ખિલાડી
૭૮૬: હવે વધુ ખિલાડી સહન થાય એમ નથી
સમય મુજબ લોકોનો
ફિલ્મ ગમવાનો ટેસ્ટ બદલાતો જાય છે. એક સમય એવો હતો કે જ્યારે ભગવાન વગરના વિષયની ફિલ્મ
બનાવવા માટે વિચાર પણ કરી શકાતો નહોતો. આ પછીનો સમય આવ્યો નૈતિક મૂલ્યોની વાતનો. એક
ફેમીલીમાં એક બગડેલો છોકરો અને એક સારો છોકરો અથવા માં-બાપ પર વહુ દ્વારા થતા અત્યાચાર
અથવા સત્ય સામે લડતો માણસ. આ પછી દેશપ્રેમની વાતો પર ફિલ્મ્સ બનવા લાગી. એ પછી લવ સ્ટોરી,
હોરર સ્ટોરી જેવી અનેક પ્રકારની ફિલ્મ્સ આવતી થઈ પણ છેલ્લા કેટલાક સમયથી એક નવો ટ્રેન્ડ
શરૂ થયો કે ફિલ્મ એક્શનથી ભરપૂર હોવી જોઇએ. એક્શન માટે સાઉથની ફિલ્મ્સ પ્રખ્યાત એટલે
સાઉથની રીમેકનો જમાનો આવ્યો પણ બોલીવુડ પોતાની રીતે મૂવી ન બનાવે તો કેમ ચાલે? અને
જ્યારે એક્શનની વાત આવે તો અક્ષય કુમારને કેમ ભૂલી શકાય? આવા જ બધા વિચારો વચ્ચે બનેલી
ફિલ્મ એટલે ’ખિલાડી ૭૮૬’ અક્ષય કુમાર માટે જાણે ખિલાડી શબ્દ પેટન્ટ થઈ ગયો હોય એવું
લાગે છે. આ પહેલા પણ અક્ષયની ’ખિલાડી’, ’મૈં ખિલાડી, તું અનાડી’, ’સબ
સે બડા ખિલાડી’, ’ખિલાડીયોં
કા ખિલાડી’, ’મીસ્ટર
એન્ડ મી્સીસ ખિલાડી’, ’ઇન્ટરનેશનલ ખિલાડી’, ’ખિલાડી ૪૨૦’ આ આઠ
ફિલ્મ્સ સહન કર્યા પછી વધારાની સહન શક્તિ એટલે ’ખિલાડી ૭૮૬’. આ
વખતે અક્ષયને કહેવું જ પડશે કે બસ હવે વધુ ખિલાડી સહન નહીં થઈ શકે
અક્ષય કુમારે
પોતાનું પ્રોડક્શન શરૂ કરતાની સાથે જ ’ઓહ માય ગોડ’થી સફળતાનો સ્વાદ ચાખી લીધો છે
એટલે આ ફિલ્મમાં પણ ટ્વીંકલ ખન્નાનું પ્રોડ્યુસરમાં નામ મૂકીને જુગાર રમી જોયો. ફિલ્મના
અન્ય પ્રોડ્યુસરમાં સુનીલ લુલ્લા સાથે હ્રીમેશ રેશમીયા પણ છે. હ્રીમેશભાઈ આમ તો પોતાની
ફિલ્મ્સ હીટ કરાવી શક્યા નથી તો એમને થયુ હશે કે અક્ષય અત્યારે ગાજતી બ્રાન્ડ છે તો
એકાદ રોટલી હું પણ શેકી લઉં. આ ઉપરાંત અક્ષય સાથે એક્ટીંગ પણ કરવા મળશે એટલે ભાઈને
હીરો તરીકે નહીં તો સાઇડ રોલમાં પણ કો’ક જોશે તો ખરું. મ્યુઝિક પણ હ્રિમેશનું જ
છે. વચ્ચે ખાસ્સા લાંબા સમય સુધી હ્રિમેશને કોઈ મ્યુઝિક આપતું નહીં અને અચાનક બે-ત્રણ
સારા ગીતો મળી ગયા સાથે ફરી માર્કેટમાં આવી ગયો પણ આ ફિલ્મમાં એક પણ ગીત લાંબું ટકે
એવું નથી કે નથી કર્ણપ્રિય, ફરી એ જ નાક માંથી નીકળતો અવાજ આવી ગયો છે. કદાચ હ્રિમેશે
ફરી નાકનું ઓપરેશન ન કરાવવું પડે તો સારુ!
ફિલ્મના કાસ્ટિંગ
માટે પણ ઓછા પાપડ નથી શેક્યા. ફિલ્મમાં હ્રિમેશના પપ્પાનું પાત્ર પરેશ રાવલ ભજવવાના
હતા પણ ડેટ્સનો મેળ ન પડતા આ પાત્ર મનોજ જોશી એ કરવું પડ્યું. આ રીતે જ ફિલ્મમાં અસીનના
ભાઈનું પાત્ર અમિતાભ બચ્ચન ભજવવાના હતા પણ મીથુન ચક્રવર્તીને છેલ્લે પસંદ કરવામાં આવ્યા.
આમ તો બચ્ચન સાહેબ પાસે ડેટ્સ ન હતી એવું કહેવામાં આવ્યું છે પણ અંદરની વાતમાં એવું
જાણવા મળ્યું છે કે બચ્ચન સાહેબે સ્ટોરી વાંચીને કામ કરવાની ના પાડી હતી. ગમે તેમ હોય
પણ મીથુન દા’ જતી
ઉમરે કૉમેડી ફિલ્મ્સમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. એ રીતે જ હીરોઇન માટે ઇલેના
ડી’કૃઝ,
નરગીશ ફખ્રી, ડાયના પેન્ટીના નામો આવ્યા હતા પણ છેલ્લે પસંદગી અસીન પર અટકી. કૉમેડી
હોય એટલે અમુક કલાકારો તો ફરજિયાત જોઈએ જ જેમ કે સંજય મિશ્રા. ફિલ્મમાં હ્રિમેશના મિત્ર
જીવનનું કૅરેક્ટર કરનાર સંજય લગભગ બધી જ કૉમેડી ફિલ્મ્સમાં હોય જ. કલાકારોનો ખૂબ મોટો
કાફલો છે અને ધરાર હસાવવાની પૂરતી કોશિશ પણ કરવામાં આવી છે એમ છતા રાજ બબ્બર જેવો કલાકાર
પણ ફિલ્મમાં વેડફી નાખવામાં આવ્યો છે. ફિલ્મમાં બધાનું ધ્યાન ખેંચવામાં ગુરપ્રીત ગુગ્ગી
સફળ રહ્યો. ફિલ્મમાં અક્ષયનો મિત્ર એટલે ગુરપ્રીત. આ રીતે જ રાહુલ સીંઘ કેટલી બધી એક
કક્ષાની ફિલ્મ્સ કરી ચૂક્યો છે. ’ઝુબેદા’થી પોતાની કેરિયરની શરૂઆત કરનાર રાહુલ જો
શ્યામ બેનેગલનો ખાસ કલાકાર બની શક્યો હોય તો પોતાનું કામ યોગ્ય કરી શકે એમાં કોઈ નવાઈ
નથી. આ ફિલ્મમાં રાહુલ અસીનના પ્રેમી ગુંડાનું પાત્ર ભજવે છે. હૈદરાબાદી ટોનમાં બોલતો
રાહુલ સહન થઈ શક્યો છે.
આશિશ આર. મોહનનું
આ પહેલું ફિલ્મ છે. જો કે એમનું પહેલું ફિલ્મ છે એ તમે ફિલ્મ જોઈને સમજી જ શકશો. આ
પહેલા ઘણી બધી કૉમેડી ઝોનરની ફિલ્મ્સમાં આશિશ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. જેમ
કે ’ગોલમાલ ૩’, ’ગોલમાલ
રીટર્નસ’, ’ઓલ
ધ બેસ્ટ’ વિગેરે.
પણ અહીં એક વાત નોંધવી પડે કે આસિસ્ટન્ટશીપ કરવાથી ક્યારેય ડિરેક્શન શીખી નથી શકાતું.
એકાદ ફિલ્મ તો કરવી જ પડે અને પૂરો અનુભવ ભેગો કરવો પડે તો જ આવનારી ફિલ્મ્સમાં સારો
દેખાવ કરી શકાય. ફિલ્મમાં એ જ અક્ષય કુમાર છે, એ રીતે જ એક્શન છે, એ રીતે જ સારી સિનેમેટોગ્રાફી
પણ છે અને જાલ શિંઘ નિજ્જારનું એક્શન પણ છે પણ ડિરેક્શનમાં દેખીતી ખામીને લીધે કંઈ
પણ જામ્યું નહીં. અત્યારના સંજોગોમાં જ્યારે એક્શન અને કૉમેડી પૂર જોશમાં ચાલતી હોય
ત્યારે પણ ખિલાડી ૭૮૬ જો જામે નહીં તો કોને દોષ દેવો? એક સમયે ગોવિંદાના ફિલ્મ્સની
જેમ મગજ મૂકીને ફિલ્મ જોઈએ એમ આ ફિલ્મને મગજ મૂકીને જ જોઈએ તો પણ ફિલ્મમાં જરા પણ મઝા
ન આવે. તો પણ આપણી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીમેધીમે ફોરેન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પગલે
ચાલતી થઈ ગઈ જ છે. વધુમાં વધુ ટૉકીઝમાં રીલીઝ કરવાનું અને વધુમાં વધુ શો લેવાના જેથી
થોડા દિવસનું કલેક્શન જ ફિલ્મનો ખર્ચ કાઢી આપે. ખિલાડી ૭૮૬ પણ આ ફૉર્મ્યુલા પર જ રીલીઝ
કરવામાં આવ્યું છે. લગભગ ૨૮૦૦ ટૉકીઝ રીલીઝ કરવામાં આવ્યું છે અને એવરેજ ૫ શો મળ્યા છે. આવું કરવા માટે જ ફિલ્મનું રીલીઝ
દિવાળી સમયે નક્કી હતું પણ રીલીઝ તો ત્યારે જ કરવામાં આવ્યું જ્યારે આટલી બધી ટૉકીઝ
મળે અને એ દરમિયાનમાં કોઈ મોટું ફિલ્મ રીલીઝ ન થતું હોય.
ફિલ્મની કથા
જૂની અને જાણીતી છે. મીથુન ચક્રવર્તીએ તેની બહેન અસીનના લગ્ન કરવા છે પણ મુરતિયો ખાનદાની
જોઈ છે. બીજી તરફ નકલી પોલીસ બનીને અક્ષય કુમાર છે જે ટ્રક પકડીને પોલીસને આપે છે અને
પોતાનો અડધો ભાગ પોતે રાખી લે છે. હ્રિમેશ રેશમીયાનું ખાનદાની કામ છે લગ્ન કરાવવા પણ
દરેક વખતે ગોટાળા સર્જતા હોવાના લીધે ઘર માંથી કાઢી નાખવામાં આવે છે. હ્રિમેશ માટે
એક લગ્ન કરાવવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે એટલે ગમે તેમ કરીને અક્ષય અને અસીનનું ચોકઠું
ગોઠવવાની તજવીજ હાથ ધરે છે. હવે આ તરફ અક્ષયનું ખાનદાન પોલીસ છે એવું માનવાને લીધે
મીથુન ડોન હોવા છતા એને એ.સી.પી. બનાવવામાં આવે. આ બધા જ ગોટાળાઓ વચ્ચે ચાલતી ફિલ્મમાં
એક પણ ખરા અર્થમાં કહી શકાય એવી કૉમેડી સિક્વન્સ ન બની શકી. કોઈ પણ કારણ વગર અચાનક
આવી જતી એક્શન પણ માથુ ફેરવવા માટે પૂરતું છે. સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે ફિલ્મના
અંતમાં મીથુન એવું કહે છે કે ખાનદાન સારુ હોવા માટે કુટુંબમાં પ્રેમ હોવો જરૂરી છે
અને આ ખાનદાનમાં ખૂબ પ્રેમ છે. હવે મને પ્રશ્ન એ થયો કે ખાનદાનમાં પ્રેમ હોય અને પછી
ભલે ગમે તેવા ખરાબ કામ કરતા હોય પણ ખાનદાનમાં પ્રેમ હોય એટલે સારુ ખાનદાન કહેવાય! ફિલ્મમાં
સૌથી સારી વાત એ રહી કે અક્ષયનું ખાનદાન અલગ અલગ દેશની વ્યક્તિઓથી ભરેલુ છે. દાદી આફ્રિકન,
કાકી ચાઇનીઝ અને ખાનદાન પંજાબી. દરેક કોમ્યુનીટીના દર્શકો પકડવા પંજાબ, ગુજરાત ઉપરાંત
મુસ્લિમ માટે ૭૮૬ નંબર. હવે જોઈએ કોણ આ ફિલ્મને ઉગારે છે!
પેકઅપ:
"એકતા કપૂર સની લીયોનને લઈને ’રાગીણી એમ.એમ.એસ.-2’ બનાવી
રહી છે...
જેની આખી ફિલ્મ બજારમાં મળતી હોય એના એમ.એમ.એસ. માં કોને રસ
પડે?"


No comments:
Post a Comment