ભારતમાં અન્ય દેશ કરતા રમતનું
મહત્વ ખૂબ જ ઓછું રહ્યું છે. જેમ ફૂટબોલનો વર્લ્ડકપ શરૂ થવાનો હોય એ પહેલા ભાઈચારા,
શાંતિ, પ્રેમની વાતો કરવામાં આવે, ટેલિવિઝન પર શાંતિની વાતો શરૂ થાય, બધા જ દેશ એક
છે એવો પ્રચાર કરવામાં આવે કેમ કે પબ્લિક તો ઠીક જોવા વાળા પ્લેયર્સને પણ મારી નાખે
એટલું ઝનૂન ભરીને આવ્યા હોય છે. એમ છતાં ભારતમાં જ્યારે જ્યારે સ્પોર્ટ્સ પર ફિલ્મ
બની છે અને સારી રીતે બની છે ત્યારે હીટ તો રહી જ છે. જેમ કે ’જો જીતા વહી સિકંદર’ વાત
ભલે માત્ર સાઈકલ રેસની હોય પણ રજૂઆત એટલી સરસ હતી કે ફિલ્મ આજની તારીખે લોકોની સૌથી
ગમેલી ફિલ્મના લીસ્ટમાં વાંચવા મળેલી છે. આ રીતે જ હંમેશા ઓવર એક્ટીંગ કરતા શાહરૂખ
ખાનના ગમે તેટલા વિરોધી હોય પણ જો ’ચક દે ઇન્ડિયા’ની વાત આવે તો શાહરૂખના વખાણ
સાંભળવા મળશે જ. આ તો બે ઉદાહરણ છે બાકી સ્પોર્ટ્સ પર ફિલ્મ બનતી જ આવી છે અને ચાલતી
આવી છે. ભારત માટે કહીએ તો ઓલમ્પીકમાં ભારત તરફથી પ્રદાન કરવામાં આવેલી એક માત્ર રમત
એટલે કબડ્ડી. કબડ્ડી વિષયને ધ્યાનમાં લઈને ’બદલાપૂર બોયઝ’નું
નિર્માણ થયું છે પણ પહેલો શો કૅન્સલ થયા પછી આજે ફિલ્મ જોવા ગયા ત્યારે માત્ર ૬ વ્યક્તિ
ફિલ્મ જોવામાં હતા જેના પરથી લાગ્યું કે આ તો કબડ્ડીનું ખાલી મેદાન....
આમ તો ૨૦૦૯માં સાઉથની સુપર હીટ ફિલ્મ હતી ’વીનીલા કબડ્ડી’ જેનો
આધાર લઈને ફિલ્મની કથા, પટકથા, સંવાદ લખવામાં આવ્યા છે. હિન્દી લખાણ શૈલેશ વર્માએ કર્યું
છે. ફિલ્મને ફિલ્મી બનાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી છે. એ. મુથ્થુ આ ફિલ્મ ડિરેક્શન
સાથે પોતાના જીવનની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા છે. જો કે એ મુથ્થુનો ફિલ્મ ઇન્ડસ્ટ્રી
સાથેનો નાતો ખૂબ જૂનો છે. આ પહેલા એમણે ’સડક’, ’દિવાના’, ’બલરામ’, ’રાજાબાબુ’, ’જૂડવા’, ’જીદ્દી’, ’હસીના
માન જાયેગી’ જેવી
૫૦ થી પણ વધારે ફિલ્મ એડીટ કરી ચૂક્યા છે. એડિટર જ્યારે ડિરેક્ટર બને ત્યારે એક વાત
તો માનવી જ પડે કે તેને ખબર હોય કે શોટ ક્યાંથી કટ થશે એટલે ખૂબ સારુ ટેકીંગ આવી શકે.
એ મુથ્થુની શોટ ટેકીંગની એ કરામત ફિલ્મ દરમિયાન જોવા મળે છે. અમુક શોટ્સના કટિંગ ખરેખર
ખૂબ જ સારા છે જે જોઈને વાહ કહેવાનું મન થાય જ પણ હાં એક બાબતે ડિરેક્ટર નબળા દેખાય
આવે છે કે બીન જરૂરી ઓવર એક્ટીંગ કરાવીને ફિલ્મને નબળી પાડી દીધી છે. તો પણ પહેલા પ્રયાસના
પ્રમાણમાં ખૂબ જ સારુ કામ કહેવાય....
ફિલ્મના હીરો તરીકે નિશાન છે. નિશાન કલકત્તામાં ઊછરેલો છોકરો છે
અને એફ.ટી.આઇ.આઇ.માં એક્ટીંગનો ડિપ્લોમા કરીને મુંબઈ લક અજમાવવા જતો રહ્યો. ૨૦૦૯માં
સુભાષ ધાઈ એકેડેમીની ફિલ્મ ’સાઈકલ કીક’માં રોલ કર્યો. આ પછી ૨૦૧૦માં ’સોચ લો’, ૨૦૧૨માં
’ડેવિડ’ ઉપરાંત
થોડી મલયાલમ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે પણ ખરા અર્થમાં કહીએ તો અસલ હીરો તરીકેની
તેની આ પહેલી ફિલ્મ કહી શકાય. નિશાન પોતાના પાત્ર માટે મહેનત કરતો જોવા મળે છે પણ તેની
અંદર આવતી સાઉથની છાપ દેખાય આવે છે જે તેની પર્સનાલિટી ડાઉન કરે છે. નિશાન સામે હીરોઇન
તરીકે સરાયના મોહન છે. સરાયના પણ વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. તેની બાળ
કલાકાર તરીકે પહેલી ફિલ્મ ૧૯૯૭માં ’અન્યાથી પ્રવુ’ હતી. આ પછી તેણે તામીલ અને મલયાલમ
ઘણી ફિલ્મ્સ કરી. આ ઉપરાંત ફિલ્મની બીજી હીરોઇન તરીકે પુજા ગુપ્તા છે જેની વાત આગળ
ઉપર કરીએ. પુજા ઉપરાંત અમન વર્મા, કિશોર સહાની, અંકીત શર્મા, બોલારામ દાસ, શશાંત ઉદપુરકર,
નીતીન જાધવ, મઝહર ખાન, પ્રિત સલુજા, વરુણ કશ્યપ જેવા ઘણા સાથી કલાકારો છે જેની આ પ્રથમ
ફિલ્મ છે.
અનુ કપૂર માટે તો શું કહેવું? ફિલ્મ જોવાનો ચાર્મ હોય તો અનુ કપૂર
છે. એક્ટીંગ તો જાણે અનુ કપૂરની રગેરગમાં વહે છે. એક એક પ્રસંગને પોતે જે રીતે ફિલ્મમાં
ખેંચી ગયા છે એ જોવું એક લહાવો છે. ટૂંક સમયમાં જ મારી અગામી ફિલ્મ માટે મેં અનુ કપૂરને
સાઇન કરેલા છે એટલે વધારે લહાવો રુબરુ મળશે જો કે આ ફિલ્મની બીજી હીરોઇન એટલે પુજા
ગુપ્તા સાથે કામ કરવાનો ગયા મહીને જ મોકો મળ્યો. મારી અગામી ફિલ્મ ’આઇ પ્રોમીસ યુ’ની હીરોઇન
એટલે પુજા ગુપ્તા. પુજા આ પહેલા ’બ્લડ મની’, ’ઓહ માય ગોડ’, ’વિક્કી
ડોનર’, ’મીક્કી
વાયરસ’, ’અસી
દેશી’, ’સમ્રાટ
એન્ડ કંપની’ જેવી
૧૦ થી ૧૨ ફિલ્મ કરી ચૂકી છે. પુજા સાથે કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ સરસ રહ્યો. પુજા
કદાચ દેખાવમાં બ્યુટી નથી પણ એક્ટીંગ માટે તો પુજામાં કંઈ જ ન ઘટે. રોજ એ પોતાના સિનને
મારી પાસે બેસી બરાબર સમજતી, આ દ્ગશ્ય પહેલાનું દ્ગશ્ય ક્યુ હતું, ડિરેક્ટર તરીકે હું
આ સિનને કેવી રીતે જોઈ રહ્યો છું વગેરે વાત પહેલા જ કરી લેતી અને જ્યારે સેટ પર આવે
ત્યારે ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય પણ એક જ મીનીટમાં જેવું ઍક્શન બોલાય કે તરત જ
પોતાના પાત્રમાં ઘૂસી જતી. મોકો મળે એટલે પોતે કેટલી વધારે કૅમેરા પર દેખાય શકે એનો
ફાયદો ઉઠાવતા પુજાને ખૂબ જ સારી રીતે આવડે છે....
ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર મોન્ટી શર્માએ આપ્યો છે જે અમુક જગ્યા
પર ખૂબ જ ઘોંઘાટીયો થઈ જાય છે અને ખૂંચે છે. મ્યુઝિક સચીન ગુપ્તા, સમીર ટંડન અને રાજુ
સરદારનું છે. ત્રણ ત્રણ મ્યુઝિક ડિરેક્ટર હોવા છતા કોઈનું એક પણ ગીત સુપર હીટ નીવડે
તેવું લાગતું નથી. સંકેત શાહની સિનેમેટોગ્રાફી ક્યાંક ખૂબ જ સારી છે તો ક્યાંક ખરાબ
પણ ઓવર ઓલ આટલું મોટું ક્રાઉડ હેન્ડલ કરીને યોગ્ય દ્ગશ્ય કાઢવાના હોય તો કામ કઠીન બને
જ એટલે એ ભૂલોને અવગણી શકાય. કર્મ મૂવીઝના બૅનર હેઠળ સતીષ પીલંગવડ પ્રોડ્યૂસર છે અને
એ મુથ્થુ પોતે પણ એક પ્રોડ્યૂસર તરીકે છે. ફિલ્મને રીલીઝ મળવામાં ઘણું મોડું થયું છે.
આ પહેલા બે વાર રીલીઝ ડેટ આવી પણ છેલ્લે આજે જ રીલીઝ થઈ શક્યું. ફિલ્મના અંતને બે વાર
રી-શૂટ કરવામાં આવ્યો છે તો પણ અંત જમાવટ કરી શક્યો નથી. ફિલ્મને ૨.૫ સ્ટારથી વધારે
આપી શકાય તેમ નથી જ પણ સાવ બોરિંગ ફિલ્મ પણ નથી...
પેકઅપ:
"આલ્કોહોલ વગરની પાર્ટી
એ રેડિયો પર ફિલ્મ જોવા જેવું છે"


No comments:
Post a Comment