Friday, 25 July 2014

કીક્ક: એન્ટરટાઇન્મેન્ટની લાત







          જ્યારે પણ ફિલ્મના ઇતિહાસની વાત થશે ત્યારે ’કીક્કની વાત થશે જ કેમ કે એક સાથે ૭૦૦૦ સ્ક્રીન અને એ પણ ૬ શો! ભારતમાં રીલીઝ થતી આવી પહેલી ફિલ્મ છે જેને માટે રીતસર રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. સલમાનભાઈની વાત જ અલગ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા જાણે છે કે જો સલમાન હોય તો ફિલ્મ વહેંચાય જ. વિદ્યા બાલને કહ્યું કે ’ફિલ્મ સિર્ફ તીન હી ચીઝોં સે ચલતી હૈં. એન્ટરટાઇન્મેન્ટ, એન્ટરટાઇન્મેન્ટ ઔર એન્ટરટાઇન્મેન્ટ પણ હવે આ ડાયલૉગ બદલે તો નવાઈ નહીં કે ’ફિલ્મ સિર્ફ તીન ચીઝોં સે ચલતી હૈં. સલમાન, સલમાન ઔર સલમાન વાતમાં લોજિક હોય કે ન હોય પણ સલમાનની ફિલ્મ છે એટલે રવિવાર સુધીના આજથી જ શો ફૂલ જોવા મળે છે. ’કીક્કની તાકાત હોય કે ન હોય એન્ટરટાઇન્મેન્ટની લાત તો જરૂર મારશે જ....


        હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તારવા માટે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખડે પગે ઊભી જ હોય છે. ૨૦૦૯માં રજૂ થયેલી તામિલ ફિલ્મ ’કીક્કની જ આ રીમેક ફિલ્મ છે જે સીરીશ કુંદરે ડિરેક્ટ કરી હતી. સાજીદને જ્યારે વિચાર આવ્યો ત્યારે સૌથી પહેલા સીરીશનો જ કૉન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પણ કોઈ કારણસર સીરીશ ફિલ્મ કરવા સમર્થ ન હતા માટે આ પછી ડિરેક્ટર તરીકેની પસંદગી એ.આર. મૃગદોશ સાથે વાત ચાલી પણ એ પણ શક્ય ન બન્યું અને છેલ્લે પ્રોડ્યૂસર પોતે જ ફિલ્મ ડિરેક્ટ કરવાનું નક્કી થયું. સાજીદ આમ તો ગળથૂથીમાં જ ફિલ્મ લઈને જનમ્યા છે. સાજીદની પહેલી પ્રોડ્યૂસર તરીકેની ફિલ્મ ૧૯૯૬માં ’જીત હતી. જો કે પપ્પા સાથે તેના નામનો ઉલ્લેખ ૧૯૯૨માં ’ઝુલ્મ કી હુકુમતમાં થયો હતો. જો મારી ભૂલ ન થતી હોય તો કદાચ આ તેમના ડિરેક્શનમાં પહેલી ફિલ્મ છે. સાજીદ નડિયાદવાલાની જિંદગી વિચિત્ર રહી છે. ખૂબ જ આશાસ્પદ હીરોઇન દિવ્યા ભારતી સાથે ૧૯૯૨માં કર્યા હતા અને લગ્નના બહુ ટૂંકા સમયમાં જ દિવ્યાએ આત્મહત્યા કરી, કારણો વિશે ચર્ચા થતી રહી પણ આખરે કંઈ જ બહાર ન આવ્યું. આ પછી છેક ૨૦૦૪માં પત્રકાર વર્ધા ખાન સાથે ફરી લગ્ન કર્યા. સાજીદનું જો આ પહેલું ડિરેક્શન હોય તો એટલું તો કહેવું જ પડશે કે તેને એન્ટરટાઇન્મેન્ટ પીરસતા આવડે છે...


        ફિલ્મની હીરોઇનની શોધ પણ ખૂબ લાંબી શોધ ચાલી હતી. ઇલેના ડીકૃઝ, દીપીકા પાદુકોણ, અનુષ્કા શર્મા, સોનાક્ષી સિંહા અને પ્રિયંકા ચોપરા સાથે ઘણી વાતો થઈ પણ વાત ન બની. સુપર મોડેલ એન્જલીના જહોનસન સાથે પણ વાતો થઈ અને આખરે જેક્લીન ફર્નાડીશ પર પસંદગી ઉતારવામાં આવી. શ્રીલંકન ફાધર અને મલેસિયન મધરની સુંદર છોકરી માટે આ પહેલું રીયલ બ્રાન્ડેડ ફિલ્મ કહી શકાય. જેકલીને ૨૦૦૯માં ’અલાદ્દીન ફિલ્મથી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી હતી. ’હાઉસફૂલ 2’, ’મર્ડર 2' , ’રેસ 2' જેવી હીટ ફિલ્મ તેને મળી ચૂકી છે. સામાન્ય રીતે સલમાનની ફિલ્મમાં હીરોઇનને ભાગે કંઈ ખાસ કામ હોતું જ નથી પણ આ ફિલ્મમાં જેક્લીનને એક્ટીંગ બતાવવાનો પૂરો મોકો આપવામાં આવ્યો છે. મીથુન દા બીજી ઇનિંગ સરસ રમી રહ્યા છે. નાના પણ સારા પાત્રો માટે મીથુન દા પહેલી પસંદગી થવા લાગ્યા છે. ઇન્ટરવલ પછી ભલે એન્ટ્રી કરે પણ નવાઝુદ્દીન સીદ્દીકી એકદમ સરસ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યો છે. સિમોના માટે નાનું જ પાત્ર હતું પણ ધીમેધીમે ફિલ્મ તરફ વળતી દેખાય રહી છે. આ રીતે જ અર્ચના પુરણસિંઘ પણ એક બે દ્ગશ્યો હોવા છતા પોતાની આગવી સ્ટાઇલ બતાવી શકી છે. સૌરભ શુક્લા તો બોર્ન આર્ટિસ્ટ છે જ. જેક્લીનના પિતાના પાત્રમાં ખૂબ જ મઝા કરાવે છે...


        રણદીપ હૂડાને લગભગ સલમાનની સાથોસાથ જ વેઇટેજ આપવામાં આવ્યું છે. ફિલ્મના સ્ક્રીનપ્લે પહેલા દરેક પાત્રનું પાત્રાલેખન થાય અને એમાં પણ જો ચેતન ભગત સ્ટોરી લખે તો પછી ફિલ્મનું પાત્રાલેખન ખાસ રીતે થયું જ હોય. ફિલ્મની સ્ટોરી માટે જો સામે વિરોધી પાત્ર ન હોય તો મુખ્ય પાત્રની કોઈ કિંમત રહેતી નથી. હવે જ્યારે એ વિરોધી પાત્ર લખવામાં આવે તો તેને પણ પૂરો ન્યાય મળવો જોઈએ. રજત અરોરા, કૈથ ગોમ્સ, સાજીદ નડિયાદવાલા અને ચેતન ભગત ત્રણેએ મળીને સ્ક્રીનપ્લે લખ્યો છે. આમ તો ચેતન ભગતની વાત લોજિક બહાર નથી જતી પણ જો બાકી ત્રણ વ્યક્તિ સાથે હોય તો ક્યાંક લોજિક મૂકવું પડે કેમ કે દર્શકોને એન્ટરટાઇન્મેન્ટ આપવાનું હોય છે! ફિલ્મમાં નવાઝુદ્દીન ૧૫ મીનીટ સુધી પોતાનો શ્વાસ રોકી શકે છે. આ લોજિક માની પણ લઈએ તો પણ ધડકન થોડી બંધ થાય? હશે જવા દો મૂળ વાત મસાલો વેચવાના હોય તો આવું ચલાવવું પડે....


        ફિલ્મ માટે ખર્ચ કરવામાં કોઈ કચાસ રહેવા દેવામાં આવી નથી. ફિલ્મના શૂટીંગની શરૂઆત ૨૦૧૩ જુલાઈમાં સ્કોટલેંડથી કરવામાં આવી. ઑક્ટોબરમાં દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યું અને રહી ગયેલા થોડા દ્ગશ્યો ફેબ્રુઆરી ૨૦૧૪માં મહેબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યા. ફિલ્મનો એન્ડ પોલેન્ડમાં શૂટ કરવામાં આવ્યો છે, જો કે સલમાનની ઇચ્છા યુ.કે.માં શૂટ કરવાની હતી પણ વિઝા ન મળતા પોલેન્ડમાં જ શૂટ કરવામાં આવ્યો. એક સમાચાર મુજબ કાર, બસ, હેલીકોપ્ટર તોડવામાં જ ૧૨.૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું ટ્રેલર ૯ જૂન ૨૦૧૪ના રોજ યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવ્યું હતું અને આજની તારીખ સુધીમાં સૌથી વધારે જોવાયેલા ટ્રેલર તરીકે સ્થાન પામી ચૂક્યું છે...


        ફિલ્મનું મ્યુઝિક હ્રીમેશ રેસમિયા, યો યો હનીસિંઘ અને મીત ગ્રોસ ત્રણ વ્યક્તિએ મળીને આપ્યું છે. બૅકગ્રાઉન્ડ સ્કોર જુલિયસ પેકીમનો છે. ફિલ્મનો રનટાઇમ ૧૪૬ મીનીટનો છે જે હાલની ફિલ્મ્સના પ્રમાણમાં ખૂબ જ લાંબો કહેવાય પણ એક એક પળ માટે એન્ટરટાઇન્મેન્ટનો ખયાલ રાખવામાં આવ્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ ખૂબ સારી કહી શકાય એવી છે. ફિલ્મ મોટા બજેટનું છે એવું દેખાવું જોઈએ અને એ જવાબદારી અયંકા બોઝની હતી. ફિલ્મની મૂળ વાર્તા વક્કંથન વામસીની છે. યુટીવી મોશન પીકચરે ફિલ્મને ડીસ્ટ્રીબ્યુટ કર્યું છે. આ ફિલ્મ પછી ૧૦૦ કરોડની ક્લબ કદાચ અપડેટ થશે. થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ. ૭૦૦૦ સ્ક્રીન એવરેજ ૬ શો એટલે રોજના ૪૨૦૦૦ શો, માત્ર ૧૦૦ ટીકીટનું જ વેચાણ ધારીએ અને ૧૦૦ રૂપિયા જ એવરેજ ભાવ માનીએ તો રોજની કમાણી ૪૨ કરોડની આવક થઈ, હવે માત્ર એક અઠવાડિયું જ આમ ચાલે તો ૨૫૦ કરોડની નવી ક્લબની સ્થાપનાની તૈયારી કરી લો. જો ઇન્ડસ્ટ્રી આ રીતે જ ચાલસે તો નાની ફિલ્મ્સને સ્ક્રીન મળશે જ નહીં! 


        ફિલ્મનો પહેલો ભાગ પાત્રને એસ્ટાબ્લીસ કરવામાં જ જાય છે અને બીજો ભાગ ફાઇટમાં. ફિલ્મના અમુક દ્ગશ્યો ખરેખર સંવેદનશીલ બની શક્યા છે. ખાસ કરીને ઝુમખી વાળો કિસ્સો અને સલમાનનું એમ.એલ.એ. મેડમને પગે લાગવું. ફિલ્મ પાસે લોકોને આનંદ આપવાના બધા જ નુસખા છે, આટલું મોટું સ્ક્રીનીંગ પણ છે, સલમાન જેવો સેલેબલ સ્ટાર છે તો પછી મારા જેવાની દ્રષ્ટિએ ફિલ્મ સારુ કે ખરાબ શું કામનું? જે ફિલ્મ ધંધો કરે એ સફળ ફિલ્મ છે. સાચા સ્ટાર તો ફિલ્મની કમાણી જ ગણાય માટે સ્ટાર બોક્ષ ઓફીસના આંકડા પર છોડીએ...




પેકઅપ:

સલમાન ખાનના ફોટોગ્રાફ ન લેવા એવું નક્કી થયા પછી સલમાનભાઈની હવા સાથે ટ્વિટ.."હું તેમના નિર્ણયથી ખુશ છું"

Friday, 18 July 2014

હેટ સ્ટોરી 2: ફરી એક બીજો નિષ્ફળ પ્રયાસ







 
         ફિલ્મ સારી હોય કે ન હોય પણ બોક્ષ ઓફીસ પર કેટલો ધંધો કરે છે એના પર સફળતાનો આધાર છે. આ સફળતામાં તમે જ્યારે પહેલી ફિલ્મમાં કમાણી કરી ચૂક્યા હો ત્યારે બીજી ફિલ્મ આવે જ એ લોજિક સાથે જ ચાલવાનું અને એથી પણ વિશેષ જો ફિલ્મના પ્રોડ્યૂસર વિક્રમ ભટ્ટ હોય તો પછી બીજો નહીં ત્રીજો ભાગ કે ચોથો ભાગ પણ આવી શકે. ’હેટ સ્ટોરી માત્ર ૩.૫ કરોડમાં બનેલી હતી અને પોસ્ટર તેમજ પ્રોમો પરથી પહેલા જ દિવસે ફિલ્મની આવક ૨ કરોડ થઈ હતી. આ પછી એક વિક પુરુ થતા બોક્ષ ઓફીસ અને અન્ય રાઈટ્સ  બધું જ મળીને આ ફિલ્મ ૪૫ કરોડનો ધંધો કરવામાં સફળ રહી હતી. જો ૪૫ કરોડ કમાણી કરી ચૂક્યા હોય તો પછી બીજા પ્રયાસમાં ૫-૭ કરોડ નાખવામાં શું વાંધો? આજે આ ફિલ્મ સાથે અન્ય બે ફિલ્મ્સ ’અમીત સહાની કી લીસ્ટ અને ’પિઝા 3D’ પણ રીલીઝ થઈ છે. જોઈએ હવે લોકો હોરર પસંદ કરે છે કોમૅડી કે પછી સેક્સ! જો કે સેક્સની આશામાં ગયેલા લોકોને આ ફિલ્મના બીજા નિષ્ફળ પ્રયાસની જેમ જ નિષ્ફળતા મળશે...


        ’હેટ સ્ટોરીનું ડિરેક્શન વિવેક અગ્નીહોત્રીનું હતું. વિવેક ’ચોકલેટ જેવી ખતરનાક ફિલ્મ આપી ચૂક્યા છે જ્યારે પાર્ટ-૨ વિશાલ પંડ્યાએ ડિરેક્ટ કરી છે. વિશાલ પંડ્યાનું આ પહેલું ડિરેક્શન છે. આ કારણે જ તમને ફિલ્મમાં સીધો ફેર દેખાશે. સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડિરેક્શનમાં બધે જ ખામીઓ નજર આવશે. સારા ડિરેક્ટરના હાથ નીચે તૈયાર થયેલું ફિલ્મ દેખીતી રીતે જ અલગ નજર આવે છે. વિશાલે ’આવારા પાગલ દિવાનામાં સેકન્ડ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કેરિયર શરૂ કરી હતી. આ પછી ’એલાન, ’જૂર્મ, ’દિવાને હુએ પાગલ અને ’અનકહી સુધી આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા. વિક્રમ ભટ્ટ કૅમ્પમાં તેમણે ’રાઝ-૩માં એસોસિયેટ ડિરેક્ટર તરીકેની ક્રેડિટ મળી. ઉપરના લીસ્ટમાં એક પણ એવું ફિલ્મ નથી જેના વખાણ કરવા પડે માટે અહીં અનુભવની ખામી સીધી જ નજરમાં આવે છે...


        સુરવિન ચાવલા પર ફિલ્મનો ભાર છે. સુરવિન જ જ્યારે દેખાવડી નથી લાગતી ત્યારે સેન્ટ્રલ કૅરેક્ટર નબળું જ લાગે. સુરવિનની ફિલ્મ એન્ટ્રી કન્નડ ફિલ્મ ’પરમેશા પનવાલાથી થઈ હતી. આ પછી ૨૦૦૯માં ’રાજુ મહારાજુ નામની તામિલ ફિલ્મ કરી અને એ જ વર્ષમાં પંજાબી ફિલ્મ ’ધરતી પણ કરી. ’હમ તુમ ઔર શબાનામાં ગેસ્ટ રોલથી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. આ પછી નાના રોલ કર્યા જો કે સિરિયલ વર્લ્ડમાં સુરવિન પ્રખ્યાત રહી. ’કહીં તો હોગા, ’કસોટી જિંદગી કી લીડ રોલમાં કરી અને સારી નામના મેળવી. સરવિનની આ લીડ રોલમાં પહેલી હિન્દી ફિલ્મ છે. દરેક હીરોઇન માટે જરૂરી એ છે કે પોતાના પાત્રને એકવાર એ સ્ક્રીનમાં જોઈ લે પણ સુરવિને આવું નહીં કર્યું હોય. મેકઅપ એટલી હદે ખરાબ છે કે તમે સુરવિનને આટલી ખરાબ કલ્પી પણ ન શકો. સુરવિનની સામે જય ભાનુસાળીને લેવામાં આવ્યો છે. દેખીતી રીતે જ તમને ખબર પડશે કે સુરવિન પાસે બાળક લાગે છે. જય ભાનુસાળી એટલે માહી વિજનો પતિ. જય આમ તો ’નચ બલિયેની પાંચમી સીઝન જીત્યો ત્યારથી લોકોમાં જાણીતો ચહેરો બની ગયો છે. આ પછી ’ઝલક દિખલાજા થી શરૂ કરીને ’ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુધીના ઘણા નોન ફિક્શન શો કર્યા છે. આ જ વર્ષે જયની ’દેશી કટ્ટે ફિલ્મ પણ રીલીઝ થવાની છે. જયને જોતા લાગે છે કે ફિલ્મમાં એ સિરિયલ સ્ટાઇલ એક્ટીંગ જ કરે છે એટલે વધારે ખેંચી નહીં શકે! સુશાંત સિંઘ સિરિયલથી શરૂ કરીને ફિલ્મ સુધી ધીમી ગતિએ આગળ વધતો રહ્યો છે. તેની ફિલ્મ કેરિયરની શરૂઆત ૧૯૯૮માં ’સત્યાથી થઈ. આ પછી અત્યાર સુધીમાં લગભગ ૪૪ ફિલ્મ કરી ચૂક્યો છે. આ ફિલ્મના નેગેટિવ કૅરેક્ટરને નિભાવવામાં ઘણા અંશે સફળ રહ્યો છે પણ ડિરેક્શનની ખામીને લીધે યોગ્ય રીતે ઊભરી શક્યો નથી. ફિલ્મમાં ઇન્સ્પેક્ટરના કૅરેક્ટરમાં કોણ છે એ ધ્યાનમાં નથી પણ એના માટે ભવિષ્યમાં ચોક્કસ ઊજળી તકો છે....


        ફિલ્મની વાર્તા શરૂઆતથી લઈને અંત સુધી પ્રીડેક્ટેબલ જ છે. ગીરીશ ધામીજાના ડાયલોગ્ઝ ખૂબ સારા છે પણ માધુરી બેનર્જીનો સ્ક્રીનપ્લે ખરાબ છે. ફિલ્મની શરૂઆતમાં જ એક ફૂટેલો ઇન્સ્પેક્ટર સુરવિનને મારવાની કોશિશ કરે છે ત્યારે સ્વભાવિક રીતે ફિલ્મ ફ્લેશબેક સાથે આગળ વધે. હોસ્પિટલ માંથી છૂટીને બદલો પણ લેવાનો જ હોય એ વાત પણ પ્રીડીક્ટેબલ હતી અને એ સાથે તેની લવ સ્ટોરી પણ બતાડાશે એ જાણ મુજબ જ ફિલ્મ આગળ વધે છે. ફિલ્મના પહેલા ફ્લેશબેકમાં બતાવવામાં આવે છે કે સુશાંત સિંઘ જે મોટો નેતા છે અને સુરવિન તેની રખેલ છે. સુરવિન સુશાંતથી ખૂબ ડરતી બતાવવામાં આવે છે અને ત્યાં સુધી કે પોતાની જાતને મારવાની કોશિશ પણ કરે છે પણ સુશાંતનો ડર એને મરતા પણ રોકે છે. આ સમયે અપાતી ધમકીમાં એક વાત ખોલવામાં આવે છે કે સુશાંતના કબજામાં તેની દાદી છે પણ સ્ક્રીનપ્લેમાં એ વાત લખવામાં ન આવી કે દાદી કઈ રીતે અનસેફ છે. સુરવિન ફોટોગ્રાફીની શોખીન છે અને ત્યાં ક્લાસમાં તેનો પરિચય જય ભાનુસાળી સાથે થાય છે. જય સુરવિનના પ્રેમમાં પડી જાય છે. સુરવિનને પણ જય ગમે છે પણ સુરવિન જાણે છે કે જો તે આ પ્રેમનો સ્વીકાર કરશે તો સુશાંત તેને મારી નાખશે પણ જયના ફોર્સ પર બંને ભાગવા તૈયાર થઈ જાય છે. ગોવામાં સબસિડી મળે છે એટલે પછી બંને ભાગીને ગોવા જતા રહે છે. સ્ક્રીનપ્લે મુજબ અહીં સેક્સ દેખાડવાનો ચાન્સ હતો એટલે ફિલ્મનું હીટ સોંગ ’આજ ફીર તુમ પે પ્યાર આયા હૈં રજૂ કરીને સુરવિનને બીકનીમાં અને થોડા બેડ સિન દેખાડવામાં આવ્યા. હવે પકડાવવાનું પણ પ્રીડીક્ટેબલ જ હતું એટલે બંને પકડાય ગયા. જયને મારીને ગાડી લેકમાં નાખી દે છે અને સુરવિનને કોફીનમાં નાખીને દાટી દેવામાં આવે છે. સ્ક્રીનપ્લેમાં એ ભૂલ થઈ ગઈ કે ત્યાંથી કેમ છૂટી એ વાત લખવાની જ રહી ગઈ...બસ પછી ભાગતા ભાગતા સુરવિન બદલો લે અને એક પછી એકને મારતી જાય. અગાઉ પણ ઘણી ફિલ્મ્સ જોઈ હશે જેમાં બેઇમાન પોલીસ વચ્ચે એક પોલીસ ઇન્સ્પેક્ટર મદદ કરે અને અહીં પણ એમ જ થાય છે... 


        ’હેટ સ્ટોરીમાં સૌથી સરસ વાત હતી ફિલ્મની સિનેમેટોગ્રાફી. એકથી એક દ્ગશ્યો કમાલ રીતે કૅમેરામાં ઝીલવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં સિનેમેટોગ્રાફીની કોઈ જ કમાલ જોવા ન મળી. એ રીતે જ પહેલા ભાગમાં એક સરસ રીતે નીખરતી રમત હતી ઉપરાંત પાઓલી સુરવિન કરતા તો ખૂબ જ સુંદર લાગતી હતી. ટી.વી. પર ચલાવવામાં આવેલા પ્રોમો અને ગીતથી વધારે કંઈ આશા ન રાખવી. જો કે પાછળથી સેન્સર બોર્ડના વાંધાને લીધે આ પ્રોમો અને ગીત ઉતારી લેવામાં આવ્યું હતું...





પેકઅપ:

"સેક્સ માણસના મગજમાં એ હદે ભરાયેલું છે કે ગુગલ ઇમેજમાં ભગવાન લખો તો પણ એકાદ ઇરોટીક ફોટો આવી જ જાય!"

Friday, 4 July 2014

બોબી જાસૂસ: સરળ વાત, સરળ રજૂઆત







       ફિલ્મનું ટ્રેલર જોઈને મને મનમાં થયું કે માત્ર વિદ્યા બાલનને અલગ અલગ વેશભુષામાં દેખાડવા અને ધરાર કૉમેડી ઊભી કરવા ફિલ્મ બન્યું હશે પણ જે રીતે ઘણીવાર ટ્રેલર જોયા પછી ફિલ્મમાં રૂપિયા પડી ગયા એમ થાય એ રીતે જ એવું પણ બને કે ટ્રેલર ખરાબ હોય તો પણ ફિલ્મ સારુ હોય શકે. એવી ઘણી ફિલ્મ તમે જોઈ હશે જેમાં હીરો કે હીરોઇનને કંઈક બનવા માટેનો ક્રેઝ હોય અને એ ક્રેઝ માટે એ ગમે તે કરતો કે કરતી હોય પણ જો એ વાત જ જો મજબૂત ના હોય તો તમે મૂળ વાર્તાને ગળે ના ઉતારી શકો પણ ’બોબી જાસૂસની વાર્તા એટલી સરળ રીતે રજૂ થઈ છે કે તમને સાવ સરળતાથી સમજાય જાય. એ સાથે ફિલ્મની રજૂઆત પણ એટલી હળવી રીતે થઈ છે કે તમારે કહેવું જ પડે કે સરળ વાત અને સરળ રજૂઆત...


        સમર શેખનું આ પ્રથમ ડિરેક્શન છે. સમર આમ તો સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે પ્રખ્યાત છે. ’ધુમ, ’બંટી ઔર બબલી, ’ફના, ’ધૂમ-2’, ’ચક દે ઇન્ડિયા, ’ટશન, ’રોડ સાઇડ રોમિયો અને ’ધૂમ-3’ માટે એમણે સ્ટોરી બોર્ડ તૈયાર કર્યું હતું. આ ઉપરાંત ’ધૂમ અને ’રોડ સાઇડ રોમિયોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. એક વાત તો માનવું જ પડે કે કોઈ પણ રીતે સમરનું આ પહેલું ડિરેક્શન હોય એવું લાગતું નથી. એક એક આર્ટિસ્ટ પાસેથી જે રીતે કામ લઈ શક્યા છે એ માટે ડિરેક્શનના વખાણ જ કરવા પડે. અમુક દ્ગશ્યોમાં રડાવી શક્યા છે તો અમુક સાવ સામાન્ય વાત પર હસાવી પણ શક્યા છે. ખૂબ જ ઓછા લોકેશનમાં જ્યારે રમવાનું હોય ત્યારે ડિરેક્ટરની ખરી પરીક્ષા થાય છે. સ્ટોરી બોર્ડ આર્ટિસ્ટ તરીકે રહી ચૂકેલા છે એટલે સ્ટોરીને સારી રીતે રજૂ કરી શક્યા છે. વિદ્યા બાલનને ઘણા સમયે ખરા અર્થમાં એક્ટીંગ કરી ...


        ફિલ્મની શરૂઆતથી જ લીડ કૅરેક્ટર માટે વિદ્યા બાલન ફીક્સ જ હતી. હીરો માટે થોડી શોધ થઈ પણ અલી ફઝલ ખૂબ સરળતાથી નક્કી થઈ ગયો. અલી ફઝલને યાદ કરવો હોય તો ’થ્રી ઇડિયટ્સનું ગીત યાદ કરી લો ’મર મર કે ...’. જો કે અલીની ફિલ્મ કેરિયરની શરૂઆત ’ધ અધર એન્ડ ઑફ લાઇફ;થી થઈ હતી. આ પછી અલીએ ’ઓલવેયઝ કભી કભી, ’ફૂકરે અને ’બાત બન ગઈ કરી છે. આ ફિલ્મમાં વિદ્યા સામે થોડો નાનો લાગે છે પણ જોડી બહુ ખરાબ નથી લાગતી...


        ફિલ્મનું કાસ્ટિંગ મજબૂત છે. વિદ્યા બાલનના ફેમીલીમાં મમ્મી તરીકે સુપ્રિયા પાઠક, પપ્પા તરીકે રાજેન્દ્ર ગુપ્તા, ખાલા તરીકે તન્વી આઝમી, બહેન તરીકે બેનાફ જેવા જાણીતા ચહેરાઓ છે. સુપ્રિયા પાઠક માટે તો કંઈ કહેવાની જરૂર જ ન પડે! આ રીતે જ તન્વી આઝમીનો અનુભવ પણ કંઈ ઓછો નથી. બેનાફ સાથે મારી ખૂબ સારી મિત્રતા રહી છે. બેનાફ કોઈ પણ કામ પ્રત્યે પૂરી વફાદાર હોય છે. ’બા બહુ ઔર બેટી સિરિયલમાં દીકરીની ભૂમિકાથી બધા જ તેને ઓળખે છે. ૧૯૯૮માં ’ચાઇના ગેઇટ બેનાફની પ્રથમ ફિલ્મ હતી અને છેક આટલાં વર્ષે આ ફિલ્મમાં જોવા મળી. રાજેન્દ્ર ગુપ્તા તગડો કલાકાર તો છે જ પણ આ ફિલ્મમાં સૌથી શ્રેષ્ઠ એકટીંગ તેમનું છે. વિદ્યાના સહાયકો મુન્ના એટલે કે આકાશ ડાહ્યાં અને પ્રસાદ બર્વે શેટ્ટી તરીકે છે. પ્રસાદ બર્વે આમ તો વોઇસ ઓવર આર્ટિસ્ટ છે પણ ’દિલ મિલ ગયા, ’હાઇડ & સીક એમ બે ફિલ્મમાં એક્ટીંગ પણ કરી ચૂક્યો છે. અર્જન બાવજા લાલાના કૅરેક્ટરમાં છે. દિલ્હીના ડેપ્યુટી મેયરનો છોકરો અર્જાનની ફિલ્મ કેરિયરની શરૂઆત ૨૦૦૧માં તામિલ ફિલ્મથી થઈ હતી. ’વો તેરે નામ થા ૨૦૦૩માં તેની પ્રથમ હિન્દી ફિલ્મ હતી. આ પછી ’ગુરૂ, ’સમર, ’ફેશન અને ’સન ઑફ સરદારમાં જોવા મળ્યો હતો... લાલાની પ્રેમિકાની ભૂમિકામાં અનુપ્રિયા છે. છોકરી ખરેખર સુંદર છે કદાચ આગલી ફિલ્મમાં લીડમાં જોવા મળે પણ ખરી. ઘણા સમયે કિરણ કુમાર એક મોટા રોલમાં જોવા મળ્યા. કિરણ કુમારની ઉમર દેખાય છે પણ હીર તો હજુ એ જ છે! ઝરીના વહાબ પણ નાનકડી ભૂમિકામાં છે અને નાનો પણ સારો રોલ નિભાવ્યો છે...


        સાહિલ સંધા અને દિયા મિર્ઝાનું પ્રોડક્શન હાઉસ બોર્ન ફ્રી એન્ટરટાઇન્મેન્ટ. આ પ્રોડક્શનનું પહેલું ફિલ્મ હતું ’લવ બ્રેકઅપ જિંદગી હતું. ખાસ ચાલ્યું ન હતું એટલે આ ફિલ્મ પર બંનેને એટલી આશા છે કે બંને આ ફિલ્મ સમયે જ લગ્ન કરવાના હતા પણ ફિલ્મના કારણે પોસ્ટપોન્ડ રાખ્યું. ૨૩ નવેમ્બર ૨૦૧૩ના રોજ ફિલ્મનું મહુરત કરવામાં આવ્યું અને સળંગ ૫૫ દિવસનું શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યું. ફિલ્મનું મોટા ભાગનું શૂટીંગ વાર્તાને અનુરૂપ હૈદરાબાદમાં જ કરવામાં આવ્યું છે...


        મ્યુઝિક શાંતનું મલ્હોત્રાનું છે. ફિલ્મમાં ગીતો કર્ણપ્રિય છે. સ્ટોરી સંયુક્તા ચાવલા શેખની છે. સિનેમેટોગ્રાફી બ્રિન્દાની છે. ફિલ્મ ખૂબ સારી રીતે એડીટ થઈ છે. ફિલ્મના એડીટીંગનો શ્રેય ગુજરાતી મિત્ર હેમલ કોઠારીને જાય છે. ફિલ્મ એક સંયુક્ત પ્રયાસ છે. કોઈ એક કામ પણ ખરાબ થાય તો સારી ફિલ્મ પણ ખરાબ બની શકે. ’બોબી જાસૂસમાં પૂરી ટીમનું ટીમ વર્ક જોવા મળ્યું. જો કે હું જ્યારે ફિલ્મ જોવા ગયો ત્યારે આખી ટૉકીઝમાં માત્ર ૭ દર્શકો હતા એટલે એમ પણ માની શકાય કે હજુ દર્શકો સુધી પ્રચાર માધ્યમથી આ ફિલ્મ પહોંચ્યું નથી....


        ફિલ્મની સ્ટોરી મુસ્લિમ મહોલ્લા અને મુસ્લિમ ફેમિલી સાથે જોડાયેલ છે. એક ટીપીકલ મુસ્લિમ સ્ટાઇલથી એમ છતા પણ આ ફિલ્મને દૂર રાખી શકાયું છે. એક સંયુક્ત કુટુંબમાં રહેતી સૌથી મોટી છોકરી બિલકીશ એટલે કે વિદ્યા બાલન પોતાની જાતને મહાન જાસૂસ સમજે છે પણ કામ તો સાવ નાના નાના જેમ કે કોઈની પત્નીનો પ્રૉબ્લેમ, કોઈના ઘરનો પ્રૉબ્લેમ એવા જ મળે છે. એક મોટા કામની આશામાં બેઠેલી બોબીને એક કામ મળે છે અને રૂપિયા પણ. હવે આ કામ કરવા માટે તેને કરેલા પ્રયાસો અને તેણે ગોઠવેલી બાજી સાવ સીધી સાદી છે પણ કામ તો કરે જ છે. કિરણ કુમાર આ કામો તેની પાસે શા માટે કરાવે છે એવો પ્રશ્ન ઊભો થતા જ સ્ટોરી વળાંક લે છે. સ્ટોરી સાથે જ અલી અને વિદ્યાની લવ સ્ટોરી પણ આગળ ચાલે છે. ફિલ્મમાં કોઈ મોટા પ્રસંગો નથી પણ વાર્તા આગળ વધતી રહે છે, કારણ વગરના પ્રસંગો છે પણ કંટાળો અપાવે એવા નથી. ઓવરઓલ ફિલ્મ માણવા લાયક છે. માત્ર વિદ્યા બાલન આધારિત ફિલ્મ નથી. વિદ્યા ચોક્કસ રીતે મુખ્ય પાત્ર છે પણ તેની સાથે જોડાયેલા પાત્રો પાસે પણ પર્ફોર્મન્સનો પૂરો ચાન્સ છે જ અને બધા આર્ટિસ્ટ્સ આ ચાન્સ લેવામાં સફળ પણ રહ્યા છે. ફિલ્મની મહેનત અને સ્ટોરીની સરળતા માટે ફિલ્મ ૩ સ્ટાર ડીઝર્વ કરે છે....




પેકઅપ:
બુદ્ધિઆંક માટે નવો પેરામીટ૨ શોધાણો છે અને જેને ’ભટ્ટ નામથી ઓળખવામાં આવશે. સૌથી ઊંચા આંક માટે ’આર્ય ભટ્ટ અને નીચા આંખ માટે ’આલ્યા ભટ્ટ...