Friday, 26 July 2013

ઇશક: પ્રેમથી ન જોતા





        ફિલ્મ બનાવવા માટે ઘણા બેઝીક રુલ્સ છે તેમ જ ફિલ્મ જોવા માટે પણ રુલ્સ નક્કી થતા હોય તો ઘણા લોકો ખર્ચ કરવા માંથી બચી જાય. હાલ દર્શકો માટે ઘણી સગવડતા છે કે અસંખ્ય લોકો રીવ્યુ લખતા થઈ ગયા છે ત્યારે ક્યા લખનારનો ટેસ્ટ મારા જેવો છે એ જોઈ એમનો રીવ્યુ વાંચી ફિલ્મ જોવામાં સમય બગાડવો કે નહીં એ નક્કી કરી શકાય પણ આ હાલતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ તો રીવ્યુ લેખકની થાય છે. ફિલ્મ હથોડો હોય કે સારુ હોય ફિલ્મ જોવું જ રહ્યું અને એ ઉપરાંત દરેક વ્યક્તિનો ટેસ્ટ સરખો ન હોવાને લીધે વિરોધ પણ સહન કરવો પડે. જો કે ’ઇશક માટે મોટાભાગના દર્શકો મારી સાથે સહમત થશે અને કદાચ રીવ્યુ લેખકો પણ... ફિલ્મ ક્યારે પુરુ થશે એની રાહ જોઈને થાકી જવાયું એટલે ’ઇશક પ્રેમથી જોવા ન જવું...


        મનીષ તિવારી ફૂડ & એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન કંપનીમાં રોમમાં નોકરી કરતા પણ અભ્યાસ સમયથી જ ફિલ્મ સોસાયટીની કેમ્બ્રીજ ખાતે શરૂઆત કરી હતી. એ દરમિયાનમાં ’રામનગર, ’લો મથાંગ ડોક્યુમેન્ટરીઝને સારો પ્રતિભાવ મળ્યો હતો અને એમણે પોતાની પહેલી ડેબ્યુટ મુવી ’ દિલ, દોસ્તી એસેટ્રા પહેલા પાંચેક શૉર્ટ ફિલ્મ્સ પણ બનાવી હતી. એમની પહેલી ફિલ્મ આઇ.આઇ.એફ.એ. માં બેસ્ટ ડેબ્યુટ ડિરેક્ટર તરીકે નોમીનેટ પણ થયા પણ જો ફિલ્મ જોયું હોય તો ખબર પડે કે એ પણ વેસ્ટ ઑફ ટાઈમ હતું. ક્રિટીક્સે આશ્ચર્ય વચ્ચે ૨ સ્ટાર આપેલા પણ ઘણા વધારે હતા. એમની બીજી ફિલ્મ એટલે ’ઇશકમાં પણ એવું જ થશે એવી આશા છે. નબળા ડિરેક્શનનો ખરેખર સરસ રીતે અનુભવ થાય છે. 


        ફિલ્મમાં લીડ રોલ પ્રતિક બબ્બરને આપવામાં આવ્યો છે. પ્રતિકે શરૂઆતના સમયે પોતાનું નામ માત્ર પ્રતિક જ લખવાનો આગ્રહ રાખ્યો હતો કેમ કે પ્રતિક એવું ઇચ્છતો નહોતો કે રાજ બબ્બર અને સ્મિતા પાટીલનો છોકરો છે જેના લીધે એને વધારાનું ફૂટેજ મળે. પ્રતિકને શરૂઆતમાં તો રસ પ્રોડક્શન તરફ જ હતો. પ્રતિકે પ્રહલાદ કક્કર (એડ મેકર) સાથે મળીને ઘણી ટેલિવિઝન કોમર્સિયલ એસ એ પ્રોડક્શન આસિસ્ટન્ટ કરી પણ આર્ટિસ્ટના છોકરાઓ ફિલ્મથી ક્યાં દૂર રહી શક્યા છે! ’જાને તું, યા જાને નાથી ફિલ્મ ક્ષેત્રે એન્ટ્રી કરી. આ પછી ’ધોબીઘાટ, ’દમ મારો દમ, ’આકર્ષણ, ’માય ફ્રેન્ડ પીન્ટો, ’એક દિવાના થા કરી પણ ક્યાંય પ્રતિકનું કામ વખાણવામાં આવ્યું નથી અને છેલ્લી ફિલ્મ ’ઇશક પણ આગલી ફિલ્મ જેવી જ રહી.  ફિલ્મમાં હીરોઇન તરીકે અમીરા દસ્તુરને લેવામાં આવી છે. અમીરા દસ્તુરનું આ પહેલું ફિલ્મ છે. અમીરા આ પહેલા ’કલિન & ક્લિયર’, ’એરટેલ અને ’માઇક્રોમેક્સની એડમાં જોવા મળી હતી. અમીરામાં કોઈ પણ પ્રકારની હીરોઇન વેલ્યૂ નથી કે નથી એક્ટીંગ. એક નાના રોલમાં ઇવલિન શર્મા જોવા મળી. ઇવલિન વિશે આ પહેલા પણ લખી ચૂક્યો છું છતા કહું કે ’યે જવાની હૈં દિવાની અને ’ઇશક જુઓ ત્યાં જ ખબર પડી જાય કે ડિરેક્ટરનો હાથ બદલવાથી કલાકારની એક્ટીંગ કેટલી વિચિત્ર લાગે છે. ફિલ્મમાં રવિ કિરણ છે. રવિ એટલે ભોજપુરી ફિલ્મનો બેતાજ બાદશાહ. રવિની આજે ’બજાતે રહો પણ રીલીઝ થઈ છે અને જ્યાં સુધી સાંભળ્યું છે એ પણ ફ્લોપ જ રહેશે. રવિ કિરણ હવે જ્યારે સારી બ્રાન્ડ બની જ ગયો છે ત્યારે તેણે સમજીને ફિલ્મ્સ સાઇન કરવી જોઈએ. ડિરેક્ટરનો ફેર સૌથી વધુ નજરે પડે છે વિનીત કુમાર સિંઘમાં અને પ્રકાશ નારાયણમાં. વિનીત કુમાર સિંઘ એટલે ’બોમ્બે ટૉકીઝમાં અમીતાભને મુરબ્બો ચખાડવા જતો યુવાન. અને પ્રકાશ નારાયણ એટલે ’મર્ડર 2’ નો વિલન. આ બંનેને આ પહેલાની ફિલ્મ્સમાં જુઓ તો ખૂબ મોટી આશાઓ બંધાય પણ અહીં આ ફિલ્મમાં વેડફવામાં આવ્યા છે. સુધીર પાંડે પણ વર્ષોથી ફિલ્મ સાથે સંકળાયેલા છે. આમ તો ફિલ્મમાં ગેંગના મુખ્ય માણસ બતાવવામાં આવ્યા છે પણ કોઈ પણ રીતે પાત્ર બહાર આવતું નથી. નીના ગુપ્તા જેવી ગ્રેટ આર્ટિસ્ટને પણ વેડફવામાં ડિરેક્ટર સફળ રહ્યા છે. મકરંદ વિચિત્ર પાત્રો ભજવવા માટે જાણીતો છે. મકરંદનો દેખાવ જ એક્ટીંગ કરે છે. આ ફિલ્મમાં મકરંદને બાબાનું પાત્ર આપવામાં આવ્યું છે. આ પાત્ર શા માટે રાખવામાં આવ્યું છે એ જ નથી સમજાતું! ઓવરઓલ ગુડ એક્ટર્સ વચ્ચે નો એક્ટીંગની સ્પર્ધા હોય એવો અહેસાસ થાય છે. 


        બે રાઇવલરી ગૃપના છોકરા છોકરી વચ્ચે પ્રેમની કોણ જાણે કેટલી બધી ફિલ્મ્સ આપણે જોઈ લીધી હશે. હવે જો આવો જ વિષય પકડવો હોય તો વાત મજબૂત બનવી જોઈએ. ફિલ્મની વચ્ચે મસાલો ચોક્કસ ઉમેરી શકાય પણ જો મસાલા વચ્ચે ફિલ્મ મૂકવામાં આવે તો દર્શકોની ઇચ્છા કફોડી થઈ જાય છે. પ્રતિક મિશ્રા ખાનદાનનો છોકરો છે અને અમીરા કશ્યપ ખાનદાનની છોકરી છે. બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે અને આ પ્રેમ કેમ કેવી રીતે કે પ્રેમનું ટ્રાન્સીસન પણ સ્ટોરીમાં બરાબર નથી તો પણ આપણે સ્વીકારી લઈએ તો અચાનક જ ત્રણ પાત્રો ફિલ્મમાં ઉમેરી દેવામાં આવે. આશ્ચર્યની વાત તો એ છે એક એક યંગ છોકરો જેને સીધો પોલીસ કમિશ્નર તરીકે દર્શાવવામાં આવે અને જેના લગ્ન અમીરા સાથે કરવાની વાત રવિ કિશન ચલાવે. આમ જ અચાનક એક પાત્ર ઉમેરાય પ્રકાશ નારાયણનું જે નક્કસલીસ્ટ છે. આ પાત્ર શું કામ? શા માટે? જેવા કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી આપતું અને બસ રવિ કિશનને મારવા માટે પાછળ ફરતો દેખાય છે. આ રીતે જ મકરંદ દેશપાંડે પણ બાબા તરીકે પ્રતિકને સાથ આપતું પાત્ર છે પણ પૂરક પાત્ર જ. રવિ કિશનને તેની ભાણેજના પ્રેમની ખબર પડતા પ્રતિકને મારવા જાય છે અને તેને ગોળી લાગે છે. હવે બદલો તો લેવો જ પડે અને છેલ્લે હીરો-હીરોઇન મરે તો જ ઓડિયન્સની સહાનુભૂતિ મળે ને? વાર્તા પણ મનીષ તિવારીની જ છે એટલે પછી હવે રાઇટરને દોષ પણ આપી શકાય એમ નથી!


        મ્યુઝિકમાં આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે એક કરતા વધારે મ્યુઝિક ડિરેક્ટર લેવામાં આવે પણ આવો પ્રયોગ જો મોટા બૅનર વાળા કરે તો ચાલે પણ જ્યારે નાના બૅનર વાળા માટે મજબૂરી હોય છે. આ પાછળનું કારણ એ હોય છે કે ઘણા ગીત ફિલ્મ માંથી છોડી દેવામાં આવે છે. આવા ગીતો ખૂબ સસ્તા મળી જાય છે અને બીજુ કારણ એ હોય છે કે નવા મ્યુઝિક ડિરેક્ટર પાસેથી એકાદ જ સારુ ક્રીએશન મળી શકે. આ ફિલ્મમાં સચીન-જીગર, ક્રષ્ન અને સચીન ગુપ્તાએ ગીતનું મ્યુઝિક આપ્યું છે અને બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રસાન્ત પીલ્લાઇને હિસ્સે ગયો છે. ગીતો સાવ ખરાબ નથી પણ ગીતનું પીક્ચરાઇઝેશન ખરાબ છે જેથી જામતું નથી. 


        ફિલ્મનું સૌથી નબળું પાસું હોય તો ફિલ્મની સિનેમેટોગ્રાફી છે. વિશાલ સિંહા જેવા ગ્રેટ સિનેમેટોગ્રાફર આવી ખરાબ સિનેમેટોગ્રાફી કેમ કરી શકે એ સૌથી મોટું આશ્ચર્ય છે! વિશાલ સિંહાએ તાજેતરમાં જ ’રાઝણાની સિનેમેટોગ્રાફી પણ સંભાળી હતી જે કોઈ પણ રીતે નબળી ન હતી. આ પહેલાની વિશાલની ફિલ્મ્સ ’ભૂત, ’ડરના મના હૈં, ’અબ તક છપ્પન જરા પણ નબળી ન હતી. આ પરથી આપણે ધારીએ કે સિનેમેટોગ્રાફીમાં પણ મનીષે ટાંગ અડાડી હશે. સ્ટાર આપવાની વાત હોય તો સ્ટાર આપવાની મારી હિમ્મત નથી થતી...




પેકઅપ:

"અમુક લોકો ફિલ્મ બનાવે છે અને અમુક લોકો પ્રોડ્યુસરને બનાવે છે"


Friday, 19 July 2013

ડી-ડેય: દિવસ બગાડવા જેવું








        બોલીવુડની બહાર જેમ ભાઈલોગની બોલબાલા રહી છે એ રીતે જ બોલીવુડની ફિલ્મ્સમાં પણ ભાઈલોગની બોલબાલા રહી જ છે. એમા પણ જ્યારે મુંબૈયા સ્ટાઇલ ભાઈની વાત હોય તો બોલીવુડના ગઢ એવા મુંબઈમાં બનતી લગભગ ફિલ્મમાં આવા ભાઈ જોવા મળે. મુંબઈમાં બ્લાસ્ટ થયા પછી લોકોને જે કંઈ નુકશાન થયુ હોય પણ બોલીવુડને પૂરતો ફાયદો મળ્યો છે. ઘણા સર્જકો સમય અનુસાર ભાઈગીરી પર ફિલ્મ બનાવી ચૂક્યા છે. મારી ખૂબ ગમતી ફિલ્મ્સમાં પણ જો કોઈ ફિલ્મને મારે નંબર આપવો હોય તો ’સત્યાને હું ક્યો નંબર આપુ એ કહેવું મુશ્કેલ થઈ પડે અને ’સત્યા પણ ભાઈલોગ પરની જ ફિલ્મ. આ સપ્તાહે બે ફિલ્મ એક સાથે રીલીઝ થઈ. ’રમૈયા વસ્તાવૈયા અને ’ડી-ડેય હવે જ્યારે બે માંથી એક ફિલ્મ પસંદ કરવાની હોય તો મનગમતો વિષય જ પસંદ થઈ જાય એટલે ’ડી-ડેય જ પસંદ કરી પણ ફિલ્મ જોઈને એમ થયું કે દિવસ બગડ્યો!

      

       નિખિલ આડવાણીના ડિરેક્શન ઉપર મને ખાસ ભરોસો નહીં તો પણ એમ થયું કે નિખિલ પોતાની ઘરેડ માંથી બહાર નીકળીને પહેલીવાર આવું ફિલ્મ બનાવી રહ્યો છે તો સારુ હોય શકે. આ આશા રાખવા પાછળનું કારણ એક એ પણ છે કે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એની પ્રથમ ફિલ્મ ’ઇસ રાત કી સુબહ નહીં હોગી હતી અને એ સુધીર મિશ્રાને આસિસ્ટ કરતો હતો. આ ફિલ્મનો કો-સ્ક્રીનપ્લે રાઇટર પણ હતો. નિખિલની મમ્મી જાણીતી મોડેલ હોવાને લીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા સંબંધો ધરાવે છે. આ સંબંધોના નાતે નિખિલે ધરમા પ્રોડક્શન જોઇન કર્યું. ધરમાના બૅનર નીચે બનેલી ’કુછ કુછ હોતા હૈં અને ’કભી ખુશી કભી ગમમાં આસિસ્ટન્ટશીપ કરી. ધરમા પ્રોડક્શને નિખિલ પર વિશ્વાસ મુકી ’કલ હો ના હોનું ડિરેક્શન સોંપ્યું. ૨૦૦૩ની સૌથી મોટી હીટ ફિલ્મ બની. ૬ ફિલ્મફેર એવૉર્ડ સાથે લગભગ બધા જ એવોર્ડ્સમાં છવાયેલી રહી. નામ મળતાની સાથે જ નિખિલે ધરમા પ્રોડક્શન છોડી અને બીજા બૅનર સાથે ’સલામે ઇશ્ક ડિરેક્ટ કરી પણ ટાંઈ ટાંઈ ફીશ.. એ પછી નિખિલે ’ચાંદની ચોક ટુ ચાઇના અને ’પતિયાલા હાઉસ અક્ષય કુમારને લઈને બનાવી પણ આ બે માંથી એક પણ ફિલ્મ ખાસ જાદુ ન કરી શકી. નિખિલની આદત બની ગઈ હતી કે એ મોટા સ્ટાર્સ સાથે જ ફિલ્મ બનાવે પણ ’ડી-ડેય માટે સુપર સ્ટાર નહીં પણ સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી પણ આ ફિલ્મ ધંધો કરશે કે કેમ એ મને પ્રશ્ન થાય છે!



        કલાકારોની દ્રષ્ટિએ જુઓ તો એક પણ નબળો કલાકાર નથી. ફિલ્મનું લીડ અર્જૂન રામપાલને આપવામાં આવ્યું છે. અર્જૂને આ ફિલ્મ માટે ખૂબ મહેનત પણ કરી. અર્જૂનની છાપ મુજબ એ એટિકેટ કપડામાં જ જોવા મળ્યો છે પણ આ ફિલ્મ માટે એણે જાતે જ પોતાના માટે લુંગી અને ટોપી પસંદ કરી. અર્જૂન સામે છેલ્લી ઘડી સુધી દીપિકા પાદુકોણ સાથે વાતો ચાલતી હતી પણ અચાનક જ શ્રુતિ હાસનનું નામ આવી ગયું. શ્રુતિની જીવન કહાની પણ ફિલ્મી જ છે. શ્રુતિએ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો સીંગર તરીકે. તેના પિતાની ફિલ્મ ’ચાચી ૪૨૦મામ એક ગીત ગાયું. આ પછી શ્રુતિએ ઘણા ગીતો ગાયા પણ એક્ટીંગનો કીડો ક્યાં કોઈને પણ છોડે છે! કમલા હાસનની પહેલી ફિલ્મ હતી ’હે રામ જો કે આ ફિલ્મમાં એ માત્ર ગેસ્ટ અપીરીયન્સમાં જ હતી. આ પછી ’લકમાં ડબલ રોલ કર્યો પણ ખરેખર સારી એક્ટીંગ ’દિલ તો બચ્ચા હૈં માં જોવા મળી. શ્રુતિ માટે આજનો દિવસ ખાસ છે કેમ કે આજે રીલીઝ થયેલી બંને ફિલ્મ્સમાં શ્રુતિ હીરોઇન છે. રો ના ચીફ તરીકે નાસર છે. સાઉથની અસંખ્ય ફિલ્મ કરી ચૂકેલા પણ ’રાઉડી રાઠોરના મેઇન વિલનથી હીન્દી ઇન્ડસ્ટ્રીમાં જાણીતા થયા. રો ના સેકન્ડ લીડ માં સંદીપ કુલકર્ણી છે. આમ તો પેઇન્ટર છે પણ વર્ષોથી થિયેટર સાથે જોડાયેલા. ’શ્વાસ, ’ડોમ્બીવલી ફાસ્ટ અને ’ટ્રાફિક સિગ્નલ માટે નેશનલ એવૉર્ડ પણ જીતી ચૂક્યા છે. ઇરફાનની સામે શ્રી સ્વરા લેવામાં આવી છે. આ છોકરીમાં દમ છે. હુમા કુરેશી ’ગેંગ્સ ઑફ વસ્સેપુર પછી ’લવ સવ તેય ચીકન ખુરાના અને ’એક થી ડાયન કરી પણ ચાલી ન હતી. ઋષિ કપૂરની બીજી ઇનિંગ જામતી જાય છે. કે.કે. રૈનાને આજકાલ ઘણી ફિલ્મ્સ મળવા લાગી છે. સારા કલાકારોનો કાફલો પણ ફિલ્મ જામી તો નહીં જ...


           ફિલ્મની વાર્તા ખૂબ જ નબળી છે. રોના ચાર એજન્ટ અર્જૂન રામપાલ, હુમા કુરેશી, ઇરફાન અને આકાશ દહિયા દાઉદ(ઋષિ કપૂર)ને પકડવા માટે પાકિસ્તાન જાય છે. પોતાના પ્લાન મુજબ પકડી પણ લે છે પણ મારતા નથી કેમ કે ઇરફાનનું સપનું છે કે દાઉદને જીવતો ભારતને સોંપવો. આ ઝગડામાં દાઉદ બચી જાય છે. ચારેય રોના લોકોની હાલત એવી થાય છે કે ન ઘરના કે ન ઘાટના. ભારત પોતાના પર આ જવાબદારી લેવા ન માંગતું હોવાથી ન્યુઝમાં આપી દે છે કે અમારે આ લોકો સાથે કંઈ જ લાગતું વળગતું નથી. ચારેય પોતાનું મિશન આગળ વધારે છે પણ આ મિશન એટલી બોરિંગ રીતે આગળ વધે છે કે સતત રાહ જોવી પડે કે ફિલ્મ પુરી ક્યારે થશે? ફિલ્મના અંતે તો દાઉદને મરવું જ પડે તો જ ફિલ્મ ફિલ્મી બને. હવે જો એમ જ થવાનું હોય તો પછી આપણને એમ થાય કે આટલી હદે ફિલ્મ ખેંચવાની ક્યાં જરૂર હતી? લાંબા લાંબા દ્ગશ્યો અને આર્ટીફિશ્યલ દેખાય આવતા ફાઇટ સીન્સ ખરેખર ફિલ્મને વધુ ખરાબ બનાવે છે. જો કે નિખિલે સારુ કરવા માટે હોલીવુડના પ્રખ્યાત ઍક્શન ડિરેક્ટર ટોમ સુથરને લાવવામાં આવ્યા. ફિલ્મની અંદર જો કે એક વાત વખાણવા લાયક છે કે પાકિસ્તાનમાં શૂટ નથી થયું છતા પણ પાકિસ્તાન જેવું જ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. લોકોને ધ્યાનમાં નહીં હોય પણ પાકિસ્તાનના દ્ગશ્યો માટે અમદાવાદમાં શૂટીંગ કરવામાં આવ્યું છે. રીતેશ શાહ, સુરેશ નાયર અને નિખિલે ત્રણે મળીને સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખ્યા છે તો પણ ફિલ્મ નબળી પડે છે. જો ક્રીમીનલ બૅકગ્રાઉન્ડની ફિલ્મ બનાવવી હોય તો હાર્ડ કોર ક્રીમીનલ ઍક્શન હોવા જોઇએ પણ એમા જો ઇમોશનલ વાતો અને એ પણ અર્થ વગરની મૂકવામાં આવે તો ફિલ્મની ઓરીજીનાલીટી મરી જાય...


        મ્યુઝિક શંકર ઇશાન લોયનું છે. હમણાં જ ’ભાગ મીલ્ખા ભાગમાં ખૂબ સારુ મ્યુઝિક આપી ચૂક્યા છે. આ ફિલ્મમાં પણ ખરાબ મ્યુઝિક તો નથી જ. ફિલ્મની ગઝલ માણવા લાયક છે. ફિલ્મ માટે નિખિલ એવું જ માનતો હતો કે ’એ સર્ટીફીકેટ મળશે કેમ કે ફિલ્મમાં પાકિસ્તાન વિરુદ્ધ ઘણા ડાયલોગ્ઝ છે પણ ફિલ્મને ’યુએ સર્ટીફીકેટ મળ્યું. ઑડિયન્સ બહોળી મળશે પણ જો ફિલ્મ ચાલે તો. સ્ટારની વાત કરીએ તો ફિલ્મને ૨ થી વધારે સ્ટાર આપવાએ ફિલ્મને અન્યાય થશે...




પેકઅપ:

ડી-ડેયમાં શ્રુતિ હાસનના જમણા ગાલ પર ટાંકાનું નિશાન છે પણ એક દ્ગશ્યમાં ડાબા ગાલ પર આવી જાય છે..... નિખિલ પાસે આવી ભૂલની અપેક્ષા હતી જ....

Friday, 12 July 2013

ભાગ મીલ્ખા ભાગ: દોડતું મનોરંજન





       માણસ માત્રને જીત ગમે છે અને એમાં પણ જે દેશનો નાગરિક હોય એ દેશને પોતાની જીત જોવી તો અનહદ ગમે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્પોર્ટ્સ પર જેટલાં સારા સર્જકોની ફિલ્મ આવી છે એને આવકાર મળ્યો જ છે. અમુક ફિલ્મ્સ તો હદ બહાર સફળ ગઈ છે. ’જો જીતા વહી સિકંદરમાં માત્ર એક સાઈકલ રેસ પર પણ લોકો આફરીન પોકારી ગયા હતા અને એજ કારણથી આમિર ખાનને ’લગાન બનાવી હતી. શાહરૂખ ખાનને જો કોઈ ફિલ્મમાં જોવો ગમ્યો હોય તો ’ચક દે ઇન્ડિયામાં અને એ પણ સ્પોર્ટ્સ પરની જ ફિલ્મ. ખેલને લઈને ઘણી ફિલ્મ્સ બની છે પણ જ્યારે સારા સર્જકે ફિલ્મ બનાવી ત્યારે ફિલ્મ વખાણવા લાયક જ રહી છે. રાકેશ મહેરા પણ કંઈક આવા જ સર્જક છે. આમ તો આ ફિલ્મને બાયો ઇપીક જ કહી શકાય તો પણ વાત તો આખરે સ્પોર્ટ્સની જ છે. ખૂબ મહેનતના અંતે બહાર આવેલી ફિલ્મ ’ભાગ મીલ્ખા ભાગ એટલે સતત દોડતું મનોરંજન અને એ પણ પૂરતી લાગણીઓ સાથે...


        ફિલ્મના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાસ મહેરાની જીવન કહાની પણ ફિલ્મ જેવી જ છે. એમના જીવનની શરૂઆત કે કેરિયરની શરૂઆતમાં તેઓ યુરેકા ફોર્બ્સના વેક્યૂમ ક્લિનર વેચતા. ૧૯૮૬માં તેમણે ફ્લીક્સ મોશન પિક્ચર પ્રા.લી.ની સ્થાપના કરી. એમણે કોક, પેપ્સી, ટોયોટા, બીપીએલ જેવી ઘણી બધી કંપનીઓની જાહેરાત ડિરેક્ટ કરી અને ખરા અર્થમાં બોલીવુડ સાથે જોડાવવાનો મોકો મળ્યો અમિતાભ બચ્ચનના મ્યુઝિક આલબમ ’એબી બેબીથી. આ આલબમ એમણે ડિરેક્ટ કર્યું. એમની પહેલી ફિલ્મ ’અક્સ હતી. આ ફિલ્મ ખૂબ સારી હતી પણ બૉક્સ ઓફીસ પર જાદુ ન જમાવી શકી. રાકેશ પોતે સારા લેખક પણ છે. વી.પી. સિંઘે મંડલ કમિશનની સ્થાપના કરી ત્યારથી દેશ પ્રત્યેના પ્રેમ અને અણગમા વચ્ચે તેમને એક સ્ક્રીપ્ટ લખવાનું મન થયું. આ સ્ક્રીપ્ટ એટલે ’રંગ દે બસંતી આ ફિલ્મ ફિલ્મફેર એવૉર્ડ, નેશનલ એવૉર્ડ, બાફટા એવૉર્ડ અને સૌથી વધુ ક્રેડિટ એ કહી શકાય કે ઓસ્કારમાં બેસ્ટ ફોરેન લૅન્ગ્વેજ ફિલ્મ તરીકે ઓફીશિયલ એન્ટ્રી. રાતોરાત લોકો રાકેશને ઓળખવા લાગ્યા. આ પછી એમણે ’દિલ્હી 6’ ડિરેક્ટ કરી. આ ફિલ્મ પણ વધુ ચાલી નહીં પણ એક સારા ક્રિએશન તરીકે ચોક્કસ વખાણવી જ પડે. આ પછીની એમની ફિલ્મ એટલે ’ભાગ મીલ્ખા ભાગ ખૂબ જ સારુ ડિરેક્શન અને ખૂબ સારી માવજત પણ એમની એક આગવી સ્ટાઇલ મુજબ ફિલ્મ નાની હોય જ નહીં. આ ફિલ્મનો રન ટાઇમ ૧૮૯ મીનીટનો છે! એટલે ત્રણ કલાક ૯ મીનીટની ફિલ્મ. આટલાં લાંબા રન ટાઇમ છતા ઇન્ટરવલ પછીના થોડા સમયમાં એવું લાગે કે ફિલ્મ થોડી ખેંચી રહ્યા છે છતા ખરાબ ડિરેક્શન તો કહી જ ન શકાય. 


        રાકેશ મહેરાનું સ્ટેટમેન્ટ અગાઉથી જ હતું કે "આ ફિલ્મ લખવા માટે અઢી વર્ષ થયા, નેશનલ એવૉર્ડ વિનર પસુન્ન જોષીએ સ્ક્રીપ્ટ, સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખ્યા પણ મીલ્ખાનો રોલ કોણ કરશે? આ વિચારે મને રાતોની રાત ઊંઘવા નથી દીધો" હાં અને એ વાત પણ એટલી જ સાચી છે કે આ રોલ માટે તમે ફરહાન અખ્તર સિવાય બીજા કોઈ પણને વિચારો તો નજર પડી જ ન શકે. ફરહાને આ પાત્ર માટે કરેલી મહેનત સતત અખબારોમાં નોંધાતી રહી છે. ફરહાને ક્યાંય પણ ડુપ્લીકેટ વાપર્યો નથી. ફરહાને પોતે જીમમાં જઈ એટલી હદે મહેનત કરી છે કે ફિલ્મમાં ફરહાનનું બોડી જોતા જ ખબર પડે છે. ફરહાન પોતે પણ કહે છે કે "મેં મારી દોડવાની સ્ટાઇલમાં ફેરફાર કર્યો, મારે મારી સ્ટેમીના વધારવાની હતી પણ અમે જે કરતા હતા એ ફિલ્મને કંઈક સારુ આપવાનો ઇરાદો હતો" ફરહાને સાચે જ ફિલ્મને ઘણું આપ્યું છે. ફરહાને ફિલ્મમાં ત્રણ ચાર જગ્યા પર સોલો લોકી કરી છે એટલે કે સ્વ અભિનય. હાં ત્રણ-ચાર વાર માંથી એકાદવાર નબળો લાગે છે તો પણ ખૂબ જ સારુ કહી શકાય એવું એક્ટીંગ. સોનમ કપુરના ભાગે કંઈ ખાસ કામ ન હતું તો પણ સોનમનું નામ સફળ ફિલ્મ્સ સાથે જોડાવા લાગ્યું છે. સાંભળ્યું છે કે આ ફિલ્મ માત્ર ૧૧ રૂપિયામાં સોનમે સાઇન કરી હતી. ફિલ્મમાં સોનમ ઉપરાંત બે અન્ય હીરોઇન છે. રબૈકા બ્રીડ્સ એક સારી મોડેલ છે. ઑસ્ટ્રેલિયા ઉપરાંત અમેરિકામાં પણ ઘણી ટેલિવિઝન એડ કરી ચૂકી છે. લગભગ ૨૦૦૦ની આસપાસ ટેલિવિઝન સિરીઝ ’વોટર રેટ્સ વખણાયેલી શ્રેણી હતી. રબૈકાએ નાનો છતા સરસ રોલ કર્યો છે. રબૈકા ઉપરાંત પાકિસ્તાની મીશા શફી છે. મીશા બોલીવુડની એક ફિલ્મ ’ધ રેલ્યુકંટ ફંડામેન્ટાલીસ્ટ અને ઉર્દૂ ફિલ્મ ’વાર કરી ચૂકી છે. મીશા સારી સિંગર પણ છે. જો તમને યાદ હોય તો એમ.ટી.વી. કોક સ્ટુડિયો પર મીશાના ચાર ગીતો આવેલા હતા. મીશાનું આલબમ ’જુગની પણ હીટ આલબમ હતું. આમ તો ફિલ્મમાં ઘણા પાત્રો છે અને બધા જ સારુ કામ કરી શક્યા છે પણ રાકેશ મેહરાની માનીતી કલાકાર દિવ્યા દત્તાનો રોલ અદભૂત રોલ છે. દિવ્યા દત્તાના ભાગે ઘણા ઇમોશન દ્ગશ્યો છે અને સાંભળવા મુજબ ફિલ્મમાં દિવ્યાએ ક્યાંય આંસુ સારવા ગ્લિસરીનનો ઉપયોગ નથી કર્યો. ફિલ્મનો આવો જ એક નાનો રોલ હીકારુએ ભજવ્યો છે. આર્મીમાં સ્ત્રી જેવું બોલતો હીકારુ આમ તો બેઝ બોલ પ્લેયર છે પણ ફિલ્મ જોતા લાગ્યું કે એ બેઝબોલ કરતા એક્ટીંગ વધુ સારુ કરી શકે છે. પ્રકાશ રાજ એટલે આમ તો વિલન પણ અહીં મીલ્ટ્રી કોચ અને પોઝીટીવ કૅરેક્ટરમાં છે. એમના એક્ટીંગ માટે તો ક્યાં કંઈ કહેવું જ પડે? આ રીતે જ પવન મલ્હોત્રા સાથે તો હું કામ કરી ચૂક્યો છું એટલે એટલું જ કહીશ કે પવનને જે કામ આપવામાં આવે એ પુરી વફાદારીથી નિભાવે છે. ફરહાનના કોચના પાત્રમાં યોગરાજ સિંઘ છે. યોગરાજ આપણા ભારતની ટીમના જૂના ક્રિકેટર છે. યોગરાજ ભારત તરફથી ૧ ટેસ્ટ અને ૬ વનડે રમી ચૂક્યા છે. જો કે ફિલ્મ પ્રત્યે એમનો લગાવ વર્ષો જૂનો છે. છેક ૧૯૮૩થી ફિલ્મ સાથે જોડાયેલા છે અને ઘણી ફિલ્મ્સ કરી ચૂક્યા છે. મીલ્ખાના પિતાની ભૂમિકામાં આર્ટ મલ્લીક છે. આમ તો પોતે ડૉક્ટર છે પણ સ્ટેજના શોખીન હોવાથી ફિલ્મ ક્ષેત્રે પણ એટલાં જ સક્રિય છે.


        ફિલ્મ ૧૯૬૦ના દાયકાની છે માટે ફિલ્મને એક સમયની વાત તરીકે રજૂ કરવી હોય ત્યારે આર્ટ ડિરેક્ટરનું કામ વધી જાય. વખાણવા લાયક વાત એ છે કે ક્યાંય પણ એક પણ એવી પ્રૉપર્ટી નજર નથી આવતી કે તમે કહી શકો આ ફિલ્મ ૨૦૧૨-૧૩માં બની હશે. હાં ફિલ્મની એક માત્ર નબળી વાત હોય તો એ કે મીલ્ખા સિંઘની મહેનતની માનસિક તૈયારી પછી સતત મીલ્ખાને તૈયારી કરતો બતાવી તેમાં સમય બગાડવો એ ફિલ્મને સહેજ લેન્ધી બનાવી દે છે. જેમ કે મીલ્ખા મહેનત કરે ત્યારે પરસેવાથી ટમલર ભરે છે અને પછી ડોલ ભરે છે. આ વાત વારંવાર બતાવવાની જરૂર મને નથી લાગતી. આ રીતે જ મીલ્ખાને વિશ્વ રેકૉર્ડ તોડવા માટે કરાવવામાં આવતી તૈયારી લગભગ ૧૫ મીનીટ ચાલે છે. ફિલ્મનું મ્યુઝિક શંકર-ઇશાન-લોયનું છે. સોંગ સંઘરવા લાયક છે. ફિલ્મના એક ગીત ’મસ્તો કા ઝુંડમાં વપરાતા શબ્દ ’હવન કરેંગે માટે ગોવામાં પંગો થયો હતો. ’હિન્દુ જન જાગૃતિ સમિતિએ બબાલ મચાવી હતી પણ આખરે તો સૌ સારવાના થયા. ફિલ્મ માટે ડિરેક્ટરનું એક વખતનું સ્ટેટમેન્ટ હતું કે આ બાયો ઇપીક છે જ્યારે લેખક પ્રસુન્ન જોષીએ આ વાત પર ઘણા ખુલાસા મીડિયા સામે કર્યા છે. જેમ કે આ માત્ર બાયો ઇપીક નથી, માત્ર પ્રેરણા છે, ફિલ્મને ઇન્ટરેસ્ટિંગ બનાવવા ઘણા ફેરફારો કર્યા છે, મુખ્ય ધ્યેય લોકોને સ્પોર્ટ્સ માટે જાગૃત કરવા જેવા ઘણા સ્ટેટમેન્ટ આપ્યા તો પણ એમના ડાયલોગ્ઝ કે સ્ક્રીનપ્લે માટે વાહ કહેવું જ પડે. ફિલ્મના અંત પહેલાનો એક ડાયલૉગ પાકિસ્તાની કોચ બોલે છે " મીલ્ખા યે તુમ્હારે જીવન કી આખરી દૌડ હો શકતી હૈં" જેના જવાબમાં મીલ્ખા કહે છે કે "દૌડુંગા ભી ઉસ તરહ"

        ફિલ્મ લગભગ ૩૦ મીનીટ જેટલી ટૂંકી કરી શકાણી હોત એમ છતા ફિલ્મ અચૂક જોવા જેવી છે જ. ફિલ્મ બનાવવામાં ખૂબ સમય લાગ્યો છે પણ વસૂલ છે. આ ફિલ્મની લંબાઈના માર્કને કાપીએ તો પણ ૩.૫ સ્ટાર તો આપવા જ પડે. આ રવિવારે ફ્રી હો તો ચોક્કસ જોઈ લેજો...





પેકઅપ:

"બદરીનાથ જઈને પરત ફરેલા ભડભાદરો હવે ભવનાથ જવાની પણ ના પાડે છે!"

Friday, 5 July 2013

લૂટેરા: ખેંચી ખેંચીને પણ ન ખેંચાયું







       લીયો ટોલ્સ્ટૉય અને ઓહેનરીની ટૂંકી વાર્તાઓ અતિ લોકપ્રિય રહી છે. લીયો ટોલ્સ્ટૉય અને ઓહેનરી લગભગ એક જ ગાળાના લેખકો. બંનેના જીવનનો અંત ૧૯૧૦માં આવ્યો પણ એમણે લખેલી દરેક ટૂંકી વાર્તાઓ અતિ અતિ સુંદર રહી છે. આમ જુઓ તો લીયો ટોલ્સ્ટૉય રશિયન લેખક હતા અને ઓહેનરી અમેરિકન લેખક હતા પણ બંનેની કૃતિઓમાં સામ્યતા એ હતી કે ભારોભાર લાગણીથી ભરેલી વાર્તાઓ લખતા. આ બંને લેખકો પર ઘણા રિસર્ચ થયા છે અને એવા પણ અભિપ્રાયો આવ્યા છે કે એમની વાર્તાઓ મેલોડ્રામા જેવી હતી પણ જ્યાં સુધી મેં વાંચ્યા છે ત્યાં સુધી હું અદભૂત વાર્તાના સર્જકો કહીશ. ઓહેનરીની વિશ્વ વિખ્યાત વાર્તા "ધ લાસ્ટ લીફ" જે સમયે દૂરદર્શનનો દબદબો હતો એ સમયે જોયેલી. દૂરદર્શન પર આવતી ’એક કહાનીમાં આ વાર્તા પરથી એક એપીસોડ તૈયાર થયો હતો. એક એપીસોડ એટલે લગભગ ૨૨ થી ૨૪ મીનીટ. હવે જો આ ૨૨ થી ૨૪ મીનીટની વાતને આખી એક ફિલ્મ સ્વરૂપે રજૂ કરવી હોય તો ખેંચવી તો પડે જ. ફિલ્મનો સમયગાળો ૧૯૫૦ થી ૧૯૫૪નો બતાવવામાં આવ્યો છે. સમય જૂનો થયો એ સાથે ફિલ્મની પેસ પણ એટલી ધીમી પડી ગઈ કે ફિલ્મ ખેંચી ખેંચીને ખેંચી તો પણ ના ખેંચાણી!


        એક આશ્ચર્ય જનક વાત એ રહી છે કે એક ડિરેક્ટર જે પહેલી ખૂબ સારી ફિલ્મ આપી ચૂક્યો હોય એ બીજી ફિલ્મમાં મોટાભાગે માર ખાય જાય છે. આ ફિલ્મ વિક્રમાદિત્ય મોટવાને ડિરેક્ટ કરી હતી. વિક્રમાદિત્યની આગલી ફિલ્મ હતી ’ઉડાન. આ ફિલ્મ આવતાંની સાથે જ હીન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમાદિત્યનું નામ ગાજવા લાગ્યું હતું. ’ઉડાનને ૭ ફિલ્મફેર એવૉર્ડ મળ્યા હતા. આ ફિલ્મ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્થાન પામી હતી. વિક્રમાદિત્ય આ પહેલા ઘણી ફિલ્મ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી ચૂક્યા હતા. સંજય લીલા ભણસાલીની ’હમ દિલ દે ચૂકે સનમમાં પણ તેઓ આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. અનુરાગ સાથે વિક્રમાદિત્યની સારી દોસ્તી એટલે ’ઉડાન’ અનુરાગ કશ્યપે પ્રોડ્યુસ કરી. ’ઉડાનમાટે એમને મળેલા એવોર્ડ્સ પછી એક મોટા બજેટની ફિલ્મની હિંમત કરશે જ એવી આશા હતી અને બાલાજી મોશન પીક્ચર્સે હાથ પકડી લીધો. દરેક ડિરેક્ટરની એક આગવી સ્ટાઇલ હોય છે એ સ્ટાઇલ મુજબ જ જેમ એમની આગલી ફિલ્મ ધીમી ગતિએ ચાલી જતી હતી એવું જ આ ફિલ્મમાં પણ થયું જેને કારણે ફિલ્મ પર લગભગ પાણી ફરી વળ્યું છે!


        રણવીર સિંઘ માટે પણ આ પ્રોજેક્ટ ખૂબ મહત્વનો હતો. રણવીરની પહેલી ફિલ્મ ’બેન્ડ બાજા બારાત યશરાજ બૅનર હેઠળ હતી. રણવીર માટે પણ એની પહેલી ફિલ્મ ખાસ રહી. રણવીરને આ ફિલ્મ યશરાજમાં ઓડીશન આપીને મળી હતી. આ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુટ મેલ આર્ટીસ્ટનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ લગભગ ૭ જેટલા એવૉર્ડ મળ્યા અને ભાઈ એક સાથે જ બ્રાન્ડ બની ગયા. આ પછી તરત જ રણવીરને ’લેડીઝ વર્સિસ રીક્કી બહેલમળી જો કે આ ફિલ્મ બોક્ષ ઓફીસ પર કોઈ ખાસ અસર છોડી શકી ન હતી અને એ પછીની ’બોમ્બે ટૉકીઝ તો પ્રયોગાત્મક ફિલ્મ હતી એટલે ખાસ ગણકારવામાં ન આવી. રણવીરે ફિલ્મમાં મહેનત કરી છે પણ વાર્તા જ કંઈ ઉકાળી શકે એમ ન હતી તો રણવીર પણ શું કરી શકે? સોનાક્ષીના નામ સાથે જ સફળતા જોડાયેલી છે. સોનાક્ષીનું કોઈ પણ ફિલ્મ હોય સુપર હીટ જ હોય પણ આ ફિલ્મથી કદાચ આ ટ્રેન્ડ ફરે. સોનાક્ષી સફળતા સાથે શરીર વધારતી જાય છે. સોનાક્ષીને હતું કે આ ફિલ્મમાં તેને એક્ટીંગનો પૂરતો સ્કોપ મળશે અને હતો પણ ખરો તો પણ સોનાક્ષી સિરિયસ રોલ કરતા ચુલબુલી જ સારી લાગે છે. આ બે મુખ્ય પાત્રો ઉપરાંત સોનાક્ષીની ફ્રેન્ડના પાત્રમાં શાહીન ગુહા છે અને રણવીરના ફ્રેન્ડના પાત્રમાં વિક્રાંત મેસી છે. વિક્રાંત આ પહેલા ’ધરમ વિર સિરિયલમાં ધરમના પાત્રમાં હતો. આ ઉપરાંત વિક્રાંતની ’બાલિકા બધુ પણ સારી સિરિયલ હતી. બંને સાઇડ આર્ટિસ્ટ સારા છે. આરીફ ઝકારીયા તો ઘણી ફિલ્મ અને સિરિયલનો અનુભવ ધરાવે છે એટલે નાના પાત્રમાં પણ સારુ કામ દેખાડી શક્યો છે. આરીફનું ખરું એક્ટીંગ જોવું હોય તો ’દરમિંયા જોઈ લેવું. ફિલ્મમાં ઇન્સ્પેક્ટરના પાત્રમાં આદિલ હુશેન છે. આદિલ હુશેન ધીમેધીમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારો એવો પગ પેસારો કરતા જાય છે. આદિલ ’કમીને, ’ઇશ્કીંયા, ’ઇંગ્લિશ વિંગ્લીશ ઉપરાંત ’લાઇફ ઑફ પાઇ જેવી ઓસ્કાર વિનર ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. જો કે આ ફિલ્મમાં એમના હીસ્સે કંઈ ખાસ કરવાનું નહોતું. 


        ફિલ્મના લેખનને નબળું જ કહેવું પડે નહિતર એક પણ આર્ટિસ્ટ નબળા નથી. વિક્રમાદિત્યએ સ્ક્રીનપ્લે લખ્યા છે અને ડાયલોગ્ઝ અનુરાગ કશ્યપના છે. ભવાની ઐયરે સ્ક્રીનપ્લે લખવામાં વિક્રમાદિત્યની મદદ કરી છે. બૂક પરથી ફિલ્મ બનાવવાનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે પણ આ અંગે ખુલાસો આપતા વિક્રમાદિત્યે કહ્યું કે " મેં આ ફિલ્મ ૨૦૦૫માં લખી હતી એટલે હું ટ્રેન્ડને ફોલોવ નથી કરતો. તમે મોટાભાગે જૂની ફિલ્મ્સ રીમેક કરો છો અથવા સાઉથની ફિલ્મ્સ માંથી ઉઠાંતરી કરો છો પણ બૂક માંથી ફિલ્મ ભાગ્યે જ બને છે. ’કાય પો છેએટલે બની કેમ કે એ બનાવવી શક્ય હતી. હું અશક્ય વાત પર કામ કરી રહ્યો છું" વાત પણ સાચી છે ૨૦ મીનીટની વાતને ૨.૨૦ કલાક ખેંચવી એટલે અશક્ય જ છે! વિક્રમાદિત્યે સમયગાળા પર ખાસ ધ્યાન રાખ્યું છે. એ સમયની ગાડી, એ સમયનું ફર્નિચર, એ સમયનો પહેરવેશ વગેરે પણ સ્ટોરી પરથી ધ્યાન હટી ગયું છે!. રણવીરને દેવ આનંદ જેવો દેખાડવા પણ પ્રયત્ન કર્યો છે. જો કે આ ફિલ્મના ઇન્ટરવલ પહેલાના ભાગને ’ધ લાસ્ટ લીફસાથે કંઈ જ લાગતું વળગતું નથી અને જો સાચું કહું તો બીજા ભાગને પણ... ક્યાં એ વાર્તા અને ક્યાં આ!


        ફિલ્મમાં જો કોઈ વખાણવા લાયક વાત હોય તો ફિલ્મનું મ્યુઝિક અને ફિલ્મની સિનેમેટોગ્રાફી. હાં ફરી મ્યુઝિક છે અમીત ત્રીવેદીનું. અત્યારના સર્જકો માંનો ખાસ સર્જક. બેંગોલી બૅકગ્રાઉન્ડથી લઈને લાગણી સભર ગીતોનું કંપોઝીશન વખાણવું જ પડે એમ છે. એ રીતે જ ફિલ્મની સિનેમેટોગ્રાફી મહેન્દ્ર શેટ્ટીએ કરી છે. આ પહેલા એમના કૅમેરાની કમાલ ’ઉડાનઅને ’સુપરસ્ટારમાં જોઈ હતી. ફિલ્મનો નિયમ છે કે જેટલા સારા કટ્સ એટલી સારી સિનેમેટોગ્રાફી. મહેન્દ્રનો કેમેરો સતત ફરતો રહે છે. જાજરમાન દ્ગશ્યો શૂટ કરીને એમણે એમની આવડત બતાવી છે તો પણ ફરી ફરીને ત્યાં જ કે આટલાં સારા લોકેશન અને સિનેમેટોગ્રાફી છતાં ફિલ્મ કંટાળો અપાવે છે. સ્ટારની વાત કરીએ તો ૨ સ્ટાર આપીને સંતોષ માની લઈએ....





પેકઅપ:

"લૂટેરા" ટાઇટલ કદાચ કોઈ પોલીટીકલ પક્ષ પરથી ઇન્સ્પાયર થયેલું હોય એવું નથી લાગતું?