ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકો સ્ક્રીપ્ટની પસંદગી માટે વખણાય
છે. આમિર ખાન એક નહીં અનેક વાર સ્ક્રીપ્ટ વાંચે, કૅરેક્ટર સમજે, પોતાનો રોલ અલગ તારવે
અને પછી જ ફિલ્મ સ્વીકારે. આવીને આવી વાત ફરહાન અખ્તર માટે પણ કહેવામાં આવે છે. ’ભાગ
મીલ્ખા ભાગ’ માટે
એની મહેનત માટે લખીએ એટલું ઓછું છે. એથલેટ બોડી બનાવવા માટે ફરહાને એક વર્ષ મહેનત કરી
હતી પણ જેમ આમિર ખાન ’ધૂમ ૩’ જેવી ફિલ્મ પસંદ કરી શકે તો પછી ફરહાન કેમ ’શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ ન પસંદ
કરે? જોકે આમિર બુધ્ધીશાળી માણસ છે. આમિરને બૅનરની પણ ખબર હતી અને કેટલી ટૉકીઝ રીલીઝ
થાય છે એ આંકડો પણ મગજમાં હતો જ, એટલે જ ફિલ્મ ૨૦૦ કરોડનો ધંધો કરી ગઈ પણ ફરહાન પોતે
એક્ટર જ છે એટલે આશા હતી કે એ ફિલ્મ યોગ્ય રીતે પસંદ કરતો હશે. ફિલ્મ સારી કે ખરાબ
કરતા ટાઇટલની જેમ ઇફેક્ટ વાળી હોવાને બદલે ઇફેક્ટ વગરની નીકળી...
ફિલ્મની વાત
કરતા પહેલા વિદ્યા બાલન કપૂર પર એક આખી વાત માંડવી પડે એમ છે. વિદ્યાને હીરોઇન બનવાનો
શોખ હવે પૂરો કરી દેવો જોઈએ કેમ કે જે રીતે વિદ્યાની લાઇફ આગળ વધી છે એ રીતે જ વિદ્યાનું
શરીર પણ ખૂબ આગળ વધી ગયું છે. હોટ અને સેક્સી શબ્દો જાણે વિદ્યા માટે બોલાયા હતા એ
મૃગજળ જેવા લાગવા માંડ્યા છે. જો કે આ ફિલ્મમાં પાંચ વર્ષની દીકરીની માં બતાવવામાં
આવી છે પણ માં બતાવતા પહેલા પત્ની પણ બતાવી જ છે. ફિલ્મના એક ડાયલોગમાં વિદ્યા બોલે
છે કે મેં કેટલો ભોગ આપ્યો. નોકરી વાળી લાઇફ છોડીને એક ઘરેલુ સ્ત્રી બની અને મારુ શરીર
પણ વધી ગયું. બચારા દર્શકોએ તો ફિલ્મમાં લગ્ન પહેલા અને માતા બન્યા પછી બંને જોઈ હોય
ત્યારે શરીર વધી ગયાની વાત કેમ હજમ થાય? અહીં તો હાજમોલા પણ કામ આવે એમ નથી. સિદ્ધાર્થ
રોય કપૂરની પત્ની અને એકતા સાથેના સંબંધોને કારણે જ આ ફિલ્મ મળી હોય એવું તમને ફિલ્મ
જોતા જ સમજાય જશે. એક વાતનો સંતોષ મેળવવો પડે કે એટલીસ્ટ પાંચ વર્ષની છોકરીની માં તો
બતાવી એટલે હવે આગળ જતા ૧૫-૧૬ વર્ષના સંતાનની માં બનીને જોવા મળે તો ગળે વાત ઊતરવા
લાગશે...
સાકેત ચૌધરીના
હીસ્સે કંઈ ખાસ ડિરેક્શન પોઇન્ટ્સ હતા જ નહીં પણ અલ્ટીમેટલી સ્ટોરી હીરો હોય છે. સ્ટોરીનો
વિષય જૂનો અને જાણીતો હોવા ઉપરાંત સાવ જ જાણીતા પોઇન્ટ સાથે રમતો હતો. સાકેત ચૌધરીની
જ સ્ટોરી છે માટે અન્યને દોષ દેવો નકામો છે. આદિત્ય લખતી વખતે એ ભૂલી ગયો કે ફિલ્મ
માટે જરૂરી નથી કે લગ્નમાં થતા પ્રોબ્લેમના બધા જ પોઇન્ટ્સ કવર કરી લેવા. એટલાં બધા
પોઇન્ટ્સ અને કોઈ પણ કારણ વગર વિર દાસનું પાત્ર ઉમેરી રન ટાઇમ ૧૪૫ મીનીટ સુધી લંબાવવામાં
આવ્યો જે તમને સતત હવે પૂરુ થાય તો સારુ એવો અહેસાસ કરાવતો રહે છે. સાકેત ચૌધરી એન્જિનિયર
બનવાના હતા અને આવી ગયા માસ કોમ્યુનીકેશનમાં. માસ કોમ્યુનીકેશનના સ્ટુડન્ટ કાં તો પત્રકાર
બને કાં તો ફિલ્મમાં ઝંપલાવે. સાકેતના નસીબ સારા કે એમને ફિલ્મ જગતમાં એમને સીધી જ
એન્ટ્રી મળી ગઈ. અઝીઝ મિરઝાની ’ફીર ભી દિલ હૈં હિન્દુસ્તાની’ આસિસ્ટ
કરવા મળી. અઝીઝ મીરઝા એટલે એક એકેડેમી જ કહી શકાય. આ દરમિયાનમાં જ ’અશોકા’ ના
સ્ક્રીનપ્લે લખવાનો મોકો પણ એમને મળ્યો. સાકેતના ડિરેક્શનની પહેલી ફિલ્મ હતી ’પ્યાર
કે સાઇડ ઇફેક્ટ્સ’. ફિલ્મનું બજેટ ખૂબ નાનું હતું છતા ફિલ્મને સારો એવો રીસ્પોન્સ
મળ્યો હતો. લોકોને એક લાઇટ કૉમેડી તરીકે ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. એક ફિલ્મ સફળ રહે
એટલે એક યા બીજી રીતે સીક્વલની તૈયારી તો રાખવી જ પડે! જો આ ફિલ્મ ભૂલેચૂકે પણ ચાલે
તો હવે ’ડિવોર્સ કે ડાયરેક્ટ ઇફેક્ટ્સ’ નો બનાવે તો સારુ....
ફિલ્મનું મ્યુઝિક
પ્રિતમે આપ્યું છે. મ્યુઝિક સાચે જ વખાણવા લાયક છે. એક થી વધુ વાર સાંભળીએ તો પણ ગમે
એવું છે. મનોજ લંબો અને ઋષિ પંજાબીની સિનેમેટોગ્રાફી છે. ઓછા લોકેશનમાં બનેલું ફિલ્મ
હોવાથી સિનેમેટોગ્રાફર માટે ઘટના અઘરી બની જાય. ફિલ્મ પાસે જો લોકેશનની મર્યાદા ન હોય
તો તમે સુંદરથી અતિ સુંદર સ્થળો પસંદ કરી શકો પણ આ ફિલ્મ મોટા ભાગે ફ્લેટ, બેચલર રૂમ,
હોટેલ રૂમ, સ્ટુડિયો જેવા મર્યાદિત લોકેશન હોવાથી ક્લોઝ શોટ્સ પર જ રમે રાખવું પડે.
તો પણ સિનેમેટોગ્રાફી સારી કહી શકાય. રામ કપૂર તો જાણે ’બડે અચ્છે લગતે હૈં’ ની
રેપ્લીકા તરીકે મૂકવામાં આવ્યો હોય એવો જ રોલ છે. એ જ સુષ્ટ રોલ, એવા જ કપડા અને એ
રીતે જ રાડો પાડવાની કે શાંત રહેવાની રીત. રતિ અગ્નિહોત્રી ફરી સ્ક્રીન પર દેખાવવા
લાગ્યા છે પણ આટલાં નાના અને અસર વગરના રોલ ન કરવા જોઈએ. ઇલા અરુણને જોઈને જીવ બળે
છે. એક વખતની ગોર્જિયસ દેખાતી ઇલા અરુણની ઉમર સ્ક્રીન પર બહુ જ મોટી લાગે છે. ઇલાજીના
અવાજનો અને એક્ટીંગનો જાદુ હજુ ઓસર્યો નથી...
ફિલ્મના પ્રોડ્યૂસર
એકતા કપૂર, શોભા કપૂર, પ્રિતિશ નંદી અને રંગીતા નંદી છે. ફિલ્મ માટે સૌથી વધુ અભિનંદનને
પાત્ર કોઈ હોય તો ફિલ્મ પ્રોડ્યૂસર. ફિલ્મ પ્રોડ્યુસર્સ પોતાના રૂપિયા લગાવે છે અને
એમને એ ખબર પણ નથી હોતી કે આ ઘોડું દશેરાને દિવસે દોડશે કે નહીં. અહીં એકતા કપૂર અને
શોભા કપૂર માટે નવીનતા નથી કારણ કે એ લોકો હવે માત્ર નામ આપવાથી પ્રોડ્યુસર્સ બની જાય
છે. એકતા કપૂરનું નામ જોડાયેલ હોય એટલે રીલીઝ મળવું ખૂબ જ સહેલું બની જાય. ઓછામાં ઓછી
૧૦૦૦ સ્ક્રીન તો મળે જ એટલે રૂપિયા તો મળે જ. મરો તો પ્રિતિશ નંદી અને રંગીતા નંદીનો
થશે. એમણે લગાવેલા રૂપિયા એકતાને એનો ભાગ દીધા પછી વધે તો નસીબદાર ગણાશે! આશા રાખીએ
કે ખર્ચ કર્યો એટલો તો વસૂલ કરી લે તો બીજી ફિલ્મ બનાવવા માટે હિમ્મત કરી શકે....
ફરહાન અખ્તર
આ ફિલ્મ પરથી કંઈક શીખશે એવી આશા રાખીએ અને વિદ્યા બાલન કપૂર હવે ઉમર વધારશે એવું પણ
માની જ લઈએ. ૧૪૫ મીનીટ સુધી સીટ પર બેસવાનું ન ફાવે તો ફિલ્મ જોવાની હિમ્મત કરતા નહીં
કેમ કે ફિલ્મ જોઈને રીતસર તમને થાક લાગશે. ફિલ્મની સ્ટોરી કોઈને કહેવી હોય તો ટૂંકમાં
એટલું જ કહી શકાય કે હેપ્પી મેરીડ લાઇફમાં પત્ની કહે એ જ સાચું અને પત્ની કહે એ સાચું
કેમ કરવું એ શીખવતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ એટલે ’શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’. સ્ટાર
આપવા હોય તો એક્ટીંગ કે જેમાં કંઈ ખાસ કરવાનું હતું જ નહીં એ માટે અડધો સ્ટાર, મ્યુઝિક
માટે અડધો સ્ટાર અને પ્રોડ્યુસરની હિમ્મત માટે એક આખો સ્ટાર મળીને કુલ ૨ સ્ટાર કમને
આપું છું...
પેકઅપ:
"પૂજા ભટ્ટની વર્ષો પહેલા ’સડક’ ફિલ્મ
આવી હતી અને વર્ષો પછી તેની બહેન આલિયા ભટ્ટની ’હાઈવે’ આવી...
આટલાં વર્ષોમાં દેશે પ્રગતિ તો કરી જ છે ...."
No comments:
Post a Comment