Friday, 21 June 2013

રાંઝણા: બુઠ્ઠું ધનુષ, વેવલી લાગણી





             એક અનુભવ લગભગ બધાને થયો હશે કે તમે રોડ પર નીકળો ત્યારે કોક દિવસ તમને કાંચીડા જ મરેલા દેખાય, કોક દિવસ કૂતરા જ મરેલા દેખાય, કોક દિવસ ખિસકોલી જ મરેલી દેખાય. આ જો જોગાનુજોગ ઘટના બનતી હોય તો પણ આવો અનુભવ થાય ચોક્કસ છે. આ રીતે જ ’આશિકી 2’ જેવી લવ સ્ટોરી સફળ થયા પછી હવે લવ સ્ટોરીઝની લાઈન થશે. જો કે આ ફિલ્મની શરૂઆત કે મંડાણ ૨૦૧૧માં જ થઈ ગયા હતા પણ જોગાનુજોગ એવા સમયે રીલીઝ થઈ જ્યારે લવ સ્ટોરીની સીઝન શરૂ થઈ છે. લવ સ્ટોરી માટે સૌથી મહત્વનું પાસું છે વાર્તા. પ્રેમ અદભૂત છે, પ્રેમ સંવેદના છે, પ્રેમ અનુભૂતિ છે પણ જો આ પ્રેમને યોગ્ય રીતે વાર્તામાં વણવામાં આવે તો નહિતર સડક છાપ પ્રેમ જોઈને પણ કંટાળો આવે. હાલની પરિસ્થિતિ અને જમાનાને અનુરૂપ જો પ્રેમની વાર્તા હોય તો જ ગળે ઊતરે નહિતર હાથ પર બ્લેડ મારતા કે અગરબતીથી હાથ પર પોતાની પ્રેમિકાનું નામ લખતા રોડ છાપ રોમિયો જેવી વાત બહાર આવે. ધ ગ્રેટ રજનીકાંતના જમાઈની પહેલી હિન્દી ફિલ્મ અને એ પણ લવ સ્ટોરી જોઈને લાગ્યું કે આ ધનુષ તો બુઠ્ઠું છે અને વાર્તામાં બતાવેલી લાગણીઓ વેવલી છે! 


        આ ફિલ્મના ડિરેક્ટર છે આનંદ એલ. રાઈ. આનંદ એલ. રાઈ માટે આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો હતો. આ ફિલ્મની સ્ક્રીપ્ટ હિંમાશુ શર્માએ ૨૦૧૧માં લખેલી ત્યારથી જ આ ફિલ્મ બનાવવા માટે તેઓ ઉત્સુક હતા. આનંદ રાઈ આ પહેલા ’તનુ વેડ્સ મનુ કરી ચૂક્યા છે. જો કે મને તો એ પણ નહોતી ગમી એટલે ઓછી આશા રાખીને જ ગયો હતો. આ ફિલ્મને એમણે તામિલમાં પણ ડબ કરી છે. તામિલ વર્ઝનનું નામ રાખવામાં આવ્યું છે ’અંબીકાપથી. સાઉથની પ્રજા વ્યક્તિ પ્રેમી છે એટલે સાઉથના સુપર સ્ટાર અને ભગવાન એવા રજનીકાંતના જમાઈરાજનું ફિલ્મ હોવાથી સફળ બનાવે તો નવાઈ પામવા જેવું નથી!


        ફિલ્મની કથા બનારસથી શરૂ થઈ છે. જે બાળકને સરખી ચડ્ડી પહેરતા નથી આવડતું એ એક છોકરીના પ્રેમમાં પડે છે. આ પછીનો ગાળો છે સ્કૂલના સમયનો એટલે ધારી લઈએ કે ૧૭-૧૮ વર્ષની ઉમર હોય. આ ઉમરના ધનુષ અને સોનમ કપૂરને જોવા એટલે ગળે કળવો ઘૂંટડો ઉતારવા જેટલું કઠિન હતું તો પણ ઉતારી લીધો. આ ઉમરે એક હિન્દુ છોકરા અને મુસ્લિમ છોકરી વચ્ચે પ્રેમ થતા જ ઘરના લોકો સોનમને બહાર ભણવા માટે મોકલી દે છે. આ પછીનો ગાળો છે આઠ વર્ષનો. આ આઠ વર્ષ દરમિયાન આટલો અનુપમ પ્રેમ હોવા છતાં ધનુષ ક્યારેય સોનમ ક્યાં છે એની તપાસ કરતો નથી! અચાનક આઠ વર્ષ પછી પાછી આવતી સોનમ કોણ જાણે કેમ પણ ધનુષને ઓળખતી પણ નથી. આશ્ચર્ય કે પહેલા પ્રેમને સોનમ ભૂલી ગઈ! સોનમને એક આદર્શ પ્રેમીની જેમ ધનુષ મદદ કરવા તૈયાર હોય એ ડીફોલ્ટ પણે સ્વીકારવું રહ્યું. અચાનક જ સોનમ કહે કે એ અભય દેઓલને પ્રેમ કરે છે. ધનુષ ફરી આદર્શ પ્રેમીની જેમ જ સોનમને મદદ કરી લગ્ન ગોઠવે છે પણ અભયની હકીકતની એને જાણ થતા લગ્ન સમયે જ બધાની હાજરીમાં વાત ખોલી દે છે. સોનમના ઘરના લોકો અભયને ખૂબ મારે છે અને રેલવે ટ્રેક પર ફેંકી દે છે. ફરી બચાવે પણ ધનુષ જ છે. સોનમને એના પ્રેમને મેળવવા માટે ધનુષ પંજાબ લઈને જાય છે ત્યારે ખબર પડે છે કે અભય મરી ચૂક્યો છે. સોનમ દિલ્હી જઈ અભયનું પોલીટીકલ વિઝન સંભાળી લે છે. ધનુષ પણ પાછળ પાછળ દિલ્હી પહોંચે છે. અહીંથી આ ફિલ્મ લવ સ્ટોરી ન રહેતા પોલીટીકલ સ્ટોરી બની જાય છે. ધનુષ પાર્ટીનો લીડર બની જાય છે. આ આખા સફરમાં હદ બહારનો કંટાળો આવે છે. જૂની હિન્દી ફિલ્મ્સ યાદ આવી ગઈ કે જેમા હીરો વિલનની ગેંગ જોઈન કરે એટલે સીધી બોસ પછીની જ પોઝિશન હોય!

        ધનુષનું આગમન જોરદાર થયું હતું. ધનુષનું ખરું નામ વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા છે. ૨૦૧૧નું વર્ષ ધનુષ માટે ખૂબ મહત્વનું રહ્યું. ધનુષની તામિલ ફિલ્મ ’અદુકાલમ માટે નેશનલ ફિલ્મ એવૉર્ડ ફોર બેસ્ટ એક્ટીંગ મળ્યો. એ સાથે સાથે ધનુષનું ગીત ’કોલાવરી ડી સી.એન.એન. દ્વારા બેસ્ટ સોંગ ઑફ ઇયર ડિક્લેર થયું. ધનુષ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. પોતે ગીતો લખે છે, કંપોઝ કરે છે, ગાય પણ છે. તાજેતરમાં જ ધનુષે વુન્ડરબાર સ્ટુડિયોની પણ સ્થાપના કરી એટલે ટૂંક સમયમાં ફિલ્મ્સ પ્રોડ્યુસ કરવાનું પણ શરૂ કરશે. ધનુષ પાસે કોઈ જ હીરો વેલ્યૂ નથી, જો વેલ્યૂ હોય માત્ર રજનીકાંતના જમાઈની વેલ્યૂ છે જે અન્ય વેલ્યુઝ કરતા ઘણી વધારે છે. 


        અગાઉ વાત કરી એમ ફિલ્મના મંડાણ ૨૦૧૧માં થયા હતા ત્યારે શહીદ કપૂર અને સોનાક્ષી સિંહાની જોડી ડિક્લેર કરવામાં આવી હતી પણ ૨૦૧૨ સુધીમાં આ જોડી ધનુષ અને સોનમ કપૂરમાં ફરી ગઈ. આ રીતે જ ફિલ્મમાં ધનુષની બાળપણની ફ્રેન્ડનું પાત્ર અદિતિ રાવ હૈદરીને આપવામાં આવ્યું હતું પણ ફિલ્મ શરૂ થતા વાર લાગી એટલે અદિતિએ પોતાની ડેટ્સ બીજી ફિલ્મને આપી દીધી એટલે આ પાત્ર સ્વરા ભાસ્કરને આપવામાં આવ્યું. સ્વરાએ હમણાં થોડા સમય પહેલા જ સારી ફિલ્મ ’ઔરંગઝેબ કરી હતી. ફિલ્મમાં જો કોઈ સારી વાત હોય તો સ્વરાનું અને ધનુષના મિત્રનું પાત્ર ભજવતા મહમદ ઝીશાન અયુબનું એક્ટીંગ. મહમદે આ પહેલા કરેલી ફિલ્મ્સ ’નો વન કિલ્લ્ડ જેસીકા, ’મેરે બ્રધર કી દુલ્હન અને ’જન્નત 2’માં પણ નોંધવા લાયક એક્ટીંગ કર્યું હતું. સોનમ કપૂરે સારી એક્ટીંગ કરવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે પણ છતા ખાસ જામી નહીં. સોનમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એણે આ પાત્રની પ્રેરણા જયા બચ્ચનના ’ગુડ્ડી ફિલ્મના પાત્ર પરથી લીધી પણ જયા ઇનોસન્ટ લાગતી હતી જ્યારે સોનમ કોઈ પણ એંગલથી ફિલ્મમાં ઇનોસન્ટ લાગતી નથી. ધનુષે હિન્દી શીખવા માટે ખાસ વર્ગ ભર્યા તો પણ ધનુષના મોઢે હિન્દી ડાયલોગ્ઝ જામતા નથી. 


        રહેમાન સાહેબના મ્યુઝિક માટે લોકો તરસતા હોય છે. રહેમાનના એવા આશિકો મેં જોયા છે કે ફિલ્મ રહેમાન સાહેબને લીધે જોવા જાય. ફિલ્મની શરૂઆતના ટાઇટલમાં જ રહેમાન સાહેબનું નામ આપવામાં આવ્યું બાકી મહેનત કરવી પડત કે કોનું મ્યુઝિક હતું. રહેમાને મ્યુઝિક બનાવવામાં ઘણો લાંબો સમય લીધો તો પણ રહેમાન સાહેબ છે કંઈ ખરાબ બોલાય? ફિલ્મના ડિરેક્ટરે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે "આ એક ક્રીએટીવ પ્રોસેસ છે અને મને એમાં આનંદ આવે છે. મોડું થવાનું કારણ રહેમાન સાહેબ નથી"


        ફિલ્મની સિનેમેટોગ્રાફી નટરાજન સુબ્રમનીયમ અને વિશાલ સિંહાને સોંપવામાં આવી હતી. મને નટરાજનની સિનેમેટોગ્રાફી ઘણા સમયથી ગમતી આવી છે. નટરાજનના જીવનનો સૌથી પહેલો અને જાણીતો પ્રોજેક્ટ હતો ’યુફોરિયા મ્યુઝિક આલબમ. આ પછી અનુરાગ કશ્યપની ખૂબ જાણીતી શૉર્ટ ફિલ્મ ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી એમણે પહેલી ફિક્શન ફિલ્મ કરી હતી.  આમ તો એમણે ઘણી ફિલ્મ્સમાં સિનેમેટોગ્રાફી કરી છે પણ ’જબ વી મેટ, ’હલ્લા બોલ, ’લવ આજ કલ ની સિનેમેટોગ્રાફી મને ગમી હતી. આ ફિલ્મમાં પ્રયોગ વગર ચિલ્લાચાલુ શોટથી જ ચલાવી લેવામાં આવ્યું છે. હજુ એ જાણવા નથી મળ્યું કે ક્યો પાર્ટ નટરાજને અને ક્યો પાર્ટ વિશાલે શૂટ કર્યો છે.


        ફિલ્મનું બજેટ ૩૫ કરોડનું બજેટ થયું. પ્રોમોશન પણ પુરેપુરુ કરવામાં આવ્યું છે. આમ તો સાઉથમાં તામિલ વર્ઝન અને ભારતભારમાં હિન્દી વર્ઝન રીલીઝ થયું છે એટલે ખર્ચ તો કાઢી જ લેશે પણ જો તમે ખરેખર ફિલ્મ પ્રેમી હો તો ખર્ચ ન કરતા. સ્ટાર આપવાની વાત હોય તો ૨ સ્ટારથી વધારે નહીં આપી શકાય....




પેકઅપ:

"આવનારા ગ્રાહકનું નામ રજનીકાંત હશે તો પણ બપોરે ૨ થી ૪ દુકાન નહીં ખોલવામાં આવે"
- રાજકોટ દુકાનદાર એસોશિયેશન

No comments:

Post a Comment