સમય સાથે ઘણું બદલાતું રહે છે અને એ સાથે સિનેમાના સ્ટાન્ડર્ડ્સ
પણ બદલાતા રહ્યા છે. એક સમય હતો જ્યારે ફિલ્મની અંદર એક શબ્દ પણ ખરાબ આવી જાય કે પછી
ફિલ્મની હીરોઇન એકાદ દ્ગશ્યમાં બીકીની પહેરે તો ફિલ્મને ’એ’ સર્ટીફીકેટ
આપી દેવામાં આવતું! ગાળોની તો ફિલ્મમાં કલ્પના જ ન થઈ શકે. ફિલ્મમાં જેમ ટેક્નિકમાં
વધારો થતો ગયો, જેમ પ્રોડક્શન ખર્ચાળ થતું ગયું એમ જ ફિલ્મની કંટેઇનમાં નગ્ન દ્ગશ્યો
અને ફિલ્મના સંવાદોમાં ગાળોનો વધારો થતો ગયો. જો કે બે પ્રકારના ડિરેક્ટર્સ હોય છે
જે ફિલ્મના સંવાદોમાં ગાળો રાખે પણ એવી ગાળો કે જે ફિલ્મ માટે જરૂરી હોય, આ રીતે જ
સારા ડિરેક્ટર્સ ફિલ્મની જરૂરિયાત મુજબ એડલ્ટ દ્ગશ્યો રાખે પણ એક વર્ગ એવો પણ પાક્યો
જે માત્ર સસ્તા મનોરંજન માટે ગમે તે હદે ઊતરી શકે. જ્યાં સુધી આવી વાતો ’સી’ ગ્રેડની
મુવિઝમાં આવતી ત્યાં સુધી સારુ હતું પણ હવે એટલી હદે સિનેમાનું પતન થયું છે કે સારી
કક્ષાની કહેવાય એવી ફિલ્મ્સમાં પણ પગ પેસારો થયો છે. ’ગ્રૈંડ મસ્તી’ એટલે
આ પ્રકારની જ અત્યંત હલકી કૉમેડી સાથે સારી ઓડિયન્સની મસ્તી
ઇન્દર કુમાર
ડિરેક્ટર તરીકે મને ક્યારેય ગમ્યા નથી પણ ઓડિયન્સની દ્રષ્ટિએ જોઈએ તો એમણે આપેલી હીટ
ફિલ્મ્સ યાદ કરવી જ પડે. ઇન્દર કુમારે ૧૯૯૦માં ’દિલ’ ફિલ્મથી ડિરેક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું
હતું. ફિલ્મ હીટ રહી અને એ પછી ’બેટા’, ’રાજા’, ’ઇશ્ક’ બધી
જ ફિલ્મ્સ માર્કેટેબલ ફિલ્મ્સ રહી. ફિલ્મમાં ડિરેક્શન નામે કંઈ જ ન મળે પણ ઓડિયન્સની
નાડ પારખીને બનાવેલી ઉપરની દરેક ફિલ્મ્સ બોક્ષ ઓફીસ પર સફળ રહી હતી. ’ઇશ્ક’ પછી
એક પણ હીટ ફિલ્મ ન આપી શકેલ ઇન્દર કુમારે છેલ્લો રસ્તો ધરાર કૉમેડી જે સેક્સ અને વલ્ગારીટીના
નામ પર ચાલી શકે એવી ફિલ્મ ’મસ્તી’ આપી. ફિલ્મને સારી તો ન જ કહી શકાય પણ ફરી
એકવાર ફિલ્મ સક્સેસફૂલ રહી. મસ્તી સુધી ઇન્દર કુમારને જોવાનો મારો આખો નજરિયો જ જો
ફરી ગયો હોય તો ’ધમાલ’ ફિલ્મમાં. જીવનની ઓછી જોયેલી ક્લાસિક કૉમેડી ફિલ્મમાં જો નંબર
આપવો હોય તો ’ધમાલ’ને આપી શકાય. જો કે એ પછીની ’ડબલ ધમાલ’ સાવ
કચરો રહી તો પણ લાગ્યું કે ઇન્દર કુમાર કદાચ સેક્સ કે વલ્ગારીટીનો ભલે સહારો લે પણ
સારુ ક્રીએશન કરવા માટે મજબૂત માણસ છે પણ ’ગ્રૈંડ મસ્તી’ માં
તો ખરેખર હદ વટાવી છે. ડિરેક્શન નામે ફિલ્મમાં કંઈ જ નથી...
વિવેક ઓબેરોય,
રીતેષ દેશમુખ અને આફતાબ શિવદાસાનીને રીપીટ કરી તેમની સામે હીરોઇન્સ બદલવામાં આવી છે.
વિવેક અને આફતાબને કોઈ સાચવે એમ નથી અને બંનેની ઉમર એટલી બધી ચાડી ખાય છે કે કૉલેજના
સ્ટુડન્ટ્સ તરીકે એક દ્ગશ્યમાં દેખાડે છે તે પણ દેખાડી શકાય એમ નથી. વિવેક સામે કરિશ્મા
તન્ના પત્ની તરીકે લેવામાં આવી છે. કરિશ્મા ’ક્યોંકી સાંસ ભી કભી બહુ થી’, ’કહીં
તો મીલેંગે’, ’દેશ
મેં નીકલા હોગા ચાંદ’, ’વિરાસત’, ’બાલવિર’ જેવી ઘણી સિરિયલ્સ કરી ચૂકી
છે. આ પહેલા ’દોસ્તી-ફ્રેન્ડ્સ ફોરએવર’, ’ગોલુ પપ્પુ’, ’શેર’ જેવી
ન જાણીતી ત્રણ ફિલ્મ્સ પણ કરિશ્માએ કરી છે. આફતાબ તો ઓવર એક્ટીંગ પણ નથી કરી શકતો.
આફતાબની પત્નીના પાત્રમાં મંજરી ફેડનીસ છે. મંજરી આ પહેલા હિંદી ઉપરાંત તેલુગુ, તામીલ
અને બંગાલી ઘણી ફિલ્મ્સ કરી ચૂકી છે. ’જાને તું યા જાને ના’ હિન્દી
ફિલ્મ કદાચ એની પહેલી ફિલ્મ હતી. રીતેષ ખરેખર ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે પણ દૂબળો પાતળો
રીતેષ બચારો આવા ડિરેક્ટરના હાથમાં વેડફાય રહ્યો છે. રીતેષની પત્નીના પાત્રમાં સોનાલી
કુલકર્ણી છે. સોનાલી આ પહેલા ’ગૌરી’ ફિલ્મમાં જોવા મળી હતી. આ પછી સોનાલીએ માત્ર
અને માત્ર મરાઠી ફિલ્મ્સ જ કરી છે. આ ઉપરાંતના ત્રણ સ્ત્રી પાત્રોમાં ’ખટ્ટા મીઠા’માં
જોવા મળેલી કાયનાત અરોરા મારલો નામનું પાત્ર ભજવે છે. સાંભળવા મળ્યું છે કે ’હેટ સ્ટોરી-૨’ની હીરોઇન
કાયનાત છે. મરિયમ ઝાકરિયા સ્વીડનમાં ’બોલીવુડ ડાન્સ સ્કૂલ ચલાવે છે. આ પહેલા આઠ દસ
તેલુગુ ફિલ્મ્સ કરી ચૂકી છે પણ હીન્દી સિનેમામાં તો એના ભાગે આઇટમ સોંગ્સ જ આવ્યા છે.
ત્રીજુ પાત્ર એટલે કે મેરી એટલે બ્રુના અબ્દુલા. એરેબિક મમ્મી અને બ્રાઝિલીયન પપ્પાનું
સંતાન. ભારત આવ્યા પછી બ્રુનાને ’કેશ’માં પહેલીવાર આઇટમ સોંગ કરવાનો મોકો મળ્યો.
અને ’દેશી બોયઝ’માં
પણ આઇટમ સોંગ જ મળ્યું. જ્યારે ત્રણે હીરોની પત્નીના ભાગે પણ ખાસ કામ ન હોય ત્યારે
વધારાની ત્રણ આઈટમના ભાગે શું કામ આવવાનું? કાયનાત, મરિયમ અને બ્રુના ત્રણેને હીસ્સે
ટૂંકા કપડા પહેરવાથી વધુ કંઈ કામ જ નથી. સુરેશ મેનન તગડો કોમેડિયન છે અને છેક ૧૯૯૭થી
ફિલ્મ્સમાં કામ કરે છે પણ આ ફિલ્મમાં એક્ટીંગથી વધારે વલ્ગારીટી બતાવવાનો ઉપયોગ થયો
હોવાથી એ પણ વેડફાય ગયો છે. વિલનના પાત્રમાં પ્રદીપ રાવત છે. પ્રદીપે નેગેટિવ રોલમાં
ઘણી ફિલ્મ્સ કરી છે. એક્ટીંગમાં તો કોઈ પણના વખાણ કરી શકાય એવો ડિરેક્ટરે એક પણ મોકો
આપ્યો જ નથી!
આખે આખી ફિલ્મ
બરોડામાં શૂટ કરવામાં આવી છે. જ્યારથી મરાઠી સરકારે રોડ પર શૂટીંગ કરવાની ના પાડી છે
ત્યારથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી ગુજરાત તરફ વળી છે અને વળી ગુજરાત ટુરીઝમને પ્રમોટ કરવા
માંગતી ગુજરાત સરકારે સીધી લાલ જાજમ બિછાવી જ દીધી છે. ફિલ્મનું શૂટીંગ શેડ્યૂલ ઓગસ્ટ
૨૦૧૨માં નક્કી થયું હતું પણ બરાબર એ સમયે જ વિલાસરાવ દેશમુખ ICCUમાં હતા. લેખક મિલાપ
ઝવેરીનું કહેવું હતું કે રીતેષ વગર ફિલ્મ શરૂ કરી દેવામાં આવે પણ પ્રોડ્યૂસર અશોક ઠાકેરીયાએ
ચોખ્ખી ના પાડી દીધી. જેવા રીતેષના નસીબ બીજુ શું! જો કે માત્ર એક અઠવાડિયા પછી તરત
જ ફિલ્મનું શૂટીંગ શરૂ થઈ ગયું. ફિલ્મની સારી વાત હોય તો એક જ છે કે ફિલ્મનો રન ટાઇમ
માત્ર ૧૩૭મીનીટનો છે નહિતર વધારે સહન કરવું પડત! મ્યુઝિકની ક્રેડિટ આનંદ રાજ આનંદને
આપવામાં આવી છે પણ સંજીવ અને દર્શને પણ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. જો કે એ વાત અલગ
છે કે આ ત્રણે મળીને પણ સારુ મ્યુઝિક આપી શક્યા નથી.
એવું જરા પણ
માનવું નહીં કે વાત એડલ્ટ હોય કે સંવાદો ખરાબ હોય એટલે હું સુષ્ટુ પુષ્ટુ વાતો કરી
રહ્યો છું. મને પણ આવી વાતો સાંભળવી કે જોવી ગમતી હોય પણ એટલું ચોક્કસ કે વાત કંઈક
ઇન્ટેલીજન્ટ અને ઇન્ટલ એક્ચ્યુલ હોવી જોઈએ. આજની જનરેશનને માટે આવી વાતો બહુ જ સ્વભાવિક
છે. આવી વાતો કે જોકની આપ લે મિત્રો કે સહેલીઓ વચ્ચે થતી જ હોય છે પણ જો ચવાય ગયેલા
એના એ જ જોક તમને ફરી ફરીને આવે તો જેમ મોબાઇલ પર ગુસ્સો આવે એમ જ આ ફિલ્મ પર પણ તમને
ગુસ્સો આવશે. આજે આ ફિલ્મ ઉપરાંત ’હોરર સ્ટોરી’ અને ’જોન ડે’ રીલીઝ
થઈ છે. જો ફિલ્મ જોવી જ હોય તો આ બે માંથી કોઈ એક જોઈ લેજો પણ ’ગ્રૈંડ મસ્તી’ જોઈને
તમારી જાતની મસ્તી નહીં કરતા. ફિલ્મનું કોઈ જ સ્ટાન્ડર્ડ ન હોવાથી સ્ટાર આપવાનો પ્રશ્ન
જ ઊભો નથી થતો....
પેકઅપ:
’ગ્રૈંડ
મસ્તી’ લખવામાં
દોઢ વર્ષ લાગ્યું....
તે લાગે જ ને! રોજ નવા નવા એસ.એમ.એસ., વોટ્સ અપ આવતા હોય એ
ઉમેરવાનાં ના હોય?
masti....itni...sasti....!?
ReplyDelete