Friday, 1 November 2013

ક્રિશ ૩: વધુ પડતું લંબાણ



        હોલીવુડ મૂવીની ખાસિયત રહી છે કે મોટા ભાગે ફિલ્મ ટેબલ પર જ બનાવવામાં આવે. ટેબલ મેડ મૂવી એટલે કે જેમાં સ્ટુડિયો શૂટ હોય અને એ પછી જાત જાતની ઇફેક્ટ્સ, એનીમેશન, ક્રોમા શૂટ બધું જ ભેળવીને એક કથા વણી લેવામાં આવે આ ઉપરાંત હોલીવુડ ફિલ્મમાં બજેટની કોઈ જ લીમીટ રાખવામાં આવતી નથી. આ વાતને ધીમેધીમે બોલીવુડ પણ સ્વીકારતું થયુ છે જો કે એનીમેશન અને વીઝ્યુઅલ સ્પેશીયલ ઇફેક્ટ ઉમેરતા થયા છે પણ આ ઇફેક્ટ્સનો ઉપયોગ સાઉથની ફિલ્મની જેમ બતાવવામાં આવતી અતિશયોક્તિ માટે જ થાય છે. ’ક્રિશ ૩ એ ખરા અર્થમાં હોલીવુડ સ્ટાઇલ મૂવી છે પણ આખરે એક વાત તો રહે જ કેમ કે ભારતીય મેન્ટાલીટીથી ફિલ્મ બનાવવામાં આવે એટલે સ્ટોરી અને ઇમોશન્સ ખેંચવા જ પડે. ફિલ્મ સારી છે પણ વધુ પડતી લાંબી છે....


        ’કોઈ મીલ ગયા સફળ રહી અને ઋત્વિકનો અભિનય પણ વખાણવામાં આવ્યો હતો. ઋત્વિક પર દયા આવતી હતી જે માટે એના સફળ અભિનયના વખાણ કરવા જ પડે. ફિલ્મ સફળ રહી એટલે બીજો ભાગ આવે જ પણ પ્રયોગાત્મક રીતે ’કોઈ મીલ ગયા ૨ કરવાને બદલે ફિલ્મને ’ક્રિશ ટાઇટલ સાથે રજૂ કરવામાં આવી. હવે જ્યારે આ સીક્વલને આગળ વધારવામાં આવી ત્યારે કોઈ પણ પ્રયોગ વગર ’ક્રિશ ૩ ટાઇટલ રાખવામાં આવ્યું. આ ટાઇટલ માટે ઘણી ચર્ચાઓ પણ થઈ કે જો ’ક્રિશનો જ ભાગ હોય તો ’ક્રિશ ૨ કેમ નહીં? પણ રાકેશ રોશને ફાઇનલ નિર્ણય આપ્યો કે ટાઇટલ ’ક્રિશ ૩ જ રહેશે. ફિલ્મમાં ડિરેક્ટર અને સ્ટોરીની ક્રેડિટ રાકેશ રોશને પોતાની પાસે જ રાખી છે. આ વાત ઉદય સિંઘને ખટકી જ હતી એટલે એક ઉદય સિંઘે મુંબઈ હાઇ કોર્ટમાં દાવો દાખલ કર્યો કે આ ફિલ્મ માત્ર ભારતમાં જ રજૂ થશે એવી મારી સાથે વાત થઈ હતી અને મને એ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવ્યું છે પણ ફિલ્મ જ્યારે વિદેશમાં પણ રીલીઝ થાય છે તો ૨ કરોડ વધારાના મને ચૂકવવામાં આવે. હવે આ ખરેખર મહેનતાણાની વાત હતી કે બળતરાની એ ખબર નથી પણ હાઇકોર્ટે દાવો ઉડાડી દીધો એ હકીકત છે. માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં રીલીઝ થયેલી સ્ક્રીનમાં તમામ રેકૉર્ડ આ ફિલ્મ તોડશે. ભારતમાં ૪૦૦૦ સ્ક્રીન અને વિદેશમાં ૬૦૦ સ્ક્રીન રીલીઝ થવા જઈ રહ્યું છે. દિવાળીની રજાઓનો પૂરો લાભ ઉઠાવવાની રાકેશ રોશનને ખાત્રી છે. રાકેશ રોશનના માનવા મુજબ ૧૦૦ કરોડ ૨૦૦ કરોડ નહીં પણ આ ફિલ્મ માટે એનો ટાર્ગેટ ૧૦૦૦ કરોડનો છે. સાંભળતા આ દિવાસ્વપ્ન જેવું લાગે પણ આટલી સ્ક્રીન રીલીઝ હોય તો શક્ય બને પણ ખરું. જ્યારે વાત વહેતી થઈ ત્યારે ફિલ્મ 3D અને 2D બંનેમાં બનશે એવી જાહેરાત હતી પણ આખરે 2D જ બની. એક જાણીતા સોર્સ દ્વારા એવી વાત પણ આવી છે કે ફિલ્મ 3D કૅમેરાથી શૂટ કરવામાં આવી છે તો કદાચ પાછળથી 3D પણ જોવા મળે.


        ’ક્રિશ ૩ કોઈ ખરાબ મહુરતે શરૂ કરવામાં આવ્યું હશે કેમ કે ફિલ્મની જાહેરાત ડિસેમ્બર ૨૦૧૧માં કરવામાં આવી હતી અને રીલીઝ છેટ ૨૦૧૩માં કરવામાં આવ્યું. આ દરમિયાન ઋત્વિકની તબિયત પણ બગડી હતી. ફિલ્મ માટે ચર્ચા ઊભી કરવા કરવામાં આવ્યું હોય કે હકીકત હોય કોણ જાણે ફિલ્મના કાસ્ટિંગ માટે કેટલી જાતની વાતો સાંભળવા મળી છે. કંગના રાણાવત વાળા રોલ માટે ચિત્રાંગદા સિંઘનું નામ છેક સુધી બોલાતું રહ્યું પણ અચાનક જ નરગીશ ફખ્રી, એશા ગુપ્તા અને બિપાશા બસુના નામો ચર્ચાવા લાગ્યા. આ વહેતી ગંગામાં જુમા જુમા એક તેલુગુ ફિલ્મ કરી ચૂકેલી લક્ષ્મી માચુએ પણ હાથ ધોઈ લીધા. લક્ષ્મીએ પણ માર્કેટમાં કહેવાનું શરૂ કરી દીધું કે મને પણ આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા રીપીટ થશે કે નહીં એ તો છેટ સુધી સસ્પેન્સ જ રહ્યું અને છેલ્લી ઘડીએ નક્કી થયું. નાઝિયા શૈખ આમ તો બ્યુટીશીયન છે પણ આ ફિલ્મમાં પહેલીવાર ચિતા ગર્લ તરીકે જોવા મળી હવે જોઈએ કે બહેન ધંધો મૂકીને એક્ટીંગમાં ન લાગી જાય તો સારુ. જો કે એ હકીકત છે કે વિવેક ઓબેરોયના રોલ માટે પહેલી પસંદગી અજય દેવગણ અથવા શાહરુખ ખાન હતા. આ બંને માંથી કોઈ પણ નેગેટિવ રોલ માટે તૈયાર ન હતા એટલે છેલ્લે વિવેક ઓબેરોય સિલેક્ટ થયો. વિવેકે સિલેક્ટ થયા પછી ખૂબ ડાહી ડાહી વાત કરી હતી. વિવેકે કહ્યું કે "કાલ મારા નેચરના વિરુદ્ધનું પાત્ર છે. હું ફ્રેન્ડલી છું, કાલ નથી. મેં સાડા ત્રણ મહીના મહેનત કરી તમને કારી ફીઝીકલ એક્ટીવીટી ફિલ્મમાં વાસ્તવિક લાગશે, ફ્લોલેશ લાગશે. હું ૨૮ કીલોના મેટલ કોસચ્યુમમાં જોવા મળીશ. હું પ્રેસર કુકરની અંદર હોઉં એવું લાગતું હતું. હું ચાલી પણ નહોતો શકતો. એક પંચ, એક કીક મારી એનર્જી કરતા દશ ગણી વધારે હતી" હવે જો ફિલ્મ જોશો તો ખબર પડશે કે સૌથી નબળો લાગતો હોય તો વિવેક એક માત્ર... 


        ફિલ્મના માર્કેટિંગ માટે ઘણા નવતર પ્રયોગ કરવામાં આવ્યા અને એનું પરિણામ સીધુ યુટ્યુબ પર જોવા મળ્યું. આ પહેલા ’જબ તક હૈં જાનને યુટ્યુબ પર સૌથી વધુ ક્લિક્સ મળી હતી અને આશ્ચર્ય વચ્ચે ’ક્રિશ ૩ ને રીલીઝ પહેલાના અઠવાડિયે ૧ કરોડ ૨૦ લાખ હીટ્સ મળી ચૂકી હતી. ફેસ બૂક પર ક્રિશના ઇમોશન રીલીઝ કરવામાં આવ્યા અને આ રીતે જ ’ક્રિશ ૩ એનીમેશન ગેઈમ પણ રીલીઝ કરવામાં આવી. મ્યુઝિક પણ હોમ પ્રોડક્શન એટલે કે રાજેશ રોશનનું છે. બહુ ખાસ નહીં પણ ઠીકઠીક તો ખરું જ. બૅકગ્રાઉન્ડ સ્કોર સલીમ-સુલેમાનને સોંપવામાં આવ્યો છે.


        હિન્દી ફિલ્મની વાત આવે ત્યારે ટેકનિકલ રીતે સારી ફિલ્મ બનાવવાનો પ્રયોગ કરવો અને એ પણ એવડા મોટા બજેટમાં કે વાત ન પૂછો! ફિલ્મની જાહેરાત થઈ ત્યારે બજેટ ૯૦ કરોડ નક્કી કરવામાં આવ્યું હતું પણ પુરુ થતા થતા બજેટ પહોંચ્યું ૧૧૫ કરોડે. ૧૧૫ કરોડ નાની રકમ નથી. ફિલ્મનું જમા પાસું ટેકનિક જ છે અને સ્ટોરીની સૌથી મોટી ખૂબી છે કે ક્યાંય લોજિક બહાર વાત નથી. હોલીવુડ મૂવી વાળા પણ લોજિક બહાર સ્ટોરીને લઈ જતા હોય છે જ્યારે રાકેશ રોશને આ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે. ફાઇટ્સ, અમુક શોટ્સ, એનીમેશન બધું જ સારુ છે પણ ફિલ્મમાં જરૂરી ન હોય એવા ઇમોશન્સ નાખી અને ખૂબ ખેંચેલી સ્ટોરી તમને વચ્ચે વચ્ચે બોર કરવાની પુરી તાકાત ધરાવે છે. આ રીતે જ અમુક દ્ગશ્યો એનીમેટેડ છે એ સીધે સીધુ દેખાય આવે છે. મહદ અંશે બાળકો માટેની ફિલ્મ કહી શકાય પણ વડીલોએ ફિલ્મ જોવા તો જોઈએ જ એટલે લવ ટ્રાયેંગલ, ફેમિલી પ્રેમ જેવા ઘણા તત્વો ઉમેરવામાં આવ્યા છે. મારી દ્રષ્ટિએ તો કોઈ એક જ ટાર્ગેટ રાખ્યો હોત તો વધુ સારુ ફિલ્મ બની શકત. ફિલ્મને ૨.૫ સ્ટારથી વધારે સ્ટાર હું આપતો નથી.... વાંચકોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...





પેકઅપ:
પત્ની: હું રીસાય જાવ તો તમે મનાવતા પણ નથી...


પતિ: તું થોડી દિવાળી છો કે તને મનાવું... "

No comments:

Post a Comment