Saturday, 4 May 2013

બોમ્બે ટોકીઝ: સાવ આમ ૧૦૦ વર્ષ ઊજવાય?








         મુંગી ફિલ્મ્સનો એક જમાનો પૂરો થયો અને શરૂ થઈ બોલતી ફિલ્મ. અવાજ સાથે એક્ટીંગ માણવાનો એક અનેરો અવસર. ’આલમઆરા ભારતની પહેલી બોલતી ફિલ્મ હતી અને પછી તો ફિલ્મનો યુગ શરૂ થયો. કેટ કેટલા સર્જકો આવ્યા, કેટલી પ્રકારની ફિલ્મ્સ બની, કેટલા લોકો માટે જાણે જીવનનો માર્ગ બની. સમયને સરતા ક્યાં વાર લાગે છે? જોતજોતામાં ૧૦૦ વર્ષનો સમય વીતી ગયો. આ ૧૦૦ વર્ષમાં ભારતીય સિનેમાએ કેટલા બધા ઉતાર ચડાવ જોયા. ફિલ્મ લોકોના જીવનનો એક હિસ્સો બની ગઈ. હવે જ્યારે સિનેમાને ૧૦૦ વર્ષ પૂરા થતા હોય ત્યારે કોઈ પ્રયોગ ન થાય તો કેમ ચાલે? વાયાકોમ 18 એક પ્રયોગ માટે તૈયાર થયું અને કેમ ન થાય ૫૫૦૦ કરોડની કંપની માટે માત્ર ૬ કરોડનું ફિલ્મ બજેટ એટલે શિંગદાણા જેટલું જ થયુ! બોલીવુડના ચાર મહાન ડિરેક્ટર્સે નક્કી કર્યું કે એક જ થાળીનો ઑર્ડર આપવામાં આવે અને એ થાળીમાં ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ બધી જ ફ્લેવર મળે તો? આવી જ ઇચ્છાથી ફિલ્મનું નિર્માણ નક્કી થયું. ફિલ્મનું નામ રાખવામાં આવ્યું ’બોમ્બે ટૉકીઝ. આ ચારેય ડિરેક્ટર્સ માનવા લાગ્યા કે એક ભાણામાં ઘણું બધુ પીરસી આપણે દર્શકોને રીઝવી શકીશું અને ખરા અર્થમાં બોલીવુડ સિનેમાના ૧૦૦ વર્ષ ઉજવીશુ પણ ફિલ્મ જોઈને પહેલી વાત મનમાં આવી કે સાવ આમ કંઈ ૧૦૦ વર્ષ ઊજવાય????


        ’બોમ્બે ટૉકીઝ એટલે ચાર શૉર્ટ ફિલ્મ્સનો સમૂહ. એક સ્ટોરીને બીજી સ્ટોરી સાથે કંઈ જ લાગતું વળગતું નથી પણ એ ચાર સ્ટોરી સાથે જોડાયેલા ચાર નામ બહુ મોટા ગજાના નામ છે. કરણ જોહર, દિબાંકર બેનર્જી, ઝોયા અખ્તર અને અનુરાગ કશ્યપ. ચારેય ડિરેક્ટર્સ એવા કે જે પોતપોતાની રીતે પોતપોતાની મહાનતા સાબિત કરી ચૂક્યા છે. આ ચાર માંથી એક પણ ડિરેક્ટર માટે વખાણ કે અન્ય શબ્દોની જરૂર પડે એમ નથી કેમ કે એમની ફિલ્મ્સ બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ્સમાં આવી ચૂકી છે. એક પણ ડિરેક્ટરને એવૉર્ડની પણ ભૂખ નથી કેમ કે ઘણા એવોર્ડસ જીતી ચૂક્યા છે. બોલીવુડમાં આ ડિરેક્ટર્સના સંબંધો પણ એટલાં મજબૂત કે કોઈ પણ આર્ટિસ્ટ એમની સાથે કામ કરવા માટે તૈયાર જ હોય. અહીં નોંધનીય વાત એ છે કે ભારતમાં હજુ લોકો શૉર્ટ ફિલ્મ્સ માણતા નથી થયા પણ વિદેશમાં શૉર્ટ ફિલ્મ્સની એક દુનિયા છે. આજના સમયમાં જ્યારે લોકો પાસે સમય નથી ત્યારે અડધા કલાકની ફિલ્મ જોવાનું પસંદ કરે છે. વિદેશમાં તો આવી ફિલ્મ્સ ટૉકીઝમાં પણ રીલીઝ થાય છે અને ખૂબ મોટું માર્કેટ કવર કરે છે. આ ચારેય ડિરેક્ટર્સનો એક ઉમદા પ્રયાસ હતો કે લોકો શૉર્ટ ફિલ્મ માણતા થાય અને આવનારા ભવિષ્યમાં શૉર્ટ ફિલ્મ્સનું એક માર્કેટ ઊભું થાય. જો કે આ પ્રકારની ફિલ્મ માટે સૌથી મોટો પ્રયાસ અનુરાગ કશ્યપનો હતો કેમ કે અનુરાગના જીવનના ડિરેક્શનની શરૂઆત જ શૉર્ટ ફિલ્મથી થઈ હતી. જો સમય મળે તો યુટ્યુબ પર ’લાસ્ટ ટ્રેઇન ટુ મહાકાલી જોઈ લેવી.  ચાલો ત્યારે આ ચારેય ફિલ્મની વાતો વાગોળીએ


        ફિલ્મની પહેલી વાર્તા છે ’અજીબ દાસ્તાં હૈં યે. રણબીર હુડા, રાની મુખર્જી અને શકીબને લઈને બનેલી એક ખૂબ સરસ વાત. મારી દ્રષ્ટિએ કરણ જોહરનું ડિરેક્શન સૌથી ખરાબ રહેશે એવી ધારણા હતી પણ મારી ધારણાથી ઊંધુ આ એક જ ફિલ્મ છે જે માણવા લાયક છે. ફિલ્મમાં રાણી અને રણબીર હસબન્ડ-વાઇફ છે. બંનેનું જીવન સામાન્ય રીતે ચાલે છે અને અચાનક શકીબ રાનીનો દોસ્ત બને છે. શકીબ ’ગે છે. શકીબને રણબીર સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મનો એક ડાયલૉગ આખી ફિલ્મની વાત બહાર લાવે છે. શકીબ રણબીરને એક સી.ડી. ગિફ્ટ આપવા આવે છે. રણબીર શકીબને પૂછે છે કે ’ડુ યુ વોન્ટ ટુ કમ ઇન?’ શકીબ જવાબ આપે છે ’ડુ યુ વોન્ટ ટુ કમ આઉટ?’ વાત અંદર આવવા કે બહાર નીકળવાની જ છે. રણબીર અને શકીબની કીસ એક મીસ્ટ્રી છે. કરણ ’ગે વિષય પર સારુ લખી શકે કેમ કે એ સ્વીકારે છે કે એ ’ગે છે. સાચે જ એક અનોખી સ્ટોરી એટલે ’અજીબ દાસ્તાં હૈં યે. સ્ટેશન પર આ ગીત ગાતી છોકરી અને વ્યથાનું અગાઉ ક્યારેય ન જોયું હોય એવું ફિલ્માંકન. 


        એક સરસ સ્ટોરી જોઈને જ્યારે તમે બીજી સ્ટોરી તરફ આગળ વધો ત્યારે હતાશા મળે તો દુ:ખ થાય પણ જ્યારે કે પૅકેજમાં આમલેટ અને ઉતપમ બેય મળતું હોય ત્યારે સ્વીકારવું તો પડે જ! બીજી ફિલ્મ હતી ’સ્ટાર. સત્યજીત રે ની શૉર્ટ સ્ટોરી ’પાતોલ બાબુ ફિલ્મ સ્ટાર પરથી એડપ્ટ થયેલી ફિલ્મ. આમ તો આ ફિલ્મ બેંગોલી બૅકગ્રાઉન્ડ પર બનેલી પણ ફિલ્મનો સ્ક્રીનપ્લે મરાઠી બૅકગ્રાઉન્ડ પર તૈયાર કરવામાં આવ્યો. નવાઝુદ્દીન સીદ્દીકી અને સદાશિવ અમરાપુરકરને લઈને બનેલી ફિલ્મમાં ગમે તેટલું ધ્યાન આપવા છતા બેંગોલી ટચ આવી જ ગયો. સત્યજીત રે અચૂક પણે જબરજસ્ત લેખક છે પણ જો એમની વાર્તા પરથી ફિલ્મ બનાવવું હોય તો દિબાકરે પહેલા ’સત્યજીત રે પ્રેઝન્ટ્સ સિરિયલ જોવી જોઇતી હતી. ડ્રીમ અને હકીકત વચ્ચે રમતી આ ફિલ્મ તમારો સમય બગાડવા માટે પૂરતી કોશિશ કરે છે અને એમાં સફળ પણ રહે છે.


        ઝોયા અખ્તર તાજેતરમાં જ સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે ત્યારે ઝોયા એ બનાવેલી ફિલ્મ ’શીલા કી જવાની ની મૂળ વાત મજબૂત હતી પણ અગાઉ જોઈ ચૂકેલી વાતનું જ પુનરાવર્તન હતું. ’થ્રી ઇડિયટ્સમાં એડલ્ટ વ્યક્તિના મુખે જે થીમ રજૂ થયો એવો જ થીમ બાળકો પાસે રજૂ કરાવવામાં આવ્યો છે. ફિલ્મની શરૂઆતમાં થોડા બાળકો બતાવવામાં આવ્યા જે પોતાની વાત કહે છે કે ’મૈં બડા હો કે.... બનના ચાહતા/ચાહતી હું. આ શરૂઆતમાં જ આખી ફિલ્મ ઝોયાએ ખોલી નાખી. એક બાળક જેને ડાન્સર બનવું છે અને બાળકના પિતા ઇચ્છે છે કે બાળક સ્પોર્ટ્સ શીખે. ભાઈ અને બહેન વચ્ચેની કેમેસ્ટ્રી અને એમાં કેટરીના કૈફની ડ્રીમ સિક્વન્સ વચ્ચે બાળક પોતાના ડ્રીમ તરફ ડ્રીમને છુપાવીને આગળ વધતો બતાવવામાં આવે છે પણ મૂળ વાત જ્યારે અગાઉ જ ડીક્લેર થઈ ગઈ હોય ત્યારે આખી થીમની મઝા મારી જાય છે.

        અનુરાગ કશ્યપનું નામ આવે એટલે એકવાર માટે તો એમ જ થાય કે અનુરાગે પોતાની છેલ્લે સ્ટોરી રાખવા પાછળનું કારણ હશે કે આ ફિલ્મ બધી ફિલ્મ્સ કરતા હટકે હશે પણ અનુરાગની ફિલ્મ જોઈને તો સાવ હતાશ થવાયું. ગામડામાં રહેતા એક યુવાનને એના પિતા કહે છે કે જો આ મુરબ્બો અમિતાભ બચ્ચન ચાખી લે તો હું જીવી જઈશ. અમિતાભ બચ્ચનને મળવા અને મુરબ્બો ચખાડવા માટેના પ્રયત્નો અદભૂત છે પણ વાતમાં ખાસ દમ ના રહ્યો. અનુરાગ પાસેથી આવી સામાન્ય વાતની અપેક્ષા ન જ રાખી શકાય જ્યારે અનુરાગ ’ગેંગ્સ ઑફ વસેપુર જેવી ફિલ્મ આપી ચૂક્યો હોય. વાર્તા ખરેખર સરસ છે અને એમાં પણ અમિતાભની એન્ટ્રી એટલે લાજવાબ. અમિતાભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભગવાન જ છે! તો પણ ફિલ્મની વાર્તા અનુરાગના પ્રમાણમાં મજબૂતી સાબિત ન જ કરી શકી.\


        ફિલ્મના અંતમાં જ્યારે ૧૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે કલાકારોનો કાફલો બતાવવો જ પડે. એક ગીતમાં બોલીવુડની ઘણી બધી જાણીતી હસ્તીઓને સ્થાન આપવામાં આવ્યું. એટલું ખરાબ ગીત કે એક પણ કલાકાર જોવા ગમ્યા નહીં. આ પહેલા ’જોન જાની જનાર્દન....’ ગીતમાં અલગ અલગ કલાકારોને જોયા ત્યારે એમ થયું કે એક સ્ટેજ પર એક સાથે આટલાં કલાકારોને માણવું એ એક લહાવો જ ગણાય પણ કોરીયોગ્રાફીના નામે સાવ મીંડું એવી રીતે ગીત રજૂ કરવું એટલે શરમની વાત કહેવાય. જો કે જ્યારે અલગ અલગ પ્રાંતના અલગ અલગ લોકોને મોઢે એક જ લાઈન બોલાવવી હોય તો ’મીલે શૂર મેરા તુમ્હારા...’ થી શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ જ નથી. આવી જ કંઈક આશા સાથે છેલ્લું ગીત જોયું હતું પણ સાવેસાવ હતાશા. અમીત ત્રીવેદીના મ્યુઝિકનો હું આશિક રહ્યો છું પણ આ ફિલ્મ માટે કોઈ પ્રયત્ન જ નથી થયા એવું લાગે છે. આખુ ફિલ્મ જોઈને એમ જ થયું કે એક માત્ર કરણ જોહરની ફિલ્મ જોવા માટે આ ફિલ્મ બની હોય. કરણના ફિલ્મ માટે ૨ સ્ટાર આપવા પડશે



પેકઅપ:

"પ્રેમ પણ ગજબ છે... જો માં સાથે હોય તો પૂજા, બાપ સાથે હોય તો ઇજ્જત, ભાઇ સાથે હોય તો વિશ્વાસ, બહેન સાથે હોય તો ફરજ અને જો પત્ની સાથે હોય તો.....

સાલો બૈરીનો ગુલામ થઈ ગયો છે!"

No comments:

Post a Comment