Friday, 23 November 2012

લાઇફ ઑફ પાઇ: અનોખી વાત, અદભૂત ફિલ્મ


        

 આમ જુઓ તો ફિલ્મ એ વાસ્તવિક જિંદગીનો જ એક ભાગ પણ મોટાભાગે એવું બને છે કે વાસ્તવિકતા સ્વીકારવામાં આવતી નથી. ઘણી વાતો એવી હોય કે જે સીધી અને સાચી હોવા છતા ગળે ઊતરતી નથી પણ જો એ જ વાતમાં મોણ નાખીને રજૂ કરવામાં આવે તો ચોક્કસ પણે સ્વીકારવામાં આવે. છેલ્લે લગભગ બધા લોકોએ વખાણેલી ફિલ્મ ’ઓહ માય ગોડમાં પણ મૂળ વાત તો ભગવાનની જ પણ સીધે સીધા દંભની વાત. ’લાઇફ ઑફ પાઇ એટલે ભગવાનની જ વાત પણ આડકતરી રીતે થતી ભગવાનની વાત. એટલો મોટો કટાક્ષ કે બહુ ઓછું ભારતીય ઑડિયન્સ સમજી શકશે કે સ્વીકારી શકશે. એમ છતા પણ એટલું તો સ્વીકારવું જ પડશે કે એક બેજોડ ફિલ્મ એટલે ’લાઇફ ઑફ પાઇ

        ફિલ્મ માટેનો વિષય ક્યાંય અને ક્યાંયથી અવતરતો હોય જ છે અને એમાં પણ નોવેલ એટલે ફિલ્મ માટે એડપ્ટ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય. યાન માર્ટેલે ૨૦૦૧માં ’લાઇફ ઑફ પાઇ નામની નોવેલ પબ્લીશ કરી હતી જેને યુ.કે.ના પાંચ પબ્લીસીંગ હાઉસે આ નોવેલને રીજેક્ટ કરી હતી. આ પાંચ માંથી એક પણ પબ્લિક હાઉસને વાતમાં દમ નહોતો લાગ્યો અને આ નોવેલને છાપવી એટલે સમયનો બગાડ લાગ્યો હતો. આખરે નોફ કેનેડાએ આ નોવેલનો સ્વીકાર કર્યો અને પબ્લીશ કરી. આ પછીના વર્ષમાં આ નોવેલ યુ.કે.માં જ બૂકર્સ પ્રાઇઝ જીતી. આ પછી તો સાઉથ આફ્રિકા, ફ્રાન્સ જેવા ઘણા દેશોમાં પોતાનો ઘંટો વગાડી ચૂકી. જો કે લેખકનું માનવું છે કે આ બૂક લખવા માટે પ્રેરણાશ્રોત બૂક બ્રાઝીલીયન લેખક મોસીર સીલરની બૂક ’મેક્સ એન્ડ કેટ્સ રહી છે જેમાં એક વ્યક્તિ પેસેફીક મહાસાગર પાર કરે છે.


        ફિલ્મ આમ તો અંગ્રેજી ફિલ્મ જ છે પણ નસીબ જોગે વાત એક ભારતના છોકરાની છે એટલે કલાકારો તો ભારતના જ લેવા પડે. ફિલ્મ જે રીતે હિસ્સામાં વહેંચાયેલી છે જેમાં મુખ્ય પાત્રને અલગ અલગ ચાર ઉમરમાં વહેંચવામાં આવી છે. ફિલ્મના આ મુખ્ય પાત્રનું નામ પીસીંગ મોલીટોર પટેલ છે જે નામ ન ગમતા હીરો એક નવી વાત લઈને પોતાનું નામ ’પાઇ કરે છે. વાત જૂના જમાનાની છે. અને વર્ષોની છે. આ ચાર અલગ અલગ પાત્રો અનુક્રમે ગૌતમ બેલુર, આયુષ ટંડન, સુરજ શર્મા અને ઇરફાન ખાને ભજવ્યા છે. ફિલ્મ જ્યારે સર્વોપરી અને શ્રેષ્ઠ બનાવવી હોય ત્યારે જો કાસ્ટિંગ પરફેક્ટ ન હોય તો ફિલ્મ મારી જાય છે. તમને આશ્ચર્ય થશે કે ફિલ્મનું છેલ્લેથી બીજુ પાઇનું પાત્ર ભજવતો સુરજ શર્મા ૩૦૦૦ ઓડીશન આપી ચૂકેલા લોકો માંથી પસંદગી પામ્યો છે. ફિલ્મની શરૂઆત ઇરફાન ખાન જ કરે છે અને પછી વાર્તા ફ્લેશ બેકમાં ચાલે છે. ઇરફાન ખાને હમણાં જ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં એક સરસ વાત કરી કે ’મને ભલે બધું મોડું મળે છે પણ સારુ મળે છે. લોકો હજુ સો કરોડની ક્લબની વાતો કરે છે જ્યારે હું તો આઠસો કરોડની ક્લબનો સભ્ય છું વાત પણ સાચી છે આ ફિલ્મનું બજેટ ૧૨૦ મીલિયન યુ.એસ. ડોલર છે એટલે લગભગ ૮૦૦ કરોડ. જો કે ઇરફાન ખાસ ડિરેક્ટર્સનો ખાસ પસંદગીનો સ્ટાર રહ્યો છે. અંગ્રેજી ફિલ્મમાં કામ કરવાનો આ એનો કંઈ પહેલો અનુભવ નથી. આ પહેલા ’ધ વોરિયર, ’અ માઇટી હાર્ટ, ’સ્લમ ડોગ મીલિયોનર અને નાનકડા રોલ માટે ’અમેઝીંગ સ્પાઇડરમેન પણ ખરી. તબુને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે. તબુના મતે એને અલગ અલગ પ્રકારના ચેલેજીંગ રોલ્સ મળતા રહ્યા છે તો પણ વસવસો તો ઠાલવે જ છે કે ’હું મસાલા ફિલ્મ્સને મીસ કરુ છું એક ગજબ રીતે ઊભરી રહેલો કલાકાર એટલે અલી હુસેન. અલગ દેખાવ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અભિનયની પકડ અલી હુસેનને ક્યાં પહોંચાડશે એ તો ભવિષ્ય જ કહેશે પણ આ ફિલ્મમાં પાઇના પિતાના પાત્રમાં આથી સારુ પર્ફોર્મ્ન્સ વિચારી જ ન શકાય.



        ભારતીય કલાકારો અંગ્રેજી ફિલ્મમાં કામ કરે અને અન્ય દેશના લેખકો ભારતની પૄષ્ઠભૂમીનો સ્વીકાર કરે એ અત્યારના સમયમાં સામાન્ય વાત છે પણ અહીં એક વાત યાદ કરી લઈએ કે એક વખતના ધુરંધર કલાકાર ’પ્રાણ પણ અંગ્રેજી ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે. મારા જેવા ફિલ્મના શોખીન લોકોએ થોડું કઠ્ઠણ હ્રદય કરી લેવું પડશે કેમ કે પ્રાણની ઉમર અત્યારે ૯૨ વર્ષની છે અને છેલ્લા ત્રણ દિવસથી તેઓ હોસ્પિટલમાં છે. થોડી આડા પાટે વાત કરી લઈએ. બહુ જુજ ફિલ્મમાં કામ કરી ચૂકેલ આશિષ ચૌધરીની બહેન મુંબઈ બ્લાસ્ટમાં પોતાની બહેન ગુમાવી ચૂક્યો હતો. કસાબને ફાંસી અપાતા આશિષ ખુશ થયો હતો અને કહ્યું હતું કે ’હવે મારી બહેનની આત્માને શાંતિ મળશે. એ વાત અલગ છે કે હંમેશા વિવાદાસ્પદ નિવેદનો, ગાળો અને અશ્લીલ વાતો કરતા રામગોપાલ વર્મા એ કહ્યું કે ’કસાબને ફાંસી એટલે ફોરપ્લે વગરનું ઓર્ગેઝમ

        ચાલો ફરી ફિલ્મની વાત પર પાછાં ફરીએ. ફિલ્મને ૩ડીમાં બનાવવામાં આવી છે, કદાચ બધી જ પ્રકારના ઑડિયન્સ પર પકડ જમાવવા માટે પણ મારો અભિપ્રાય સ્પષ્ટ પણે એવું કહે છે કે જો ફિલ્મ ૩ડીમાં નહીં જુઓ તો પણ તમે કંઈ ખાસ ગુમાવશો નહીં. કેમ કે ફિલ્મનું હાર્દ એ ફિલ્મની વાર્તા છે. ફિલ્મની સૌથી નોંધનીય વાત એ છે કે લગભગ ૮૦% ફિલ્મ એક પાત્ર એટલે સુરજ શર્મા-પાઇ અને એક વાઘ જેનું નામ છે ’રીચર્ડ પાર્કર પર ફિલ્માવવામાં આવ્યું છે. માત્ર એક પાત્ર અને ખૂબ જ ઓછા ડાયલૉગ સાથે આટલું લાંબું ફિલ્મ ખેંચી શકાય? પણ તમને એક મીનીટ માટે પણ મહેસુસ નહીં થવા દે કે તમે બોર થાઓ છો. એક એક દ્ગશ્ય તમને પકડી રાખશે. દરિયામાં ઉઠતા તોફાનો વચ્ચે તમે પણ ફંગોળાશો. ટેક્નિકની વાત કરીએ તો મોટાભાગે એનીમેશનથી બનેલુ ફિલ્મ છે. અંગ્રેજી ફિલ્મ્સ હવે ટેબલ મેડ ફિલ્મ્સ જ બની ગઈ છે તો પણ આ ફિલ્મમાં અતિશય સરસ એનીમેશન છે. આ ફિલ્મના એનીમેશનની ખૂબી એ છે કે ફિલ્મનું એક મહત્વનું પાત્ર એટલે કે વાઘ આખેઆખો એનીમેટેડ વાઘ છે!


        ફિલ્મની વાર્તા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ બાળક પાઈને અને થોડો મોટો થયેલો પાઈ બતાવે છે જેની અંદર ધર્મના બીજ વાવવામાં આવે છે. બાળક માટે બધા જ ભગવાન તરફની લાગણીઓ સરખી છે. હિન્દુ, ખ્રિસ્તી કે ઇસ્લામ ત્રણેય ધર્મ પ્રત્યે સમભાવ રાખતું બાળક જાણતું નથી કે ક્યા ભગવાન, અલ્લાહ કે ગોડ એની સાથે છે. આ પછીનો તબક્કો છે ૧૭ વર્ષના પાઇનો. ૧૭ વર્ષનો પાઇ એક છોકરી સરવંથી સાંઇનાથના પ્રેમમાં પડે છે. આ દરમિયાન જ પુરી ફેમિલી એક નિર્ણય લે છે કે બધા કેનેડા જતા રહીએ. પાઇના પિતા એક ઝુના માલિક છે. બધા જ પ્રાણીઓને લઈને એક જહાજમાં કેનેડા તરફ રવાના થાય છે. રસ્તામાં ખતરનાક તોફાન આવે છે. આ તોફાનમાં પાઇ એક બોટ પર પોતાનો જીવ બચાવવા આવે છે. આ બોટ પર તેની સાથે છે ઝુના પ્રાણીઓ. એક પગ તૂટેલ ઝિબ્રા, એક લોમડી, એક ફીમેલ ચિંપાજી અને એક વાઘ. અહીંથી જિંદગી બચાવવાના ખેલ શરૂ થાય છે. આ દરમિયાન છેલ્લે વધેલ વાઘ અને પાઇ કેટલી બધી તકલીફ પછી મેક્સીકોના કિનારે પહોંચે છે. વાત અહીં પૂરી નથી થતી. ફિલ્મનો જે હાર્દ છે એ છેલ્લે એક લેખકને આ વાત કરતો ઇરફાન ખાન અંતે કહે છે ત્યારે તમે આફરીન પોકારી જશો. પાઇના મગજમાં રહેલા ભગવાન, અલ્લાહ કે ગોડ શું છે એ જાણી જશો. જો તમે ફિલ્મનો અંત સમજી શકશો તો તમને જરૂર થશે કે આથી સરસ વાત જ ન હોઈ શકે. સત્ય અને હકીકત વચ્ચેનો ભેદ માત્ર ટૂંકા શબ્દોમાં અને ટૂંકી વાતમાં અંતમાં રજૂ થાય છે. તમે ભારે હ્રદયે છેલ્લે આખી વાર્તાને મુલાવતા બહાર નીકળશો એની મને પૂરી ખાતરી છે. 



પેકઅપ:
"ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલા મહાપુરુષ પેદા થયા?"
"એક પણ નહીં, બધા જ બાળકો પેદા થયા છે"

2 comments: