દર અઠવાડિયે લગભગ એક કે બે ફિલ્મ્સ રીલીઝ થતી જ હોય છે. દરેક
ડિરેક્ટરની પોતાની ખાસિયત મુજબની ફિલ્મ બનાવતા હોય છે પણ ચોઈસ તો બધાની કૉમેડી જ રહે
છે. આમ પણ માણસ આખો દિવસ સવારથી સાંજ સુધી હેરાન-પરેશાન થતો મનોરંજન મેળવવાની કોશિશ
કરે તો હસવું જ પસંદ કરે ને! ફિલ્મમાં ફાઇટ, ઍક્શન, ડ્રામા, ઇમોશન બધું જ હોય તો પણ
કૉમેડી તો ઉમેરવામાં આવે જ છે જે સાબિત કરે છે કે આખરે તો માણસ માટે ખુશી જ મહત્વની
છે. બે પ્રકારે કૉમેડી દર્શકોને આપવામાં આવે છે, એક સિચ્યુએશનલ કૉમેડી અને બીજી ડાયલૉગ
કૉમેડી. ’હમશકલ’માં
આ બંને પ્રકારનું કોમ્બીનેશન જોવા મળ્યું પણ એક શરત છે જ કે મગજને ઘેર મૂકી દેવાનું
અને માત્ર આનંદ માટે જ ફિલ્મ જોવાની. ’હમશકલ્સ’ મગજ વગરનું મનોરંજન છે..
સાજીદ ખાનને
લોકો આ પહેલા ઘણા ટીવી શોમાં જોઈ ચૂક્યા હશો. એક વાત તો છે જ કે સાજીદ પોતાની જાત પર
ત્યારે પણ હસી શકતો અને આજે પણ હસી શકે છે. સાજીદનો નાતો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે બચપણથી
જ છે. સાજીદ એટલે મેનકા ઇરાની અને કમરાન ખાનનો પુત્ર. મેનકા ઇરાની એટલે હની ઇરાની અને
ડેઝી ઇરાનીની બહેન. સાજીદનું સેન્સ ઑફ હ્યુમર સાચે જ ખતરનાક રહી છે. સાજીદની બહેન ફરાહ
ખાન પણ ફિલ્મ સાથે જોડાયેલ છે. સાજીદે ’જૂઠ બોલે કૌઆ કાટે’, ’મૈં
હું ના’ અને
’હેપ્પી ન્યુ ઇયર’ જેવી ફિલ્મ્સમાં એક્ટીંગ પણ કર્યું છે. સાજીદના ડિરેક્શનની
શરૂઆત ’ડરના જરૂરી હૈં’ ફિલ્મથી થઈ. ફિલ્મ ખાસ ચાલી ન હતી પણ સાજીદની કેરિયર તો શરૂ
થઈ જ ગઈ. ૨૦૦૭માં સાજીદે ’હે બેબી’ ડિરેક્ટ કરી. ફિલ્મ ભલે ચાલી નહીં પણ અમુક
કૉમેડી પંચ વખાણવા લાયક હતા. સાજીદને ખરી સફળતા ’હાઉસફૂલ’થી મળી.
ફિલ્મ ચાલી અને આ પછી ’હાઉસફૂલ-૨-ડર્ટી ડઝન્સ’ પણ ચાલી ગઈ. સાજીદને થયું કે લાવ રીમેકમાં
પણ હાથ જમાવું અને તેણે ’હિમ્મતવાલા’ ડિરેક્ટ કરી. ફિલ્મ તો સરસ રીતે પીટાય જ
ગઈ પણ સાજીદ પરનો ભરોસો ઊઠવા લાગ્યો. જો કે સલામ તો વાસુ ભગનાનીને કરવી પડે કે ’હિમ્મતવાલા’ પછી
પણ ’હમશકલ્સ’ માટે
હિંમત કરી અને નસીબ જોગે ફિલ્મ પ્રમાણમાં ઘણી સારી છે..
તમે એક વાત માર્ક
કરી હશે કે ફિલ્મના ટાઇટલ ઘણી વાર વિચાર્યા વગર આપવામાં આવતા હોય છે તો ક્યારેક ખરેખર
બુધ્ધીથી આપવામાં આવતા હોય છે. આ ફિલ્મના ટાઇટલ માટે બુધ્ધીનો ઉપયોગ કરવામાં આવ્યો
હશે. અંગ્રેજીમાં બહુવચન માટે પાછળ એસ લગાડવામાં આવતો હોય છે. હવે જો હિન્દી શબ્દની
પાછળ એસ લગાડવામાં આવે તો નામ ઇટસેલ્ફ કૉમેડી બની જાય છે. આ ઉપરાંત સ્ટોરી પર પણ ઘણી
મહેનત કરવામાં આવી છે. ફિલ્મ ફરહાદ અને સાજીદે બંને એ મળીને લખી છે. તમે આ પહેલા એક
સરખાં દેખાતા બે મિત્રોની વાર્તા ’અંગુર’ ફિલ્મમાં સંજીવ કુમાર અને દેવેન વર્માની
જોઈ જ ચૂક્યા છો પણ અહીંયાં બે ઉપરાંત ત્રીજો અવતાર પણ છે. આ ત્રીજો અવતાર અલબત બહુ
થોડા સમય માટે લગભગ ફિલ્મના અંતમાં આવે છે પણ કહાનીને ટ્વિસ્ટ આપવા માટે પૂરતો છે.
આ ઉપરાંત રામ કપૂરના પણ ત્રણ રોલ કમાલના છે. રામ કપૂરના ત્રણે રોલ જોઈને તમે પણ એવું
માનશો કે આ ત્રણે વ્યક્તિ અલગ છે. રામ કપૂર સાચે જ તગડો કલાકાર છે એ આ ફિલ્મમાં તો
સાબિત કર્યું જ છે....
શૈફ અલીખાન સમય
સાથે એક્ટીંગ શીખેલો કલાકાર છે પણ શૈફ તેની ટીપીકલ સ્ટાઇલ માંથી બહાર નથી નીકળી શક્યો.
ત્રણે રોલ અલગ અલગ હોવા છતા તમને ત્રણે રોલમાં શૈફ જ દેખાશે, પાત્ર નહીં. જો કે આ બાબતે
આ ફિલ્મમાં રીતેષ દેશમુખ શૈફ કરતા ચડિયાતો સાબિત થયો છે. રીતેષ પાસે પણ કૉમેડીની પોતાની
એક આગવી સ્ટાઇલ છે અને તેનું રીપીટેશન જોવા મળે જ છે પણ એમ છતા શૈફ કરતા તો ખૂબ સારી
એક્ટીંગ આ ફિલ્મમાં જોવા મળી. ફિલ્મમાં તમન્ના ભાટીયા એક ચેનલના રીયાલીટી શો હોસ્ટ
તરીકે દેખાડવામાં આવી છે અને પહેલા શૈફની પ્રેમિકા. તમન્નાનું પહેલું ફિલ્મ હતું ’ચાંદ
સા રોશન ચહેરા’ બસ
આ ફિલ્મ પછી તામિલ અને તેલુગુ ફિલ્મ જ કરવા લાગી. એકાદ બે હિન્દી ફિલ્મ્સ પણ કરી હતી
પણ ખાસ નહીં. ખૂબ લાંબા ગાળા પછી તમન્નાએ સાજીદની ’હિમ્મતવાલા’ કરી
હતી અને ફરી સાજીદ સાથેના સંબંધોને લીધે જ આ ફિલ્મ પણ કરી. બીજા શૈફની પ્રેમિકા તરીકે
એશા ગુપ્તા છે. એશાની કેરિયર ’જન્નત ૨’થી શરૂ થઈ હતી. આ પછી ’રાઝ ૩ડી’, ’ચક્રવ્યૂહ’, ’ગોરી
તેરે પ્યાર મેં’ જેવી
થોડી ફિલ્મ્સ કરી પણ પોતાનું સ્થાન જમાવી શકી નથી. જો કે આ ફિલ્મમાં ડૉક્ટર બનતી એશા
બાકીની બે હીરોઇન કરતા તો સારુ કામ કરતી જોવા મળી. બિપાસા બસુને રીતેષ સામે લેવામાં
આવી છે. રીતેષ કરતા બિપાસા મોટી લાગે છે પણ ખાસ મોટો રોલ ન હોવાથી ચાલી જાય છે. ત્રણ
નાના રોલની અહીં વાત કરવી પડે એમ છે. જેમ કે ચંકી પાંડે. સિંધી ડ્રગ વેચતો વેપારી એક
કે બે વાર દેખાય છે પણ તમે તેના રીએક્શન અને એક્ટીંગ પર હસવાનું રોકી નહીં શકો. આ રીતે
જ ગાંડાની જેલના જેલર તરીકે સતીષ શાહ એટલે ફિલ્મની જાન છે. બહુ જ નાના પાત્રમાં પણ
ખૂબ જ સારુ એક્ટીંગ મારા અંગત મિત્ર દર્શન ઝરીવાલાને કરતા જોયા. દર્શનભાઈની ખાસિયત
છે કે ગમે તે પાત્ર હોય તે ન્યાય તો આપે જ. ભલે નાનો પણ એમનો ફિલ્મમાં કી રોલ કહી શકાય...
ફિલ્મનું મ્યુઝિક
હ્રિમેશ રેસમિયાએ આપ્યું છે. ફિલ્મના ગીતો લાંબા ચાલે તેમ નથી પણ સાંભળવા ન ગમે તેવા
તો નથી જ. આ ઉપરાંત ખોટો ગીતોનો મારો પણ નથી. ફિલ્મ મગજ મૂકી દો તો આનંદ આપે એવી છે
જ, તો થોડો ઘણો અતિરેક પણ છે. શાહબુદ્દીન રાઠોડ કહે છે કે પુરુષ જો સૌથી વધુ ભૂંડો
લાગતો હોય તો એ જ્યારે સ્ત્રીનો વેશ કાઢે ત્યારે લાગે છે. અહીં પણ શૈફ, રીતેષ અને રામ
કપૂર છોકરીઓ બને છે ત્યારે બહુ જ ખરાબ લાગે છે. આ ઉપરાંત ત્યાં ફિલ્મની વાત ખેંચાતી
પણ લાગે છે. ફિલ્મ માંથી કૉમેડી બહાર આવતી જ હતી પણ જો આટલું ધ્યાન રાખવામાં આવ્યું
હોત તો વધુ સારી બની શકી હોત. ફિલ્મની સિનેમેટોગ્રાફી રવિ યાદવની છે. ફિલ્મને લોકેશન્સ
પણ ફોરેનના જ મળ્યા છે છતા ખૂબ સારી રીતે કૅમેરામાં કૈદ કરી શક્યા છે. ડાન્સ ડિરેક્ટરની
ખબર નથી પણ દરેક ગીતમાં એક નવી ટીપીકલ સ્ટાઇલ અને એ પણ ગમે તેવી આપવામાં સફળ રહ્યા
છે. ૫૫ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ છે માટે ધંધો ૧૦૦ કરોડ કરવો જ પડે તો જ પરવડે. ફિલ્મને
૩ સ્ટાર આપી શકાય એમ છે...
પેકઅપ:
’ફિલ્મનો સૌથી પંચ વાળો સતીષ શાહનો ડાયલૉગ "આજ જો મૈ તુમ્હે
ટૉર્ચર કરને વાલા હું ઉસકે લીયે મુજે મેડલ મીલેગા... આજ મૈં તુમ્હે સાજીદ ખાનકી ’હિમ્મતવાલા’ દીખાઉંગા"....’
Samirhai, again another enjoyable review, Thanks. લખતા રહેજો!
ReplyDelete