Friday, 21 February 2014

હાઈવે: થોડું વધારે ખેંચાય ગયું



         ફિલ્મની સુંદરતા એમાં દર્શાવેલા દ્ગશ્યો પર હોય છે. આ દ્ગશ્યો લાઇટ્સ અને કૅમેરા એંગલ પર આધારિત હોય છે. આ કારણથી જ જો સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટર વચ્ચે ટ્યુનીંગ ખૂબ જ જરૂરી હોય છે. ’હાઈવેમાં આ કોમ્બીનેશન અદભૂત રીતે જોવા મળ્યું છે. વાર્તાનું મૂળ જ જ્યારે હાઈવે હોય ત્યારે તમે ઇચ્છો ત્યાં કેમેરો લઈને ફરી શકો, લોકેશનની કોઈ મર્યાદા જ નહીં કે તમે એક જગ્યા પર જ શૂટીંગ કરો. આ બધા જ ફાયદા હોય તો પછી સારી રીતે ફિલ્મ રજૂ થઈ શકે પણ જ્યાં દરેક ફિલ્મ નબળી પડે એ છે વાર્તા. એક પછી એક દ્ગશ્યો અને એ દ્ગશ્યો સાથે જોડાયેલી ઘટના મજબૂત ન હોય તો ફિલ્મ સારી હોવા છતા ન જામે. ફિલ્મની સ્ટોરી સાથે સ્ક્રીનપ્લે પણ એટલાં જ સારા જોઈએ. તમે ’હાઈવે જોશો તો એક વાત નજર સામે આવશે કે ઇન્ટરવલ સુધી ફિલ્મ તમને એક સેકન્ડ માટે પણ ફિલ્મથી અળગાં નહીં થવા દે પણ ઇન્ટરવલ પછી ફિલ્મ ગબડતું હોય એમ સતત ફીલ થયા કરે છે કારણ કે ઇન્ટરવલ પછીની વાત થોડી વધારે ખેંચાય ગઈ....


        ઇમ્તીયાઝ અલીનું ડિરેક્શન હોય એટલે લોકોને આશા વધારે હોય જ. ’સોચા ન થાથી એમણે ડિરેક્શન ડેબ્યુટ કર્યું હતું પણ લોકોમાં જાણીતા થયા ’જબ વી મેટથી. આ પછી એમની ’લવ આજ કલ ઠીક ઠીક રહી અને ફરી ’રોકસ્ટાર માટે ચર્ચામાં રહ્યા. ઇમ્તીયાઝ અલી સારા રાઇટર પણ છે. જો તમને યાદ હોય ’કોકટેલ એમણે લખેલી હતી. અને આ ફિલ્મ પણ એમણે જ લખેલી છે. ’સોચા ન થા અને ’લવ આજ કલ તો એમણે એડીટ પણ કરેલી. ડિરેક્ટરને એક્ટીંગનો શોખ તો હોય જ એટલે હાથ અજમાવવા ખાતર ’બ્લેક ફ્રાયડેમાં નાનો રોલ પણ કરેલો. ઇમ્તીયાઝ અલીના કહેવા મુજબ આ ફિલ્મનો પ્લૉટ એમના મગજમાં છેલ્લા ૧૫ વર્ષથી હતો. ૧૯૯૯ માં એક સિરિયલ આવતી ’રિશ્તે જોઈને આ ફિલ્મની વાતના બીજ ત્યારે જ રોપાય ગયા હતા. ફિલ્મ ડેવલોપ થઈ રહી હતી ત્યારે સાથે જોડાયેલા લોકો એમ કહેવા લાગ્યા કે આ તો ’જબ વી મેટ જેવી જ વાત બનતી જાય છે પણ આખરે ફેરફારો સાથે ફિલ્મ ફ્લોર પર આવ્યું અને સૌથી પહેલા બર્લીન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી પહેલા રીલીઝ થઈ હતી...


ફિલ્મનું શૂટીંગ માર્ચ ૨૦૧૩માં શરૂ કરવામાં આવ્યું અને કન્ટીન્યુ શેડ્યુઅલમાં મે-૨૦૧૩માં તો શૂટ પુરુ કરી દેવામાં આવ્યું. એક વાત તો માનવી જ પડે કે ઘણા બધા લોકેશન વાપરવા છતાં ફિલ્મને સમયસર ખતમ કરી શકાયું છે. બંગાળ, બિહાર, ઓરિસ્સાના હાઈવે ઉપરાંત દિલ્હી, પંજાબ, કાશ્મીર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં પણ શૂટીંગ કરવામાં આવ્યું છે. ઠેકઠેકાણે અટકીને ડેરા નાખવાની મઝા જ કંઈ ઓર છે...


        આલિયા ભટ્ટ માટે તો શું લખવું? આ ઉમરે છોકરી જો આટલું ક્લાસ એક્ટીંગ કરે છે તો ક્યાં જઈને અટકશે? એક પણ દ્ગશ્ય એવું નથી કે જ્યાં એમ કહી શકાય કે આલિયાની એક્ટીંગ ખરાબ છે. આર્ટિસ્ટ જ્યારે કોઈ પણ પ્રકારના ભાર વગર એક્ટીંગ કરે ત્યારે જ એ ખરા અર્થમાં એક્ટીંગ કરી શકે. ફિલ્મની સ્ટોરી વાંચીને જે એવું વિચારે કે મને આ કામના કેટલા રૂપિયા મળશે? એ સામાન્ય કલાકાર અને સ્ટોરી વાંચીને જે એમ કહે કે હું આમા શું આપી શકીશ એ ખરા અર્થમાં કલા પ્રેમી કલાકાર કહેવાય. આલિયાનું એક દ્ગશ્ય જેમાં એ પોતાની સાથે બનેલી નાનપણની એક વાત કહે છે એ રજૂઆત, એ એક્ટીંગ કદાચ ઇન્ડસ્ટ્રીની ખૂબ સારી એક્ટ્રેસથી પણ શક્ય ન બને. આલિયા ફિલ્મ સાઈન કરતી વખતે કન્ફ્યુઝ હતી કે રણબિર હુડા તેનાથી ખૂબ મોટી ઉમરનો છે તો બંનેની પેર કેમ બનશે? રણદીપ પણ ક્યાં ગાજ્યો જાય એવો આર્ટિસ્ટ છે. રણદીપને જો રફ લૂક આપો તો તો વાત જ ખલાસ થઈ જાય. ફિલ્મમાં  એ એક ગૂંડો અને પહેલીવાર બનતો કીડનેપરનો રોલ કરે છે. જે રફનેસ બતાવવી જોઈએ એ આવી જ છે. ફિલ્મ બહુ ઓછા કલાકારોની છે. પાત્રો ખૂબ જ ઓછા છે અને એમાં પણ ૬૦% તો રણદીપ અને આલિયા જ છે. સપોર્ટીંગમાં દુર્ગેશ કુમાર, પ્રદીપ નાગર, સહરસ કુમાર શુક્લા ઉપરાંત હું ન ઓળખતો હોઉં એવા કલાકારો છે પણ દરેકના સપોર્ટીંગ એક્ટર માટે પણ વાહ કહેવું જ પડે...


        ફિલ્મનું સૌથી મોટું જમા પાસું હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી. ફિલ્મ માટે સિનેમેટોગ્રાફીની ક્રેડિટ અનીલ મહેતાને આપવામાં આવી છે પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી ફિલ્મમાં ત્રણ કેમેરામેનની સેવા લેવામાં આવી હતી. ફિલ્મનું લાઇટીંગ અદભૂત છે. એક એક દ્ગશ્ય લાઇટથી બહાર આવે છે. ફિલ્મનું કલર કરેક્શન પણ પરફેક્ટ છે. એક પછી એક રજૂ થતા દ્ગશ્યોમાં ક્યુ દ્ગશ્ય વધુ સારુ ગણવું એ પ્રશ્ન થતો હતો. વાઇડ એંગલ લેન્સની મઝા પણ આનંદ અપાવી જાય છે. ઘણા દ્ગશ્યો એવા છે જ્યાં સિનેમેટોગ્રાફરની કમાલ દેખાય જ આવે. ઘણા બધા રાજ્યોમાં શૂટ થયું છે એટલે બેસ્ટ લોકેશન્સનો પૂરતો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ. આર. રહેમાન મ્યુઝિકના પિતામહ જ છે. રાજસ્થાની ફોકની છાંટથી લઈને હિમાચલના ઘરેલુ સંગીત સુધીનો ઉપયોગ તો ઓહોહો...


        આટલાં બધા વખાણ પછી જ્યારે ફિલ્મની ખરાબ વાત કરવી પડે એ સૌથી દુ:ખની વાત છે. ફિલ્મ શરૂ થતા સામાન્ય ફિલ્મ જેવી જ લાગે છે. આલિયાના કીડનેપ પછી વાત ધીમેધીમે બનતી જાય છે. આલિયાના રોલમાં આવ્યા પછી તો સરસ રીતે જાય છે. બંને વચ્ચે એવો પ્રેમ નથી બતાવવામાં કે એકબીજા માટે મરી છૂટવા તૈયાર થાય પણ બંનેની ક્રોનોલોજી જામે છે પણ જેવા બંને ટ્રક માંથી ઊતરે છે અને સ્ટોરી શરૂ થાય છે ત્યાંથી વાત પડી જાય છે. માત્ર એક સ્થળેથી બીજા સ્થળ સુધી જવા માટે લગભગ ૨૦ મીનીટનો સમય લેવામાં આવ્યો છે. એમ લાગે કે ડીસ્કવરી ચેનલ ચાલુ કરી છે અને લોકોની રહેણી કરણી, ડ્રેસ વગેરે કોઈ મોડેલ રજૂ કરી રહી છે. અંત સુધી પહોંચતા પહોંચતા તો રીતસર ફિલ્મ હાંફી રહી હોય એવું લાગે! જો વાતને ડ્રામેટીક બનાવી હોય તો અંત ડ્રામેટીક બનાવવામાં કંઈ ખોટું નથી પણ ડિરેક્ટરનું વિઝન કંઈક અલગ હશે કે બસ એક ઝાટકે જ અંત લાવી દેવામાં આવ્યો. આલિયાની અલગ લાઇફ અને નજર સામે નિહાળાતું બાળપણ દેખાડીને લાગણી જીતવાનો પ્રયત્ન થયો છે પણ ગળે ઊતરે એવો નથી. ઇમ્તીયાઝ અલી જો ૧૫ વર્ષથી આ વાર્તા મગજમાં રાખીને બેઠાં હોય તો વાર્તામાં પણ મેચ્યોરીટી આવવી જોઇતી હતી જે લાવવામાં સફળ નથી રહ્યાં. આશા રાખીએ કે સાજીદ નડિયાદવાલા અને ઇમ્તીયાઝ અલીના રૂપિયા નીકળી જાય. જો કે યુટીવી રીલીઝર છે એટલે વાંધો તો નહીં જ આવે તો પણ દર્શકોનું ક્યાં નક્કી હોય છે? સ્ટાર આપવાની વાત હોય તો ૨.૫ સ્ટાર આપુ છું જે માંથી ૨ સ્ટાર તો એકલી આલિયા માટે જ છે...



પેકઅપ:


"ફિલ્મને પ્રમોટ કરવા માટે ઘણા અખતરા કર્યા છે તો પણ સ્ત્રીથી સારુ પ્રચાર માધ્યમ નથી શોધી શક્યા!!!" 

No comments:

Post a Comment