમે કહી શકો આ ફિલ્મ ૨૦૧૨-૧૩માં બની હશે. હાં ફિલ્મની એક માત્ર નબળી વાત હોય તો એ કે મીલ્ખા સિંઘની મહેનતની માનસિક તૈયારી પછી સતત મીલ્ખાને તૈયારી કરતો બતાવી તેમાં સમય બગાડવો એ ફિલ્મને સહેજ લેન્ધી બનાવી દે છે. જેમ કે મીલ્ખા મહેનત કરે ત્યારે પરસેવાથી ટમલર ભરે છે અને પછી ડોલ ભરે છે. આ વાત વારંવાર બતાવવાની જરૂર મને નથી લાગતી. આ રીતે જ મીલ્ખાને વિશ્વ રેકૉર્ડ તોડવા માટે કરાવવામાં આવતી તૈયારી લગભગ ૧૫ મીનીટ ચાલે છે. ફિલ્મનું મ્યુઝિક શંકર-ઇશાન-લોયનું છે. સોંગ સંઘરવા લાયક છે. ફિલ્મના એક ગીત ’મસ્તો કા ઝુંડમાં વપરાતા શબ્દ ’હવન કરેંગે માટે ગોવામાં પંગો થયો હતો. ’હિન્દુ જન જાગૃતિ સમિતિએ બબાલ મચાવી હતી પણ આખરે તો સૌ સારવાના થયા. ફિલ્મ માટે ડિરેક્ટરનું એક વખતનું સ્ટેટમેન્ટ હતું કે આ બાયો ઇપીક છે જ્યારે લેખક પ્રસુન્ન જોષીએ આ વાત પર ઘણા ખુલાસા મીડિયા સામે કર્યા છે. જેમ કે આ માત્ર બાયો ઇપીક નથી, માત્ર પ્રેરણા છે, ફિલ્મને ઇન્ટરેસ્ટિંગ બનાવવા ઘણા ફેરફારો કર્યા છે, મુખ્ય ધ્યેય લોકોને સ્પોર્ટ્સ માટે જાગૃત કરવા જેવા ઘણા સ્ટેટમેન્ટ આપ્યા તો પણ એમના ડાયલોગ્ઝ કે સ્ક્રીનપ્લે માટે વાહ કહેવું જ પડે. ફિલ્મના અંત પહેલાનો એક ડાયલૉગ પાકિસ્તાની કોચ બોલે છે " મીલ્ખા યે તુમ્હારે જીવન કી આખરી દૌડ હો શકતી હૈં" જેના જવાબમાં મીલ્ખા કહે છે કે "દૌડુંગા ભી ઉસ તરહ"

        ફિલ્મ લગભગ ૩૦ મીનીટ જેટલી ટૂંકી કરી શકાણી હોત એમ છતા ફિલ્મ અચૂક જોવા જેવી છે જ. ફિલ્મ બનાવવામાં ખૂબ સમય લાગ્યો છે પણ વસૂલ છે. આ ફિલ્મની લંબાઈના માર્કને કાપીએ તો પણ ૩.૫ સ્ટાર તો આપવા જ પડે. આ રવિવારે ફ્રી હો તો ચોક્કસ જોઈ લેજો...





પેકઅપ:

"બદરીનાથ જઈને પરત ફરેલા ભડભાદરો હવે ભવનાથ જવાની પણ ના પાડે છે!"

3 comments:

  1. Salil Dalal (Toronto)12 July 2013 at 08:02

    પ્રિય સૅમ,
    રાબેતા મુજબ જ આજે પણ નવી રજૂ થયેલી ફિલ્મનો રિવ્યુ જોયો અને તારા ડીટેઇલીંગ માટે ફરીથી અભિનંદન! (દર વખતે કૉમ્પ્લીમૅન્ટ્સ ક્યાં આપ્યા કરું?)

    ReplyDelete
  2. @Salil Sir,

    આપ ભૂલ હોય ત્યારે ધ્યાન દોરશો એવી ખાતરી છે તો પણ આપની કોમેન્ટ જ્યારે આવે ત્યારે ચહેરો ચોક્કસ ફુલાય જાય છે :) હ્રદયથી આભાર...

    સેમ

    ReplyDelete
  3. ફિલ્મનો આનંદ ટૂંક સમયમાં માણીશું..અત્યારે તો રીવ્યુ વાંચવાની મઝા માણી.....

    ReplyDelete