આપણે ત્યાં કહેવત છે કે ’બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા’. બાહ્ય દેખાવની બાબતમાં કદાચ આ સમીકરણ સાચું પડતું હશે પણ ટેલેંટની બાબતમાં તો મોટા ભાગે ખોટું સાબિત થયું છે અને એમાંયે ફિલ્મી દુનિયામાં તો ખાસ. (હા, કેટલાક બેટા સવાયા સાબિત થયા છે એ અલગ વાત છે!) ’શોલે’ જેવી માઇલસ્ટોન ફિલ્મ આપનારા નિર્દેશક રમેશ સિપ્પીના દીકરા રોહન સિપ્પીએ નિર્દેશક તરીકે ૨૦૦૩માં ’કુછ ના કહો’થી પદાર્પણ કર્યું અને ૨૦૦૫માં આવેલી મજબૂત પટકથા અને દિગ્દર્શન ધરાવતી ફિલ્મ ’બ્લફ માસ્ટર’થી એમ લાગ્યું કે છોકરો બાપનું નામ રોશન કરે એમ છે પણ ૨૦૧૧માં આવેલી ’દમ મારો દમ’ વળી પાછો કાંઇ જ દમ ન મળે! એટલે ’નૌટંકી સાલા’ માથે પડવાનું પૂરેપૂરું જોખમ હોવા છતાં આ અઠવાડિયે બીજી કોઇ હિન્દી ફિલ્મ એની સાથે રેસમાં ના હોઇ જોખમ લીધા સિવાય છૂટકો નહોતો.
ફિલ્મ ’નૌટંકી સાલા’ એક ફ્રેન્ચ ફિલ્મ ’એપ્રેસ વૂસ’ની રિમેક છે. અહીં રિમેક શબ્દ સમજી વિચારીને લખ્યો છે કારણને રિમેક એટલે કાયદેસરની રિમેક છે જેના હક્ક નિયમમુજબ પેમેન્ટ કરીને લેવામાં આવ્યા છે, ’બોલિવૂડ’ની જાણીતી પરંપરા પ્રમાણે નહીં! ફિલ્મની
શરૂઆત હિરો રામ પરમાર (આયુષ્યમાન ખુરાના) નું કાઉન્સેલીંગ ચાલે છે ત્યાંથી થાય છે અને ફિલમ ફ્લેશબેકમાં જતી રહે છે. ફિલ્મનો હિરો રામ પરમાર
એક નાટક કંપનીમાં રાવણલીલા નામનાં નાટકમાં રાવણનું પાત્ર ભજવે છે અને સાથે સાથે નાટકનો
નિર્દેશક પણ છે. એકવાર એ કાર લઈને જતો હોય છે ત્યારે એની રસ્તા પર નજર પડે છે તો એક
યુવાન એક ઝાડની ડાળી સાથે દોરડું બાંધીને આત્મહત્યા કરવાની તૈયારીમાં હોય છે. પરગજુ
સ્વભાવનો અને હમેશાં બીજાની મદદ માટે તૈયાર રહેતો રામ પરમાર ઉર્ફે આર પી એ હતભાગી યુવાન
મંદાર લેલે (કુણાલ રોય કપૂર) ને બચાવીને પોતાના ઘરે લઈ આવે છે, જ્યાં પોતાની ગર્લફ્રેન્ડ
ચિત્રા પણ રહે છે. રામ પરમાર, મંદાર લેલેનો ખોવાયેલો આત્મવિશ્વાસ અને જીવનરસ પાછો આવે
એના માટે કંઇ પણ કરી છૂટવા તૈયાર છે, એટલે સુધી કે એને પોતાના નાટક ’રાવણ લીલા’માં
પ્રોડયૂસરની મરજી વિરૂદ્ધ રામ નું લીડ કેરેક્ટર પણ આપે છે. જેના કારણે મંદાલ લેલે જીંદગી
હારી બેઠો છે એ એની પ્રેમીકા નંદિની પટેલ (પૂજા સાલ્વી) સાથે મંદાર લેલેનું પેચઅપ કરાવવાની
કોશિશમાં એ પોતે ક્યારે નંદિનીના પ્રેમમાં પડી જાય છે એ એને ખ્યાલ નથી રહેતો અને પછી
શરૂ થાય છે વળી નવી નૌટંકી. પછી રામ પરમાર અને મંદારની દોસ્તીનું શું થાય છે? રામની
ગર્લફ્રેન્ડ ચિત્રા જે એની સાથે રહેતી હતી એ રામની સાથે રહે છે કે એને છોડીને જતી રહે
છે? મંદાર અને નંદિનીનું પેચઅપ થાય છે કે નહીં? કે પછી રામ સાથે નંદિનીનું ગોઠવાઈ જાય
છે? અને આ બધામાં નાટક રાવણલીલાનું શું થાય છે?
આખી વાતને હળવી શૈલીમાં,
રામાયણ સાથે ફ્યૂઝન કરીને જે રીતે રજુ કરવાની કોશિશ થઈ છે એ બધા દર્શકોને ગળે ઉતરી
ન શકે એ સંભવ છે. પટકથા અને ફિલ્મની ગતિ ક્યારેક ઢીલા પડી જતાં હોય એવું લાગે છે. કદાચ
ફ્રેંચ વાર્તાને ભારતીય વાતાવરણમાં ઢાળવામાં મુશ્કેલી પડી છે. આયુષ્યમાન, વિકી ડોનરની
ઈમેજ તોડીને કંઇક અલગ કરવામાં સફળ રહ્યો છે, આવનાર સમય આયુષ્યમાનનો છે એ ચોક્કસ છે.
આયુષ્માન ખુરાના એક મલ્ટિ ટેલેંટેડ પર્સનાલિટી છે એતો એનું ગાયેલું એક ગીત ફિલ્મફેર
લઈ ગયું ત્યારેજ સાબિત થઈ ગયું. અહીં નૌટંકી સાલામાં આયુષ્માને ચાર ગીત ગાયાં છે (અને
એને બાકાયદા સિંગર તરીકેનું પેમેન્ટ પણ મળ્યું છે) એટલું જ નહીં પણ આ ફિલ્મમાં જે આઠ
જેટલા સંગીતકારોનાં નામ છે એમાં પણ એક આયુષ્માન છે! કુણાલ રોય કપૂરે મંદાર લેલે તરીકે પોતાના ભાગે આવેલી
જવાબદારી બખૂબી નિભાવી છે. જીંદગી હારી ચૂકેલા અને કંઇક અંશે બેવકૂફ દેખાતા મંદાર લેલેને
એણે સરસ રીતે ઉપસાવ્યો છે. કુણાલ રોય કપૂર આ પહેલાં ’ડી કે બોસ’ ને કારણે બદનામ થયેલી
દેલ્હી બેલીમાં દેખાઇ ચૂક્યો છે. ફિલ્મની અંદર નાટકના નિર્માતા તરીકે ચંદ્રા (સંજીવ
ભટ્ટ) પણ મઝા કરાવી જાય છે. અભિષેક બચ્ચન એક મહેમાન કલાકાર તરીકે થોડા સમય માટે એંટ્રી
મારે છે એ સાવ કારણ વિના હોય એવું લાગે છે, કદાચ રોહન સિપ્પીએ પોતાની અગાઉની ત્રણેય
ફિલ્મોમાં અભિષેકને હીરો તરીકે લીધો છે એ સંબંધોનો અહીં તદ્દન બિન જરૂરી રીતે ઉપયોગ
કર્યો છે.
ફિલ્મમાં ઘણી જગ્યાએ સંવાદોમાં
મઝેદાર પંચ અને નિર્દેશનમાં ચમકારા જોવા મળે છે (જેમ કે નંદિનીનું થિયેટરમાં આવવું
ને આર પી સ્ટેજ પર હોય છે ત્યારે અકસ્માતે પરદાનું ખૂલી જવું.) તો ઘણી બાબતો એવી પણ
છે જે તદ્દન લોજીક વગરની લાગે, જેમકે એક નિર્દેશક પોતાના સફળતમ નાટકમાં જેને બિલકુલ
અભિનય તો નથીજ આવડતો પણ એક લીટી સરખી રીતે બોલવાનો આત્મવિશ્વાસ પણ નથી એને લીડ રોલ
આપવા તૈયાર થઈ જાય!
એકંદરે, નબળી વાર્તા હોવા
છતાં, નિર્દેશક તરીકે પક્કડ જાળવી રાખવામાં રોહન સિપ્પી સફળ રહ્યા છે એવું લાગે છે.
રોહનની અગાઉની ફિલ્મોના પ્રમાણમાં આ ઓછા બજેટની ફિલ્મ છે, પ્રમાણમાં પાત્રો ઓછાં છે
અને લોકેશન પણ વધારે નથી. ફિલ્મની અંદર ભજવાતાં નાટક ’રાવણલીલા’ની મંચસજ્જા અને કોસ્ચ્યૂમ
ભવ્ય છે, જોવાં ગમે એવાં છે. સિનેમેટોગ્રાફી સુંદર છે અને બોનસમાં આયુષ્માન અને પૂજાનું
એક લાંબું કહી શકાય એવું ચુંબનનું દ્રશ્ય છે! અગાઉ કહ્યું એમ આ ફિલ્મમાં આઠ જેટલા સંગીતકાર
છે તો સ્વાભાવિક છે કે ગીત પણ વધારે હોય! (કદાચ પ્રોડ્યૂસર ટી સિરીઝ છે એના કારણે?)
પણ તેર જેટલાં ગીત હોવા છતાં બધાં ગીત એટલાં સાહજીક રીતે આવે છે કે ક્યાંય ગીતનો ભાર
નથી વર્તાતો.
સૂક્ષ્મ હાસ્યની ગંભીર
રીતે રજુઆત કરવામાં નિર્દેશક સફળ રહ્યા છે અને ખામીઓ હોવા છતાં પણ એકજ પ્રકારના રેઢિયાળ
ઢાંચાથી બનતી ફિલ્મોથી હટીને કંઇક જુદું કરવાનો રોહન સિપ્પીનો પ્રયાસ સરાહનિય છે અને
ફિલ્મ ૧૩૦ મિનીટ સુધી માણી શકાય એવી બની છે. ’નૌટંકી સાલા’ને હું ત્રણ સ્ટાર આપું છું.
પેકઅપ:
પુરૂષના જીવનમાં બે વખત
એવો સમય આવે છે જ્યારેએ સ્ત્રીને સમજી નથી શકતો,
.
.
.
.
એક લગ્ન પહેલાંનો અને બીજો લગ્ન પછીનો!
No comments:
Post a Comment