ફિલ્મ માટે દરેક વ્યક્તિના અલગ
અલગ વિચાર હોય શકે. કો’ક ફિલ્મ અમુક પ્રકારના લોકોને ગમે તો કો’ક ફિલ્મ અમુક પ્રકારના
લોકોને ગમે, પરંતુ અંતે તો ફિલ્મ્સ બને છે બિઝનેસ માટે. જે ફિલ્મ બોક્ષ ઓફીસ પર સારો
ધંધો કરી શકે એ ફિલ્મ જ વખણાય છે. મારા જેવા ક્રિટીક્સ ગમે તેટલી રાડો પાડે તો પણ ફિલ્મ
સફળ થાય. મહેશ ભટ્ટ કૅમ્પ આ માટે ખાસ વખણાતું ગૃપ છે. વર્ષોથી આ કૅમ્પ લોકોને ગમે તેવી
ફિલ્મ, લોકોને ગમે તેવું મ્યુઝિક અને સેક્સ પીરસતું રહ્યું છે. ૨૦૦૨માં કોઈ પણ ખાસ
કહી શકાય એવી ફિલ્મ આવી નહોતી. “દેવદાસ” પાસે લોકોને ઘણી આશા હતી પણ ’દેવદાસ’ બોક્ષ
ઓફીસ પર ખાસ કમાલ દેખાડી શકી નહીં. આ ગાળામાં જ ”રાઝ”નો પહેલો ભાગ રજૂ થયો અને પ્રમાણમાં
ખૂબ સારુ કહી શકાય તેટલું કલેક્શન કરવામાં સફળ રહી. સફળ ગયેલી ફિલ્મની સીક્વલ બનાવવાનો
ટ્રેન્ડ ચાલુ થયો એટલે ૨૦૦૬માં “રાઝ- ધ મીસ્ટ્રી કન્ટીન્યુઝ” બનાવવામાં આવી. ’રાઝ’ના
બીજા ભાગના ટાઇટલ માટે પૂજા ભટ્ટ સાથે મારી મુલાકાતમાં સરસ મઝાની વાત જાણવા મળી. હોલીવુડનું
એક ફિલ્મ હતું “આઇ નોવ વોટ યુ ડીડ ઇન લાસ્ટ સમર” આ પછી જ્યારે આ ફિલ્મનો જ બીજો ભાગ
બનાવવામાં આવ્યો ત્યારે ટાઇટલ ખૂબ સરસ આપવામાં આવ્યું. “આઇ સ્ટીલ નોવ વોટ યુ ડીડ ઇન
લાસ્ટ સમર”. આ વાત પરથી જ પૂજાએ ’રાઝ-2’નું ટાઇટલ રાખ્યું. સમય સાથે ફિલ્મ્સના પરિમાણ
બદલતા રહે છે એમ જ ફરી ’રાઝ’ની સીક્વલનો વિચાર આવ્યો પણ આ વખતે ટાઇટલ એમનું એમ જ રાખવામાં
આવ્યું “રાઝ” પણ “રાઝ-3” સાથે વધારામાં જોડાયું 3D
સૌથી પહેલા આપણે એ જાણીએ કે 3D એટલે શું? ત્રણ ડાયમેન્સન એ
બધા જ જાણે છે પણ આ પ્રકારની ફિલ્મ્સ બને કેમ એ પ્રશ્ન બધાને થતો જ હશે. આપણી જમણી
અને ડાબી બંને આંખો અલગ અલગ જુએ છે. આ બે આંખો જ જો કૅમેરા થઈ જાય તો આપણે દ્ગશ્યને
ત્રણ ડાયમેન્સનથી જોઈ શકીએ. જૂની ટેક્નોલૉજી મુજબ 2Dમાં જ ફિલ્મ રેકોર્ડ થતી. ઘણી વાર
CGI એનીમેટેડ ટેક્નોલૉજી એટલે કે 3D મોડેલ્સનો ઉપયોગ કરવામાં આવતો. જેમ કે ૧૯૯૩માં
અંગ્રેજી ફિલ્મ “ધ નાઇટમેર બીફોર ક્રિસ્ટમસ” ની એક એક ફ્રેમને સ્કેન કરી અને બંને આંખોના
એંગલ સેટ કરી 3D બનાવવામાં આવી હતી. આ મેથડને ડેપ્થ બેઇઝ મેથડ તરીકે ઓળખાય છે. આ પછી
તો ટ્રેન્ડ ખૂલ્યો અને એમાં પણ નવી નવી એડીટીંગ ટેક્નોલૉજી આવતી ગઈ એટલે પ્રોડ્યુસર્સ
2D ફિલ્મ્સને 3Dમાં ફેરવીને ફેર રીલીઝ કરવા લાગ્યા. જેમ બચારા શાહરુખભાઇએ “રા-વન” એમને
એમ ન ચાલી તો 3Dમાં પણ રીલીઝ કરી જોઈ પણ જેવા એમના નસીબ. આ ટેક્નોલૉજીનો બેસ્ટ ઉપયોગ
જોવો હોય તો “ટાઇટેનીક” 3D છે. ૨૦૦૮ પછી ખરા અર્થમાં કહી શકાય તેવું 3D સિનેમા અસ્તિત્વમાં
આવ્યું. આ વર્ષમાં “જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ” આ ફિલ્મને ખરા અર્થમાં 3D ફિલ્મ
કહી શકાય કારણ કે માત્ર એડીટીંગ પ્રોસેસ જ નહીં પણ શૂટીંગ પણ 3D ટેક્નોલૉજીથી કરવામાં
આવ્યું. 3Dનું શૂટીંગ જાણવા જેવી વાત છે. બે કૅમેરા એવા એંગલથી એકબીજા સાથે જોડવામાં
આવે કે જાણે એક કેમેરો ડાબી આંખ હોય અને બીજો જમણી આંખ. આ બંને જોડાયેલા કૅમેરા એક
સાથે એક જ દ્ગશ્યનું શૂટીંગ કરે જેથી જ્યારે આ દ્ગશ્યને તમે પડદા પર જુઓ તો તમને ત્રણ
ડાયમેન્સન દેખાય. આ ફિલ્મ પછી “અવતાર” પણ આ ટેક્નોલૉજીથી બની. ’અવતાર’માં વધારાની વાત
હતી એનીમેશન. એનીમેશન કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે અને ખાસ પ્રકારના સોફ્ટવેરથી. આ સોફ્ટવેરમાં
વર્ચ્યુલ કૅમેરા પણ ડાબી અને જમણી આંખની જેમ સેટ કરવામાં આવે છે. આ પછી તો ઘણી 3D ફિલ્મ્સ
બની અને ટેક્નોલૉજીના સુધારા રૂપે IMAX 3D અને Cine 160 જેવા ડીજીટલ કૅમેરા માર્કેટમાં
આવ્યા. આ કૅમેરામાં બે લેન્સ સાથે જ લાગેલા હોય અને ડબલ રેકોર્ડીંગ સીસ્ટમથી સીંગલ
કૅમેરા દ્વારા તમે 3D શૂટ કરી શકો. રાઝ ૩ પણ આ ટેક્નોલૉજીથી જ શૂટ કરવામાં આવી છે માટે
એક સલાહ કે રાઝ ૩ જોવું હોય તો 3Dમાં જ જોવું નહિતર રૂપિયા ખર્ચવા નહીં.
હોરર વિષય જ એવો છે કે ડર લાગવો તો ફરજિયાત છે. એ સાથે જો
3Dમાં હોય તો ડરમાં ઉમેરો થઈ શકે. આ વાતને ધ્યાનમાં લઈને ’રાઝ’ બન્યું. 3Dની દ્રષ્ટિએ
જોઈએ તો અમુક દ્ગશ્યો ખરેખર સુંદર રહ્યા અને અમુક દ્ગશ્યો ડરાવી શક્યા. હવે આપણે એવું
માની લઈએ કે આ ફિલ્મ 3Dમાં નથી અને મૂલ્યાંકન કરીએ તો ક્યા એંગલથી ફિલ્મને સારી કહેવી
એ એક પ્રશ્ન છે. ફિલ્મની કથા એકદમ ચીલાચાલુ, એક્ટીંગ ખરેખર ખરાબ કહી શકાય એવું, ગીતો
પણ એવરેજ અને કથામાં ક્યાંય પણ લોજીક જોવા જ ન મળે. શનાયા (બીપાસા બસુ) એક વખતની હીરોઇન
અને એ હીરોઇનનું સ્થાન સંજના (ઇશા ગુપ્તા) લઈ લે છે. વાતને વધુ ફિલ્મી બનાવવા માટે
ઇશાને બીપાસાના ખરા પપ્પાની પ્રેમિકાની છોકરી બનાવવામાં આવે છે જેથી બદલો યોગ્ય લાગે.
આદિત્ય (ઇમરાન હાશમી) બીપાસાનો પૂર્વ પ્રેમી છે. ઇશા જ્યારે બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ
જીતે છે અને બીપાસા ખૂબ દુખી થાય છે ત્યારે કોઈ કારણ વગર જ બીપાસાનો જૂનો ડ્રાયવર કાળા
જાદુની વાત કરી જાય છે. બીપાસા તારદત નામના એક આત્માને મળે છે. આ આત્મા શા માટે બીપાસાને
મદદ કરવા તૈયાર થઈ જાય છે એ તો સમજાયું જ નહીં તો પણ વાતને આગળ વધારીએ. આ આત્મા પાણી
મંત્રીને બીપાસાને આપે છે અને કહે છે કે ઇશાને
આ પાણી રોજ પિવડાવવું જેથી એ તારા વશમાં આવી જશે. આ કામ કરવા માટે ઇમરાનને બીપાસા તૈયાર
કરે છે. પ્રીડીક્ટેબલ સ્ટોરીની જેમ જ ઇમરાન ઇશાને પ્રેમ કરવા લાગે છે. ઇશા જ્યારે જ્યારે
આ પાણી પીવે છે ત્યારે તેને અલગ અલગ ભૂતના અહેસાસ થાય છે. પાણી ન પીવે ત્યારે ફરી એકદમ
સરસ પ્રેમ કરે અને ગીતો પણ ગાવા લાગે આમ છતાં એ સમજાયું નહીં કે ઇશાની આત્મા પ્રેતના
કબજામાં કેવી રીતે છે? ઇમરાન ભાઇ પ્રેમમાં એટલે છેવટે તેમણે આ વાતનો સ્વીકાર તો કરવો
જ પડે. ઇમરાનની ફરજ પણ થઈ જાય કે ઇશાના આત્માને મુક્તિ અપાવવી. આ સાથે એક સારો તાંત્રીક
પણ આવે અને ઇમરાન ચાલ્યો જાય ભૂતોના વાસમાં ઇશાને છોડાવીને ફરી પાછી લઈ આવે. સૌથી આશ્ચર્યજનક
વાત તો એ રહી કે છેલ્લે જ્યારે બીપાસા ઇશાનો જીવ લેવા માટે તૈયાર થાય ત્યારે પેલો તારદત
નામનો આત્મા આ માટે બીપાસાને ઇલાજ આપે કે બીપાસા જે રીતે મનુષ્ય સાથે શારીરિક સંબંધ
બાંધે છે એ રીતે જ પ્રેત સાથે પણ બાંધવાનો! હવે જો એવું લોજીક જોડીએ તો બની શકે કે
કદાચ આ આત્મા આ કારણથી જ શરૂઆતમાં બીપાસાને મદદ કરવા તૈયાર થઈ હોય!
ઇશા હજુ એક્ટીંગ શીખી રહી છે, બીપાસાની ઉમર હવે ચાળી ખાય છે.
જો કે ફિલ્મનું ઓરીજીનલ કાસ્ટિંગ થયુ ત્યારે જેક્વીલને બીપાસા વાળા રોલ માટે લેવામાં
આવી હતી પણ અંગત કારણસર સમય ન આપી શકતા આ રોલ બીપાસાના ભાગે આવ્યો હતો. આ રીતે જ આ
ફિલ્મ રીલીઝ થવામાં પણ ઘણા સંઘર્ષ કરી ચૂકી છે. સૌપ્રથમ ૬ જુલાઈ નક્કી થઈ હતી પણ રોહીત
શેટ્ટીની “બોલ બચ્ચન” નડી ગઈ, એ પછી આ જ કૅમ્પની બીજી ફિલ્મ “જીસ્મ 2” ઓગસ્ટમાં રીલીઝ
થઈ. અને છેક છેલ્લે સપ્ટેમ્બરમાં વારો આવ્યો અને એ પણ ડરતા ડરતા કે “બરફી” ક્યાંક રીલીઝ
ન થઈ જાય. જો કે મહેશ ભટ્ટ કૅમ્પની એક ખૂબી રહી છે કે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવી એટલે
એટલું તો નક્કી જ છે કે નફો તો કમાય જ લેવાનો. 3D સ્ક્રીન ભારતમાં ઓછી છે માટે જે ફિલ્મની
માણવા જેવી વાત છે એ ઘણા લોકો ચૂકી જશે. ફિલ્મનું પ્રોમોશન નાની સ્ક્રીન પર પણ થયું
છે એટલે એવું માનીએ કે એકવાર તો દર્શકોને થિયેટર સુધી લઈ આવશે. તમે ડાહ્યાં દર્શક હો
તો 3D મળે તો જોઈ લેજો બાકી નહીં જુઓ તો કંઈ ગુમાવવા જેવું નથી.
પેકઅપ:
“આ અડધી
રાતે કબરની ઉપર બેઠાં છો તો તમને ડર નથી લાગતો?”
“એમાં
ડર શા નો લાગે? અંદર ગરમી થતી હતી તો બહાર બેઠો છું”


No comments:
Post a Comment