Friday, 19 September 2014

દાવત-એ-ઇશ્ક: વિષય વગરનું લંબાણ






        એક સમય હતો જ્યારે લવ સ્ટોરી હીટ જ રહેતી, અરે એવો સમય પણ જોયો છે જ્યારે લવ સ્ટોરી જોઈને અસંખ્ય પ્રેમીઓ આત્મહત્યા તરફ પણ વળ્યા હતા. યાદ કરો ’એક દુજે કે લીયે’! સમય અંતરે પ્રેમ કહાનીનું મુલ્ય બદલતું ગયું અને ધીમેધીમે પ્રેમની રજુઆત પણ બદલતી ગઈ. જો કે ન બદલાણી તો એક વાત કે ફિલ્મ ભલે ગમે તે ઝોનરનું હોય હીરો-હીરોઇનની લવ સ્ટોરીનો થોડો ભાગ તો હોય જ. ઘણા લાંબા સમય પછી ’આશિકી 2’ જેવી જેન્યુઇન લવ સ્ટોરી જોવા મળી હતી અને આવી જ લવ સ્ટોરીનો હીરો આદિત્ય રોય કપૂર આ ફિલ્મનો હીરો હોય ત્યારે ફરી એકવાર સારી લવ સ્ટોરીની આશા જાગે જ. આ ઉપરાંત જ્યારે પ્રેમ કહાની વાળા ફિલ્મના બેતાજ બાદશાહ યશરાજ બેનરનું ફિલ્મ હોય તો પછી કહેવું જ શું? પણ જો તમે મારી જેમ જ આવો વિચાર કરીને ફિલ્મ જોવા જશો તો તમે પણ એમ જ કહેશો કે ખરેખર વિષય વગર ફિલ્મને એટલી લંબાવવામાં આવી છે કે ૧૨૩.૦૬ મીનીટનો રન ટાઇમ પણ સહન નહીં થાય...


        હબીબ ફૈઝલ માટે સૌથી સારા નસીબ એ રહ્યા કે તેઓ યશરાજ ફિલ્મ્સ સાથે જોડાયેલ છે. યશરાજ ફિલ્મ્સમાં તમે એકવાર પ્રવેશ કરો એટલે બે ચાર ફિલ્મ્સ તો મળી જ રહેવાની! પછી ભલે તમે સારી ફિલ્મ આપી હોય કે નહીં! હબીબની કેરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે થઈ હતી પણ સારા ડિરેક્ટર કરતા સારા રાઇટર તરીકે વધુ ઊભરી આવ્યા છે. ’દો દૂની ચાર’ તેમણે લખી અને ડિરેક્ટ કરી હતી પણ ફિલ્મફેર તો બેસ્ટ ડાયલોગ્ઝ માટે જ મળ્યો! યશરાજની જ બીજી ફિલ્મ ’લેડિઝ વર્સિઝ રીક્કી બહલ’ના ડાયલોગ્ઝ પણ તેમને લખવા મળ્યા. ૨૦૧૨માં તેમના ડિરેક્શનમાં બીજી ફિલ્મ આવી ’ઇશ્કઝાદે’. ફિલ્મના ડિરેક્શનમાં દમ હોય કે નહીં પણ પરિનીતી ફિલ્મ ખેંચી ગઈ હતી. આ ફિલ્મમાં કદાચ એવા જ વિચાર સાથે પરિનીતિ ચોપરા સાથે આદિત્ય રોય કપૂરને લઈને ફિલ્મ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાં પરિનીતી અને આદિત્ય બંનેની એક્ટીંગમાં ક્યાંય ખાંચો કાઢી શકાય એમ નથી પણ જ્યારે સ્ક્રીપ્ટ જ મજબૂત ન હોય તો તેમની પણ ફિલ્મ ખેંચવાની એક લીમીટ હોય જ. સિરિયલના ખૂબ જાણીતા કરણ વાહીનું મોટા પડદા પર પહેલીવાર આગમન થયું છે. ખૂબ જ નાનો રોલ છે પણ કામ તેનું પણ સારુ જ કહેવું પડે. અનુપમ ખૈર જેવા જોરદાર આર્ટિસ્ટને વેડફવામાં આવ્યા છે. અનુપમ ખૈર પહેલા ભાગમાં જ્યારે એક કોર્ટમાં નોકરી કરતા ક્લાર્ક છે ત્યાં સુધી એક્ટીંગ કરે છે અને બીજા ભાગમાં વેઠ ઉતારે છે....


        ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ખૂબી તો મને ક્યારેય નથી સમજાણી કે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો ફિલ્મની વાર્તાની અને ડિરેક્ટરની તારીફ ના ફૂલ બાંધવાનું કેમ ચાલુ રાખે છે! ફિલ્મની વાર્તા સાંભળીને જ જો કોઈ સત્ય કહેવા વાળુ મળે કે આવી ફિલ્મ ન કરાય તો કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા રૂપિયા સારા રસ્તે વળી શકે! આ જરૂરી એટલાં માટે છે કે આખરે તો ઓડિયન્સ જ ખોટ કરે છે. ફિલ્મ રીલીઝર્સ તો પોતાના રૂપિયા એકઠા કરી જ લે છે. એક ઇન્ટર્વ્યુમાં આદિત્યએ કહ્યું કે "હબીબ સાથે કામ કરવું ખૂબ આનંદદાયક છે. હબીબ સારામાં સારા ડિરેક્ટર્સ માંથી એક છે. આવા ફિલ્મ મેકર સાથે કામ કરવું સાવ અલગ જ અનુભવ આપે છે" સાચે જ આદિત્ય આવો અનુભવ તમે કર્યો જ હશે કે સ્ક્રીપ્ટ કે સારા ડાયલોગ વગર એક્ટીંગ કરવી કેટલી અઘરી પડે છે! આ રીતે જ પરિનીતીએ પણ કહ્યું કે "હબીબની દ્રષ્ટિ અને ફિલ્મ શૂટ કરવાની તેમની સ્ટાઇલ સાવ અલગ જ છે" સાચી વાત એટલી અલગ છે કે આ ફિલ્મ કોઈ કરવાનું વિચારે જ નહીં જે એમણે વિચાર્યું.....


        ફિલ્મનું સૌથી સારુ પાસું હોય તો ફિલ્મનું મ્યુઝિક. સાજીદ-વાજીદના મ્યુઝિકમાં સજ્જ થયેલા દરેક ગીતો કર્ણપ્રિય તો છે જ અને સાથે સાથે ગીતોના લીરીક્સ પણ મનભાવન છે. ગીત વખતે કદાચ ડાન્સ ડિરેક્ટર આગળ હશે માટે ગીતોની કેમેરા સજાવટ પણ તમને ગમશે જ. ફિલ્મના પ્રોમોમાં પણ આ જ કારણોસર ગીત આગળ કરવામાં આવ્યા હશે! ફિલ્મ લખનૌ, હૈદ્રાબાદ અને મુંબઈમાં શૂટ કરવામાં આવ્યું છે. હિમન ધામેજાની સિનેમેટોગ્રાફી કોઈ ખાસ કમાલ નથી દેખાડી શકી પણ ખરાબ તો ન જ કહી શકાય. ફિલ્મ એડીટ પણ ડોટ પોઇન્ટ પર થઈ છે છતા પેસ પકડી જ નથી શકતી. તમને રન ટાઇમ દરમિયાન ઘણી બધી જગ્યા પર ફિલ્મ ઝોલ ખાતી નજર આવશે. હાં એન્ડ માટે સસપેન્સ ઊભુ કરી શક્યા પણ એ વાતને મજબૂત રીતે રજુ નથી કરી શક્યા...


        આ ફિલ્મની વાર્તાને કદાચ ૩૦ મીનીટ જ આપવામાં આવી હોત તો પણ ફિલ્મની વાત રજૂ થઈ જ શકી હોત. હૈદ્રાબાદના એક સીટીમાં અનુપમ ખૈર અને તેની પુત્રી પરિનીતી રહે છે. પરિનીતી પરણવા લાયક થઈ ગઈ છે પણ જે કોઈ આવે છે તે દહેજની માંગ કરે છે. પરિનીતી પોતે પણ એક છોકરો કરણ વાહી પસંદ કરે છે પણ ત્યાં પણ દહેજ પર જ વાત અટકી જાય છે. પરિનીતી પોતાના ઇમાનદાર બાપને કોઈ જ કન્વીન્સીંગ રીઝન વગર રૂપિયા વાળા મા-બાપના છોકરાને ફસાવી દહેજનો કેસ ૪૯૮/એ કલમ લગાડી રૂપિયા પડાવવાનો પ્લાન કરે છે. આ માટે બંને વેશ પલ્ટો કરી લખનૌ જાય છે જ્યાં મેટ્રીમોની પરથી છોકરાઓ બોલાવવામાં આવે છે. આવ મુરતિયા માંનો એક છે આદિત્ય રોય કપૂર. આદિત્યની શરત મુજબ પરિનીતી તેની સાથે ત્રણ દિવસ ફરે છે. આદિત્યને પરિનીતી સાથે પ્રેમ થઈ જાય છે. આદિત્યના ઘરના લોકોએ માંગેલા ૪૦ લાખ દહેજના પણ આદિત્ય પરિનીતીને અગાઉથી આપી દે છે એમ છતા પ્લાન મુજબ પરિનીતી લગ્ન કરી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટના બીજા ૪૦ લાખ માંગે છે અને લઈને જતી રહે છે. વાત એકદમ પ્રીડીક્ટેબલ કે પછી અહેસાસ થાય કે હું ખોટું કરુ છું અને તેના રૂપિયા પાછા આપવા જાય. આ તરફ આદિત્ય પણ તેને બદલો લેવા શોધતો હોય. ફિલ્મ જ્યારે છેલ્લે પહોંચે ત્યારે એટલી સરળતાથી બંને પક્ષે સ્વીકાર થાય કે કોઈ ડ્રામા જ ન રહ્યો! જે વાર્તા માટે ૩૦ મીનીટ જોય એને ૧૨૩ મીનીટ સુધી ખેંચો ત્યારે આમ જ થાય...


        ખૂબ સારા આર્ટિસ્ટ, ખૂબ સારુ મ્યુઝિક, ખૂબ સારુ બેનર એમ છતા પણ વાર્તા ખરાબ હોવાને લીધે ફિલ્મ સહન જ કરવી પડે છે. આશા રાખીએ કે યશરાજ બેનરની ફિલ્મ ન જોવાય એવું કહેવા વાળા વર્ગને માટે એક એવી ફિલ્મ હવે લાવશે જે લોકોને ગમે. અત્યારે તો આ ફિલ્મને માત્ર મ્યુઝિક અને એક્ટીંગ માટે ૨ સ્ટાર જ આપી શકાય....



પેકઅપ:
"આલ્યા ભટ્ટ હજુ પણ માને છે કે ગણપતિબાપા મોર્યા અને ડીનો મોર્યા વચ્ચે કંઈક સંબંધ છે"

No comments:

Post a Comment