૧૯૮૦ થી ૧૯૯૦નો દાયકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ હતો. આ અરસામાં
લોકો માટે ફિલ્મ જીવનનો એક હિસ્સો હતો. ૧૯૮૩માં ઘણી બધી રીમાર્કેબલ ફિલ્મ્સ આવી.
"સૌતન", "હીરો", "અગર તુમ ના હોતે", "અવતાર",
"બેતાબ", "કુલી", "મવાલી", "જસ્ટિસ ચૌધરી",
"સદમા" અને "હિમ્મતવાલા" જેવી ફિલ્મ્સ આવી. જો માત્ર ૧૯૮૩ની જ
ફિલ્મ જોવામાં આવે તો હીટ ફિલ્મ્સમાં ત્રણ ફિલ્મ તો જીતેન્દ્રની હતી. જીતેન્દ્રનો એક
જમાનો હતો. ભલે જીતેન્દ્ર સુપર સ્ટાર ન હતા પણ લોકો જીતેન્દ્રની ફિલ્મ્સ પસંદ કરતા.
૧૯૮૩ની ફિલ્મ "હિમ્મતવાલા" આમ તો સાઉથની ફિલ્મ "ઓરીકી મોનાગડુ"નું
હિન્દી વર્ઝન હતું. જમાનો મેલો ડ્રામાનો હતો. વિલનનો પાવર, ગરીબ પરિવાર, પૂજારી પર
થતો અત્યાચાર, વહુ પર થતો અત્યાચાર જેવા વિષયો પર પબ્લીકને રડાવવાનો કીમિયો કામ કરી
જતો. જીતેન્દ્રની ડાન્સ સ્ટાઇલ અને આનંદ અપાવતા ગીતો ફિલ્મને વધુ હીટ કરવામાં મદદરૂપ
થતા. છેક ૧૯૮૩ પછી ૨૦૧૩માં "હિમ્મતવાલા"ની રીમેક બનાવવી એ પણ એક હિમ્મતનું
જ કામ છે અને દર્શક તરીકે આ ફિલ્મ જોવા માટે પણ તમારે એક હિમ્મત ભેગી કરવી જ પડશે તો
જ સહન કરી શકશો!
ફિલ્મમાં બેફામ
ગાળો બોલાતી હોય, આરામથી ગોળીઓ છૂટતી હોય, મોબાઇલ પર પ્લાનિંગ થતા હોય એવા જમાનામાં
રામપુર જેવા ગામમાં કોઈ આધુનિક હથિયારો વગર જનતા પર દમામ વર્તાવતા સરપંચની વાત હોય
ત્યારે સાજીદ ખાન જાણતો જ હશે કે કૉમેડીનું એક્સ્ટ્રા તત્વ ઉમેરીએ તો કદાચ પબ્લિક સ્વીકારી
શકે. આ ઉપરાંત અજય દેવગણ જેવો સેલેબલ સ્ટાર હોય અને જેને પોતાની જાતને તેમજ પોતાની
ફિલ્મને માર્કેટ કરતા આવડતું હોય ત્યારે ફિલ્મ હીટ જવાના ચાન્સ વધી જાય છે. અજય પોતાની
ફિલ્મ ક્યારે રજૂ કરવી અને સૌથી વધુ થિયેટર રીલીઝ કરવાની કળા પણ જાણે છે. આ અઠવાડિયે
"હિમ્મતવાલા" ઉપરાંત એક પણ ફિલ્મ રીલીઝ થઈ નથી. જાણવા મળેલા આંકડા મુજબ ૪૫૦૦
સ્ક્રીન રીલીઝ મેળવવામાં યુટીવી સફળ રહી છે. યુટીવી મોશન પીકચર્સ સાથે કામ કરવું એટલે
લગભગ ફિલ્મને કમાણી કરાવીને જ નીકળવું એટલું સત્ય ફિલ્મ પ્રોડ્યુસર્સ જાણી ચૂક્યા છે.
એમાં પણ જ્યારે સિદ્ધાર્થ રોય કપૂર એટલે કે યુટીવીના સીઇઓ પોતે ફિલ્મમાં રસ લે ત્યારે
૪૫૦૦ ટૉકીઝ રીલીઝ મળે એમાં નવાઈ પામવા જેવું નથી. સિધ્ધાર્થની કદાચ આ બધી ખૂબી વિદ્યા
બાલન જાણતી જ હશે એટલે જ એની સાથે લગ્ન કર્યા હશે!
સાજીદ ખાન મને
ક્યારેય સારો ડિરેક્ટર લાગ્યો નથી પણ ફિલ્મની દ્રષ્ટિએ સાજીદ હીટ ડિરેક્ટર રહ્યો છે.
સાજીદની પહેલી ડિરેક્ટેડ ફિલ્મ હતી "ડરના જરૂરી હૈં". આ ફિલ્મ બોક્ષ ઓફીસ
પર ખાસ અસર દેખાડી શકી ન હતી એટલે સાજીદે કૉમેડી ટ્રેક પકડ્યો. સાજીદની એ પછીની ફિલ્મ
"હેય બેબી" ચીપ કૉમેડી હતી પણ દરેક પ્રકારનું ઑડિયન્સ હોય જ છે એટલે આ ફિલ્મ
થોડી ઘણી ચાલી ગઈ. આ પછીની ફિલ્મ "હાઉસફૂલ" પણ આ જ કેટેગરીની હતી. આ ફિલ્મ
સારી એવી હીટ રહી એટલે સાજીદને "હાઉસફૂલ2" પણ મળી. ગમે તેમ હોય પણ આ બંને
ફિલ્મ્સ સાજીદ ખાનને માર્કેટના ડિરેક્ટરમાં મૂકી ચૂકી હતી. જો કે આ બંને ફિલ્મ પછી
આવેલી "ડર્ટી ડઝન" ખૂબ ખરાબ ફિલ્મ સાથે ખાસ ન કમાયેલી ફિલ્મ હતી પણ સાજીદના
વર્ષો જૂના સંબંધો એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ પાસે કામ કરાવવા માટે પૂરતા છે.
સાજીદ અને અજય તો ખાસ મિત્રો એટલે ફિલ્મ માટે બંને પૂરતી મહેનત કરે જ. "હિમ્મતવાલા"
જો હીટ જશે તો સાજીદના ડિરેક્શન કરતા અજય અને સિધ્ધાર્થનું પ્રમોશન વધુ મહત્વનું સાબિત
થશે. આ ફિલ્મમાં તો ડિરેક્શનના એટલાં બધા લોચા નજર આવે છે કે પ્રશ્ન થાય ખરેખર આ ફિલ્મ
બન્યા પછી પણ એ લોકોએ નહીં જોઈ હોય? ફિલ્મના એક દ્ગશ્યમાં ચાચા રાજેન્દ્ર અજય અને હ્રિતેશને
રસ્તામાં મળી જાય છે. હ્રિતેશ એમને ઓળખી જાય છે અને બોલાવે છે. હવે આશ્ચર્યની વાત તો
એ છે કે આગળ વધતા ચાચા વાત પૂરી થતા પાછળ વળી જાય છે! રસ્તો સીધો છે ચાચા આગળ જઈ રહ્યા
છે તો પાછાં કેમ વળ્યા એવો પ્રશ્ન ડિરેક્ટરને કટ લેતી વખતે નહીં થયો હોય? આ રીતે જ
અજય જ્યારે ઓરીજીનલ રવિ નથી એવી ખબર પડતા અજયની બહેન એટલે જે લીના જુમાની ઝગડો કરીને
પાછી વળે છે ત્યારે ગુંડાઓ લીનાને પકડી લે છે. અજય બહેનને બચાવવા આવે એ તો સમજી શકાય
પણ એટલી જ વારમાં અજયભાઈ કપડા ક્યાં બદલી આવ્યા એ સમજી શકાયું નહીં! આવા તો અનેક ખાંચાઓ
નજરે પડે છે પણ આમ ઑડિયન્સ કદાચ આ જોઈ નહીં શકે એવું બધાંએ માની લીધું હશે. સાજીદ ખાન
એક ખૂબ સારો કોમેડિયન છે અને હાલ "નચ બલિયે" નો સારો જજ પણ છે. સાજીદે એ
જ કરવાની જરૂર છે.
અગાઉ કહ્યું
એમ અજય દેવગણ પોતાની ફિલ્મને પ્રોમોટ કરવા માટે પૂરતો રસ લે જ છે. આ કારણથી જ આ ફિલ્મનો
પ્રોમો પહેલા "દબંગ2" સાથે કરવાનો હતો પણ અટકાવી દેવામાં આવ્યો, આ પછી
"ખીલાડી ૭૮૬" અને "રેસ2" સાથે પ્રોમોટ કરવી એવું પણ નક્કી થયુ
પણ અજય અને સલમાન, અજય અને અક્ષય મિત્રો એટલે સહેજ વિચારીને અન્ય ફિલ્મ્સને રોકીને
આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરવામાં આવ્યું. અક્ષયે જેમ "ઓહ માય ગોડ"માં સોનાક્ષી
પાસે સ્પેશીયલ ગીત કરાવ્યું એમ જ અજયે પણ આ ફિલ્મમાં સોનાક્ષી પાસે ગીત કરાવી અક્ષય
વાળી કરી! અજયની ઇચ્છા તો ફિલ્મમાં કેટરીના અથવા અનુષ્કા લેવાની હતી પણ કદાચ વાર્તા
સાંભળીને બંને એ ના પાડી હશે એટલે છેલ્લે તમ્મનાહ પર પસંદગી ઉતારવામાં આવી. તમ્મનાહ
નામ થોડું વિચિત્ર લાગે છે ને? લાગે જ કેમ કે ઓરીજીનલ નામ સાથે ચેડા કરી ન્યુમેરોલોજી
મુજબ સેટ કરેલું નામ છે. તમ્મનાહ આ પહેલા અભિજીત સાવંતના આલબમ "લફ્ઝોં મેં કહે
ના શકે"માં જોવા મળી હતી અને એ પહેલા
૨૦૦૫માં "ચાંદ સા રોશન ચહેરા" નામની ફ્લોપ ફિલ્મ કરી ચૂકી છે. આ પછી એણે
સીધી નજર કરી સાઉથ તરફ. સાઉથની ફિલ્મ "શ્રી" તેલુગુ ભાષામાં હતી. આ ફિલ્મ
ચાલી ગઈ, બસ પછી તો તામીલ અને તેલુગુ ફિલ્મ્સ જ કરતી રહી. આમ તો આ છોકરી મુંબઈની છે
અને સિંધી પરિવારની છે પણ સાઉથમાં કામ કરીને સાઉથ ઇન્ડિયન વધુ લાગવા લાગી છે. એક્ટીંગ
જોતા એવું લાગે છે કે ફરી કદાચ સાઉથ જ એના માટે શ્રેષ્ઠ રહેશે!
અજય દેવગણે એક
ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે "હું ઇચ્છુ છું કે લોકો કંપેરીઝન કરે કારણ કે મેં ઓરીજીનલને
ન્યાય આપયો છે" જીતેન્દ્રના ડાન્સ સાથે અજયના ડાન્સની કંપેરીઝન? આવી ગુસ્તાખી
કરવાની હિમ્મત કોણ કરે? અજયભાઇને ડાન્સ સાથે કંઈ જ લેવાદેવા નથી જ્યારે જીતેન્દ્રને
ડાન્સ માસ્ટર તરીકે લોકો ઓળખતા. જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વખાણ કરવા એ સાવ સામાન્ય
વાત છે. ફરાહ ખાને પણ સ્ટેટમેન્ટ કર્યું કે " મને આશા નહોતી કે અજય જીતેન્દ્ર
જેવો ડાન્સ કરી શકશે પણ અજયે જ્યારે પહેલો શોટ આપ્યો કે તરત જ આખા યુનીટે ઊભા થઈને
તાલીઓથી વધાવી લીધો". આ સ્ટેટમેન્ટ મેં અગાઉ વાંચેલુ અને ફિલ્મ જોઈ ત્યારે થયું
કે આખા યુનીટે અજયના ડાન્સને જોઈને માથા કૂટ્યા હોત તો સારુ હોત! હશે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી
છે એટલે ફરી કામ સાથે કરવાનું હોય જ અને એ પણ હકીકત છે કે કઈ ફિલ્મ ક્યારે હીટ જાય
એ નક્કી નહીં. આવા સંજોગોમાં "ક્યા હટ કે ફિલ્મ બનાઈ હૈં" જેવું બોલવું જ
પડે અને એથી પણ વિશેષ ફરાહના ભાઈની ફિલ્મ હોય ત્યારે તો ’ભાઈ મરે અને બહેન કૂટવામાં
બાકી રાખે?’ જેવી સ્થિતિ થાય. ૧૯૮૩ની "હિમ્મતવાલા" કે.રાઘવેન્દ્ર રાવે ડિરેક્ટ
કરી હતી અને આ ફિલ્મની ઓરીજીનલ તામીલ ફિલ્મ પણ એમણે જ ડિરેક્ટ કરી હતી. એ સમયે મેલોડ્રામા
ફિલ્મની જરૂરિયાત હતી. આ મોડર્ન સમયમાં મેલોડ્રામા સાથે થોડી કૉમેડીનો લટકો છે પણ ફિલ્મમાં
જરા પણ ચટકો નથી! પરેશ રાવલ અને મહેશ માંજરેકર જેવા ધુરંધર આર્ટીસ્ટ્સ પણ વેડફયા છે.
સ્ટાર આપવાની વાત હોય તો 2 સ્ટારથી વધારે આપવાની હિમ્મત આ "હિમ્મતવાલા" ફિલ્મ
માટે મારી નથી!
પેકઅપ:
"દરેક દિવસે દારૂ પીવા વાળાને દારૂડિયા કહેવામાં આવે છે.....
હાશ! ગુજરાતીઓ રાતે જ દારૂ પીવે છે"
No comments:
Post a Comment