Friday, 26 September 2014

ચાર ફુટિયા છોકરે: સહન ન થાય તેવું ફિલ્મ







     એક જ દિવસમાં એક સાથે ચાર ચાર ફિલ્મ રીલીઝ થઈ હોય એવું ઘણા સમયે બન્યું. રીવ્યુ લખવાનો સૌથી મોટો વાંધો એ હોય છે કે અખબારમાં માત્ર એક જ રીવ્યુ છાપી શકાય માટે ક્યુ ફિલ્મ જોવું એ પ્રશ્ન ઊભો થાય જ, તો પણ પહેલા આજે રીલીઝ થયેલી ’ચાર ફુટિયા છોકરે જોવાની કેમ પસંદ કરી એ માટે બાકીની ત્રણ ફિલ્મ્સ વિશે થોડી વાત કરી લઈએ....


        આજે રીલીઝ થનારી પહેલી ફિલ્મ છે ’દેસી કટ્ટે. મારધાડની દુનિયા, મિત્રતા, ગેંગવોર જેવા મસાલા એક સમયે ખૂબ જ ચાલતા. મુંબઈની ભાઈગીરી વાળી ફિલ્મ્સ માટે લોકોની ભીડ જામતી પણ સમય જતા એ ક્રેઝ ગયો તો પણ પ્રોડ્યૂસર ડિરેક્ટર આનંદ કુમારને થયું કે ચાલ ફરી એકવાર પ્રયત્ન કરી જોઈએ. આ પહેલા ’દિલ્હી હાઇટ અને ’જિલ્લા ગાજીયાબાદ જેવી બે લગભગ આ નજીકના વિષયની જ ફિલ્મ આપી ચૂક્યા હતા માટે તેમના ઝોનરની જ આ ફિલ્મ બનાવી. જય ભાનુસાલી, અખીલ કપૂર, શશા આગા, સુનીલ શેટ્ટી જેવા કલાકારોને લેવામાં આવ્યા જેથી ફિલ્મનું બજેટ બહુ વધારે ન થાય. માત્ર ૪૫૦ સ્ક્રીન મેળવી શકેલી આ ફિલ્મ મને નથી લાગતું કે કોઈ ખાસ કમાણી કરી શકે. આજે રીલીઝ થનારી બીજી ફિલ્મ છે ’૩એ.એમ.’ વિશાલ મહાડકરનું ડિરેક્શન. વિશાલ એટલે મોહિત સુરીના આસિસ્ટન્ટ. મોહિત સાથે રહ્યા હોય એટલે હોરર ફિલ્મ બનાવવાનો પહેલો વિચાર આવે! ના ડરથી નહીં પણ ભટ્ટ કૅમ્પ સાથેના પરિચયને લીધે. રણવિજય સિંઘને તમે ઘણી ટેલિવિઝન કોમર્સિયલમાં જોયો હશે અને આ ઉપરાંત નામ ન સાંભળ્યા હોય એવી ચાર પાંચ ફિલ્મ્સ પણ કરી ચૂક્યો છે. તાજેતરમાં ’બે યારમાં જોયેલો જાડિયો મિત્ર કેવિન દવે પણ ફિલ્મમાં છે. ફિલ્મ બહુ જ ઓછા લોકેશન પર અને બહુ ઓછા પાત્રો સાથે શૂટ કરવામાં આવી છે. આમ જુઓ તો પેરા નૉર્મલ એક્ટીવીટી પર ઘણી ફિલ્મ્સ આવી ચૂકી છે તો પણ વિશાલને થયું કે એક ટ્રાય મારી લઈએ. એક અવાવરુ જગ્યા પર ભૂત થાય છે એવા સમાચાર પર એક રીયાલીટી શો માટે એપીસોડ શૂટ કરવા ટીમ પહોંચે છે અને જે હાલત થાય છે એ જ ફિલ્મની થીમ છે. હવે જ્યારે અંગ્રેજી હોરર ફિલ્મ્સની પણ પકડ ઢીલી પડતી જાય છે ત્યારે હિન્દી હોરરની શું હાલત થશે એ ભગવાન જાણે. આ ફિલ્મને પણ ૪૦૦ સ્ક્રીન જ મળી છે. ત્રીજી ફિલ્મ છે ’બલવિંદર સિંઘ ફેમસ હો ગયા કાયમ ચાલતો વિષય એટલે કૉમેડી પણ હિન્દી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં કૉમેડી બનાવવી હોય તો એક વણ લખ્યો નિયમ થઈ ગયો છે કે તમારે પરેશ રાવલ, અસરાની, અનુપમ ખેર, જહોની લીવર, રાજપાલ યાદવ જેવા કલાકારો લેવા જ જોઈએ બાકી ફિલ્મ કેમ ચાલે! તો પછી ફિલ્મમાં અનુપમ ખેર, રાજપાલ યાદવ અને અસરાની છે જ પણ મારી હિંમત ત્યાં મરી ગઈ કે સાથે ફિલ્મના લીડ કલાકાર તરીકે મીક્કા સિંઘ અને શાન છે. એકાદ ગીતમાં આમ તેમ હાથ ઘુમાવી જવા કે રીયાલીટી શોમાં થોડું એક્ટીંગ કરી જવાથી આખી ફિલ્મ લીડ થતી નથી. ફિલ્મનું ટ્રેલર જોઈને જ એમ થાય કે ધરાર હસાવવાનો પ્રયત્ન છે. એમાં પણ સુનિલ અગ્નીહોત્રીનું ડિરેક્શન. આ પહેલા ’લાટ સાહબ, ’જય કિશન, ’દાવા અને ’અલીબાબા ઔર ચાલીસ ચોર આપી ચૂક્યા છે જેમાંથી એક પણ ફિલ્મ સહન નહોતી થઈ શકી એટલે આ ફિલ્મ પણ સ્કીપ કરી.....


        ’ચાર ફુટિયા છોકરે જોવા પાછળના મુખ્ય બે કારણો હતા. એક તો ફિલ્મનો વિષય હ્યુમન ટ્રાફીકીંગનો છે જે દેશની ખૂબ મોટી સમસ્યા છે અને બીજુ કારણ હતું ફિલ્મના કલાકારો. ફિલ્મના ડિરેક્ટર મનીશ હરીશંકરની આ કદાચ પહેલી ફિલ્મ જ છે પણ જે ગજાના કલાકારો છે એટલે ફિલ્મ ખેંચી શકશે એવી આશા જાગી. આજની ત્રણ ફિલ્મ કરતા વધારે એટલે કે ૭૦૦ સ્ક્રીન રીલીઝ અમસ્તાં નહીં મળી હોય પણ જ્યારે ફિલ્મ જોઈ ત્યારે અહેસાસ થયો કે કદાચ બાકી રહેતી ત્રણ ફિલ્મ માંથી કોઈ પણ ફિલ્મ જોઈ હોત તો એ આ ફિલ્મ કરતા તો સારી હોત જ. તમે ધારો તો પણ સોહા અલી ખાન, ઝાકીર હુશેન, મુકેશ તિવારી, સીમા બિશ્વાસ, લેખ ટંડન જેવા આર્ટિસ્ટ્સ લઈને ખરાબ ફિલ્મ ન બનાવી શકો પણ ફિલ્મના રાઇટર ડિરેક્ટર મનીશ હરીશંકરને સલામ કરવા પડે કે આવા ગ્રેટ આર્ટિસ્ટ્સ સાથે આટલી ખરાબ ફિલ્મ બનાવી શક્યા! અને એથી પણ મોટું આશ્ચર્ય એ છે કે આવા કલાકારો આટલી ખરાબ વાર્તા પર કામ કરવા પણ તૈયાર થયા....


        ફિલ્મની ટેકનિકલ વાતો પર વાત કરીએ તો ટેક્નીકલી લગભગ શૂન્ય કહી શકાય તેવું મૂવી. ફિલ્મનો એક પણ શોટ ફિલ્મના નિયમ મુજબ લેવામાં આવ્યો નથી. ફિલ્મમાં ટ્રૉલીના ઉપયોગ કર્યો છે પણ જ્યાં જરૂર ન હોય ત્યાં, ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે પણ ફિલ્મના નિયમ વિરુદ્ધ ક્રેન ચાલે છે. અરે આખી બે મીનીટના એક દ્ગશ્યમાં મુકેશ તીવારી અને ઝાકીર હુસનની ફરતે કેમેરો ગોળ ગોળ ફર્યા જ કરે! કોણ જાણે કેટલું ગરીબ પ્રોડક્શન હશે કે કૅમેરા માટે પૂરતા ટ્રાયપોડ પણ નહીં હોય માટે મોટા ભાગના શોટ હેન્ડી કૅમેરાથી લેવામાં આવ્યા છે જે સતત ફિલ્મને હલચલ કરાવતા રહે છે અને આંખમાં જાણે કોઈ ખીલા ભરાવતું હોય એવો અહેસાસ આપે છે. ફિલ્મ માર્ક થ્રી કૅમેરા પર શૂટ કરવામાં આવી છે પણ કદાચ કોઈ ફોકસ પુલર સાથે રાખવામાં નહીં આવ્યું હોય માટે કેમેરો જ્યારે પણ પેન કરે છે ત્યારે કોઈ પાત્ર અચાનક ફોકસમાં આવી જાય છે અને કોઈ પાત્ર અચાનક આઉટ ઑફ ફોકસ જતું રહે છે. એક પણ કૅમેરા એંગલમાં ક્રીએટીવીટી નથી અને જ્યાં લાવવાની કોશિશ કરવામાં આવી છે એનાથી ખરાબ દ્ગશ્ય ક્રીએટીવીટી વગરના પણ નથી લાગતા! ફિલ્મમાં જ્યારે પાત્રોને બેસાડવામાં આવે ત્યારે તેનું એક ચોક્કસ કંપોઝીશન બને છે જે જોવું ગમે છે. અહીં એક પણ જગ્યા પર કંપોઝીશન છે જ નહીં. ફિલ્મમાં એક્સ્ટ્રા પાત્રો જે ગામમાં તમે શૂટ કરતા હો ત્યાંથી જ લેવામાં આવે છે જેથી ફિલ્મનો ખર્ચ બચે પણ સારા ડિરેક્ટર તેમને ટ્રેઇન કરે અને પછી લે છે જ્યારે અહીં બધા જ એક્સ્ટ્રા પાત્રો જોઈને તમને ખ્યાલ આવી જશે કે ધરાર પકડીને ઊભા રાખવામાં આવ્યા છે. રહી વાત એક્ટીંગની તો દિગ્ગજ કલાકારો હોવા છતા બિચારાંને ડિરેક્ટરે એક્ટીંગ કરવાનો મોકો નથી આપ્યો. ફિલ્મની વાર્તાનો બેઝ એટલે ત્રણ બાળકો પણ આ ત્રણ બાળકો તો જાણે એક્ટીંગ વિશે કંઈ જ જાણતા ન હોય અને બેસાડી દેવામાં આવ્યા હોય એવું જ લાગે. ફિલ્મના ડાયલૉગ પણ કોઈ જ અસર વગરના. સ્ક્રીનપ્લે નામે તો કંઈ છે જ નહીં. ગમે તે દ્ગશ્ય ગમે ત્યારે આવવા લાગે અને સ્ટોરી ટ્રાન્સીશન નામે કંઈ જ નહીં. ટૂંકમાં કહીએ તો ખરાબ ફિલ્મ કેવી રીતે બની શકે એનો પ્રયોગ જોવો હોય તો આ ફિલ્મ જોઈ લેવી. ફિલ્મને સ્ટાર આપવાની હિંમત એકઠી કરી તો પણ આપી નથી શક્યો તો વાંચકો માફ કરે....




પેકઅપ:

"મને મેચ્યોર પાત્રો ભજવવા ગમે છે"- સોહા અલી ખાન... સાવ સાચું, તમને ફિલ્મમાં જોઈને જ ખબર પડી ગઈ કે હવે ઉમર થઈ છે...

Friday, 19 September 2014

દાવત-એ-ઇશ્ક: વિષય વગરનું લંબાણ






        એક સમય હતો જ્યારે લવ સ્ટોરી હીટ જ રહેતી, અરે એવો સમય પણ જોયો છે જ્યારે લવ સ્ટોરી જોઈને અસંખ્ય પ્રેમીઓ આત્મહત્યા તરફ પણ વળ્યા હતા. યાદ કરો ’એક દુજે કે લીયે’! સમય અંતરે પ્રેમ કહાનીનું મુલ્ય બદલતું ગયું અને ધીમેધીમે પ્રેમની રજુઆત પણ બદલતી ગઈ. જો કે ન બદલાણી તો એક વાત કે ફિલ્મ ભલે ગમે તે ઝોનરનું હોય હીરો-હીરોઇનની લવ સ્ટોરીનો થોડો ભાગ તો હોય જ. ઘણા લાંબા સમય પછી ’આશિકી 2’ જેવી જેન્યુઇન લવ સ્ટોરી જોવા મળી હતી અને આવી જ લવ સ્ટોરીનો હીરો આદિત્ય રોય કપૂર આ ફિલ્મનો હીરો હોય ત્યારે ફરી એકવાર સારી લવ સ્ટોરીની આશા જાગે જ. આ ઉપરાંત જ્યારે પ્રેમ કહાની વાળા ફિલ્મના બેતાજ બાદશાહ યશરાજ બેનરનું ફિલ્મ હોય તો પછી કહેવું જ શું? પણ જો તમે મારી જેમ જ આવો વિચાર કરીને ફિલ્મ જોવા જશો તો તમે પણ એમ જ કહેશો કે ખરેખર વિષય વગર ફિલ્મને એટલી લંબાવવામાં આવી છે કે ૧૨૩.૦૬ મીનીટનો રન ટાઇમ પણ સહન નહીં થાય...


        હબીબ ફૈઝલ માટે સૌથી સારા નસીબ એ રહ્યા કે તેઓ યશરાજ ફિલ્મ્સ સાથે જોડાયેલ છે. યશરાજ ફિલ્મ્સમાં તમે એકવાર પ્રવેશ કરો એટલે બે ચાર ફિલ્મ્સ તો મળી જ રહેવાની! પછી ભલે તમે સારી ફિલ્મ આપી હોય કે નહીં! હબીબની કેરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે થઈ હતી પણ સારા ડિરેક્ટર કરતા સારા રાઇટર તરીકે વધુ ઊભરી આવ્યા છે. ’દો દૂની ચાર’ તેમણે લખી અને ડિરેક્ટ કરી હતી પણ ફિલ્મફેર તો બેસ્ટ ડાયલોગ્ઝ માટે જ મળ્યો! યશરાજની જ બીજી ફિલ્મ ’લેડિઝ વર્સિઝ રીક્કી બહલ’ના ડાયલોગ્ઝ પણ તેમને લખવા મળ્યા. ૨૦૧૨માં તેમના ડિરેક્શનમાં બીજી ફિલ્મ આવી ’ઇશ્કઝાદે’. ફિલ્મના ડિરેક્શનમાં દમ હોય કે નહીં પણ પરિનીતી ફિલ્મ ખેંચી ગઈ હતી. આ ફિલ્મમાં કદાચ એવા જ વિચાર સાથે પરિનીતિ ચોપરા સાથે આદિત્ય રોય કપૂરને લઈને ફિલ્મ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાં પરિનીતી અને આદિત્ય બંનેની એક્ટીંગમાં ક્યાંય ખાંચો કાઢી શકાય એમ નથી પણ જ્યારે સ્ક્રીપ્ટ જ મજબૂત ન હોય તો તેમની પણ ફિલ્મ ખેંચવાની એક લીમીટ હોય જ. સિરિયલના ખૂબ જાણીતા કરણ વાહીનું મોટા પડદા પર પહેલીવાર આગમન થયું છે. ખૂબ જ નાનો રોલ છે પણ કામ તેનું પણ સારુ જ કહેવું પડે. અનુપમ ખૈર જેવા જોરદાર આર્ટિસ્ટને વેડફવામાં આવ્યા છે. અનુપમ ખૈર પહેલા ભાગમાં જ્યારે એક કોર્ટમાં નોકરી કરતા ક્લાર્ક છે ત્યાં સુધી એક્ટીંગ કરે છે અને બીજા ભાગમાં વેઠ ઉતારે છે....


        ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ખૂબી તો મને ક્યારેય નથી સમજાણી કે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો ફિલ્મની વાર્તાની અને ડિરેક્ટરની તારીફ ના ફૂલ બાંધવાનું કેમ ચાલુ રાખે છે! ફિલ્મની વાર્તા સાંભળીને જ જો કોઈ સત્ય કહેવા વાળુ મળે કે આવી ફિલ્મ ન કરાય તો કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા રૂપિયા સારા રસ્તે વળી શકે! આ જરૂરી એટલાં માટે છે કે આખરે તો ઓડિયન્સ જ ખોટ કરે છે. ફિલ્મ રીલીઝર્સ તો પોતાના રૂપિયા એકઠા કરી જ લે છે. એક ઇન્ટર્વ્યુમાં આદિત્યએ કહ્યું કે "હબીબ સાથે કામ કરવું ખૂબ આનંદદાયક છે. હબીબ સારામાં સારા ડિરેક્ટર્સ માંથી એક છે. આવા ફિલ્મ મેકર સાથે કામ કરવું સાવ અલગ જ અનુભવ આપે છે" સાચે જ આદિત્ય આવો અનુભવ તમે કર્યો જ હશે કે સ્ક્રીપ્ટ કે સારા ડાયલોગ વગર એક્ટીંગ કરવી કેટલી અઘરી પડે છે! આ રીતે જ પરિનીતીએ પણ કહ્યું કે "હબીબની દ્રષ્ટિ અને ફિલ્મ શૂટ કરવાની તેમની સ્ટાઇલ સાવ અલગ જ છે" સાચી વાત એટલી અલગ છે કે આ ફિલ્મ કોઈ કરવાનું વિચારે જ નહીં જે એમણે વિચાર્યું.....


        ફિલ્મનું સૌથી સારુ પાસું હોય તો ફિલ્મનું મ્યુઝિક. સાજીદ-વાજીદના મ્યુઝિકમાં સજ્જ થયેલા દરેક ગીતો કર્ણપ્રિય તો છે જ અને સાથે સાથે ગીતોના લીરીક્સ પણ મનભાવન છે. ગીત વખતે કદાચ ડાન્સ ડિરેક્ટર આગળ હશે માટે ગીતોની કેમેરા સજાવટ પણ તમને ગમશે જ. ફિલ્મના પ્રોમોમાં પણ આ જ કારણોસર ગીત આગળ કરવામાં આવ્યા હશે! ફિલ્મ લખનૌ, હૈદ્રાબાદ અને મુંબઈમાં શૂટ કરવામાં આવ્યું છે. હિમન ધામેજાની સિનેમેટોગ્રાફી કોઈ ખાસ કમાલ નથી દેખાડી શકી પણ ખરાબ તો ન જ કહી શકાય. ફિલ્મ એડીટ પણ ડોટ પોઇન્ટ પર થઈ છે છતા પેસ પકડી જ નથી શકતી. તમને રન ટાઇમ દરમિયાન ઘણી બધી જગ્યા પર ફિલ્મ ઝોલ ખાતી નજર આવશે. હાં એન્ડ માટે સસપેન્સ ઊભુ કરી શક્યા પણ એ વાતને મજબૂત રીતે રજુ નથી કરી શક્યા...


        આ ફિલ્મની વાર્તાને કદાચ ૩૦ મીનીટ જ આપવામાં આવી હોત તો પણ ફિલ્મની વાત રજૂ થઈ જ શકી હોત. હૈદ્રાબાદના એક સીટીમાં અનુપમ ખૈર અને તેની પુત્રી પરિનીતી રહે છે. પરિનીતી પરણવા લાયક થઈ ગઈ છે પણ જે કોઈ આવે છે તે દહેજની માંગ કરે છે. પરિનીતી પોતે પણ એક છોકરો કરણ વાહી પસંદ કરે છે પણ ત્યાં પણ દહેજ પર જ વાત અટકી જાય છે. પરિનીતી પોતાના ઇમાનદાર બાપને કોઈ જ કન્વીન્સીંગ રીઝન વગર રૂપિયા વાળા મા-બાપના છોકરાને ફસાવી દહેજનો કેસ ૪૯૮/એ કલમ લગાડી રૂપિયા પડાવવાનો પ્લાન કરે છે. આ માટે બંને વેશ પલ્ટો કરી લખનૌ જાય છે જ્યાં મેટ્રીમોની પરથી છોકરાઓ બોલાવવામાં આવે છે. આવ મુરતિયા માંનો એક છે આદિત્ય રોય કપૂર. આદિત્યની શરત મુજબ પરિનીતી તેની સાથે ત્રણ દિવસ ફરે છે. આદિત્યને પરિનીતી સાથે પ્રેમ થઈ જાય છે. આદિત્યના ઘરના લોકોએ માંગેલા ૪૦ લાખ દહેજના પણ આદિત્ય પરિનીતીને અગાઉથી આપી દે છે એમ છતા પ્લાન મુજબ પરિનીતી લગ્ન કરી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટના બીજા ૪૦ લાખ માંગે છે અને લઈને જતી રહે છે. વાત એકદમ પ્રીડીક્ટેબલ કે પછી અહેસાસ થાય કે હું ખોટું કરુ છું અને તેના રૂપિયા પાછા આપવા જાય. આ તરફ આદિત્ય પણ તેને બદલો લેવા શોધતો હોય. ફિલ્મ જ્યારે છેલ્લે પહોંચે ત્યારે એટલી સરળતાથી બંને પક્ષે સ્વીકાર થાય કે કોઈ ડ્રામા જ ન રહ્યો! જે વાર્તા માટે ૩૦ મીનીટ જોય એને ૧૨૩ મીનીટ સુધી ખેંચો ત્યારે આમ જ થાય...


        ખૂબ સારા આર્ટિસ્ટ, ખૂબ સારુ મ્યુઝિક, ખૂબ સારુ બેનર એમ છતા પણ વાર્તા ખરાબ હોવાને લીધે ફિલ્મ સહન જ કરવી પડે છે. આશા રાખીએ કે યશરાજ બેનરની ફિલ્મ ન જોવાય એવું કહેવા વાળા વર્ગને માટે એક એવી ફિલ્મ હવે લાવશે જે લોકોને ગમે. અત્યારે તો આ ફિલ્મને માત્ર મ્યુઝિક અને એક્ટીંગ માટે ૨ સ્ટાર જ આપી શકાય....



પેકઅપ:
"આલ્યા ભટ્ટ હજુ પણ માને છે કે ગણપતિબાપા મોર્યા અને ડીનો મોર્યા વચ્ચે કંઈક સંબંધ છે"

Friday, 12 September 2014

ફાઇડીંગ ફેની: એક્ટીંગનો ઉત્તમ નમૂનો






            હમણાં સુધી એવી માન્યતા હતી કો જો ખૂબ સારા આર્ટિસ્ટ્સ લેવા હોય તો ફિલ્મ ધમાકેદાર જ હોવી જોઈએ, ગોર્જીયસ લોકેશન્સ હોવા જોઈએ, ખાસ પ્રકારના કોસ્ચ્યુમ્સ હોવા જોઈએ અને ફિલ્મની સ્ટોરી ચકચકતી હોવી જોઈએ પણ આ માન્યતા માંથી ધીમેધીમે લોકો બહાર નીકળતા શીખ્યા છે. જો કે આમાં સૌથી મોટો ફાળો એક્ટર્સનો જ ગણવો પડે કેમ કે જ્યાં મોટી ફી સાથે પણ તેમને સ્વીકારવા લાઇનમાં લોકો ઊભા હોય ત્યારે જ્યાં એક્ટીંગ કરવા મળે એવી ફિલ્મને પહેલા પસંદ કરે. ફાઇડીંગ ફેનીમાં દિપીકા પાદુકોણ, અર્જૂન કપૂર, ડિમ્પલ કાપડિયા, નશીરુદ્દીન શાહ અને પંકજ કપૂર જેવા કલાકારો હોય. રણવીર સિંઘ કેમિયો એપીરીયન્સ આપતો હોય ત્યારે તમે જો ધમાકેદાર ફિલ્મની આશામાં ફિલ્મ જોવા જતા હો તો ન જતા પણ કોનું એક્ટીંગ સારુ છે એ નક્કી ન કરી શકો એવું ફિલ્મ જોવું હોય તો તમારે માટે એક્ટીંગના ઉત્તમ નમૂના રૂપે ફાઇન્ડીંગ ફેનીછે....


        ફિલ્મ હોમી અડજાનીયાએ ડિરેક્ટ કરી છે. હોમીની ફિલ્મ્સ સામાન્ય અને કોમર્સિયલ ફિલ્મથી સાવ અલગ હોય છે. ૨૦૦૬માં આવેલી બીઇંગ સાયરસજોઈ હોય તો તમે સમજી શકશો કે વાતને કંઈક અલગ રીતે પણ રજૂ કરી શકાય. હોમી ખૂબ સારો રાઇટર પણ છે. આ ફિલ્મમાં હોમી કો-રાઇટર પણ હતા. આમ તો આ ફિલ્મ ૨૦૦૯માં પહેલો ડ્રાફ્ટમાં લખાય ગઈ હતી. ફિલ્મના રિસર્ચ માટે હોમી એક મહિના સુધી ગોવાના આજુબાજુના ગામડાઓમાં ફર્યા હતા અને ત્યાંના લોકોની ખાસિયત, કામ, ચાલ, બોલી વગેરેનો અભ્યાસ કર્યો હતો. ફિલ્મના મુખ્ય પાત્રો માટે ઇમરાન ખાન અને સોનમ કપૂર સાથે વાત પણ થઈ ગઈ હતી પણ હોમીએ જ્યારે પહેલીવાર આ ફિલ્મની વાત પ્રોડ્યૂસર દિનેશ વિજનને કરી તો તરત જ જવાબ મળ્યો કે "તારી આવી હિંગ્લીશ ફિલ્મને જોવા ૧૦ માણસો પણ નહીં આવે" એટલે હોમીએ કોકટેલપર કામ શરૂ કરી દીધું. જો કે આ ફિલ્મની વાર્તા કેસરી ખંભાતાની હતી તેણે એક નોવેલની જેમ લખીને હોમીને આપી હતી. હોમી માટે આ પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ જેવો હતો. હોમીએ કોકટેલના શૂટ દરમિયાન જ દિપીકા સાથે ફિલ્મની વાત કરી અને દિપીકા તૈયાર થઈ. હોમીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ફૂલ લેન્થ ફિલ્મ બનાવવા નહીં મળે તો આપણે શૉર્ટ ફિલ્મ પણ બનાવીશું....


        હોમીની કોકટેલની સફળતા પછી હોમી પર પ્રોડ્યૂસ દિનેશ વિજનને ભરોસો બેઠો અને દિપીકા પછી બાકીના કલાકારો સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં ૨૦૧૩માં અર્જૂન કપૂર ને સાઇન કરવામાં આવ્યો, ઓગસ્ટ ૨૦૧૩માં નશીર સાહેબ અને ડિમ્પલને સાઇન કરવામાં આવ્યા, આ દરમિયાન જ પંકજ કપૂરને પણ સાઇન કરવામાં આવ્યા. આવા જોરદાર કલાકારો હોય તો ફી કેવી હશે અને ફિલ્મનું બજેટ કેટલે જશે એ પ્રશ્ન ઊભો થશે! પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મ માત્ર ૧૨ કરોડમાં જ બની છે. હવે તમને થશે કે જ્યારે દિપીકા ૫ કરોડ લેતી હોય, નશીર સાહેબ ૨.૫ કરોડ લેતા હોય, અર્જૂન કપૂર ૨ કરોડ લેતા હોય અને પંકજ કપૂર મનમાં આવે એટલાં રૂપિયા લેતા હોય ત્યારે ૧૨ કરોડમાં ફિલ્મ કેમ બને? તો દરેક એક્ટર્સ પોતાની ફી કોમ્ર્પોમાઇઝ કરીને પણ ફિલ્મ કરવા તૈયાર થયા. ફિલ્મની વાર્તા જ એ રીતે ડિઝાઇન થઈ છે કે લગભગ ૭૫% ફિલ્મ એક જ કોસ્ચ્યુમમાં છે. લોકેશન્સ એટલાં ઓછા છે કે લોકેશન કોસ્ટ ઝીરો મૂકી શકાય.. આટલાં ખાસ કલાકારો હોવા છતા ફિલ્મના શૂટીંગ પહેલા એક મહિનાનો એક્ટીંગ વર્કશોપ ગોઠવવામાં આવ્યો. આ વર્કશોપનો મુખ્ય હેતુ હતો નશીર સાહેબને તેની ટીપીકલ સ્ટાઇલથી બહાર એક્ટીંગ કરાવવી, અર્જૂન કપૂરને પણ તેની ટીપીકલ સ્ટાઇલ માંથી બહાર કાઢવો અને ડિમ્પલ કાપડિયાનો વજન વધારવો. આ વર્કશોપ મહદંશે સફળ રહ્યો....


        ઑક્ટોબર ૨૦૧૩માં ફિલ્મનું શૂટીંગ શરૂ કરવામાં આવ્યું અને સળંગ ૩૬ દિવસનું શેડ્યૂલ લેવામાં આવ્યું. એક જ શેડ્યૂલમાં આખુ ફિલ્મ પૂરુ કરવામાં આવ્યું. ફિલ્મ મૂળ અંગ્રેજીમાં હતું અને પછીથી હિન્દી ડબ કરવામાં આવ્યું. ફિલ્મના ડબીંગમાં પણ એ જ કલાકારો પાસે કરાવવામાં આવ્યું છે. યુવા બેલડી સચીન-જીગર અને સચીન ગુપ્તાનું મ્યુઝિક છે. સચીન-જીગર ગુજરાતી મિત્રો છે અને તાજેતરમાં જ એમણે બેય યારમાં ખૂબ સરસ ગુજરાતી મ્યુઝિક પણ આપ્યું. મીથીઆસ કુટલેસીએ બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે. ગોવા આજુબાજુનું વાતાવરણ હોય અને ક્રિષ્ચીયન કોમ્યુનીટીની વાત હોય ત્યારે બૅકગ્રાઉન્ડ મ્યુઝિકમાં કૉમ્પ્રોમાઇઝ થાય તો ન ચાલે પણ ખૂબ સારી રીતે મીથીઆસ પોતાની જવાબદારી નીભાવી શક્યા છે. દિનેશ વિજનના પ્રોડક્શન મેડરોક ફિલ્મ્સને પ્રોડક્શન ક્રેડિટ આપવામાં આવી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા રીલીઝ કરવામાં આવ્યું છે...


        આમ તો આપણી ફરિયાદ એવી હોય છે કે ફિલ્મ એટલી ધીમી ચાલે છે કે બોર થઈ જવાય છે અને બીજી ફરિયાદ એવી હોય છે કે ફિલ્મનો રન ટાઇમ ખૂબ લાંબો હતો પણ જો ફાઇડીંગ ફેનીની વાત કરીએ તો ફિલ્મની લેન્થ માત્ર ૯૩ મીનીટનો છે પણ આ ફિલ્મ માટે મારી અન્ય ફિલ્મ કરતા અલગ ફરિયાદ છે કે અંત લાવવા માટે ફિલ્મ થોડી ભગાવવામાં આવી છે. આ જગ્યાએ જો ફિલ્મને થોડી ખેંચવામાં આવી હોત તો વધુ સારો ન્યાય આપી શકાયો હોત...


        ફિલ્મની વાર્તાની વાત કરીએ તો સાવ સામાન્ય રીતે રહેતું એક ગામ અને ગામમાં રહેતા ખાસ પ્રકારના માણસો. એક પોસ્ટમાસ્ટર જેની પાસે ક્યારેય ચિઠ્ઠી નથી આવતી, લગ્નના પહેલા જ દિવસે પતિને ગુમાવી ચૂકેલી એક વિધવા અને વિધવાની સાસુ. આ વિધવાનો જૂનો પ્રેમી અને ગામમાં અચાનક જ ચડી આવેલો એક ચિત્રકાર. ક્રમશ: પાત્રો જોઈએ તો નશીરૂદ્દીન શાહ, દિપીકા પાદુકોણ, ડિમ્પલ કાપડિયા, અર્જૂન કપૂર અને પંકજ કપૂર. આ પાત્ર માંથી કોઈ પણ પાત્રને જો દૂર કરી દેવામાં આવે તો ફિલ્મ ફિલ્મ જ ન રહે. ૪૬ વર્ષથી એક સ્ત્રીને મનમાં ચાહતા નસીર સાહેબની જિંદગીમાં તોફાન ત્યારે આવી જાય છે કે જ્યારે કોઈ તેના ઘેર એમણે તેની પ્રેમિકા સ્ટેફની એટલે ફેનીને લખેલી ચિઠ્ઠી ૪૬ વર્ષે પાછી આપી જાય છે. નસીર સાહેબને વસવસો થાય છે કે તેના પ્રેમની વાત ફેની સુધી તે પહોંચાડી નથી શક્યા. દિપીકા માટે જીવનમાં બીજુ કંઈ જ નથી માટે ફેનીની શોધમાં ઉપર લખેલું ગૃપ નીકળી પડે છે. દરેક વ્યક્તિ પાસે આ ટૂરમાં જોડાવવાનું કોઈક કારણ છે. ફેનીની શોધ દરમિયાન બનતા પ્રસંગો એક સચોટ ફિલ્મની હાર્મની કેવી હોવી જોઈએ એ સાબિતી આપે છે...


        ફિલ્મની અંદર ખૂબ જ સારી બાબતો છે પણ ફિલ્મ આખી અંતમાં સ્પીડ વધારાની સાથે જ અકાળે મરી જાય છે. જે ગતિથી લોકો ફિલ્મને સ્વીકારતા હોય અને અચાનક જ એવી ઘટનાઓ રજૂ કરી દેવામાં આવે એટલે અમુક ટ્રીટમેન્ટની અને ડિરેક્શનની ખામીઓ દેખાય આવે. ફિલ્મમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેમ કે ફેમસ કાસ્ટ હોવાને લીધે લાભ ઉઠાવવા ગીતો ઉમેરી શકાત પણ એક જ ગીત રાખવામાં આવ્યું છે, ફિલ્મમાં દિપીકા અને અર્જૂનનો શારીરિક સંબંધ જરા પણ ખૂંચે એવો નથી, ગોવાની વાત છે એટલે ગોવાની જ પૃષ્ઠ ભૂમિ વાપરવામાં આવી છે, એક સિમ્બૉલિક રીતે ઉપયોગમાં લેવામાં આવેલી બિલાડીનો પણ પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે જો છેલ્લી ૧૦ મીનીટ પર થોડું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો ૩ ને બદલે ૪ સ્ટાર મેળવી જાત....



પેકઅપ:
"સલમાન ખાન બીગ બોસમાં પ્લેન ચલાવશે"- આ સમાચારથી ફૂટપાથ પરના લોકોએ મીઠાઇઓ વહેંચી પણ બુર્જ ખલીફા સતત ચિંતિત છે.....

Friday, 5 September 2014

મેરી કોમ: સ્પોર્ટ્સની ગેઇમ









        ફિલ્મના અનેક ઝોનરમાં એક ઝોનર સ્પોર્ટ્સ હંમેશા હીટ રહ્યું છે પણ એના માટે સૌથી જરૂરી વાત છે વાર્તાની. જ્યારે કોઈ એક રમતને કે કોઈ એક રમતવિરને લઈને વાત વણવાની હોય ત્યારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે, જેમ કે રમત હોય તો રમતના કોઈ નિયમોનું ઉલ્લંઘન નથી થતું અને જો ખેલાડી હોય તો એ ખેલાડીની અંગત કોઈ એવી વાતો નથી થઈ જતીને કે જે ફિલ્મ રીલીઝ થતી જ અટકાવી દે. જોકે ફિલ્મની વાત કરીએ ત્યારે એક વણ લખ્યો નિયમ છે કે ભારત જ જીતતું હોય કે જે ખેલાડી છે તે જ ચેમ્પિયન થતો હોય! જીત કોને ન ગમે? પણ જીત માટેનો મુકાબલો જે રીતે કૅમેરામાં કંડારવો જોઈએ એ રીતે જ કંડારવામાં આવે તો જ ફિલ્મની મઝા લૂંટી શકાય અને જો એમ કરવામાં ભૂલો થાય તો સ્પોર્ટ્સની ગેઇમ બની જાય....



        પાંચ પાંચ વાર વર્લ્ડ બોક્સીંગ ચેમ્પીયનશીપ જીતેલી ભારતની એક માત્ર મહિલા પર ફિલ્મ બનાવવું હોય ત્યારે સૌથી પહેલા તો તેના વિશે જાણવા અને સ્ક્રીપ્ટ લખવા પર જ એટલું ધ્યાન રાખવું પડે કે વાત વિષયની બહાર ન જાય અને છતાં દર્શકો માણી શકે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સાઇવીન સાઇવીન ક્વાડર્સને સોંપવામાં આવ્યા. ફિલ્મને ફિલ્મી બનાવવા માટે ફિલ્મના સ્ક્રીનપ્લે સાથે ઘણા ચેડા થયા છે. ફિલ્મની શરૂઆત મણીપૂરમાં ચાલતા દંગા દરમિયાન મેરીની ડીલીવરી સમયથી કરવામાં આવી છે જે સીધે સીધી ચાડી ખાય છે કે ધરાર આ રીતે વાર્તાને ફિલ્મી બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ વાતને પણ સ્વીકારી લો અને આગળ વધો તો ફિલ્મ ઝોક ખાતી નજર આવી છે અને અંતને સુધારવા તો રીતસર મોલોડ્રામા ઊભું કરવામાં આવ્યું છે જે કોઈ પણ સંજોગોમાં ગળે ઊતરે એમ નથી. અંતમાં જ્યારે મેરી ફાઈનલમાં પહોંચે છે અને વિંગમાં દાખલ થવાનો કોલ આવે છે ત્યારે જ તેના પતિ સાથે વાત થાય છે કે તેના બાળકના હ્રદયમાં કાણું છે અને તેનું ઓપરેશન અત્યારે ચાલે છે. આ વાત સાથે જર્મની સામેની ફાઈનલમાં બે રાઉન્ડ સુધી ખૂબ જ માર ખાય છે અને બીજી તરફ બાળકનું ઓપરેશન દરમિયાન હ્રદય અટકી જાય છે. અચાનક જ બાળકનું હ્રદય ચાલુ થાય અને છેલ્લી એક મીનીટમાં આટલો માર ખાધા પછી મેરી ફાયનાલીસ્ટને ધૂળ ચાટતી કરી દે! આવો મેલોડ્રામા ઊભો કરવાને બદલે સ્ટોરી રાઇટર ધારત તો આટલાં ખરાબ સમાચાર છતા મેરી બોક્સીંગને કેટલી વફાદાર છે એ બતાવવા ભૂલીને ફાઇટ કરતી બતાવી શકાય હોત પણ ફિલ્મી બનાવવાની લ્હાયમાં આ વાત દરગુજર થઈ છે. ફિલ્મના ડાયલૉગ્ઝ રમેન્દ્ર વશિષ્ઠ અને કરણ સિંઘને સોંપવામાં આવ્યા છે. મણિપૂર સ્ટેટની ખાસિયત મુજબ ’તુમ ક્યોં નહીં આયા જેવો પ્રયોગ કરવા જતા વાર્તાને નબળી પાડી ગયા છે....



        ફિલ્મની જો સર્વશ્રેષ્ઠ બાબત હોય તો પ્રિયંકા ચોપરાનું એક્ટીંગ. પ્રિયંકાએ ફિલ્મને ન્યાય આપવા માટે કરેલી મહેનત અને ફિલ્મમાં આપેલું ડેડીકેશન સીધુ જ દેખાય છે. પ્રિયંકાને આ રોલ ઑફર થયો ત્યારે જ તે જાણતી હતી કે ફિલ્મ તેના માતે ચેલેંજીંગ જ બની રહેશે. રોલને ન્યાય આપવા માટે પ્રિયંકા મણિપૂર ગઈ અને મેરી પાસેથી જાણ્યું કે પોતે પતિ, ફેમિલી, પ્રેક્ટીસ, બાળકો આ બધું જ કઈ રીતે મેનેજ કરતી હતી. મેરીની રહેવાની બોક્સીંગની બધી જ સ્ટાઇલ અપનાવી આટલું જ નહીં આ ઉપરાંત પ્રિયંકાએ ૧૦ દિવસ બોક્સીંગ પ્રેક્ટીસ અને ફીઝીકલ ટ્રેનિંગ પૂરી ઈમાનદારી સાથે અને પૂરી મહેનત સાથે લીધી. શૂટીંગ દરમિયાન પ્રિયંકાને ઘણીવાર સાચે જ લાગ્યું હતું. એક દ્ગશ્ય વખતે તો તેની આંખમાં ઈજા થઈ અને મેકઅપ દાદા છુપાવવાની કોશિશ કરતા હતા પણ ડિરેક્ટરે ના કહી અને વગર મેકઅપ એ રીયલ લાગે એ રીતે દ્ગશ્ય શૂટ કરવામાં આવ્યું. પ્રિયંકા માટે આ રોલ બીજી રીતે પણ ચેલેજીંગ જ રહ્યો કેમ કે ફિલ્મની શરૂઆત ૧૭ જૂન ૨૦૧૩માં શરૂ કરવામાં આવી હતી અને અચાનક જ પ્રિયંકાના પિતાનું અવસાન થયું માટે શેડ્યૂલ લેઇટ લઈ જવામાં આવ્યું. આ શેડ્યૂલ ફરી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪માં શરૂ થઈ શક્યું. ઉદય શિરલે એ પ્રિયંકાના લૂકનું ધ્યાન રાખવાનું હતું અને પ્રિયંકાના ફીઝીક્સમાં કંઈ જ ફેર ન પડે આ માટે સળંગ ૪૫ દિવસનું શૂટીંગ શેડ્યૂલ રાખવામાં આવ્યું. પ્રિયંકાની મહેનત માટે વખાણ કરીએ એટલાં ઓછાં છે. પ્રિયંકાએ કરેલું ટ્વિટ "મેં હ્રદય, લોહી, પરસેવો બધું જ આપી દીધું... હવે મિત્રો તમારા પર છોડું છું" બધું જ કહી જાય છે.....



        ફિલ્મના અન્ય કલાકારો પણ ખૂબ સારી એક્ટીંગ કરી ગયા છે. મેરીના કોચના પાત્રમાં સુનીલ થાપા છે. સુનીલ આમ તો નેપાળી ફિલ્મમાં વિલન તરીકેની વધારે ભૂમિકાઓ ભજવે છે પણ હિન્દી ફિલ્મમાં પણ વર્ષોથી કામ કરે જ છે. ૧૯૮૧માં તેમની પહેલી હિન્દી ફિલ્મ ’એક દુજે કે લીયે હતી. દર્શન કુમાર મેરીના પતિની ભૂમિકામાં છે. એક આદર્શ પતિ કેવો હોવો જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મેરીના પતિની ભૂમિકામાં જોવા મળશે. શિશિર શર્મા સેકન્ડ કોચની ભૂમિકામાં છે. લગભગ કોઈ પણ આર્ટિસ્ટ જાણીતા આર્ટિસ્ટ નથી પણ બધા જ પોતાના પાત્રમાં યોગ્ય જ છે... 



        એક વાત અહીં નોંધવી પડે કે જ્યારે કોઈ એક સ્પોર્ટ્સ પરસન પર બનેલી ફિલ્મમાં તમે ’ભાગ મીલખા ભાગ જોઈ ચૂક્યા હો ત્યારે બીજી ફિલ્મ નબળી જ લાગે તો પણ ’મેરી કોમ વધુ સારી બની શકી હોત. જો સ્પોર્ટ્સ પરની ફિલ્મ પર ધ્યાન આપો તો ’ઇકબાલ, ’જો જીતા વહી સિકંદર, ’લગાન, ’ચક દે ઇન્ડિયા જેવી દરેક ફિલ્મ ઑડિયન્સ દ્વારા સ્વીકારવામાં આવી જ છે હવે જોઈએ કે આ ફિલ્મને કેટલી હદે સ્વીકારવામાં આવે છે. આમ તો યુટ્યુબ પર આ ફિલ્મના ટ્રેઇલરને ૫૦ લાખ આસપાસ હીટ મળી ચૂકી છે એટલે એવરેજ ચાલવાના ચાન્સ તો છે જ. આમ જોઈએ તો સંજય લીલા ભણસાલીએ જ્યારે ફિલ્મ પ્રોડ્યૂસર કરી ત્યારે જ કહ્યું હતું કે ’આ ફિલ્મ માસની નહીં પણ ખાસની છે. વાયા કોમ 18 પણ સાથે જોડાયેલ છે એટલે ઓછામાં ઓછું ૨૦૦૦ સ્ક્રીનનું રીલીઝ તો મળે જ. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર રોહિત કુલકર્ણીનો છે અને જે ખાસ રહ્યો નહીં. ગીતો શશી અને શિવમે કંપોઝ કર્યા છે. ફિલ્મમાં એક માત્ર ગીત પ્રિયંકા ગાય છે બાકી બધા જ બૅકગ્રાઉન્ડ સોંગ્સ છે. રાઇટર એક વાત ભૂલી ગયા છે કે જો ભાષામાં ’મેં આયા જેવો શબ્દપ્રયોગ થતો હોય તો ગીતમાં પણ આવો પ્રયોગ કરવો જોઈએ. ફિલ્મનું કાસ્ટિંગ શ્રુતિ મહાજન અને પરાગ મહેતાને સોંપવામાં આવ્યું હતું. કાસ્ટિંગ એટલું પરફેક્ટ છે કે બંનેને પૂરા માર્ક આપવા પડે. સિનેમેટોગ્રાફી કૈકો નકાહરાની છે. સિનેમેટોગ્રાફીમાં કોઈ ખાસ કમાલ જોવા નથી મળ્યો પણ ખરાબ સિનેમેટોગ્રાફી ન જ કહી શકાય. ફિલ્મને વધુ સારી રીતે સ્પોર્ટ્સ સીક્વન્સથી સજાવવા માટે રોબ મીલરને સાથે લેવામાં આવ્યા હતા. રોબ મીલરે ’ચક દે ઇન્ડિયા અને ’ભાગ મીલખા ભાગની સ્પોર્ટ્સ સિક્વન્સ ઍક્શન ડિરેક્ટ કરી હતી....



        માત્ર જો ફિલ્મની સ્ટોરી પર અને સ્ક્રીનપ્લે પર ધ્યાન આપવામાં આવ્યું હોત સ્પોર્ટ્સ વિષય પર વધુ એક ફૂટમાર્ક ફિલ્મ આપી શકાણી હોત. આમ છતા પણ જો ફિલ્મ જોવી હોય તો પ્રિયંકા ચોપરા માટે જોવી જ જોઈએ. ફિલ્મની તમામ ક્રેડિટ પ્રિયંકાને જાય છે અને ફિલ્મ જો ૩ સ્ટાર મેળવે છે તો એ પણ પ્રિયંકાને લીધે જ....




પેકઅપ:
"માત્ર બે જ વસ્તુ તમને ઊંચાઈ પર પહોંચાડી શકે છે.... એક લિફ્ટ અને બીજી સીડી...." - આલિયા ભટ્ટ