Friday, 13 February 2015

રોય: ટીકીટના રૂપિયા માટે રોઈ લેવું



       



        એક હ્યુમન સાયકોલોજી મુજબ હું એક સમયે પ્રખ્યાત વ્યક્તિ હોઉં અને સમય જતા મને લોકો વીસરવા લાગે, કોઈ સારા ફંકશન કે કોઈ પ્રવૃત્તિમાં બોલાવવામાં ન આવે અને અચાનક જ તેને કોઈ એક પ્રોગ્રામનું આમંત્રણ મળે, એટલું જ નહીં પણ આ ઉપરાંત તેને મુખ્ય અતિથિ તરીકે માઇક પણ સોંપી દેવામાં આવે ત્યારે તે વ્યક્તિનું બોલવાનું ખૂટે જ નહીં, જાણે તેણે એક જ વારમાં જિંદગીના બધા જ અનુભવો કહી દેવા હોય પણ સામે બેઠેલ ઓડિયન્સને આ વાત સાંભળવામાં જરા પણ રસ ન હોય એટલે આખરે તો ઑડિયન્સ પર જ સહન કરવાનું આવે! આવું જ કંઈક પોતાના જીવનના પહેલા ડિરેક્શન માટે વિક્રમજીત સિંઘનું પણ થયું છે. તેમને પોતાની પાસે હોય એટલું આર્ટ એક જ ફિલ્મમાં બતાવી દેવાની કોશિશ કરી છે અને પહેલી ફિલ્મથી જ તેમણે મહાન બની જવું હતું પણ અફસોસ એ થયો કે તેમની વાર્તા જે તેમણે જ લખેલી હતી એ એટલી નબળી હતી કે પ્રેક્ષક તરીકે તમારે તો તમારા ખર્ચેલા રૂપિયા માટે રોઈ લેવું જ પડશે...



        ફિલ્મના કલાકારોની વાત કરો તો એક પણ નબળો કલાકાર નથી. ફિલ્મ અર્જૂન રામપાલ પર ચાલે છે અને એ જે ફિલ્મ બનાવી રહ્યો છે કે તેની વાર્તા છે એ રણબીર કપૂર પર ચાલે છે. અર્જૂન રામપાલ ૪૩ વર્ષના થયા પણ તેની ફીટનેસ આજે પણ બરકરાર છે. અર્જૂન મોડેલ તો હતા જ અને ૨૦૦૧માં તેની પ્રથમ ફિલ્મ આવી ’પ્યાર ઇશ્ક ઔર મહોબ્બત". પહેલી જ ફિલ્મ માટે તેને અન્ય એવોર્ડ્સ ઉપરાંત બેસ્ટ ડેબ્યુ મેલ તરીકે ફિલ્મફેર પણ જીત્યો. આ પછી તો અર્જૂન રામપાલને ઘણા એવોર્ડ્સ મળ્યા છે અને ઘણી ફિલ્મ્સ છે જેમાં તેનું ક્લાસ એક્ટીંગ પણ જોયું છે. ૨૦૦૫માં અર્જૂને પોતાની પ્રોડક્શન કંપની ’ચેઝીંગ ગણેશા ફિલ્મ્સ નામથી શરૂ કરી અને પહેલું ફિલ્મ ૨૦૦૬માં ’સી યુ રીલીઝ કર્યું. ફિલ્મ ભલે ખાસ ચાલી નહીં પણ અર્જૂન રામપાલનું નામ પ્રોડ્યૂસર તરીકે પણ લેવામાં આવવા લાગ્યું. અર્જૂન પાસે આ ફિલ્મમાં એક્ટીંગનો પૂરો સ્કોપ હતો અને પોતાના પાત્રને ન્યાય આપવા પણ પૂરો પ્રયાસ કર્યો છે. અર્જૂન જે ફિલ્મમાં ફિલ્મ લખી રહ્યો છે એ છે રોય નામના એક ચોરની અને આ પૅરેલલ ચાલતી ફિલ્મનો રોય એટલે રણબીર કપૂર. રણબીરની ત્રણ પેઢી એક્ટીંગ સાથે સંકળાયેલી હોય ત્યારે એક્ટીંગ તો બ્લડમાં જ આવે. જો કે રણબીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’બ્લેકના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મૂક્યો. તેની પહેલી ફિલ્મ પણ સંજય લીલા સાથે જ હતી ’સાવરિયાં. આ ફિલ્મ જોઈને ઘણા નારાજ થયા હતા પણ ’વેક અપ શીદ જોઈને થયું કે બંદામાં દમ તો છે. આ પછીની તેની બધી જ ફિલ્મ્સ એક લેવલની રહી છે, ખાસ કરીને ’રોકેટ સિંઘ, ’રાજનિતી, ’રોક સ્ટાર, ’બરફી કે પછી ’યહ જવાની હૈ દિવાની કોઈ પણ ફિલ્મ રણબીરના નામ પર ચાલી જાય. આટલાં નાના અને કોઈ પણ પ્રકારના મહત્વ વગરના પાત્રની ’રોયમાં રણબીરે કેમ હા પાડી હશે એ જ આશ્ચર્ય છે!  આ બંને પાત્રો સામે હીરોઇન તરીકે જેક્લીન ફ્ર્નાડીશ છે. મીસ શ્રીલંકા રહી ચૂકેલી અને ૨૦૦૬માં મીસ યુનિવર્સ બનેલી જેક્લીનની પહેલી ફિલ્મ ’અલાદીન હતી. આ ફિલ્મ માટે તેણે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એવૉર્ડમાં બેસ્ટ ડેબ્યુ ફીમેલ એવૉર્ડ પણ મળ્યો. જેક્લીન ને ઘણી જાણીતી ફિલ્મ્સ જેમ કે ’હાઉસફૂલ, ’હાઉસફૂલ ૨, રેસ ૨ મળી પણ સલમાનની ’કીક સાથે તેના દિવસો બદલાય ગયા છે. સાંભળવા મળ્યું છે હોલીવુડની ફિલ્મ ’ડેફીનેશન ઑફ ફીયર અન્ડર પ્રોડક્શન છે. અનુપમ ખેરને પણ એક નાનો રોલ અર્જૂનના પિતા તરીકે આપવામાં આવ્યો છે. લિજેન્ડ કહી શકાય એવા અનુપમ સર પાસેથી પણ ખાસ કામ નથી લઈ શકાયું. લગભગ ૧૦૦ ઉપર ફિલ્મ કરી ચૂકેલા અનુપમ સાહેબ માત્ર હિન્દી જ નહીં અંગ્રેજી ફિલ્મ્સ પણ કરી ચૂક્યા છે. ૧૯૮૨માં તેમની બે ફિલ્મ્સ ’આગમન અને ’સારાંશ આવી હતી અને પહેલી ફિલ્મથી જ તેમની બોલીવુડ પર પક્કડ રહી છે. શિવાની દાંડેકરનું કદાચ આ પહેલું ફિલ્મ છે. શિવાની સિંગર હોવા ઉપરાંત ’ઝલક દીખલાજા ૫, ’મીશન કવર શોટ, ’સ્ટાઇલ એન્ડ સીટી જેવા ઘણા શો હોસ્ટ કરી ચૂકી છે. રજત કપૂર જેવા એક્ટરને પણ નાના રોલમાં લઈને વેડફવામાં આવ્યા છે....


        ફિલ્મનો રનટાઇમ ૧૪૭ મીનીટનો છે અને ફૂલ ઑડિયન્સ સાથે શરૂ થયેલા ફિલ્મનો અંત જોવા માત્ર ૨૦ કે ૨૫ વ્યક્તિ વધ્યા હતા! આ વાત જ સાબિત કરે છે કે ફિલ્મ સહન કરવાની લોકોની લીમીટ પૂરી થઈ જાય ત્યાં સુધી ફિલ્મને ખેંચવામાં આવી છે. ફિલ્મની વાર્તા એટલી ખરાબ છે કે ઇન્ટરવલ સુધી અર્જૂનની પોતાની વ્યથા કે પોતે લખી નથી શકતો અને ફિલ્મ શૂટ કરવાનો સમય થાય છે અને પૅરેલલ રણબીર કપૂરને ચોર તરીકે બતાવી ફિલ્મ ચાલતી થાય છે. કોઈ પણ વ્યક્તિ સમજી નહોતું શકતું કે ફિલ્મ ક્યાં જઈ રહી છે. ડિરેક્ટર તરીકે વિક્રમજીતને એટલું પણ નથી સમજાયું કે વાત માંડતા પહેલા ક્લિયર કરવી જોઈએ કેમ કે ઇન્ટેલીજન્ટ ઑડિયન્સ જે સમજી શકે એ માત્ર ૧૦% થી વધારે નથી હોતી. એક ચોરની વાર્તા પર જો ફિલ્મ બનાવવું હોય તો ચોરી તો ઇન્ટરેસ્ટિંગ હોવી જ જોઈએ જેની જગ્યાએ માત્ર અર્જૂન રામપાલને વિચાર આવે કે પેઇન્ટિંગ એક છોકરી પાસે હોય એટલે ફિલ્મ એ દિશામાં ચાલતું થાય. છોકરી સાથે રણબીર રાત વિતાવે અને સવારે પેઇન્ટિંગ ગુમ થઈ જાય. આ સ્ટોરી સૌથી વધુ બોર તો ત્યારે કરે છે કે એ વાત સાથે આ બાજુ અર્જૂનનું જેક્લીન સાથે બ્રેકઅપ થાય અને સ્ટોરી ત્યાં થંભી જાય. વધુ પૂરતું આર્ટ બતાવવા માટે ૨૦૧૫ના સમય ગાળામાં પણ અર્જૂન રામપાલને ટાઈપરાઇટર પર સ્ટોરી લખતો બતાવવામાં આવ્યો છે! ફિલ્મનો અંત લગભગ બધાને ખબર જ હશે કે છેલ્લે ખાધું પીધું અને રાજ કરાયુંની જેમ ફિલ્મમાં રણબીરને અને રીયલમાં અર્જૂનને જેક્લીન મળી જ જશે પણ અંત સુધી પહોંચાડવામાં જે સમય બગાડવામાં આવ્યો છે એ માંડ સહન થશે...



        ફિલ્મનું મ્યુઝિક અંકીત તીવારી, અમાલ મલ્લીક અને મીત બ્રોસ અંજાને આપ્યું છે અને જે સાચે જ ખૂબ સારુ છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર સંજોય ચૌધરીનો છે જે પણ ચાલી જાય તેવો છે. હેમેન ધામેજાની સિનેમેટોગ્રાફીની ક્ષતિ સીધી જ દેખાય છે. ઓવર સોલ્ડર શોટમાં લેફ્ટ રાઇટની એક ક્રોનોલોજી હોય છે જે પણ તેઓ સાચવી નથી શક્યા અને સાથે સાથે ફોકસ ડી ફોકસની રમતમાં માત્ર રીએક્શન માટે કૅમેરા ફોકસ શિફ્ટ કરે ખૂબ જ ખરાબ લાગે છે. દિપીકા કાલરાએ સારુ એડીટ કરવાની કોશિશ કરી છે પણ વાતમાં દમ નથી એટલે ધારીને પણ ગતિ વધારી નથી શકી. કોઈ પણ રીતે ફિલ્મને ૧.૫ સ્ટારથી વધારે આપી શકાય તેમ નથી. આ ફિલ્મનો પ્રચાર ઘણો થયો છે માટે જેમ માઉથ પબ્લીસીટીથી ફિલ્મ ચાલે એમ જ માઉથ પબ્લીસીટીથી આ ફિલ્મ ફ્લોપ જશે...




પેકઅપ:

"સલમાન ખાન છોકરી જોવા ગયો... તેને જોઈને મમ્મી તરત જ બોલ્યા ’૨૪ વર્ષ પહેલા આ છોકરો મને પણ જોવા આવ્યો હતો!"

No comments:

Post a Comment