વાર્તા લખવા માટે તમારે કોઈ બેઝ તો ઊભો કરવો જ પડે અને એ બેઝ
પછી કોઈ કોમ્યુનીટી, કોઈ સ્થળ, કોઈ પ્રસંગ સાથે જોડાયેલો પણ હોઈ શકે. ભારત એકમાત્ર
એવો દેશ છે જ્યાં માણસોની ધાર્મિક લાગણીઓ, જ્ઞાતિની લાગણીઓ કે પાયા વગરની વાતની લાગણીઓ
તરત જ દુભાય જાય છે. ફિલ્મ એક મનોરંજન છે, એક ખોટી વાત પર લોકોને પીરસાતું સાહિત્ય
છે પણ આ વાત આપણે સ્વીકારી નહીં જ શકીએ. જો કે એ વાત સાથે સંપૂર્ણ પણે સહમત કે જો ફિલ્મમાં
કોઈ પણ કોમ્યુનીટીને નીચી દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તો એ દૂર કરવો જ જોઈએ.
જો કે હજાર વિરોધ હોય પણ જો વૃત્તિ સારી હોય તો ફિલ્મ સારી બની જ શકે. મોટા ભાગે ફિલ્મને
પ્રમોટ કરવા માટે આવા વિરોધ ઊભા કરવામાં આવતા હોય છે પણ અહીં એવું નથી. ખરા અર્થમાં
કહીએ તો વિરોધ વચ્ચેનું અનોખું મનોરંજન એટલે ’ગોલિયોં કી રામલીલા’...
સંજય લીલા ભણસાલી
એટલે ક્રીએટીવીટીના માસ્ટર. સંજયની પહેલી ક્રીએટીવીટી એના નામમાં જ દેખાય છે. સંજયે
પોતાના નામ પાછળ પિતાનું નામ રાખવાને બદલે માતાનું નામ લીલા જોડ્યું છે. વિધુ વિનોદ
ચોપરાના આસિસ્ટન્ટ તરીકે પોતાના કેરિયરની શરૂઆત સંજયે કરી. ’પરીંદા’, ’૧૯૪૨
અ લવ સ્ટોરી’ અને
’કરીબ’માં
વિધુ વિનોદ ચોપરાનો સાથ આપ્યો. જો કે ’કરીબ’ વખતે જ સંજયને ફિલ્મ ડિરેક્ટ કરવાની ઑફર
થઈ હતી પણ સંજયે ના પાડી. સંજય ફિલ્મની વાતથી કન્વીન્સ ન હતા. એમણે ડિરેક્શન કેરિયરની
શરૂઆત કરી ’ખામોશી’થી. ખામોશી લોકોને પસંદ પડી. આ પછીની એમની ફિલ્મ ’હમ દિલ દે
ચૂકે સનમ’. બોક્ષ
ઓફીસ પર ફિલ્મ સુપર ડૂપર હીટ રહી. અજય દેવગણને ખરા અર્થમાં એક્ટર બન્યો હોય તો આ ફિલ્મથી.
એ પછીની ફિલ્મ ’દેવદાસ’ આમ ગોર્જીયસ હતી પણ ખાસ ચાલી નહીં. કારણ કદાચ શાહરૂખ ખાનનું
ઓવર એક્ટીંગ હતું. સંજય લીલા ભણસાલીને એક ઉચ્ચત્તમ કક્ષાના ડિરેક્ટર માનવા પડે એવી
એમની એ પછીની ફિલ્મ એટલે ’બ્લેક’. સંજયે ’સાવરીયા’ અને ’ગુજારીશ’ પૂરી
મહેનતથી બનાવી પણ ખાસ ન રહી. ’ગોલીયોં કી રામલીલા’ ઑડિયન્સ માટે એક પ્રશ્ન હતો
કે ફિલ્મ ખરેખર સારી હશે કે નહીં? પણ અદભૂત ફિલ્મ બનાવી ફરી સંજયે સાબિત કરી આપ્યું
કે એ ઉચ્ચા દરજજાના ડિરેક્ટર છે...
ફિલ્મમાં હીરોઇન
તરીકે છેટ સુધી પ્રિયંકા ચોપરાનું નામ બોલાતું રહ્યું અને અચાનક જ દિપીકા પાદુકોણનું
નામ આવી ગયું અને પ્રિયંકા માત્ર એક ગીત કરીને જતી રહી. જો કે દિપીકા ધીમેધીમે એક્ટીંગ
અંદર ઉતારતી જાય છે. આ ફિલ્મ માટે દિપીકાના એક્ટીંગને માર્ક આપીએ એટલાં ઓછા. દિપીકાનો
ડાન્સ હોય, અદા હોય કે પછી ઇમોશનલ સીન હોય કોઈ જગ્યાએ ઊણી ઊતરી નથી. રણવિર સિંઘ અમુક
જગ્યાએ થોડો નબળો પડે છે પણ એક્ટર તો સારો છે જ. પહેલી ફિલ્મથી જ પોતાની જાતને એસ્ટાબ્લીશ
કરી ચૂકેલ રણવીર માટે આ ફિલ્મ સૌથી મોટો બ્રેક સાબિત થશે. સુપ્રિયા પાઠક માટે તો કહેવું
જ શું? આ ગુજરાતી સ્ત્રી ગુજરાતનું નાક છે. ૧૯૮૧માં એમની પહેલી ફિલ્મ ’કલયુગ’માં
ફિલ્મફેર એવૉર્ડ ફોર બેસ્ટ સપોર્ટીગ એક્ટ્રેસ જીત્યો. આ પછી તો કોણ જાણે કેટલી બધી
ફિલ્મ્સ એમણે કરી. ફિલ્મથી જ ન અટકતા નાના પડદે પણ એટલાં જ સફળ એક્ટ્રેસ રહી ચૂક્યા
છે. આ ફિલ્મ ગુજરાતી બૅકગ્રાઉન્ડની છે એટલે અહીં એમના ’ખીચડી’ સિરિયલના
પાત્રની અસર દેખાય આવે છે તો પણ એટલું નક્કી કે સુપ્રિયાને આ પહેલા તમે આવા શાનદાર
રોલમાં ક્યારેય નહીં જોયા હોય! લીલાના ભાઈના પાત્રમાં શરદ કેલકર છે અને રામના ભાઈના
પાત્રમાં અભિમન્યુ સિંઘ છે. શરદના નસીબ નબળાં કે એની એક પણ ફિલ્મ સફળ નથી રહી પણ સિરિયલ્સમાં
શરદ સારી બ્રાન્ડ ઊભી કરી શક્યો છે. અભિમન્યુએ પોતાના કેરિયરની શરૂઆત ૨૦૦૧માં ’અક્સ’થી કરી
પણ જો અભિમન્યુનું એક્ટીંગ જોવું હોય તો ’ગુલાલ’ જોઈ લેવું. રીચા ચઢ્ઢા એકદમ
કલાસ એક્ટ્રેસ છે એ એણે ’ગેંગ્સ ઑફ વસ્સેપુર’ અને ’ફૂકરે’ બંને
દ્વારા બતાવી દીધું છે. દિપીકાની ભાભી તરીકે નપીતુલી રીતે કરેલું કામ જોવું ગમશે જ.
રણવિરની ભાભીની ભૂમિકામાં બરખા બીત્સ પણ એટલી જ સરસ જામે છે. પોતાનું પહેલું ફિલ્મ
હોવા છતા ભવાનીના કૅરેક્ટરમાં ગુલશન દેવિયાહ પણ ક્લાસ જ રહ્યો છે. આખે આખી ફિલ્મમાં
એક્ટીંગ માટે કોના વખાણ કરવા એ પ્રશ્ન તમને ચોક્કસ ઊભો થશે જ....
ફિલ્મનો મુખ્ય
વિવાદ હતો ’જાડેજા’ અને ’રબારી’ શબ્દ માટે. ઘણી જગ્યાએ તોડફોડ થઈ, ફિલ્મ
અટકાવાના પ્રયત્નો થયા પણ સંજય લીલા ભણસાલીએ માફી માંગી લેતા આખરે ફિલ્મ રીલીઝ થઈ શકી.
આ રીતે જ રામલીલા કમીટી દ્વારા તો કોર્ટમાં અપીલ પણ થઈ કે ફિલ્મમાંથી રામ લીલા શબ્દો
દૂર કરવામાં આવે. ફિલ્મને જ્યારે ધાર્મિક વાતો સાથે કંઈ જ લાગતું વળગતું નથી ત્યારે
આવું ટાઇટલ રાખીને ધાર્મિક લાગણીઓ દુભાવવાનો કોઈ જ અર્થ બનતો નથી. ફિલ્મના સંવાદો,
ફાઇટ્સ, અમુક દ્ગશ્યો એવા હોય અને ટાઇટલ રામલીલા હોય તો કેમ ચાલે? આખરે સંજયે ત્યાં
પણ ટૂંકી કરીને ’ગોલીયોં કી રામ લીલા’ નામ કરી નાખ્યું. ફિલ્મમાં જાડેજા ની જગ્યાએ
સનેડા સરનેમ કરી નાખવામાં આવી અને રબારીની જગ્યાએ રજારી કરી નાખવામાં આવ્યું. જે થયું
એ આખરે તો એક અનોખી ફિલ્મ જોવા મળી એ જ ઘણું...
ફિલ્મનું મ્યુઝિક
તો વાત જ ન પૂછો. કદાચ મ્યુઝિક ગમવાનું કારણ એ પણ હોઈ શકે કે પ્યૉર ગુજરાતી ફોક માંથી
ઉપાડેલું મ્યુઝિક છે. ટાગોરની રચના પરથી ઝવેરચંદ મેઘાણીએ બનાવેલું ગીત ’મન મોર બની
થનગાટ કરે’ અત્યાર
સુધીમાં ૧૫૦૦૦૦ લોકોની રીંગ ટોનમાં ગુંજતું થઈ ગયું છે અને આ ગીત ગાયું છે રાજકોટના
ઓસમાણ મીરે. આ રીતે જ ’રામ ચાહે લીલા..’ પણ ગુજરાતનું ગૌરવ એવી ભૂમિ ત્રિવેદીએ ગાયુ
છે. અરવિંદ વેગડાનું ’ભલા મોરી રામા...’ પણ મઝા જ કરાવે છે. માત્ર મ્યુઝિક જ નહીં ફિલ્મની
સિનેમેટોગ્રાફી આ પહેલા ક્યારેય જોઈ ન હોય એવી સિનેમેટોગ્રાફી છે. એસ. રવિ વર્મનના
કૅમેરાથી સર્જાતો કમાલ જામે છે. ફિલ્મના રુલને ખરા અર્થમાં રવિએ ફોલોવ કર્યો છે. ફિલ્મનો
રુલ છે કે જો ઑબ્જેક્ટ હલતો ન હોય તો કેમેરો હલવો જોઈએ. ફિલ્મના અંત સુધી આ રુલ જળવાય
રહ્યો છે. ફિલ્મમાં આર્ટ ડિરેક્શન કોનું છે એ જાણી શકાયું નથી પણ આથી સારુ આર્ટ ડિરેક્શન
બહુ જ ઓછી ફિલ્મ્સમાં જોયું છે. આ રીતે જ મેક્સીમા બસુ અને અંજુ મોદીના કૉસ્ચ્યુમ પણ
એટલાં જ વખાણને પાત્ર છે...
આમ જુઓ તો જૂની
અને જાણીતી લવ સ્ટોરી જ છે એટલે જ શરૂઆતમાં જ બેઝ ઓન ’રોમિયો-જુલિયટ’ લખવામાં
આવ્યું છે પણ ફિલ્મના સંવાદો, સ્ક્રીનપ્લે, સ્ટોરી એ રીતે વણવામાં આવી છે કે તમે એક
પલ પણ ફિલ્મની બહાર નીકળી નહીં શકો. ફિલ્મની નાનકડી નબળી કળી હોય તો જામેલી વાત વચ્ચે
આવતા સોંગ્સ ફિલ્મને થોડા ડીસ્ટર્બ કરી જાય છે અને બીજી બાબત એ રહી કે રીચા ચઢ્ઢા એવું
સ્ટેટમેન્ટ કરે કે ’રામ ઔર લીલા કો એક નહીં હોને દુંગી યે મેરા વાદા હૈં’ પછી
બીજી જ મીનીટે ફેવર કરતી જોવા મળે એ કેટલી હદે વાજબી વાત? પણ આવી નાની બાબતોને ઇગ્નોર
કરો કે ધ્યાનમાં રાખો ફિલ્મને ૪ સ્ટાર તો આપવા જ પડે....
પેકઅપ:
સંજય લીલા ભણસાલી લખીને જાહેર માફી માંગે એ કેમ ચાલે?
.
.
.
જેને વાંચતા નથી આવડતું એનું શું?
વાંચીને મજા આવી... સરસ રીવ્યુ....
ReplyDeleteThis is not Gulshan's first movie. He has acted in several films like Shaitaan, Hate Story, That girl in yellow boots.
ReplyDelete