મુંબઈ, ભારતનું એવું શહેર કે જ્યાં કેટલા લોકો કેટલી બધી પ્રકારના
ડ્રીમ લઈને આવે છે. મુંબઈમાં ગેંગવોર એ સાવ સામાન્ય વાત છે પણ આ ગેંગવોર સાથે એક ત્રીજી
ફોર્સ એટલે કે પોલીસ પણ જોડાણી ત્યારથી વાતમાં નવો વળાંક આવ્યો. ૧૯૬૦ થી ૧૯૯૦ દરમિયાન
અલગ અલગ ગેંગની બોલબાલા રહી. દરેક ગેંગ પોત પોતાનું નામ બનાવવામાં અને પોતાની સ્ટાઇલથી
ધંધો કરવા માટે જાણીતી બની. આ બધી ગેંગ્સ જે રીતે પણ કામ કરી ચૂકી એ સમાજ માટે કંઈ
કરી શકી હોય કે ન હોય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણું કરી ચૂકી છે. મુંબઈની ભાઈગીરીની
વાતો સાંભળવી અને જોવી લોકોને ગમે છે એ પ્રોડ્યુસર્સ જાણી ચૂક્યા હતા એટલે એક પછી એક
મુંબઈની ગેંગ્સ પર ફિલ્મ્સ આવવા લાગી. એક સમય સુધી માત્ર ભાઈની જ વાતો હતી પણ જેમ અગાઉ
કહ્યું એમ પોલીસ પણ એક ગેંગની જેમ જ ઊભરી આવી અને શરૂ થયા એનકાઉન્ટર. મુંબઈના આવા જ
એક એનકાઉન્ટરની કહાની એટલે ’શૂટ આઉટ એટ વડાલા’. વડાલાના ઓફીશિયલ શૂટ આઉટની વાતો અલગ
અલગ રીતે ઘણી રીતે સાંભળવા મળી છે અને વાત ઇન્ટરેસ્ટિંગ પણ રહી છે તો પણ કોણ જાણે કેમ
’શૂટ આઉટ એટ વડાલા’માં પ્રસંગો તો ઘણા હતા પણ સ્ટોરી લાઈન જોવા મળી નહીં એટલે
એવું કહી શકાય ’શૂટ આઉટ એટ વડાલા’ એટલે સ્ટોરી વગરના પ્રસંગો!
ફિલ્મનો આધાર
તેની સ્ક્રીપ્ટ અને સ્ક્રીનપ્લે પર હોય છે. આ ફિલ્મ લખવા માટે સંજય ગુપ્તા, સંજય ભાટીયા
અને અભિજીત દેશપાંડે એમ ત્રણ ત્રણ વ્યક્તિઓએ મહેનત કરી આ ઉપરાંત આ ફિલ્મનું એડપ્શન
હુસેન ઝૈદની નોવેલ ’ડોંગરી ટુ દુબઈ’ પરથી કરવામાં આવ્યું છે. જ્યારે પણ ફિલ્મ
કોઈ નોવેલ પરથી એડપ્ટ કરવામાં આવે ત્યારે સૌથી અઘરી બાબત હોય છે ફિલ્મનો સ્ક્રીનપ્લે
લખવો. ત્રણ ત્રણ વ્યક્તિઓએ ભેગા મળીને સ્ક્રીનપ્લે લખ્યો પણ અંતે તો કંઈ વળ્યું જ નહીં!
ફિલ્મનો ટેઇકીંગ પોઇન્ટ કઈ રીતે નક્કી થયો હશે એ આશ્ચર્યની વાત છે! ફિલ્મની શરૂઆત માન્યા
સુરવે (જહોન અબ્રાહમ)ને ઇશાક બાગવાન (અનીલ કપુર) પોલીસવાનમાં હોસ્પિટલ લઈ જાય છે ત્યાંથી
થાય છે. ફિલ્મમાં બે વાતો રજૂ કરવાની હતી. એક હતી જહોન અબ્રાહમની વાત અને બીજી હતી
અનીલ કપુરની વાત. જહોન અબ્રાહમનું એનકાઉન્ટર ડો. આંબેડકર કૉલેજ, વડાલાના ગ્રાઉન્ડમાં
કરવામાં આવ્યું. જહોનને ઓછામાં ઓછી ૧૦ થી ૧૨ ગોળી મારવામાં આવી છે તો પણ બંને એકબીજાને
પોતપોતાની સ્ટોરી સંભળાવવામાં મશગૂલ નજર પડે છે. અહીં સુધીની વાત પણ આપણે માન્ય રાખી
લઈએ પણ હદ તો ત્યારે થઈ જ્યારે જહોન અને અનીલ કપુર વચ્ચે ચાલુ ગાડીમાં ફાઇટ બતાવવામાં
આવી અને ફરી શાંત પડીને બંને એકબીજાને પોતપોતાની વાર્તા સંભળાવવામાં મસ્ત થઈ ગયા! જો
ફિલ્મનો ટેઇકીંગ પોઇન્ટ સીધી સાદી રીતે કોઈ પણ ક્રીએટીવીટી વગર કરવામાં આવ્યું હોત
તો ફિલ્મ સારી બની શકી હોત પણ અનીલ કપુરને પૂરતું વજન આપવું હોય તો આ રીતે જ ફિલ્મ
શરૂ થઈ શકે પછી ભલે ફિલ્મની ઐસી કી તૈસી થઈ જાય!
ફિલ્મના ડિરેક્ટર-રાઇટર
સંજય ગુપ્તા લગભગ ૧૯૯૪થી ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે. એમની રાઇટર-ડિરેક્ટર તરીકે પહેલી
ફિલ્મ હતી ’આતીશ’. આ પછી એમણે ઘણી ફિલ્મ્સ લખી અને ડિરેક્ટ પણ કરી. સંજય ગુપ્તા
ખાનદાની રૂપિયાવાળા છે એટલે એક સમય પછી એમણે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની પણ શરૂ કરી. આ
પહેલાની ફિલ્મ ’શૂટ આઉટ એટ લોખંડવાલા’ પણ એમણે જ લખી હતી અને ડિરેક્ટ કરી હતી.
ફિલ્મ બહુ સારી તો નહોતી પણ ચાલી ગઈ હતી. આ ફિલ્મ વખતે બાલાજી ટેલીફિલ્મ્સ પાર્ટનર
બની એટલે ઘણા કલાકારો લેવામાં આવ્યા. બાલાજી સાથે જોડાય એટલે પ્રમોશન અને રીલીઝ માટે
કોઈ ચિંતા જ ન રહે એ સંજય ગુપ્તા સારી રીતે જાણે જ છે. બાલાજીના લીધે ફિલ્મને સની લીયોન
સ્કીમમાં મળી છે. બાલાજીની અગામી ફિલ્મમાં ’રાગિણી એમ.એમ.એસ. 2’માં સની લીયોન હીરોઇન
છે એટલે એક આઇટમ સોંગ માટે સ્કીમમાં લાવવામાં આવી પણ સંજય ગુપ્તાની સની લીયોને એવી
હાલત કરી કે સંજયે સોગંદ ખાધા કે હવે પછી જિંદગીમાં સની જોડે કામ નહીં કરુ. જો કે ફિલ્મ
ઇન્ડસ્ટ્રીમાં સંબંધો ક્યારે બગડે અને ક્યારે સુધરે એ કહી જ ન શકાય. પ્રિયંકા ચોપરા
પણ એક આઇટમ સોંગ માટે ફિલ્મમાં આવી છે. લાગે છે કે પ્રિયંકાનું મ્યુઝિક આલબમ ખાસ ચાલ્યું
નહીં એટલે ફરી એક્ટીંગમાં ધ્યાન આપવા લાગી છે. એક ફિલ્મમાં ત્રણ ત્રણ આઇટમ સોંગ છે.
ત્રણ માંથી એક પણ સોંગ સારુ નથી એટલે સહનશક્તિ વધારે હોય તો જ જોવા જવું. સંજય ગુપ્તા
ખૂબ સારા ડિરેક્ટર છે એવું સ્ટેટમેન્ટ એકતા કપૂરે કર્યું પણ મારી દ્રષ્ટિએ જ્યારે તમે
એક ખાસ સમયગાળાની ફિલ્મ બતાવતા હો ત્યારે ડિરેક્ટરની ખરી કસોટી થાય છે. ’વન્સ અપોન
અ ટાઇમ ઇન મુંબઈ’ આ બાબતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ફિલ્મ ૧૯૮૧-૮૨નો સમયગાળો બતાવે
છે પણ ડ્રેસિંગ, રોડ રસ્તાઓ, બેકડ્રોપ્સ આધુનિક હોવાની ચાડી ફૂંકે છે. ખાસ કરીને ’એ
માન્યા...’ ગીતમાં બતાવવામાં આવેલા બાઈક તો સીધેસીધુ સાબિત કરી જાય છે કે ફિલ્મ ગયા
વર્ષમાં જ શૂટ થઈ હશે.
ફિલ્મમાં કેટલા
બધા કલાકારોનો કાફલો છે. જહોન અને અનીલ કપુર ઉપરાંત કંગના રાણાવત, રોનીત રોય, મનોજ
બાજપેયી, સોનુ સુદ, રણજીત, સંજય કપૂર, મહેશ માંજરેકર, જેકી શ્રોફ અને તુષાર કપુર તો
હોય જ કેમ કે બાલાજીનું બૅનર હતું. જો ફિલ્મમાં એક એક પ્રસંગને નોખો પાડવામાં આવે અને
ઇન્ડીવીડ્યુલ એક્ટીંગ જોવામાં આવે તો બધા જ સારી એક્ટીંગ કરી રહ્યા છે પણ ફિલ્મ ક્યારેય
એક વ્યક્તિની નહીં, આખી ટીમની હોય છે એટલે એઝ અ ટીમ નિષ્ફળ ફિલ્મ જ કહેવી પડે. હાં
ફિલ્મના ડાયલોગ્ઝ સારા છે પણ ભારે ભરખમ ડાયલોગ્ઝ સાથે બેફામ બોલાતી ગાળો મેચ થતી નથી.
ફિલ્મ પુરી થતા અંતમાં કોનું શું શું થયું એ લખીને કહેવામાં આવે છે જે વાતો વાંચવી
વધુ ગમશે કેમ કે ફિલ્મ તો કોઈ કન્ક્લુઝન પર પહોંચી શકી જ નથી. અનુપમ ખૈરના ભાઈ રાજુ
ખૈર એક નાનકડી ભૂમિકા સારી ભજવી ગયા છે. સોની રાઝદાન પણ નાનકડી ભૂમિકામાં દેખાયા પણ
હવે એમની ઉમર દેખાય છે. એ રીતે જયદીપ આહલાવત પણ એક ફાઇટ પૂરતી હાજરી આપી ગયા છે. ફિલ્મનો
રન ટાઇમ ૧૫૫ મીનીટનો છે એટલે ખૂબ હિંમત ભીગી કરવી પડશે. સ્ટાર આપવાની વાત હોય તો ફિલ્મના
અલગ અલગ એક્ટર્સના સારા એક્ટીંગ માટે ૨ સ્ટાર આપી શકાય.
પેકઅપ:
"એમ.પી. ને સિંહ આપવા કરતા આપણા એમ.પી. સિંહને સોંપી દેવાનો
સુપ્રીમ ઑર્ડર કરે તો ન્યાયતંત્ર એ યોગ્ય ન્યાય કર્યો ગણાય"


અંગ્રેજી માં :)
ReplyDeletehttp://www.hotbollywoodnews.com/shootout-at-wadala-movie-review-story-box-office/