Friday, 15 March 2013

૩જી: ભૂતની વાતો આપણને ન આવડે





        એક સમય હતો જ્યારે રામસે બ્રધર્સ એક માત્ર પાસે ભૂતની ફિલ્મ્સની ફ્રેંચાઇઝી હતી! ગમે તેવા મેકઅપના થથેડા કરીને ધરાર ભૂત સાબિત કરવાની પરંપરા ચાલુ હતી. આ પહેલા પણ બ્લેક & વ્હાઇટ ફિલ્મ્સના જમાનામાં પણ ઘણા ડિરેક્ટર્સ ભૂત પર હાથ જમાવી ચૂક્યા હતા અને ’જાની દુશ્મન તો કોને યાદ નહીં હોય? પણ જેમ જેમ સિનેમામાં બદલાવ આવ્યો એમ એમ ભૂતનું સ્ટાન્ડર્ડ પણ સુધરતું ગયું. સુધરેલા ભૂત પર રામ ગોપાલ વર્મા, મહેશ ભટ્ટ કૅમ્પ બધા જ કામ કરી ચૂક્યા છે ત્યારે અન્ય લોકો પણ કેમ રહી જાય? એમ છતા પણ એક ખાસ વાત રિમાર્ક કરેલી છે કે હોલીવુડની આ બાબતે માસ્ટરી રહી છે. ’ઇવીલ ડેડ ફિલ્મ જોતા લોકોને હાર્ટ ઍટેક આવી ગયા હતા એવી વાતો બચપણમાં સાંભળી હતી અને એડલ્ટ મુવી હોવા છતા છાનામાના અમે જોવા ઘૂસેલા. ડર તો ખાસ ન લાગ્યો પણ જ્યારે ભારતની હોરર ફિલ્મ્સ જોઈ ત્યારે કંપેરીઝન તો થઈ જ શકી કે શું સારુ અને શું ખરાબ! રામસે બ્રધર્સના ભૂતોને તો કૉમેડીની જેમ જ માણ્યા છે. આવો જ એક વધારાનો પ્રયત્ન એટલે ’૩જી. ભૂતની વાત પણ મોડર્ન સ્ટાઇલમાં. અન્ય ભૂતની ફિલ્મ્સની જેમ આ ફિલ્મમાં સાવ લોજિક વગરની વાતો નથી તો પણ એવું લખવું પડે છે કે ભૂતની ફિલ્મ બનાવતા હોલીવુડ વાળાને જ આવડે આપણને ન આવડે!



        નીલ નિતીન મુકેશ અને બદલાવેલા નામમાં કહીએ તો નૈલ માટે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આપણી નીલ જ કહીશું. આ પ્રોજેક્ટ માટે સાંભળવામાં આવ્યું છે કે નીલે બે ફિલ્મ્સ પડતી મુકી. નીલ માટે આ ફિલ્મમાં કામ કરવું એટલાં માટે મહત્વનું હતું કે આ ફિલ્મમાં એક જ પાત્રમાં બે પાત્રો ભજવવાના હતા. આ રીતે જ સોનલ ચૌહાણ માટે પણ આ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી હતો. પહેલીવાર સોનલ ચૌહાણ નામ સાંભળો એટલે એવી માન્યતા થાય કે ગુજરાતી કુડી હશે પણ સોનલ ઉત્તરપ્રદેશથી છે. સોનલના પપ્પા પોલીસ ઇન્સ્પેક્ટર છે. સોનલ જે પ્રકારના કપડા પહેરે છે એ જોતા પ્રશ્ન થશે કે સોનલના પપ્પા એને કંઈ નહીં કહેતા હોય? સોનલે કેરિયરની શરૂઆત હ્રિમેશ રેશમિયા સાથે કરેલી ’આપકા શુરુરથી કરેલી. સોનલ સાથે ફિલ્મી ઢબે જ ફિલ્મમાં જોરશોરનો પ્રવેશ થયો છે.  કુણાલ દેશમુખ સોનલને એક રેસ્ટોરન્ટમાં જોઈને એનો નંબર માગ્યો અને માત્ર એક અઠવાડિયામાં સોનલને ઇમરાન હાસમી સામે ’જન્નત મળી. આ પછી એકલ દોકલ તામીલ અને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. સોનલ કોમર્સિયલ એડમાં ઘણી જગ્યાએ જોવા મળી છે જેમ કે ’હીરો હોન્ડા પેશન, ’નોકીયા, ’હિન્દુસ્તાન ટાઇમ્સ, ’પોન્ડ્સ વગેરે. જો કે અહીં ’૩જીમાં તો સોનલને ભાગે બીકીની કે ચડ્ડી પહેરીને ફરવું, એક બે ગીત ગાવા અને હીરો સાથે ફર્યા રાખવાથી વધારે કોઈ કામ નહોતું. સોનલ કદાચ અંગપ્રદર્શનને લીધે સફળ થશે એવું માનતી હોય તો ખોટી માન્યતા છે. શરીર સાથે એક્ટીંગ પણ એટલી જ મહત્વની છે. તમને ’અપહરણ ફિલ્મ યાદ હોય તો તેમાં આઇટમ સોંગ કરી ચૂકેલી મ્રિણાલીની શર્માને નાનકડો રોલ આ ફિલ્મમાં આપવામાં આવ્યો છે. મ્રિણાલીનીને પણ અંગપ્રદર્શનમાં બહુ જાજો છોછ નથી અને વળી આ પહેલાની એની ફિલ્મ્સ જેવી કે ’આવારાપન, ’હાઇડ & સીક, ’જોડી બ્રેકર્સ જેવી ન જાણીતી ફિલ્મ્સમાં નાના પાત્રો કરી ચૂકી છે. ’૩જીમાં રહસ્યના મૂળ તરીકે આ પાત્ર છે પણ વધુ કામ ભાગે ન આવેલુ હોવાથી બહુ ખરાબ કે સારુ કંઈ જ કહી શકાય નહીં. 



         ફિલ્મમાં કાસ્ટિંગ થયા પછી સોનલે એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું કે ’ આ ફિલ્મની કંપેરીઝન કરવી હોય તો સારામાં સારી હોરર ફિલ્મ સાથે થઈ શકે અને એ પણ હોલીવુડ ફિલ્મ્સ જેવી કે ’સીક્સ્થ સેન્સ, ’વોટ લાઇઝ બીનેથ, કે પછીએ ’ધ ઓમેન. બહેન આવું બોલી તો ગયા અને કદાચ બોલવું પણ પડે! ફિલ્મ આ એક પણ ફિલ્મ્સની કંપેરની છે જ નહીં. ’૩જીમાટે એટલું તો કહી જ શકાય કે અન્ય હોરર ફિલ્મ્સની જેમ ખોટા વેવલા વેડા, ક્રોસ, માતાજી, ભગવાન, પાદરી કે કોઈ પણના સહારાથી ભૂતને ભગાવવું જેવી કોઈ ચીલ્લાચાલુ વાર્તા નથી કે નથી કોઈ પુનર્જનમની વાતો. ફિલ્મની વાર્તા ચોક્કસ પણે નવી છે. ફિલ્મને ખરા અર્થમાં ૩જી ટેક્નોલૉજી સાથે જોડવામાં આવી છે. ફિલ્મમાં મૂળ સુધી પહોંચવા માટે કરાતું ચેઝીંગ પ્રીડીક્ટેડ છે. નીલની એક્ટીંગ ખૂબ જ સરસ છે. નીલ પાસે એક્ટીંગ કેપેસીટી તો છે જ. ’સાત ખૂન માફમાં નીલે કરેલુ કામ ઓલ ટાઇમ ફેવરીટમાં છે. જો હોરર ફિલ્મ્સના તમે શોખીન હો તો તમારા માટે આ ફિલ્મ જોવું જ રહ્યું કેમ કે ત્રીશૂલ, ક્રોસ, માતાજીની ચૂંદડી જેવા વેવલા વેડાથી ભૂતને ભગાડવા કે પછી કોઈ પાદરી, કોઈ તાંત્રિક, કોઈ સ્મશાનનું રખોપું કરતું પાત્ર જેવા લોકોની મદદ નથી લેવામાં આવી. ડિરેક્ટર્સ માટે ’૩જીમાં ફોન એ એક સબ્જેક્ટ છે. ડિરેક્ટર્સ આ ફોનને વફાદારીથી ચોંટી રહ્યા છે. ફિલ્મનું મ્યુઝિક મીથુનનું છે. એકંદરે આધુનિક યુવા વર્ગને ગમે તેવું છે. મીથુનનું માત્ર એક જ સર્જન ’મર્ડરનું મ્યુઝિક એની કેરિયર માટે કાફી છે. જો કે આ પછી ’લમ્હા, ’અગર, ’અનવર જેવી ફિલ્મ્સમાં મ્યુઝિક આપ્યું છે પણ એકાદ બે ગીત સિવાય બીજું કંઈ ખાસ આપી શક્યો નથી. 




        ડિરેક્ટર્સ માટે તેમની આ પ્રથમ ફિલ્મ હતી. પ્રથમ ફિલ્મમાં જ જ્યારે ડિરેક્ટર્સ હોરર ફિલ્મ પસંદ કરે ત્યારે એમની હિંમતને દાદ આપવી પડે. હોરર ફિલ્મ સાથે મોટાભાગે સેન્સરનું ’એ સર્ટીફીકેટ લટકામાં આવવાનું જ છે. આ ઉપરાંત ફિલ્મ વિશાળ વર્ગને અપીલ ન જ કરી શકે. હોરર ઝોનરના દર્શકો ભારતમાં ખૂબ ઓછા છે. શાહરુખને ૪૫ વર્ષે પણ રોમાન્સ કરતો દેખાડી પ્રોડ્યુસર્સ કમાણી કરી શકે છે ત્યારે પોતાના ઓડિયન્સની સંખ્યા લીમીટેડ રાખીને ફિલ્મ બનાવવાની હિંમત તો વખાણવી જ પડે. આ ફિલ્મના ડિરેક્ટર્સ શીર્ષક આનંદ અને શાંતનુ રેય બંને સારા મિત્રો છે. આ પહેલા બંને સાથે મળીને ’આ દેખે જરા અને ’ટેબલ નં ૨૧ ની સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખી ચૂક્યા છે. બંને એકબીજાની કેમિસ્ટ્રીથી પરિચિત હોવાથી ’૩જી પણ સાથે મળીને જ ડિરેક્ટ કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. સુનીલ લુલ્લા અને વીકી રાજાણી બંને પ્રોડ્યુસર્સ ફિલ્મ બનાવવા રાજી થયા એટલે ડિરેક્ટર્સને પ્રયોગ કરવાનો મોકો મળ્યો. પ્રથમ પ્રયત્નના પ્રમાણમાં ખૂબ જ સારો પ્રયત્ન એવું તો કહેવું જ પડે. ફિલ્મ માટે ચડાણ તો કપરાં છે જ. આ અઠવાડિયે ’જોલી એલ.એલ.બી અને ’મેરે ડેડ કી મારૂતી પણ આ ફિલ્મ સાથે જ રીલીઝ થઈ છે. બોમન ઇરાની અને અર્શદ વારસીની કૉમેડી સામે હોરર ફિલ્મ સફળ જશે કે કેમ એ પ્રશ્ન છે. સ્ટાર આપવાની વાત કરીએ તો નવા આધુનિક હોરર કથાનક માટે ૩સ્ટાર આપી શકાય.






પેકઅપ:

"કેવી ખરાબ રીત છે આ સમાજની. જમવા માટે તો ’ચાલો જમવા આરામથી કહીએ છીએ પણ સૂતા હોય તો ’ચાલો સુવા એક છોકરીને કહ્યું તો માર ખાવો પડ્યો..."

No comments:

Post a Comment