Friday, 10 May 2013

ગો ગોવા ગોન: વધુ એક ગોન મૂવી






         ભારતની પ્રજા પહેલેથી જ સિનેમા પ્રેમી રહી છે. હું ભારતીય સિનેમાને વિદેશી ફિલ્મ્સ કરતા વધુ સબળું માનુ છું કારણ કે વિદેશમાં બનતી ફિલ્મ માટે બજેટની કોઈ જ લીમીટ હોતી નથી. જો પૂરતા રૂપિયા ખર્ચ કરવાના હોય તો કોઈ પણ વ્યક્તિ સારી ફિલ્મ બનાવી શકે પણ ભારતમાં લીમીટેડ બજેટમાં ખૂબ સારી ફિલ્મ્સ બની છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ ઉદ્યોગ સતત નવા નવા પ્રયોગો પણ કરતું જ રહ્યું છે. ફિલ્મ કોઈ પણ ઝોનરની હોય પણ સમય સાથે સાથે બદલાવ આવ્યો છે, વધુ સારી બનવા લાગી છે અને ફિલ્મ માટે થતી મહેનત ચોખ્ખી દેખાય આવે છે. આવા જ કંઈક વિચાર સાથે સૈફ અલી ખાને પણ ’ગો ગોવા ગોન અમેરિકન ફિલ્મ ’ઝોમ્બીલેન્ડ પરથી વિચાર લઈને પોતે જ પ્રોડ્યુસ કરવાનું નક્કી કર્યું. વાતનો મૂળ થીમ સરસ છે કે હોરર, લાઇફ-ડેથ ગેઈમ પણ કૉમેડી સાથે રજૂ કરવી. ખૂબ મહેનત અને ખર્ચ પછી પણ જે વાત બહાર લાવવા માગે છે એ ડૂબતી દેખાય છે. ફિલ્મ અપેક્ષા મુજબ જ ખેંચાતી ફિલ્મ લાગે છે એટલે દુ:ખની વાત એ છે કે બોલીવુડ નામે કદાચ વધુ એક ગોન મૂવી આવી!


        રાજ નીદીમોર અને ક્રીષ્ના ડી.કે. ખાસ મિત્રો. આમ મૂળરૂપે તો એન્જીનિયર્સ પણ ફિલ્મનો ચસકો એવો છે કે કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ ફિલ્મમાં ઝંપલાવવા તૈયાર જ હોય છે. આ બંને મિત્રો પણ ફિલ્મ બનાવવાના રવાડે ચડી ગયા. ૨૦૦૩માં આ બંને મિત્રોની શોર્ટ ફિલ્મ ’ફ્લેવર્સ લોકોએ વખાણી હતી એટલે આ પછી ૨૦૦૮માં ’શોર, ૨૦૦૯માં ’99’ પછી ફૂલ લેન્થ ફિલ્મ ’શોર ઇન ધ સીટી સાથે ૨૦૧૧માં આવ્યા. આ ફિલ્મના ક્રિટીક્સ દ્વારા ખૂબ વખાણ થયા. ઘણી જગ્યાએ આ ફિલ્મને નોમીનેશન પણ મળ્યું. આ ફિલ્મ ભારત બહાર બનાવવામાં આવી હતી એટલે કદાચ ’ગો ગોવા ગોન એમની પહેલી ફૂલ લેન્થ ભારતીય ફિલ્મ ગણી શકાય. ડિરેક્શન બાબતે એટલું તો કહેવું જ પડશે કે ખરેખર સારી મહેનત કરી છે. આશા રાખીએ કે હવે પછીની એમની ફિલ્મ્સમાં સ્ટોરી પર પણ ધ્યાન આપશે. વાતની રજૂઆત સરસ કરી પણ ફિલ્મમાં જ્યારે લગભગ પ્રીડીક્ટેડ સિન આવે ત્યારે જોવાની મઝા મરી જાય છે.


        ફિલ્મની વાર્તા ત્રણ મિત્રોથી શરૂ થાય છે. એક જ રૂમમાં વિર દાસ, કુણાલ ખેમુ અને આનંદ તિવારી રહે છે. છોકરી, દારૂ, ડ્રગ્ઝ બધી જ જીવનની મઝા લૂંટી લેવા માટે જીવતા આ મિત્રો છે. વિરની પ્રેમિકા સાથે અફેર તૂટે છે એટલે સ્વભાવિક રીતે જ ચેઇન્જ માટે ગોવા જવાનું નક્કી થાય છે. આનંદને કંપનીની મીટિંગ પણ છે. ગોવામાં તેમની મુલાકાત પૂજા ગુપ્તા સાથે થાય છે. પૂજા એક પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપે છે. આ પાર્ટી સૈફ અલીખાન તરફથી યોજવામાં આવી છે. પાર્ટી દરમિયાન એક નવું ડ્રગ પીરસવામાં આવે છે. આ ડ્રગ જેટલાં લોકોએ લીધું એ બધા જ જીવતી લાશ બની જાય છે. આ લોકો માણસને પણ ખાવા લાગે છે. અહીંથી બચવા અને મરવા વચ્ચેની રમત શરૂ થાય છે. ફિલ્મમાં કુણાલ ખામુ ને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને કેમ ન અપાય સોહા અલીખાનનો બોયફ્રેન્ડ હોય તો પછી સૈફની ફરજ બને કે બનેવીને સાચવવા પડે. જો કે કુણાલ ખેમુ સારો એક્ટર છે જ. જુનવાણી લોકોને કદાચ યાદ હશે કે દુરદર્શનની સિરિયલ ’ગુલ ગુલશન ગુલફામમાં કુણાલે બાળ કલાકારથી પોતાની કેરિયર શરૂ કરી હતી. ફિલ્મની વાત કરીએ તો એની પહેલી ફિલ્મ મહેશ ભટ્ટની ’સર હતી પણ લોકો કુણાલને ઓળખતા થયા ’હમ હૈં રાહી પ્યાર કેથી. કુણાલ જાણે એકાએક મોટો થઈ ગયો હોય એમ ’કલિયુગમાં જોયો ત્યારે ગમ્યું હતું. જો કે કુણાલ કોઈ ખાસ હીટ ફિલ્મ નથી આપી શક્યો પણ સારા રોલમાં ’જય-વિરુ અને ’બ્લડ મનીમાં જોવા મળ્યો હતો. ફિલ્મનું બીજુ પાત્ર વિર દાસ લગભગ ૨૦૦૭થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે પણ સારો બ્રેક ગણવો હોય તો આ ફિલ્મ જ ગણી શકાય. વિર દાસની પહેલી ફિલ્મ હતી ’મુંબઈ સાલસા આ પછી ’નમસ્તે લંડન, ’લવ આજ કલ, ’બદમાશ કંપની, ’દિલ્હી બેલી જેવી ફિલ્મ્સ કરી પણ આ ફિલ્મ જેટલું વેઇટેજ એક પણ ફિલ્મમાં જોવા નથી મળ્યું. કદાચ અ વર્ષમાં જ ’અમીત સાહની કી લીસ્ટ રીલીઝ થશે. સાંભળ્યું છે કે આ ફિલ્મમાં લીડ રોલમાં વિરને લેવામાં આવ્યો છે. વિર પણ આ ફિલ્મમાં ઠીકઠાક પરફોર્મ કરી શક્યો છે. આનંદ તિવારી ’ઉડાન, ’ધ ઇમોશનલ અત્યાચાર, ’ઐશા, ’કાઇટ્સ જેવી ફિલ્મ્સનો અનુભવ ધરાવતો જ હતો. આનંદ માટે આ ફિલ્મનો રોલ એકદમ યોગ્ય રોલ હતો. ફિલ્મની હીરોઇન પૂજા ગુપ્તા ૨૦૦૭માં ભારત તરફથી ’મીસ યુનિવર્સ માટે મોકલવામાં આવી હતી અને નવમાં સ્થાને રહી હતી. આ પહેલા એક ફાલતુ ફિલ્મ એટલે કે ’ફાલતુ કરી. ક્યાંય ખાસ નોંધ લેવાણી ન હતી પણ કદાચ આ ફિલ્મ પછી એની સુંદરતાને અન્ય પ્રોડ્યુસર્સ પણ ઓળખે! સૈફ અલીખાન સમય જતા એક્ટીંગ શીખ્યો છે. એક સમય હતો જ્યારે સૈફને જોવાનો પણ કંટાળો આવતો પણ ખાસ્સા ફેરફાર પછી સૈફે પોતાની જાતની આગવી ઓળખ બનાવી પણ આ ફિલ્મમાં સૈફ આ ઓળખાણ ગુમાવી ન બેસે તો સારુ.


        મ્યુઝિક માટે નવી સંગીત બેલડી સચીન-જીગર લેવામાં આવી છે. ગીતો ખરેખર કર્ણપ્રિય બન્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોયેલું છે કે જ્યારે પણ પહેલી ફિલ્મ આવે ત્યારે મ્યુઝિક વખાણવા લાયક જ હોય છે પણ ધીમે ધીમે સ્ટોક ખલાસ થઈ જાય છે. આ ફિલ્મમાં ’આઇ કીલ ડેડ પીપલ ગીત સૈફ અલીખાને ગાયું છે. જોઈએ હવે આગળ બીજા કોઈ સૈફને ફરી ગાવાનો મોકો આપે છે કે પછી હોમ પ્રોડક્શન પૂરતું જ સીમિત રહી જાય છે. હોરર ફિલ્મની જેમ બૅકગ્રાઉન્ડ સ્કોર પણ ખોટો ઘોંઘાટીયો નથી.


        વાત મઝાની, બધાની એક્ટીંગ પણ સારી, ડેન અને લુકાઝની સિનેમેટોગ્રાફી પણ હટકે છે, આયેશાની ટીમે સ્પેશીયલ મેકઅપ પણ સારો કર્યો છે, મ્યુઝિક કર્ણપ્રિય છે, ડિરેક્શન પણ સારુ છે તો પછી ફિલ્મ ખરાબ કેમ કહી શકાય? ફિલ્મ એવો વિષય છે કે જે છેલ્લે તો સ્ટોરી પર જ ચાલે છે. ફિલ્મની વાર્તા નક્કી થયા મુજબ જ ચાલે છે, જરૂર ન હોય ત્યાં પણ ગાળોની ફેંકાફેંકી થાય છે, વાત સતત લંબાતી નજર આવે છે, મોતનો ડર સામે હોય ત્યારે કૉમેડી કરવી એ ભારતીય લોકોની ક્ષમતા નથી. જો સ્ક્રીનપ્લે લખ્યા પછી ફરીવાર એકાદ બેઠક થઈ હોય તો કદાચ આ ફિલ્મ સુપર હીટ બની શકી હોત. ફિલ્મને હું જોવી ન જોવી જોઈએ એવું નથી કહેતો પણ ૨.૫ સ્ટાર જ આપુ છું એટલે ઘેર જોવી કે થિયેટરમાં એ તમારે નક્કી કરવાનું...





પેકઅપ:

પપ્પુ: "રેડિયો મીર્ચી માંથી શિતલ બોલે છે?"
શિતલ: "હાં"
પપ્પુ: "મને એક પાકીટ મળ્યું છે જેમાં ૧૦૦૦૦ રૂપિયા છે, ૩ ક્રેડિટ કાર્ડ છે અને એક સહી કરેલો બ્લૅન્ક ચેક છે"
શિતલ: "તમે એ વ્યક્તિને આ પાકીટ પાછું આપવા માંગો છો?"
પપ્પુ: "ના એમના માટે એક સેડ સોંગ ડેડીકેટ કરવા માંગું છું"

No comments:

Post a Comment