Friday, 27 September 2013

ધ લંચબોક્ષ: આર્ટ નામે પથ્થરો વેચાય!








         નવા ડિરેક્ટર માટે સફળ થવાનો શ્રેષ્ઠ રસ્તો હોય તો આર્ટ ફિલ્મ બનાવી લોકોની નજરમાં વસી જવું. મેઇન સ્ટ્રીમ સિનેમા કોઈ નાના વ્યક્તિનું કામ જ નથી. મેઇન સ્ટ્રીમ ફિલ્મ બનાવતી વખતે ફિલ્મની વાર્તા, લોકોને ગમે તેવા ગીત, લોકેશન, ફિલ્મનું કાસ્ટિંગ બધું જ ઉચ્ચ કક્ષાનું હોવું જરૂરી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાનો ખર્ચ તો ખરો જ. મેઇન સ્ટ્રીમ સિનેમા હંમેશા માસ ઑડિયન્સ માટે બનતું હોય છે એટલે ફિલ્મનું પ્રમોશન પણ એટલાં જ રૂપિયા ખાય જાય છે. જો કે મારી પસંદગી હંમેશા આર્ટ અને સર્જનાત્મક મુવિઝ જ રહ્યા છે કેમ કે અધધ રૂપિયા નાખવા હોય તો કોઈ પણ વ્યક્તિ નો લીમીટ બજેટમાં ફિલ્મ બનાવી શકે. લીમીટેડ રીસોર્સીઝ, અદભૂત ટૅલેન્ટ અને અલ્ટીમેટ કલાનો સંગમ હોય તો આર્ટ સિનેમા છે. એક સમય હતો જ્યારે શ્યામ બેનેગલ, ગોવિંદ નિલહાની જેવા સર્જકોની ફિલ્મ જોઈને આફરીન પોકારી જવાતું. આ પછીના ગાળામાં પણ ઓછા બજેટમાં સારી ફિલ્મ્સ બની જ છે. ’ધ લંચબોક્ષ એટલે આવો જ એક પ્રયાસ. ક્રિટીક્સ પાસે વખાણ ખાસ્સા કરાવ્યા છે અને એક વર્ગ છે જે જોવા પણ ગયો છે અને ભરપૂર વખાણ પણ કર્યા છે છતા હું તો એવું જ કહીશ કે આર્ટ નામે પથ્થર વેચવાનો પ્રયાસ છે!


        રીતેશ બત્રાની આ પહેલી ફૂલ લેન્થ ફિલ્મ છે. આ પહેલા મેં રીતેશની ’ગરીબે નવાઝ કી ટેક્ષી, ’કાફે રેગ્યુલર અને ’કાયરો ત્રણેય શૉર્ટ ફિલ્મ્સ જોઈ હતી. બહુ સારી ન કહી શકાય પણ કોઈ પણ રીતે આ ત્રણ માંથી એક પણ શૉર્ટ ફિલ્મને નબળી તો ન જ કહી શકાય. રીતેશ મુંબઈની ટીફીન વ્યવસ્થા અને ટીફીનવાળાઓ પર એક ડોક્યુમેન્ટરી બનાવવા માટે રિસર્ચ કરતો હતો. આ દરમિયાનમાં એના મગજમાં એક સ્ક્રીપ્ટ આવી અને આ સ્ક્રીપ્ટ લખી એ ઘણા લોકોને મળ્યો હતો. અનુરાગ કશ્યપને મળ્યા પછી એના નસીબનું પાંદડું હટ્યું. અનુરાગ નવા લોકોને મદદ કરવામાં ક્યારેય પાછો નથી પડતો. અનુરાગના કહેવાથી જ ઘણી બધી ફિલ્મ કંપની સાથે જોડાણી. ધર્મા પ્રોડક્શન, યુટીવી સાથે જો નામ ગણો તો લગભગ ૧૫ જેટલા બીજા પ્રોડ્યુસર્સ અને કો-પ્રોડ્યુસર્સ છે. યુટીવી જ્યારે હાથ પકડે ત્યારે ફિલ્મનું રીલીઝ તો નક્કી જ હોય અને એમાં પણ હું જ્યારે રીવ્યુ લખી રહ્યો છું ત્યારે આ ફિલ્મનું બીજુ વીક ચાલે છે. 


        સારી ફિલ્મ બનાવવા માટે સારા કલાકારો અને સારી વાર્તા જરૂરી છે. નવાઝુદ્દીન સીદ્દીકી પહેલેથી જ નક્કી હતો. રીતેશ ઇરફાન ખાનને મળ્યો. ઇરફાનને સ્ક્રીપ્ટ ગમી અને આ ઉપરાંત રીતેશની શૉર્ટ ફિલ્મ્સ પણ. શોધ હતી એક ગૃહિણી લાગે એવી સ્ત્રીની અને એ માટે ઓડીશન ગોઠવવામાં આવ્યું હતું. નીમરત કોરનું ડ્રામા ક્ષેત્રે સારુ એવું યોગદાન છે એટલે ઓડીશનમાં નીમરત બાજી મારી ગઈ. ઇરફાન હોય કે નવાઝુદ્દીન એક્ટીંગ માટે તો બંને એક્કા જ છે એટલે ફિલ્મમાં કોઈ પણ એંગલથી ખામી હોય તો પણ પુરી શકાય. આ બંને કલાકાર એવા છે કે એમની પાસેથી ડિરેક્ટર માંગે એથી પણ ઘણું વધારે આપ્યું જ હોય. નાના પાત્રમાં પણ લીલેટ દુબેનું કામ જમાવટ વાળું જ છે. આ રીતે જ નીમરતના પતિના પાત્રમાં નકુલ વૈદ્ય ખરેખર ખૂબ જ સરસ કામ કરી ગયો છે. આમ જુઓ તો બહુ જ ઓછા પાત્રોમાં ફિલ્મ રમે છે એટલે જેને પણ હિસ્સે જેટલું પણ કામ આવ્યું છે એટલું યથાયોગ્ય યોગદાન આપ્યું જ છે. 


        ફિલ્મની સારી બાબત કહી શકાય તો ફિલ્મ જેટલાં ઓછા લોકેશનમાં શૂટ થયું છે એટલાં ઓછા લોકેશનમાં બહુ જ ઓછા મુવિઝ બન્યા હશે. એક સરકારી ઓફીસ, સરકારી ઓફીસની કેન્ટીન, નીમરતનું ઘર, ઇરફાનના ઘરની અગાસી અને બાકી ટ્રેઇન, રીક્ષા કે બસ. જ્યારે લોકેશનની ભવ્યતા ન હોય ત્યારે સિનેમેટોગ્રાફરની જવાબદારી ખૂબ વધી જાય કેમ કે દરેક વખતે એકને એક લોકેશન બતાવવું પણ અલગ અલગ રીતે તો જ ઓડિયન્સનો રસ જળવાય રહે. સિનેમેટોગ્રાફર માઇકલ સાયમન્ડ્સે આ માટે ઘણી મહેનત કરી છે. આ રીતે જ સિનેમેટોગ્રાફરે જે રીતે નીમરત કોરને દેખાડી છે એ સીધી રીતે જ અધૂરી ઇચ્છા સાથે તડપતી સ્ત્રી દેખાય આવે છે. ફિલ્મમાં રીયલ ટીફીનબોક્ષ આપવા વાળા લોકો પાસે પણ એક્ટીંગ કરાવવામાં આવી છે જો કે એ વાત અલગ છે કે સીધુ જ દેખાય આવે કે આ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી. ફિલ્મ જોવી હોય તો એક્ટીંગ અને સિનેમેટોગ્રાફી માટે જ જોવાય બાકી સ્ટોરી કે કોઈ થીમ માટે ફિલ્મ જોવી હોય તો જોવાની હિંમત ન કરવી...


        મને એક વિચાર તો આવ્યો જ કે રીતેશે સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખતા પહેલા જરા પણ વિચાર નહીં કર્યો હોય? માની લો કે એણે લખી નાખી તો સાથે આટલાં બધા ધુરંધરો જોડાય તો એમને પણ વિચાર નહીં આવ્યો હોય કે આ વાર્તાનો આખરે હાર્દ શું? ભૂલથી ટીફીન નીમરતના પતિને બદલે ઇરફાનને મળે છે. આ ભૂલ એકવાર થયા પછી બંને વચ્ચે ચિઠ્ઠી વ્યવહાર શરૂ થાય છે. ચિઠ્ઠીની અંદર થતી વાતોની આપ-લે ને વાર્તા સાથે ઘણીવાર સ્નાનસુતક પણ ન હોય એવું લાગે. એ વાતને પણ સ્વીકારી લો કે કદાચ મુગ્ધ પ્રેમ હશે અને ગમે તેવી બકવાસ કરતા હશે તો પણ કોઈ હદ તો હોવી જોઈએ કે નહીં? સ્ક્રીનપ્લેને મજબૂત બનાવવા એક આંટી નામનું પાત્ર માત્ર અવાજ રાખીને ઉમેરવામાં આવ્યું છે. આ વાત આર્ટના નામે ચાલી શકે બાકી એક અવાજ જો સ્ક્રીનપ્લેનો ભાગ હોય તો માત્ર પહેલી ચિઠ્ઠી લખવા પ્રેરવાથી કામ પુરુ નથી થઈ જતું. હાં આ અવાજને ચોક્કસ રૂપે વજન આપવાની કોશિશ થઈ છે પણ નક્કામી! વાર્તાનો મૂળ હાર્દ શું હતો એ તમને ફિલ્મ પુરી કર્યા પછી પણ પ્રશ્ન રહેશે જ. ફિલ્મનો રન ટાઇમ માત્ર ૧૦૪ મીનીટનો છે પણ ગોકળ ગાયની ગતિ સાથે આગળ વધતી ફિલ્મ તમને પૂરતા બગાસાં ખવડાવશે. આર્ટ સિનેમાની એક ખાસિયત હોય છે કે અંત અધ્યાર મૂકી દેવાનો. ડિરેક્ટર-લેખક રીતેશે આવો પ્રયત્ન કર્યો પણ એમણે ખરા અર્થમાં આર્ટ સિનેમા જોયું હોય તો સમજાય કે અધ્યાર મૂકેલી વાતો પછી દર્શકોની કેટલી કલ્પનાઓ વહેવા લાગે છે.


        કરણ જોહર, અનુરાગ કશ્યપ અને ઘણા બીજા લોકોએ આ ફિલ્મને ઓસ્કારમાં નોમીનેટ કરવા માટે ખૂબ ધમપછાડા કર્યા પણ આખરે ’ધ રોડ ગુજરાતી ફિલ્મ જ ઓસ્કારમાં મોકલવામાં આવી. ગુજરાતી પ્રજા માટે આ એક પ્રેરણા પણ છે અને આ રીતે દર્શકો પર પ્રયોગ કરતા લોકોને એક તમાચો પણ છે. હું જાણું છું કે આ ફિલ્મને અત્યારે બીજુ વીક ચાલે છે અને આજે પણ પૂરતા પ્રમાણમાં ઑડિયન્સ મળી રહે છે. સફળતાના આંકડા જોય વગર મારો અંગત અભિપ્રાય એવો છે કે આ ફિલ્મ ૨ થી વધારે સ્ટાર્સ ડીઝર્વ નથી કરતી. ડીવીડી મળતી થઈ ગઈ હોય તો ટૉકીઝમાં જઈને ન જ જોવી... ફરી ખુલાસો કે આ મારો અભિપ્રાય છે જ્યારે મોટાભાગના ક્રીટીક્સ આ ફિલ્મને ૪ સ્ટાર આપી ચૂક્યા છે!




પેકઅપ:

"ભારત સૌથી રોમેન્ટીક દેશ છે... અહીં દરેક વરસાદની રાતે કેન્ડલ લાઈટ ડિનર હોય છે"

No comments:

Post a Comment