જિંદગીની ભાગાભાગમાં ફસાયેલો માણસ આખરે જો કંઈ ઇચ્છતો હોય તો
શાંતિ, સુખ અને આનંદ ઇચ્છે છે. જે ઈશ્વરમાં માને છે એ ભક્તિ કરીને આનંદ મેળવે છે, જે
શરાબના શોખીન છે એ નશો કરીને સુખ મેળવે છે અને મારા તમારા જેવા લોકો જેના માટે ફિલ્મ
એક જીવન છે એ ફિલ્મ જોઈને આનંદ મેળવે છે. દરેક લોકો માટે ફિલ્મનો અલગ અલગ વિષય પસંદગીનો
હોઈ શકે પણ એક બાબત પર લગભગ બધા જ એકમત હોય છે કે કૉમેડી ફિલ્મ જોઈને ફ્રૅશ તો થઈ જ
જવાય. કૉમેડી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અભિન્ન અંગ છે. ફિલ્મ કોઈ પણ ગંભીર વિષય
પર હોય પણ ફિલ્મમાં કૉમેડી આવે તો લોકો વધુ પસંદ કરે. આ સમયે જ્યારે ભારતની શ્રેષ્ઠ
કહી શકાય એવી કૉમેડી ફિલ્મ્સની રીમેકનો વિચાર એટલે એમ લાગે કે ભારતીય સિનેમા જગત સાચે
જ ફિલ્મ માટે ડેડીકેટેડ છે. ’ચશ્મે બદ્દદૂર’ જેવી હટીને બનેલી ૧૯૮૧ની રીમેક ફિલ્મ જોઈ
ત્યારે સાચે જ દુખી થઈ જવાયું કે આ ફિલ્મને કૉમેડી સાથે કંઈ લાગતું વળગતું જ નથી, આ
તો કૉમેડીથી ઘણી દૂર છે!!!
૧૯૮૧ની ’ચશ્મે
બદ્દદૂર’માં
ફારૂક શેખ, રવિ બાસવાની, રાકેશ બેદી, દિપ્તી નવલ અને સઈદ જાફરી જેવા ધુરંધર કલાકારો
હતા. હું બહુ નાનો હતો ત્યારે ફિલ્મ જોઈ હતી છતા આજની તારીખે પણ હું ફિલ્મને ભૂલી શક્યો
નથી. સંઈ પરાંજપેની લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ ઓલ ટાઇમ ફેવરીટ છે. સંઈ પરાંજપેના
લેખન અને ડિરેક્શન માટે વખાણના શબ્દો પણ ટૂંકા પડે. વાયાકોમ 18 અને ડેવીડ ધવને આ ફિલ્મની
રીમેક માટે સંઈ પરાંજપેને કથાને આધુનિક ઢાંચામાં ઢાળવાનું કહેવામાં આવ્યું. ડેવીડ ધવનના
પત્ની અને સંઈ પરાંજપે એ મળીને આધુનિક કથા લખી અને ડાયલૉગ સાજીદ અને ફરહાદને લખવા આપ્યા.
બસ અહીંથી જ આખી રામાયણ શરૂ થઈ. જે સ્થિતિમાં જે કૉમેડી સારી લાગતી હોય એ જ લાગે બાકી
હથોડો બનીને માથે પડે. ફિલ્મના એક પાત્ર એટલે કે ફિલ્મમાં ઓમી નામનું કૅરેક્ટર ભજવતો
દિવ્યેંદુ શર્માને શાયરી બોલતું કૅરેક્ટર આપવામાં આવ્યું. એના મોઢે બોલાતા શેર ચીપ તો લાગે જ છે પણ વધારામાં એટલાં ચવાયેલા જોડકણા
છે કે એકાદવાર માથુ દિવાલ સાથે ટકરાવવાની ઇચ્છા થઈ આવે. દિવ્યેંદુને જ્યારે ’પ્યાર
કા પંચનામાં’માં
જોયો ત્યારે લાગ્યું હતું કે આ છોકરો એટલીસ્ટ સપોર્ટીંગ રોલ સારા કરી શકશે પણ જો આવા
જ રોલ કરશે તો સપોર્ટીંગ રોલ્સ પણ મળશે કે કેમ એ પ્રશ્ન છે! જો કે સિદ્ધાર્થ નારાયણ
માટે આ પ્રશ્ન નથી કેમ કે સાઉથની ઘણી બધી ફિલ્મ્સ કરી ચૂક્યો છે અને કરી પણ રહ્યો છે.
તમને જો યાદ હોય તો ’રંગ દે બસંતી’માં સિધ્ધાર્થે દમદાર ભૂમિકા ભજવી હતી. ’રંગ
દે બસંતી’ માટે
બેસ્ટ ડેબ્યુ એક્ટરના એવૉર્ડ માટે નોમીનેટ પણ થયો હતો પણ આ ફિલ્મમાં એની પાસે ઓવર એક્ટીંગથી
વધુ કંઈ જ કરવાનું ન હતું. આમ પણ ડિરેક્ટર કોણ છે એ એટલું જ મહત્વનું છે. ફિલ્મનું લીડ પાત્ર સિદ્ધાર્થ એટલે અલી ઝફર. અલી
ઝફર મૂળે પાકિસ્તાની સિંગર છે. અલીની પહેલી ફિલ્મ હતી ’તેરે બીન લાદેન’ અને
બીજી ફિલ્મ હતી ’લંડન, પેરીસ, ન્યુયોર્ક’. આ બંને ફિલ્મમાં એક્ટીંગ ઉપરાંત સીંગીગ
પણ કર્યું હતું. ડેવીડ ધવનના માનવા મુજબ અલી ઝફરથી સારો બીજો કોઈ વિકલ્પ ફારુક શેખના
પાત્ર માટે હોઈ જ ન શકે. અલી એશિયાના મોસ્ટ સેક્સીએસ્ટ મેનમાં ઋત્વિક પછી બીજા નંબર
પર ૨૦૧૨માં રહી ચૂક્યો છે. ફારુક શેખ સાથે જો અલીને કંપેર કરવામાં આવતો હોય તો ફારુક
શેખ પાસે આત્મહત્યાનો માર્ગ ખુલ્લો જ છે! જો કે આ ફિલ્મમાં અલીએ ગાયેલા ત્રણ ગીત માટે
અલીના વખાણ કરવા પડે પણ જો આ ફિલ્મથી સમજીને એ સિંગર તરીકે જ પોતાની કેરિયર બનાવે તો
વધુ સારુ થાય તો પણ ’અમન કી આશા’ યામી ગૌતમ સાથે અને ’કીલ દીલ’ પરિનીતી
ચોપરા સાથે એની આવનારી ફિલ્મ્સ છે. આશા રાખીએ કે હવે અટકી જાય.
તાપસી પન્નુ
આમ તો પંજાબી કુડી છે પણ તાપસીને બધાની જેમ જ સાઉથ સદી ગયું છે. તાપસી તામીલ, તેલુગુ
અને મલયાલમ ફિલ્મ્સ કરી ચૂકી છે અને નેશનલ એવૉર્ડ પણ જીતી ચૂકી છે. તાપસી ૨૦૦૮માં
’સાફી ફેમીના મીસ બ્યુટીફુલ સ્કીન’ એવૉર્ડ જીતી હતી. તાપસીની ખરેખર સ્કીન ખૂબ
જ સારી છે, એક્ટીંગ નહીં. તાપસીએ તો શૂટ દરમિયાન એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું "અમે
જાણે એક એન્ટરટાઇન્મેન્ટ ઝોનમાં હતા. અમે ગોવામાં શૂટ કર્યું. જાણે કોઈ પીકનીકમાં આવ્યા
હોઈએ એવું લાગ્યું અને એ પણ પૈસા લઈને હોલીડે
પર હોઈએ એવું" એકદમ સાચી વાત તાપસી, તમે ફિલ્મમાં એક્ટીંગ પણ હોલીડે જેવી
જ કરી છે! તાપસીને ભલે એન્ટરટાઇન્મેન્ટ ઝોન લાગ્યો પણ તમારા માટે આ ફિલ્મમાં કોઈ જ
એન્ટરટાઇન્મેન્ટ નથી. ઋષિ કપૂર અને લીલેત દુબેના પાત્રને જૂની ફિલ્મમાં ન હોવા છતા
આ ફિલ્મમાં ઉમેરવામાં આવ્યા છે. ફિલ્મનો થોડો સારો ભાગ કહી શકાય તો આ બે પાત્રો છે.
જૂની ફિલ્મ જો તમને યાદ હોય તો ચમકુ વોશિંગ પાવડર વાળો કિસ્સો ગમે તેમ કરીને ધરાર આ
ફિલ્મમાં મૂકવામાં આવ્યો છે જે જોતા જ થશે કે જૂની ફિલ્મના ખાસ પ્રસંગની આટલી હદે બેઇજ્જતી?
’ચશ્મે બદ્દદૂર’ આમ
તો ૨૦૦૬માં જ ડીક્લેર થઈ ગઈ હતી. ડેવીડ ધવને એક સાથે ચાર ફિલ્મ્સ એનાઉન્સ કરી હતી અને
જાહેર નિવેદન આપેલું કે ’ચશ્મે બદ્દદૂર’ ઓનીર ડિરેક્ટ કરશે. ઓનીર એ સમયે ઓસ્ટ્રેલીયા
હતો. ઓનીરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ઓનીરે સ્પષ્ટ પણે કહ્યું કે ’હું આવું કશું
જ જાણતો નથી અને મેં કોઈ ફિલ્મ સાઇન કરી નથી’ આ પછી થૂંકેલુ ગળવાની પરિસ્થિતિ આવતા ડેવીડ
ધવન પોતે જ આ ફિલ્મ ડિરેક્ટ કરશે એવું જણાવ્યું. ડેવીડ ધવને એક ઇન્ટર્વ્યું માં કહ્યું
કે " હું કોઈ પણ અભિમાન વગર કહું છું પણ મને બોલીવુડના કોઈ એક ડિરેક્ટરનું નામ
કહો જેણે ૨૦ વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં કાઢ્યા હોય, ૪૦ ફિલ્મ્સ બનાવી હોય અને હજુ પણ ફિલ્મ
મેકીંગમાં હોય" વાત એકદમ સાચી છે. બહુ જ ગણ્યા ગાંઠ્યા લોકો છે જે આટલો લાંબો
સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટક્યા હોય. એક જમાનો હતો જ્યારે મગજ ઘેર મૂકીને જોવાની કૉમેડી
ફિલ્મ્સ પર માત્ર ડેવીડ ધવનનો જ ઇજારો હતો. એમાં પણ ગોવિંદા અને ડેવીડ ધવનની જોડીએ
તો કમાલ કર્યો હતો. આજે પણ ગોવિંદાની એ ફિલ્મ્સ જોવાનો આનંદ આવે છે પણ આ ફિલ્મમાં ડેવીડે
સાચે જ હથોડો ફટકાર્યો છે. ડેવીડ ધવન સારા અને સક્સેસફુલ ડિરેક્ટર રહ્યા છે. કોર ફિલ્મ્સ
બનાવવાના બદલે લોકોને ખુશ કરતી ફિલ્મ્સ જ એમણે બનાવી છે પણ હવે સમય અને જમાના સાથે
યુથને ટાર્ગેટ કરવા જતા આ ફિલ્મમાં તો સાવ ઓટલો વાળી દીધો છે. ઉમર સાથે બુધ્ધી મંદ પડે છે એવું સાંભળ્યું તો હતું
પણ ’ચશ્મે બદ્દદૂર’ જોઈને અનુભવ્યું! તમારી પાસે જો વધારાનો સમય હોય તો જૂની
’ચશ્મે બદ્દદૂર’ લઈ આવીને ફરી જોઈ લેજો પણ ખૂબ ટૂંકા રન ટાઇમ વાળી આ ફિલ્મ જોવામાં
સમય બગાડતા નહીં. ફિલ્મને કોઈ પણ સંજોગોમાં સ્ટાર આપવાની હિમ્મત નથી થતી એટલે રહેવા
દઉં છું.....
પેકઅપ:
’ચશ્મે બદ્દદૂર’ના શૂટ દરમિયાન એક ફાઈટ સીન વખતે ઐયાઝ ખાનનો
પંચ અલી ઝફરને લાગ્યો હતો....
.
.
પબ્લીકની દયા ખાયને જોરથી મારવો હતો યાર....
No comments:
Post a Comment