Friday, 6 September 2013

શુદ્ધ દેશી રોમાંસ: શુદ્ધતા સાથેની કૉમેડી



     ફિલ્મને સફળ બનાવવા માટે ઘણા પાસા ધ્યાન પર લેવામાં આવે છે અને એ માટે પૂરતો ખર્ચ પણ કરવામાં આવે છે. મેં એવી ઘણી બધી ફિલ્મ્સ જોઈ છે જેના માટે ખાસ સેટીંગ્સ તૈયાર કરીને ફિલ્મને ભવ્ય બનાવવાનો પ્રયત્ન થયો હોય, મેં એવી પણ ઘણી ફિલ્મ્સ જોઈ છે જે જેને અલગ અલગ એટલાં બધા લોકેશન અને એ પણ ભવ્યતા દર્શાવતા લોકેશન પર શૂટ કરવામાં આવી હોય, મેં એવી પણ ઘણી ફિલ્મ્સ જોઈ છે જેને પ્રમોટ કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોય, મેં એવી પણ ઘણી ફિલ્મ્સ જોઈ છે જેમાં ખૂબ મોટી બ્રાન્ડ્સના સ્ટાર્સ લઈને ફિલ્મ બનાવવામાં આવી હોય... આવા તો ઘણી ઘણી બાબતો હશે કે જે કદાચ નોંધવાની પણ રહી ગઈ હોય પણ આખરે જો ફિલ્મને કોઈ પણ બાબત હીટ કરી શકે અને સુંદર ફિલ્મ આપી શકે તો એ છે ફિલ્મની વાર્તા.. ’શુદ્ધ દેશી રોમાંસ એટલે ફિલ્મ લાઈનનું સૌથી અઘરું ઝોનર કૉમેડી અને ઝોનરની એકદમ શુદ્ધતા સાથેની ક્લાસ કૉમેડી.


        ડિરેક્શન જેટલી જ મહત્વની વાત છે લેખન. જો વાર્તા, ડાયલોગ્ઝ અને સ્ક્રીનપ્લે વ્યવસ્થીત રીતે ગોઠવાયેલ હોય તો ફિલ્મની પકડ ક્યારેય ઢીલી ન પડે. ફિલ્મના રાઇટર જયદીપ સહાનીને એમની વાર્તા ગૂંથવાની સ્ટાઇલ માટે સલામ કરવી જ પડે. આ પહેલા પણ જયદીપ સહાનીએ ’કંપની, બંટી ઔર બબલી, ’ખોસલા કા ઘોંસલા, ’ચક દે ઇન્ડિયા, ’રોકેટ સિંઘ જેવી મજબૂત વાર્તાઓ આપી જ છે. શાહરૂખને ખરા અર્થમાં જો એક્ટીંગ કરી હોય તો ’ચક દે ઇન્ડિયામાં અને શાહરૂખનું આટલું સરસ પાત્ર લખાયું હોય તો જયદીપ સહાની દ્વારા. મોટાભાગે હાલના સમયમાં રીલીઝ થતી ફિલ્મ્સના ગીતો સાંભળો તો બહુ ઓછા ગીતો મળશે કે જેમાં શબ્દોનું મહત્વ હોય પણ આ ફિલ્મના ગીતો સાંભળવા ગમે અને એથી પણ વધારે પ્રસંગો મુજબ ગીતોના શબ્દો પણ છે અને હાં ગીતો પણ જયદીપ સહાનીએ જ લખ્યા છે...


        ફિલ્મનું ડિરેક્શન મનીશ શર્માને સોંપવામાં આવ્યું છે. મનીશ શર્મા યશરાજ બૅનરના માનિતા ડિરેક્ટર બનતા જાય છે. મનીશ શર્મા યુ.એસ.એ.માં કાલ આર્ટ્સમાં ફિલ્મ મેકીંગ વિશે ભણ્યા છે. અભ્યાસ પૂરો કર્યા પછીથી એ યશરાજ બૅનર સાથે જ જોડાયેલા રહ્યા છે. ’ફના, ’આજા નચ લે, ’રબ ને બનાદી જોડી જેવી ફિલ્મ્સ એમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી અને ૨૦૧૦માં એમના પર યશરાજ બેનરે ભરોસો મૂકીને સ્વતંત્ર ડિરેક્શનમાં ’બેન્ડ બાજા બારાતી સોંપી. પોતાનું હુન્નર એમણે પહેલી ફિલ્મમાં જ બતાવી દીધું. ફિલ્મને તો ઘણા એવોર્ડ્સ મળ્યા જ પણ મનીશ શર્માને બેસ્ટ ડેબ્યુટ ડિરેક્ટરનો પણ એવૉર્ડ મળ્યો. આ પછી એમની બીજી ફિલ્મ હતી ’લેડીઝ વર્સિઝ રીક્કી બહલ . ફિલ્મ ખાસ ચાલી ન હતી પણ ડિરેક્શનનો ચમકારો તો દેખાતો જ હતો પણ જો તમે ’શુદ્ધ દેશી રોમાંસ જોશો તો તમને થશે કે એક પણ જગ્યા પર ડિરેક્શનમાં ખાંચો કાઢી શકાય તેમ નથી. કોઈ પણ પ્રસંગમાં કોઈ નાની વાત પણ ચૂકાવી નથી. સુશાંત સિંઘ પરનીતી ચોપરાને ઘેર પહેલીવાર જાય છે અને રાત રોકાય છે અને સવારે ઊઠે છે ત્યારે એના માથા નીચે ઓશીકું નથી પણ ચાદર વાળીને બનાવેલુ ઓશીકું છે. પરનીતી એકલી રહે છે એટલું સાબિત કરવા માટે આથી વધુ સારુ ડિરેક્શન શું હોઈ શકે?


        સુશાંત સિંઘ રાજપૂતની આ બીજી ફિલ્મ જ છે અને માનવું પડે કે સુશાંત નસીબનો બડિયો છે. તેની પહેલી ફિલ્મ ’કાય પો છે પણ ખૂબ સારી હતી અને તેને મળેલી આ બીજી ફિલ્મ પણ મજબૂત છે. ’કીસ દેશ મેં હૈં મેરા દિલ અને ’પવિત્ર રીશ્તા જેવી સિરિયલ્સમાં જોવા મળતો સુશાંત અચાનક જ સ્ટાર બની ગયો છે. પરનીતી ચોપરા માટે મેં એક સમયે સ્ટેટમેન્ટ કરેલું કે ભવિષ્યની વિદ્યા બાલન છે. પરનીતીને હિસ્સે આવેલ કામ માટે એણે પૂરી મહેનત કરી છે તો પણ ન્યુકમર અને પહેલીવાર ફિલ્મમાં જોવા મળેલી વાણી કપૂર પરનીતી કરતા ફિલ્મમાં વધારે વજન છોડી જાય છે. વાણી કપૂર ઓબેરોય હોટેલમાં નોકરી કરતી અને સાથે સાથે થોડું મોડેલીંગ એસાઇન્મેન્ટ્સ પણ કરતી. મનીશ શર્માના આગ્રહથી આ ફિલ્મમાં લેવામાં આવેલી વાણી માટે યશરાજ બૅનર કદાચ ઇન્ટ્રોડ્યુસર હોવાનો ભવિષ્યમાં ગૌરવ લે!

ફિલ્મનું સૌથી મજબૂત પાંસુ હોય તો  ફિલ્મના ડાયલૉગ છે. એક એક પ્રસંગ પર બોલાતો એક એક સંવાદ પાછળ કેટકેટલી ફિલોસોફી છુપાયેલ છે. ફિલ્મ માટે ખૂબ જ ઓછા લોકેશનનો ઉપયોગ થયો છે. ફિલ્મના લોકેશનમાં પરનીતીનું ઘર, ઋષિ કપૂરની દુકાન, થોડા રોડ શોટ અને થોડા લગ્નના તૈયાર સ્ટેજ બસ આટલાં વચ્ચે જ ફિલ્મ રમે છે. લીડ આર્ટીસ્ટ્સ ગણો તો પણ બહુ જ ઓછાં અને છતા ફિલ્મ એક પણ જગ્યા પર નબળું પડતું નથી. હાં ફિલ્મના અંત માટે ખાસ્સી રકઝક ચાલેલી. બે છોકરીઓ વચ્ચે ઇમોશનથી રમતો સુશાંત આખરે કોની તરફ જશે કે સ્ટોરી મુજબ કોની સાથે જવો જોઈએ એ વાત પર લેખક અને ડિરેક્ટર વચ્ચે ઘણી વાતો થઈ હતી. હું નહીં કહું કે કોની સાથે રહે છે નહિતર તમારો ફિલ્મ જોવાનો રસ ઓછો થઈ જશે. ફિલ્મમાં ઘણા બધા ચુંબનો છે પણ એક પણ ચુંબન અર્થ વગરનું નથી કે નથી સામાન્ય દર્શકોને ઉત્તેજિત કરવા માટે. ફિલ્મમાં એક પણ ખોટો પ્રસંગ પણ નથી ઉમેરવામાં આવ્યો. દરેક પાત્રની પોતાની એક કેમેસ્ટ્રી છે અને એ પાત્ર પોતાની કેમિસ્ટ્રીની અંદર જ રમે છે. ફિલ્મનું સંગીત સચીન-જીગરે આપ્યું છે અને સંગીતના પણ વખાણ કરવા પડે એટલું સરસ છે.


        એક્ટીંગ માટે દરેક પાત્રને માર્ક આપવા પડે પણ એક ખાસ પારા લખવો પડે એવી એક્ટીંગ હોય તો ઋષિ કપૂરની. ઋષિ કપૂર વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે અને એટલાં બધા ચડાવ ઉતાર જોઈ ચૂક્યા છે કે હવે એક્ટીંગ માટે એમને કંઈ કરવાની જરૂર નથી તો પણ આ પહેલા એટલે કે એમની બીજી ઇનિંગમાં ક્યાંક એમની જૂની સ્ટાઇલ દેખાય આવતી પણ અહીં એક રાજસ્થાની લગ્ન માટે કેટરીંગ અને લગ્ન માટેની સાધન સામગ્રીનો ધંધો કરતા એક મારવાડી શેઠની ભૂમિકામાં ખૂબ ખૂબ ગમ્યા.


        ફિલ્મને હીટ કરવા માટેની તમામ સામગ્રી આ ફિલ્મમાં છે. બહુ લાંબા સમયે જોવા મળતી સારી કૉમેડી ફિલ્મ એટલે ’શુદ્ધ દેશી રોમાંસ. ધ ગ્રેટ બચ્ચન સાહેબની ફિલ્મ પરથી બનેલી રીમેક ’ઝંઝીર પણ આજે જ રીલીઝ થઈ છે છતા જો એક જ ફિલ્મ જોવાની પસંદગી કરવાની હોય તો અચૂક પણે ’શુદ્ધ દેશી રોમાંસ જ જોવાય. સ્ટારની વાત કરીએ તો આ ફિલ્મને ૪ સ્ટાર આપવા જ પડે એમ છે.



પેકઅપ:


"રાજીવ ગાંધી પરથી ’મદ્રાસ કાફે બની...અન્ના હજારે પરથી ’સત્યાગ્રહ બની... મને લાગે છે કે ’ગ્રાન્ડ મસ્તી આશારામ બાપુ પરથી બની હશે!"

No comments:

Post a Comment