બોલીવુડ વર્ષોથી હોરર ફિલ્મ્સ બનાવતું રહ્યું છે પણ દરેક હોરર
ફિલ્મ લગભગ એક સરખી જ હોય અને કેમ ન હોય કેમ કે બાળપણથી જ આપણે જે વાંચતા, સાંભળતા
આવ્યા છીએ એ જ હોવાનું ને? એક સમય હતો જ્યારે ભૂત હોય ત્યારે સ્ત્રી જ ભૂત થતી. હાથમાં
દિવા સાથે ગીત લલકારતા સ્મશાન એટલે કે ખાસ કરીને ખ્રિસ્તી કબ્રસ્તાનની અંદર જતી સ્ત્રી,
ખુલ્લા વાળ અને પાછળ ચાલતો હીરો. આ ગાળો પૂરો થયા પછી જમાનો આવ્યો ચિત્ર-વિચિત્ર ભૂતનો.
રામસે બ્રધર્સની આ બાબતે માસ્ટરી રહી. રામસે બ્રધર્સે ભૂતના શરીર પર વાળ ઉગાડ્યા, મોટા
દાંત બનાવ્યા અને એકાદ બે ફિલ્મમાં રૂપની રાણી સમી ભૂતની પણ બતાવી. રામસે બ્રધર્સની
ફિલ્મ્સ ચાલવા પાછળનું એક કારણ એ પણ હતું કે પ્રમાણમાં સેક્સ ઘણું પીરસવામાં આવતું.
મોડર્ન સમયમાં ઘણી બધી પ્રકારના ફેરફારો આવ્યા પણ ખાસ અને નોંધનીય ફેરફાર કહી શકાય
તો ટેક્નો્લોજી. ટેક્નોલૉજીમાં પણ એનીમેશન અને વીએફએક્સ આવ્યા પછી તો માણવા લાયક ફિલ્મ્સ
બનવા લાગી પણ સારી વાર્તા ક્યાં? હાલના સમયમાં રીલીઝ થયેલી એક પણ હોરર ફિલ્મ જામી નહીં
એટલે પ્રેક્ષકો જોવા જતા પણ ડરવા લાગ્યા પણ ’એક થી ડાયન’ જોવા
માટે થિયેટર સુધી જવામાં ડરવાની જરૂર નથી.
હોરર ફિલ્મ હોય
એટલે એક સલાહકાર હોય એટલે સ્ટોરી તો અમુક પ્રકારની જ રહેવાની પણ જો ક્રીએટીવ વ્યક્તિ
ફિલ્મ લખવા બેસે તો આ સામાન્ય વાત પણ અસામાન્ય રીતે પીરસી શકે. વિશાલ ભારદ્વાજની અગાઉ
લખેલી ફિલ્મ્સ માટે વધુ કંઈ લખવાની જરૂર નથી જ કેમ કે તમે બધા જાણો જ છો. વિશાલ ભારદ્વાજ
સારા મ્યુઝિક ડિરેક્ટર અને ડિરેક્ટર પણ છે જ. આ ફિલ્મની વાર્તા વિશાલ ભારદ્વાજ અને
મુકુલ શર્માએ મળીને લખી છે અને એટલે જ વાર્તા સામાન્ય હોવા છતા વાર્તામાં રસ જળવાયેલો
રહે છે. ફિલ્મના ડાયલોગ્ઝ પણ વિશાલ ભારદ્વાજે જ લખ્યા છે એટલે જ ’વો આ રહી હૈં’, ’વો
તુમ્હે માર ડાલેગી’ જેવા ચીલ્લાચાલુ સંવાદો નથી. ફિલ્મમાં મ્યુઝિક પણ વિશાલ ભારદ્વાજનું
જ છે. ગુલઝારના શબ્દો સાથે જ્યારે સુંદર સંગીત ભળે ત્યારે મ્યુઝિકનો તો રસથાળ પીરસાતો
લાગે. ગુલઝાર એટલે કાવ્યના પિતામહ. ફિલ્મના એક ગીતમાં ઘરમાં રહેતા સાધનો જેમ કે લેપટોપ,
સોફા જેવા સાવ સામાન્ય શબ્દોને લાગણીથી કોતર્યા છે અને એ જ લાગણીથી વિશાલ ભારદ્વાજે
સંગીતબધ્ધ કર્યા છે. ફિલ્મ જોવા જતા પહેલા સમય હોય તો મ્યુઝિક સાંભળવાનું ચૂકશો નહીં.
કાનન ઐયરે ફિલ્મ
ડિરેક્ટ કર્યું છે. કાનન ઐયરનું આ પહેલું ફિલ્મ છે પણ ડિરેક્શનના ઘણા કમાલ ફિલ્મમાં
જોવા મળ્યા. કોઈ પણ ફિલ્મ સારી સિનેમેટોગ્રાફી પર આધાર ચોક્કસ રાખે જ છે પણ જો આ સિનેમેટોગ્રાફીમાં
ડિરેક્ટરનું વિઝન ઉમેરવામાં ન આવે તો ફિલ્મનો હાર્દ મરી જાય છે. કાનન ઐયરની હવે પછી
કોઈ ફિલ્મ આવે ત્યારે જ ખબર પડે કે આરંભે શૂરા છે કે હજુ પણ વધુ સારુ આપી શકે. કાનન
ઐયરને આ ફિલ્મમાં એક નાનો રોલ કરવાની ઇચ્છા થઈ. ફિલ્મના એક દ્ગશ્યમાં સાયન્સ ફેરમાં
ભેગાં થયેલા બાળકોને કાનન ઐયર લેક્ચર આપી રહ્યા છે. આમ તો આ દ્ગશ્ય એક મીનીટનું જ હતું
પણ જસ્ટ ફોર ફન કાનનને થયું કે હું કરું. કાનનની ઇચ્છા થઈ કે એમને આ દ્ગશ્ય માટે કોઈ
ડિરેક્ટ કરે. એમની નજર પડી ઇમરાન પર અને ઇમરાનને આ દ્ગશ્ય ડિરેક્ટ કરવાનું કહેવામાં
આવ્યું. આ દ્ગશ્ય ડિરેક્ટ કરતા એક કલાક થયો પણ એ પછી કાનન ઐયરે કહ્યું એ સાંભળવા લાયક
છે. એમણે કહ્યું "ઇમરાન સતત શીખતો એક્ટર છે અને પોતાના પાત્રને વધુ મજબૂત રીતે
કેમ રજૂ કરે એની સતત સલાહ લેતો રહે છે પણ જ્યારે ઇમરાને મને ડિરેક્ટ કર્યો ત્યારે ખબર
પડી કે ઇમરાન ખૂબ સારો ડિરેક્ટર પણ બની શકે એમ છે". જો ફિલ્મના પ્રોમોશન માટે
હોય તો સારુ બાકી હાથે કરીને પગ પર કુહાડો ન મરાય ઐયર સાહેબ! ફિલ્મને ફિલ્મસીટી સ્ટ્યુડીયોમાં
શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મના શૂટ દરમિયાન અચાનક જ ત્યાં એક દીપડો ચડી આવ્યો હતો.
દીપડાને પણ થયું હશે કે ચાલો હું પણ શૂટીંગ જોઈ આવું!
ઇમરાન હાસમી
ધીમેધીમે એટલી સારી એક્ટીંગ કરતો જાય છે કે આવનારા વર્ષોમાં એની પાસે ઘણી ફિલ્મ્સ હશે
જ. છેલ્લે સાંભળ્યા મુજબ મહેશ ભટ્ટ જોડે પણ સમાધાન થઈ ગયું છે એટલે વર્ષે બે ફિલ્મ્સ
તો ભટ્ટ કૅમ્પની હશે જ! ઘણા સમયે પવન મલ્હોત્રાને જોઈને ગમ્યું. ફિલ્મમાં ઇમરાનના પિતાના
પાત્રમાં પવન મલ્હોત્રા છે અને ખૂબ સરસ કામ નિભાવી જાણ્યા છે. હુમા કુરેશીનું ’ગેંગ્સ
ઑફ વસ્સેપુર’ પછીનું
પહેલું કોમર્સિયલ મુવી છે. હુમા દેખાવડી લાગે જ છે પણ મને લાગે છે કે હુમામાં હીરોઇન
મટીરિયલ નથી. બોલીવુડ કરતા સાઉથમાં જશે તો એના શરીરના ઘેરાવા મુજબ વધુ કામ મળશે. કોંકણા
સેન શર્માનો હું તો ફેન રહ્યો છો એટલે થોડું ખરાબ કામ હોય તો પણ વખાણ કરુ જ પણ આ ફિલ્મમાં
જે રીતે ચહેરાના ભાવો ફેરવતી જોવા મળે છે એ માટે કહેવું જ પડશે કે કોંકણાની આંખો પણ
એક્ટીંગ કરી જાણે છે. કલ્કી ઇન્ટરવલ પછી ફિલ્મમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે પણ કલ્કી
સાવે સાવ ડિરેક્ટરની એક્ટ્રેસ છે. નાનું કામ છે તો પણ કલ્કી ન હોત તો ફિલ્મ અધુરુ લાગત.
ઓવરઓલ બધા પોતપોતાના પાત્રને ન્યાય આપે છે. આમ પણ એકતા કપૂરની બાલાજી ફિલ્મ્સ અને વિશાલ
ભારદ્વાજ પીક્ચર્સ પ્રા.લી.નું સંયુક્ત સાહસ હોય ત્યારે બંને અસર વાળા માણસોને લીધે
કલાકારો સારુ જ કામ કરે!
એકતા પ્રોમોશનની
તો બાદશાહ છે જ. એકતાની લગભગ બધી જ ચેનલ પર એક એક સીરીયલ તો ચાલુ જ હોય. હવે જ્યારે
બાલાજીનું જ ફિલ્મ હોય ત્યારે એકતા સીરીયલ દરમિયાન ફિલ્મ પ્રોમોટ કરવાનું બાકી રાખે?
એમાં પણ આ ફિલ્મ માટે તો ખાસ યુનીક સ્ટાઇલ લાવી હતી. લાઇફ ઓકે ચેનલ પર ’એક થી નાયકા’ નામની
મીની સીરીઝ શરુ કરી. આ સીરીઝમાં સ્મૃતિ ઇરાની, સાક્ષી તનવર, આમના શરીફ, મૌલી ગાંગુલી,
અંકીતા લોખંડે, ક્રિતીકા કામરા, પૂજા ગોર જેવી લગભગ બધી જ જાણીતી સીરીયલ્સની હીરોઇન્સ
એક સાથે કામ કરી ચૂકી છે. આ સીરીઝ રજૂ કરવાનું એકમાત્ર કારણ ’એક થી ડાયન’નું
પ્રોમોશન જ હતું. સમય સાથે પ્રોમોશનની સ્ટાઇલ્સ બદલાય રહી છે જેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ
છે. આશા રાખીએ કે ’રાગિણી એમ.એમે.એસ. 2’ ના પ્રોમોશન માટે એકતા કોઈ પોર્ન સીરીઝ શરૂ
ન કરે!
’એક થી ડાયન’માં
વપરાયેલી વિઝ્યુલ સ્પેશિયલ ઇફ્ફેક્ટ્સ તાજેતરમાં રજૂ થયેલી તમામ ફિલ્મ્સ કરતા સારી
છે, ફિલ્મમાં એનીમેટેડ થયેલી ગરોળી પણ વખાણવી જ પડે એમ છે, ક્લીન્ટનનો બૅકગ્રાઉન્ડ
સ્કોર અચાનક ડરાવવા માટે પૂરતો છે, વિશાલ ભારદ્વાજનું લેખન અને સંગીત બંને સારા છે,
ગુલઝારના ગીતના શબ્દો પણ વાહ બોલાવે જ છે અને ન ચૂકવા જેવી વાત હોય તો ફિલ્મમાં બાળ
કલાકારોનું એક્ટીંગ. મોટેરાંને પણ પાછળ છોડી દે એવું એમનું એક્ટીંગ તમને ચોક્કસ ગમશે
જ. ફિલ્મ ચાલશે કે નહીં એ તો આવનારા દિવસો જ નક્કી કરશે પણ ૩.૫ સ્ટારને હકદાર તો છે
જ...
પેકઅપ:
"તેં ક્યારેય લાઈ ડીટેક્ટર જોયું છે?"
.
.
.
"હાં, મેં એની સાથે લગ્ન કર્યા છે..."

સમીર ભાઈ,
ReplyDeleteઅંગ્રેજી રીવ્યુ મૂકી દીધો છે... http://www.hotbollywoodnews.com/ek-thi-daayan-moview-revew-story/
આભાર , ધર્મેશ