એક
સમય હતો જ્યારે ફિલ્મમાં જેટલો મેલોડ્રામા વધારે એટલી જ ફિલ્મ લોકોને પસંદ આવે પણ સમય
સાથે માણસો, ટેસ્ટ અને સ્વભાવ બધું જ બદલાતું ગયું અને લોકો વેવલાવેડાને બદલે ઠોસ હકીકત
પર જીવવા લાગ્યા. સત્યને સ્વીકારવાની અને જોવાની હિંમત તેમનામાં આવી અને એટલે જ કોમર્સિયલ
ફિલ્મ બને તો પણ જેટલું શક્ય હોય તેટલું લોજિક બેસાડવામાં આવવા લાગ્યું અને એથી પણ
ઉપર જો ખોટું અધધ લાગે તેવું જોવું છે તો પણ સાઉથ સ્ટાઇલની ફિલ્મ્સ ગમવા લાગી. હવે
જ્યારે આ પ્રકારનો જમાનો આવી ગયો હોય ત્યારે માત્ર અને માત્ર ત્યાગ પર ફિલ્મ લખવાની
હિંમત તો મહેશ ભટ્ટ જ કરી શકે. હદ બહારના ઇમોશનલ સિન્સ ક્રીએટ કરીને લોકોને પ્રેમ વેવલો
લાગે ત્યાં સુધી ખેંચી જવાની કોશિશ માટે માનવું જ પડે સાચે જ આ ફિલ્મ અધૂરી છે...
મોહિત
સુરી માટે ભટ્ટ કૅમ્પ ખૂબ જ લક્કી રહ્યા છે. ભટ્ટ કૅમ્પ જોઈન કરવા પાછળ તેમની એક ડિગ્રી
ઘણી હતી કે તેઓ મહેશ ભટ્ટના ભત્રીજા છે. જો કે મોહિતે સીધુ જ ફિલ્મ ડિરેક્શન નથી કર્યું
પણ આસિસ્ટન્ટ શીપ કરીને તેમણે શરૂઆત કરી છે. વિક્રમ ભટ્ટની ફિલ્મ ’કસૂર’થી ફિલ્મ ક્ષેત્રે
પગ પેસારો કર્યો. આ પછી તેમણે ’આવારા પાગલ
દિવાના’, ’ઝહર’, ’ફૂટપાથ’ જેવી ફિલ્મ્સ આસિસ્ટ કર્યા પછી પોતાના સ્વતંત્ર ડિરેક્શનમાં
મહેશ ભટ્ટ પ્રોડક્શનની જ ’કલયુગ’ ૨૦૦૫માં ડિરેક્ટ કરી. ફિલ્મ મ્યુઝિકને હિસાબે વધારે
ચાલી પણ યશ તો ડિરેક્ટરને જ મળે. આ પછી ’રાઝ
મીસ્ટ્રી કન્ટીન્યુસ’, ’કૃક ઇટ્સ ગૂડ ટુ બી બેડ’, ’મર્ડર 2’ અને આ પછીની ’આશિકી 2’
પછી તો મોહિતને તો માનવા પડે એવા ડિરેક્ટર ગણાવવા લાગ્યા. આ પછીની તેમની ફિલ્મ ’એક
વિલન’ મારી દ્રષ્ટિએ સારી ન હતી પણ કોમર્સિયલ એંગલથી હીટ રહી. તેમની ભટ્ટ કૅમ્પ બહારની
પહેલી ફિલ્મ હતી અને હવે આ ફરી વિશેષ ફિલ્મ્સના બૅનર હેઠળની ફિલ્મ પણ સારા ડિરેક્ટર
હોવા છતા પણ વાત બહુ ખરાબ હોવાથી જમાવી ન શક્યા....
વિશેષ
ફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોએ ત્રણ ફિલ્મનો કરાર કર્યો છે. જેમાં સરસ મઝાની ફિલ્મ
’સીટી લાઇટ્સ’ આવી અને આ બીજી ફિલ્મ રીલીઝ થઈ રહી છે.’મી. એક્સ’ રીલીઝ થઈ ગઈ છે. આમ
તો નવેમ્બર ૨૦૧૩માં જ આ ફિલ્મ રીલીઝ કરવાનો પ્લાન હતો પણ ઑક્ટોબર ૨૦૧૪ સુધી ઇમરાનના
પુત્રની બિમારીને લીધે પાછળ લઈ જવામાં આવી. મોહિત સુરીએ કહ્યું હતું કે ફિલ્મમાં ફીટ
થવા માટે વિદ્યા બાલને વજન ઉતારવું પડશે અને એ વાતને લઈને અફવા ઊડી કે વિદ્યાએ ફિલ્મ
છોડી દીધું છે જેના સ્થાને શ્રદ્ધા કપૂરને લેવામાં આવી છે પણ એક ઇન્ટર્વ્યૂમાં મહેશ
ભટ્ટે ખુલાસો કર્યો કે વિદ્યા બાલન હજુ પણ ઇન જ છે અને ફિલ્મ ૧૨ જૂન, ૨૦૧૫ના રોજ રીલીઝ
થશે. આમ તો અડધું ફિલ્મ સાઉથ આફ્રિકા કેપ્ટ ટાઉનમાં શૂટ થશે એવું નક્કી થયું હતું પણ
શેડ્યૂલ જેમ ડીલે થતું ગયું એમ લોકેશન્સ પણ બદલાતા ગયા. પહેલું શેડ્યૂલ કલકત્તા પછી
૧૫ દિવસ માટે દુબઈના અલગ અલગ જગ્યા પર કરવામાં આવ્યું. ૪ દિવસ સાઉથ આફ્રિકા કેપ્ટ ટાઉનમાં
અને છેલ્લે મુંબઈમાં ફિલ્મ પૂરુ કરવામાં આવ્યું. શૂટ દરમિયાન ઘણા વિધ્નો આવ્યા પણ આખરે
૧૫ જાન્યુઆરી, ૨૦૧૫માં ફિલ્મનું શેડ્યૂલ પૂર્ણ થયું છે એવું ડીક્લેર થયું...
ઇમરાનની
ભલે કીસીંગ બોયની ઇમેજ ધરાવતો હોય પણ ઇમરાન માત્ર અને માત્ર ડિરેક્ટરનો જ એક્ટર છે.
એકદમ સામાન્ય રોલ પણ કરી શકે અને ’શાંઘાઈ’ જેવો રોલ હોય તો પણ ઇમરાન ફીટ જ હોય. આમ
જુઓ તો ૨૦૦૩માં ’ફૂટપાથ’માં નાના રોલ સાથે શરૂ થયેલી તેની કેરિયર ગણીએ તો કુલ ૧૨ વર્ષનો
અનુભવ ઓછો તો ન જ ગણાય. આરવ રૂપારેલના પાત્રમાં ઇમરાન છે અને આથી વધારે ખરાબ રોલમાં
મેં ઇમરાનને ક્યારેય નથી જોયો. તેના ફિલ્મમાં બતાવેલા પ્રેમ પર દયાને બદલે ઘૃણા આવે
છે. વિદ્યા બાલન અત્યારે તો અતિ સુખી પરિવારની હોવાને લીધે વજન કંટ્રોલ ન કરી શકે પણ
એક્ટીંગ તો કરી જ શકે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ પહેલા વિદ્યા ઘણી હેરાન થઈ છે. સાઉથની
ફિલ્મ્સમાં ઘણા પ્રયત્નોને અંતે આખરે ૨૦૦૫માં તેને પહેલી ફિલ્મ ’પરિણીતા’ મળી. ’હમ
પાંચ’ જેવી સિરિયલ અને ’સર્ફ એક્સેલ’ જેવી એડમાં કામ કરી ચૂકેલી વિદ્યા માટે ફિલ્મ
બહુ જ સારી સાબિત થઈ. વિદ્યા પ્રથમ ફિલ્મ પછી ક્યારેય અટકી નથી અને એક થી એક ચડે એવા
રોલ નિભાવીને પોતાની જાતને સાબિત કરી ચૂકી છે. બસ માત્ર પોતાનું વજન કાબુમાં રાખે એટલે
ઘણું! આ ફિલ્મમાં વસુધા પ્રસાદ તરીકે વિદ્યાને જોઈને એક ફીલીંગ તો આવી કે બંને પાત્રો
સામે તેની ઉમર રીતસર ચાડી ખાય છે પણ આ વાત વિદ્યાને કેમ નહીં સમજાતી હોય! રાજકુમાર
રાઓ એટલે અદભૂત એક્ટર. એફ.ટી.આઇ.આઇ.નો ગ્રેજ્યૂએટ રાજકુમાર ઘણા પ્રયત્નોના અંતે પોતાની
પહેલી ફિલ્મ ૨૦૧૦માં ’લવ-સેક્સ ઔર ધોકા’ મેળવી શક્યો હતો. આ પછી રાજકુમાર એક ચોઇસનો
એક્ટર બની ગયો. એક પછી એક ફિલ્મ સાથે તેની પરિપક્વતા વધતી ગઈ. આ ફિલ્મમાં વિદ્યાના
પતિ હરીના પાત્રમાં ખૂબ જ નાનો રોલ છે પણ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. મધુરિમા તુલી
અવનીના પાત્રમાં છે. મધુરીમાની કેરિયરની શરૂઆત સીધી જ ફિલ્મથી થઈ હતી. ૨૦૦૪માં તેની
પહેલી ફિલ્મ ’સત્તા’ હતી પણ ૨૦૦૭થી ફિલ્મમાં ખાસ કામ નહીં મળતા સિરિયલ જગત તરફ વળી
ગઈ. ’કસ્તુરી’, ’શ્રી’, ’ઝાંસી કી રાની’ અને અત્યારની ’કુમકુમ કા ભાગ્ય’ ખૂબ સફળતાથી
ચાલતી રહી છે. ફિલ્મ પણ સાથે કરતી જ રહી છે પણ કોઈ પ્રખ્યાત કહી શકાય તેવી નહીં. સારા
ખાન પણ ટેલિવિઝનની દુનિયામાં સિરિયલ્સ ઉપરાંત રીયાલીટી શો દ્વારા જ જાણીતી બની છે.
સારાને પણ ફિલ્મ્સ મળી જ છે પણ જાણીતી નહીં. નંબરની રીતે ગણીએ તો આ તેની ત્રીજી ફિલ્મ
છે અને આ ફિલ્મમાં નાઈલા તરીકેના પાત્રમાં છે. સાઉથની અમલા ઘણા સમય પછી ઇમરાનની માતાના
પાત્રમાં જોવા મળ્યા. એક્ટીંગ માટે બધાએ મહેનત કરી છે પણ...
મહેશ
ભટ્ટ અને મુકેશ ભટ્ટે મળીને ફિલ્મ પ્રોડ્યૂસર કર્યું છે. ફિલ્મની વાર્તા પણ મહેશ ભટ્ટે
જ લખી છે. સાંભળવા મળ્યું છે કે મહેશ ભટ્ટના પોતાના જ ઘેર તેમણે તેમના પિતા અને સ્ટેપ
માતા સાથે જોયેલા પ્રસંગો પરથી વાર્તા લખી છે. બોલીવુડના સદાય વખાણ કરવા ટેવાયેલા લોકોએ
તો એવું કહ્યું કે પૂરા ૪૦ વર્ષ પછી મહેશ ભટ્ટ તરફથી આવી વાર્તા આવી છે અને અત્યાર
સુધી ન જોઈ હોય એવી ફિલ્મ બની છે ડાયલૉગ શગુફ્તા રફીકે લખ્યા છે. બૅકગ્રાઉન્ડ સ્કોર
રાજુ સિંઘનો છે જ્યારે ગીતો મીથુન, જીત ગાંગુલી અને અમી મિશ્રાએ કંપોઝ કર્યા છે પણ
એ વાત અલગ છે કે રાહ્ત સાહેબનું ’તેરી આંખો કા દરિયા’ સીધુ જ ઉપાડવામાં આવ્યું છે કેમ
કે આ ગીતને યુટ્યુબ પર અત્યાર સુધીમાં લગભગ ૪ કરોડ હીટ મળી ચૂકી છે. વિશ્નુ રાવની સિનેમેટોગ્રાફી
છે. પ્રોડક્શન કંપનીની ક્રેડિટ વિશેષ ફિલ્મ્સને આપવામાં આવી છે. ફિલ્મ ૧૩૧ મીનીટનો
રન ટાઇમ ધરાવે છે. ટીમના દરેક વ્યક્તિની મહેનત માટે ફિલ્મને ૨ સ્ટાર આપીશું...
પેકઅપ:
"પુરુષો એટલાં વિવેકી હોય છે કે ૪૦ વર્ષની સ્ત્રી
પણ સુંદર લાગે છે અને સ્ત્રીઓ એટલી ખરાબ હોય છે કે ૩૦ વર્ષના પુરુષને પણ અંકલ કહે છે"