Friday, 5 July 2013

લૂટેરા: ખેંચી ખેંચીને પણ ન ખેંચાયું







       લીયો ટોલ્સ્ટૉય અને ઓહેનરીની ટૂંકી વાર્તાઓ અતિ લોકપ્રિય રહી છે. લીયો ટોલ્સ્ટૉય અને ઓહેનરી લગભગ એક જ ગાળાના લેખકો. બંનેના જીવનનો અંત ૧૯૧૦માં આવ્યો પણ એમણે લખેલી દરેક ટૂંકી વાર્તાઓ અતિ અતિ સુંદર રહી છે. આમ જુઓ તો લીયો ટોલ્સ્ટૉય રશિયન લેખક હતા અને ઓહેનરી અમેરિકન લેખક હતા પણ બંનેની કૃતિઓમાં સામ્યતા એ હતી કે ભારોભાર લાગણીથી ભરેલી વાર્તાઓ લખતા. આ બંને લેખકો પર ઘણા રિસર્ચ થયા છે અને એવા પણ અભિપ્રાયો આવ્યા છે કે એમની વાર્તાઓ મેલોડ્રામા જેવી હતી પણ જ્યાં સુધી મેં વાંચ્યા છે ત્યાં સુધી હું અદભૂત વાર્તાના સર્જકો કહીશ. ઓહેનરીની વિશ્વ વિખ્યાત વાર્તા "ધ લાસ્ટ લીફ" જે સમયે દૂરદર્શનનો દબદબો હતો એ સમયે જોયેલી. દૂરદર્શન પર આવતી ’એક કહાનીમાં આ વાર્તા પરથી એક એપીસોડ તૈયાર થયો હતો. એક એપીસોડ એટલે લગભગ ૨૨ થી ૨૪ મીનીટ. હવે જો આ ૨૨ થી ૨૪ મીનીટની વાતને આખી એક ફિલ્મ સ્વરૂપે રજૂ કરવી હોય તો ખેંચવી તો પડે જ. ફિલ્મનો સમયગાળો ૧૯૫૦ થી ૧૯૫૪નો બતાવવામાં આવ્યો છે. સમય જૂનો થયો એ સાથે ફિલ્મની પેસ પણ એટલી ધીમી પડી ગઈ કે ફિલ્મ ખેંચી ખેંચીને ખેંચી તો પણ ના ખેંચાણી!


        એક આશ્ચર્ય જનક વાત એ રહી છે કે એક ડિરેક્ટર જે પહેલી ખૂબ સારી ફિલ્મ આપી ચૂક્યો હોય એ બીજી ફિલ્મમાં મોટાભાગે માર ખાય જાય છે. આ ફિલ્મ વિક્રમાદિત્ય મોટવાને ડિરેક્ટ કરી હતી. વિક્રમાદિત્યની આગલી ફિલ્મ હતી ’ઉડાન. આ ફિલ્મ આવતાંની સાથે જ હીન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમાદિત્યનું નામ ગાજવા લાગ્યું હતું. ’ઉડાનને ૭ ફિલ્મફેર એવૉર્ડ મળ્યા હતા. આ ફિલ્મ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્થાન પામી હતી. વિક્રમાદિત્ય આ પહેલા ઘણી ફિલ્મ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી ચૂક્યા હતા. સંજય લીલા ભણસાલીની ’હમ દિલ દે ચૂકે સનમમાં પણ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. અનુરાગ સાથે વિક્રમાદિત્યની સારી દોસ્તી એટલે ’ઉડાન’ અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી. ’ઉડાનમાટે એમને મળેલા એવોર્ડ્સ પછી એક મોટા બજેટની ફિલ્મની હિંમત કરશે જ એવી આશા હતી અને બાલાજી મોશન પીક્ચર્સે હાથ પકડી લીધો. દરેક ડિરેક્ટરની એક આગવી સ્ટાઇલ હોય છે એ સ્ટાઇલ મુજબ જ જેમ એમની આગલી ફિલ્મ ધીમી ગતિએ ચાલી જતી હતી એવું જ આ ફિલ્મમાં પણ થયું જેને કારણે ફિલ્મ પર લગભગ પાણી ફરી વળ્યું છે!


        રણવીર સિંઘ માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો હતો. રણવીરની પહેલી ફિલ્મ ’બેન્ડ બાજા બારાત યશરાજ બૅનર હેઠળ હતી. રણવીર માટે પણ એની પહેલી ફિલ્મ ખાસ રહી. રણવીરને આ ફિલ્મ યશરાજમાં ઓડીશન આપીને મળી હતી. આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુટ મેલ આર્ટીસ્ટનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ લગભગ ૭ જેટલા એવૉર્ડ મળ્યા અને ભાઈ એક સાથે જ બ્રાન્ડ બની ગયા. આ પછી તરત જ રણવીરને ’લેડીઝ વર્સિસ રીક્કી બહેલમળી જો કે આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર કોઈ ખાસ અસર છોડી શકી ન હતી અને એ પછીની ’બોમ્બે ટૉકીઝ તો પ્રયોગાત્મક ફિલ્મ હતી એટલે ખાસ ગણકારવામાં ન આવી. રણવીરે ફિલ્મમાં મહેનત કરી છે પણ વાર્તા જ કંઈ ઉકાળી શકે એમ ન હતી તો રણવીર પણ શું કરી શકે? સોનાક્ષીના નામ સાથે જ સફળતા જોડાયેલી છે. સોનાક્ષીનું કોઈ પણ ફિલ્મ હોય સુપર હીટ જ હોય પણ આ ફિલ્મથી કદાચ આ ટ્રેન્ડ ફરે. સોનાક્ષી સફળતા સાથે શરીર વધારતી જાય છે. સોનાક્ષીને હતું કે આ ફિલ્મમાં તેને એક્ટીંગનો પૂરતો સ્કોપ મળશે અને હતો પણ ખરો તો પણ સોનાક્ષી સિરિયસ રોલ કરતા ચુલબુલી જ સારી લાગે છે. આ બે મુખ્ય પાત્રો ઉપરાંત સોનાક્ષીની ફ્રેન્ડના પાત્રમાં શાહીન ગુહા છે અને રણવીરના ફ્રેન્ડના પાત્રમાં વિક્રાંત મેસી છે. વિક્રાંત આ પહેલા ’ધરમ વિર સિરિયલમાં ધરમના પાત્રમાં હતો. આ ઉપરાંત વિક્રાંતની ’બાલિકા બધુ પણ સારી સિરિયલ હતી. બંને સાઇડ આર્ટિસ્ટ સારા છે. આરીફ ઝકારીયા તો ઘણી ફિલ્મ અને સિરિયલનો અનુભવ ધરાવે છે એટલે નાના પાત્રમાં પણ સારુ કામ દેખાડી શક્યો છે. આરીફનું ખરું એક્ટીંગ જોવું હોય તો ’દરમિંયા જોઈ લેવું. ફિલ્મમાં ઇન્સ્પેક્ટરના પાત્રમાં આદિલ હુશેન છે. આદિલ હુશેન ધીમેધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારો એવો પગ પેસારો કરતા જાય છે. આદિલ ’કમીને, ’ઇશ્કીંયા, ’ઇંગ્લિશ વિંગ્લીશ ઉપરાંત ’લાઇફ ઑફ પાઇ જેવી ઓસ્કાર વિનર ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. જો કે આ ફિલ્મમાં એમના હીસ્સે કંઈ ખાસ કરવાનું નહોતું. 


        ફિલ્મના લેખનને નબળું જ કહેવું પડે નહિતર એક પણ આર્ટિસ્ટ નબળા નથી. વિક્રમાદિત્યએ સ્ક્રીનપ્લે લખ્યા છે અને ડાયલોગ્ઝ અનુરાગ કશ્યપના છે. ભવાની ઐયરે સ્ક્રીનપ્લે લખવામાં વિક્રમાદિત્યની મદદ કરી છે. બૂક પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે પણ આ અંગે ખુલાસો આપતા વિક્રમાદિત્યે કહ્યું કે " મેં આ ફિલ્મ ૨૦૦૫માં લખી હતી એટલે હું ટ્રેન્ડને ફોલોવ નથી કરતો. તમે મોટાભાગે જૂની ફિલ્મ્સ રીમેક કરો છો અથવા સાઉથની ફિલ્મ્સ માંથી ઉઠાંતરી કરો છો પણ બૂક માંથી ફિલ્મ ભાગ્યે જ બને છે. ’કાય પો છેએટલે બની કેમ કે એ બનાવવી શક્ય હતી. હું અશક્ય વાત પર કામ કરી રહ્યો છું" વાત પણ સાચી છે ૨૦ મીનીટની વાતને ૨.૨૦ કલાક ખેંચવી એટલે અશક્ય જ છે! વિક્રમાદિત્યે સમયગાળા પર ખાસ ધ્યાન રાખ્યું છે. એ સમયની ગાડી, એ સમયનું ફર્નિચર, એ સમયનો પહેરવેશ વગેરે પણ સ્ટોરી પરથી ધ્યાન હટી ગયું છે!. રણવીરને દેવ આનંદ જેવો દેખાડવા પણ પ્રયત્ન કર્યો છે. જો કે આ ફિલ્મના ઇન્ટરવલ પહેલાના ભાગને ’ધ લાસ્ટ લીફસાથે કંઈ જ લાગતું વળગતું નથી અને જો સાચું કહું તો બીજા ભાગને પણ... ક્યાં એ વાર્તા અને ક્યાં આ!


        ફિલ્મમાં જો કોઈ વખાણવા લાયક વાત હોય તો ફિલ્મનું મ્યુઝિક અને ફિલ્મની સિનેમેટોગ્રાફી. હાં ફરી મ્યુઝિક છે અમીત ત્રીવેદીનું. અત્યારના સર્જકો માંનો ખાસ સર્જક. બેંગોલી બૅકગ્રાઉન્ડથી લઈને લાગણી સભર ગીતોનું કંપોઝીશન વખાણવું જ પડે એમ છે. એ રીતે જ ફિલ્મની સિનેમેટોગ્રાફી મહેન્દ્ર શેટ્ટીએ કરી છે. આ પહેલા એમના કૅમેરાની કમાલ ’ઉડાનઅને ’સુપરસ્ટારમાં જોઈ હતી. ફિલ્મનો નિયમ છે કે જેટલા સારા કટ્સ એટલી સારી સિનેમેટોગ્રાફી. મહેન્દ્રનો કેમેરો સતત ફરતો રહે છે. જાજરમાન દ્ગશ્યો શૂટ કરીને એમણે એમની આવડત બતાવી છે તો પણ ફરી ફરીને ત્યાં જ કે આટલાં સારા લોકેશન અને સિનેમેટોગ્રાફી છતાં ફિલ્મ કંટાળો અપાવે છે. સ્ટારની વાત કરીએ તો ૨ સ્ટાર આપીને સંતોષ માની લઈએ....





પેકઅપ:

"લૂટેરા" ટાઇટલ કદાચ કોઈ પોલીટીકલ પક્ષ પરથી ઇન્સ્પાયર થયેલું હોય એવું નથી લાગતું?

No comments:

Post a Comment