Friday, 17 May 2013

ઔરંગઝેબ: સંબંધો અને સત્તા વચ્ચેની સાઠમારી


       



       ફિલ્મ બનાવતા પહેલા ફિલ્મની વાર્તા પર ખૂબ લાંબી ચર્ચાઓ થતી હોય છે. આ ચર્ચાઓ પાછળનું કારણ હોય છે કે વાર્તા ગળે ઉતરે તેવી છે? વાર્તાને એક કડીએ જોડી શકાય છે? આધુનિક સમયમાં આ વાર્તા ચાલશે? વાર્તામાં કેટલા પાત્રો મહત્વના રહેશે? આ પ્રથમ પગથીયું એટલું બધું મહત્વનું છે કે જો આ પહેલા જ પગથીયા પર ભૂલ થાય તો શર્ટનું એક બટન ખોટું દેવાય એટલે બાકીના બધાં જ ખોટા દેવાય જેવો હાલ થાય. ફિલ્મની વાર્તા પોતે જો ઐતિહાસિક હોય તો રેફ્રેન્સ મળી રહે પણ જો પૌરાણિક યુગની વાતને આજના સમય સાથે જોડવી હોય તો વાત અઘરી જ બને. ફિલ્મનું ટાઇટલ ’ઔરંગઝેબ’ આ જ વાત સાબિત કરે છે કે સત્તા માટે કોઈ જ મહત્વનું નથી. સત્તા માટે કોઈ પણને મારી શકાય, કાપી શકાય કે ગમે તે કરી શકાય તો પણ માણસ માનવિય સંબંધો પર ચાલતું પ્રાણી છે એટલે માણસ આખરે તો માણસાઈ બતાવે જ. સંબંધો અને સત્તા વચ્ચેની સાઠમારીમાં રમતી ફિલ્મ એટલે ’ઔરંગઝેબ’ અને સૌથી વધુ મહત્વની વાત તો એ કે સારી રીતે થયેલી રજૂઆત.


      ફિલ્મમાં આમ તો મસાલો જૂનો પુરાણો જ છે. જોડિયા બાળકો, ઉછેર વગેરે પણ વાતમાં આનંદ ત્યારે આવે છે જ્યારે ફિલ્મમાં આ ફેમીલી સામે બીજું ફેમીલી જોડાય છે. આ બીજું ફેમીલી પોલીસ ફેમીલી છે અને એ પણ પુરતા પ્રમાણમાં કરપ્ટ પોલીસ ઓફીસર્સ. ફિલ્મમાં ઘણા બધા પાત્રો છે પણ દરેક પાત્રનું કોઈને કોઈ મહત્વ છે જ. ગુડગાંવમાં જેકી શ્રોફ પોતાની એમ્પાયર ચલાવતા ’ભાઈ’ છે. જેકી શ્રોફને એક લાંબા ગાળા પછી સારુ પાત્ર ભજવતા સ્ક્રીન પર જોયા. જેકી શ્રોફની ઉમર દેખાય છે પણ આ ઉમરનો જ એમણે ફિલ્મમાં શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. પોતાના ચહેરા પરની કરચલીઓ છુપાવવા મેકઅપ કરવાને બદલે જેકી શ્રોફે દેખાવા દીધી છે. એ રીતે જ જેકી શ્રોફ સામે પોતાની એમ્પાયર ઊભી કરવા મથતા ઋષિ કપૂર જાણે બીજી ઇનીંગમાં પોતાની જાતને ફરી સાબિત કરવા માગતા હોય એ પ્રકારે એક્ટીંગ કરતા જોવા મળ્યા. ફિલ્મના નાના પાત્રમાં પણ સ્ટોરીના મુખ્ય ભાગરૂપ એક પાત્રમાં અનુપમ ખૈરને બતાવવામાં આવ્યા. અનુપમ ખૈરને રમવા માટે મોટું ગ્રાઉન્ડ ન આપો તો પણ ચોક્કા, છક્કા મારી જ લે. અનુપમ ખૈરનો પુત્ર સિકંદર ખૈર પોલીસ ફેમીલીનો મોટો દીકરો છે. નેગેટીવ કેરેક્ટરમાં સિકંદર આવનારા વર્ષોમાં વધુ સારુ કરી શકશે એ એણે આ ફિલ્મમાં બતાવ્યું.


       ફિલ્મમાં એક ખૂબી હોય છે, ઘણીવાર કહેવાતા મુખ્યપાત્ર કરતા અન્ય પાત્ર પાસે વધુ સારો રોલ હોય છે. આ ફિલ્મનો હીરો આમ તો અર્જૂન કપૂર છે. અર્જૂન કપૂર માટે ’ઇશ્કઝાદે’ જેવો જ રોલ આ ફિલ્મમાં પણ હતો. જો કે અહીંયા બે અર્જૂન કપૂર હતા. એક સારો અને એક બડે બાપ કી બીગડી હુઇ ઔલાદ. અર્જૂનના સારા પાત્ર માટે કહી શકાય કે અર્જૂન સારા કરતા ખરાબ પાત્રમાં વધુ સારો લાગે છે. ફિલ્મ પૃથ્વીરાજ સુકુમારનના નેરેશનથી ચાલે છે. પૃથ્વીરાજ સાઉથની ફિલ્મ્સમાં વખણાયેલ આર્ટીસ્ટ છે પણ પહેલી ફિલ્મ ’ઐયા’ કરી ત્યારે લાગ્યુ કે આવી જ ફિલ્મ્સ કરતો રહેશે તો ટૂંક સમયમાં બોલીવુડ મુકવું પડશે પણ નસીબ સારા કે પૃથ્વીરાજને ’ઔરંગઝેબ’ મળી. પૃથ્વીરાજની પત્નીના પાત્રમાં સ્વારા ભાસ્કર છે. સ્વારાને આ પહેલા ’ગુઝારીશ’ અને ’તનુ વેડ્સ મનુ’ માં જોઈ હતી. આખી ફિલ્મમાં જો નાના ડાયલોગ સાથે પણ અતિશય સારો રોલ રહ્યો હોય તો સ્વારાનો રહ્યો. સ્વારા ભાસ્કર આવનારા વર્ષોમાં ચોક્કસ નામ કાઢશે. ફિલ્મમાં શશા આગાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. શશા એટલે સલમા આગાની પુત્રી. સલમા આગાને છેલ્લે કામ ન મળ્યુ એટલે ’જંગલ ક્વીન’ જેવા ફિલ્મમાં પણ કામ કરીને ગઈ હતી. ટૂંકા કપડા પહેરવા માટે સલમા આગાએ ઘણો સમય લીધો હતો પણ શશાની તો શરૂઆત જ બીકની અને બેડ સિનથી થઈ છે અબ આગે આગે દેખે હોતા હૈં ક્યા?


       અતુલ સભરવાલનું જો હું ન ભૂલતો હોઉં તો આ પહેલું ફિલ્મ છે. પહેલા ફિલ્મના પ્રમાણમાં અતુલ સભરવાલની ક્ષમતા ખૂબ જ સારી કહેવાય. ફિલ્મની શોટ ટેકીંગ ટ્રીક્સ ખૂબ સરસ છે. કોઈ પણ શોટને લોંગ અને શોર્ટ બંને શોટમાં દેખાડવામાં આવી છે. માત્ર વન ટુ વન કટ ન લેતા લોંગ શોટથી સમય, સ્થળ બતાવવામાં આવ્યો છે અને એ પછી ઇન્ડીવીડ્યુઅલ કટ પર વાત એસ્ટાબ્લીશ કરી છે. લોકેશન્સ ઓછા હોય ત્યારે એક જ લોકેશનને વિવિધ રીતે દેખાડવું એ ફિલ્મની આર્ટ કહેવાય. અહીં આ આર્ટ સારી રીતે જોવા મળ્યું. ફિલ્મ આમ તો મ્યુઝિક બેઝ છે જ નહીં પણ હથોડા મારતા સોંગ નથી. જ્યારે ગેંગસ્ટર અને મોટા બાપના છોકરાની વાત આવે ત્યારે ક્લબ સોંગ જરૂરિયાત બની જાય છે એટલે આવું એકાદ સોંગ હોય જ એમ છતાં પણ આ ગીત સાથે થોડી વાતો જોડીને ગીત વધુ સુંદર બનાવ્યુ છે. અમાર્ત્ય રાહુત અને વિપીન મિશ્રાનું મ્યુઝિક છે.


       યશરાજ ફિલ્મ્સનું બેનર હોય એટલે ફિલ્મને રીલીઝ કે ઓછી ટોકીઝ મળવાનો પ્રશ્ન જ ન રહે. જાણવા મળ્યા મુજબ ૩૦૦૦ સ્ક્રીન રીલીઝ માટે મળી છે. યશરાજ ફિલ્મ્સ પણ આજકાલ બહુ જાણીતા ચહેરા વાળી ફિલ્મ બનાવવાને બદલે મજબૂત વાર્તાઓ લઈ ઓછા ખર્ચે મળે એવા સ્ટાર સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં તન્વી આઝમી, દિપ્તી નવલ, અમૃતા સિંઘ જેવા ઘણા જાણીતા પણ ઓછા ખર્ચે મળી શકે એવા સ્ટાર્સને લેવામાં આવ્યા છે.


      ફિલ્મની સૌથી મહત્વની બાબત છે કે વાર્તા ક્યાંય અટકતી નથી. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મમાં સમય પૂરો કરવા વધારાના દ્રશ્યો ઉમેરવામાં આવ્યા હોય છે. આવા વધારાના દ્રશ્યો અને ગીતો ફિલ્મની મૂળ વાર્તા પરથી લોકોને દૂર લઈ જાય છે અને સરવાળે બોરીંગ ફિલ્મ બને છે. ’ઔરંગઝેબ’ માં એક પણ દ્રશ્ય એવું નથી કે જે દ્રશ્યનું મહત્વ ના હોય. ફિલ્મ માંઠી કોઈ પણ દ્રશ્યને જો દૂર કરવામાં આવે તો સ્ટોરી અધૂરી લાગે. ટાઇટ સ્ક્રીનપ્લેનું યોગ્ય ઉદાહરણ આ ફિલ્મ ગણી શકાય. હાં જો ફિલ્મનું નાનકડુ ખરાબ પાસું ગણવું હોય તો એક જ વાત કહી શકાય કે વાર્તા લેંધી છે અને ઘણી જગ્યા પર ફિલ્મી જ બની જાય છે. અચાનક જ કોઈક સ્થળ ઉપર પહોંચી જવું, થોડું વધુ પડતું ઇમોશનલ થઈ જવું જેવા થોડા ખાંચાઓ છે પણ જો સારુ મનોરંજન જોતું હોય તો થોડી ખરાબ વાતો પણ સહન કરવી પડે. ફિલ્મને સ્ટાર આપવાની વાત હોય તો હું ૩.૫ સ્ટાર આપીશ. તમને રૂપિયા ગુમાવવા જેવું તો નહીં જ લાગે….




પેકઅપ:

છોકરો: “સારી લીપસ્ટીક છે”
છોકરી: “થેંકયુ”
છોકરો: “ડ્રેસ પણ સુંદર છે”
છોકરી: “થેંક યુ”
છોકરો: “જ્વેલરી પણ સારી પહેરી છે”
છોકરી: “થેંક યુ”
છોકરો: “કમાલ છે તો પણ તું સુંદર કેમ નથી લાગતી?”

1 comment:

  1. ગઈ કાલે જોયું.
    સરસ મુવી.
    સ્ટ્રોંગ ડાયરેક્શન.

    ReplyDelete