Friday, 2 November 2012

૧૯૨૦ ઈવિલ રિટર્ન: રિટર્ન ન થયુ હોત તો પણ ચાલત



        માણસ અને આત્મા વચ્ચે જે કંઈ ચાલતું રહેતું હોય પણ માન્યતાઓમાંથી માણસ ક્યારેય નીકળી શક્યો નથી. ભૂત, પ્રેત, ડાકણ, ખવીસ, શૈતાન, પિશાચ જેવા કોણ જાણે કેટકેટલાં નામથી આ સૃષ્ટિ બહારની સૃષ્ટિને ઓળખવામાં આવે છે! સાયન્સ ક્યારેય આવી વાતોને સ્વીકારતું નથી પણ માણસ હંમેશા ડરના ઓછાયા નીચે જીવે છે એટલે ક્યાંક દેખાતો પડછાયો પણ ભૂત માની બેસે છે. અનેક પ્રકારની વાતો અને અનુભવો માણસ સતત ચર્ચતો જોવા મળ્યો છે એમ છતાં પણ હકીકત શું છે એ સમજી શક્યો નથી તો પણ આવી વાતો માણસને ગમે છે જ અને એટલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હોરર એ ખૂબ મઝાનો સબ્જેક્ટ છે. એમાં પણ અમુક પ્રોડ્યુસર્સને તો ભૂતની ફિલ્મ બનાવવી ખૂબ જ ગમે છે. આવા જ એક પ્રોડ્યૂસર એટલે વિક્રમ ભટ્ટ. ૧૯૨૦ નામથી પહેલી સીક્વલ બનાવી હતી અને બોક્સ ઓફીસ પર સક્સેસફુલ પણ રહી એટલે બીજી ફિલ્મ તો બનાવવી જ જોઈએ પણ ફિલ્મ જોઈને એવું લાગ્યું કે આ ઇવિલને રિટર્ન ન કર્યું હોત તો પણ ચાલી જાત. 

  
        વિક્રમ ભટ્ટની એક વાત મને ગમે છે કે એ મર્ડર બનાવે પછી મર્ડર ૨ બનાવે કે પછી રાઝ થી શરૂ કરીને રાઝ 3D બનાવે તો પણ આગલી સીક્વલ સાથે બીજી સીક્વલને ધરાર કરીને જોડતા નથી. ઘણીવાર એક વાતને બીજી વાત સાથે હથોડા મારીને પણ ફીટ કરવામાં આવે છે જેમ કે હેરાફેરી જેટલી સુંદર કૉમેડી નથી જોઈ પણ આ પછીની તમામ સીક્વલ જુઓ તો ત્રાસથી વિશેષ કંઈ આપવામાં આવ્યું નથી. વિક્રમ ભટ્ટની ફિલ્મ્સની બીજી ખાસિયત છે રોયલનેસ, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી. વિક્રમ ભટ્ટની ફિલ્મ્સમાં ક્યારેય ગરીબની વાત નથી હોતી આ રીતે જ એમણે સિલેક્ટ કરેલા લોકેશન્સ વખાણવા લાયક હોય જ છે અને ઉપરાંતમાં કૅમેરાની કમાલ પણ નજરે પડે છે. આ બધું હોવા છતાં ફિલ્મ સારી ન બને જેના અનેક કારણો હોય. મારી દ્રષ્ટીએ આ ફિલ્મ નબળી હોવાના મુખ્ય બે કારણો છે. એક ફિલ્મની વાર્તા ખરેખર નબળી છે. આ પહેલા કારણ પર ઊંડાણથી અભ્યાસ કરીએ તો એટલું કહેવાય કે કોઈ પણ હિન્દી હોરર ફિલ્મ લો એટલે ફિલ્મનું રીઝનીંગ લગભગ એકસરખું જ જોવા મળે. આત્માનું ભટકવું, બદલો કે પછી અચાનક કોઈ ખરાબ જગ્યામાં પ્રવેશ. આ પ્રકારના કારણોની બહારનું કારણ કેમ કોઈને પણ નહીં મળતું હોય? ઇન્ગ્લીશ ફિલ્મ્સ પણ હોરર વિષયની શોખીન રહી છે પણ એમની પાસે દરેક વખતે નવું લોજિક હોય છે. ૧૯૨૦ રિટર્નની વાર્તા જોઈએ તો તમને લાગશે કે આમાં નવીન શું છે? એજ ઘીસીપીટી વાર્તા. હીરોઇન આત્માના કબ્જામાં હોય અને હીરો કોઇ પણ રીતે એને બચાવવા માગતો હોય. બધી જ હોરર ફિલ્મ્સની જેમ જ અચાનક એક વિચિત્ર માણસ પિક્ચરમાં આવે અને આત્માને હીરોઈનના શરીર માંથી છોડાવવાની યુક્તિ આપે. બધી જ હિન્દી ફિલ્મ્સની જેમ આવો વ્યક્તિ છેલ્લે મરી જાય. અંતે સૌ સારાં વાનાં. ફિલ્મમાં ભૂતને લાવવા માટે આ લોકોને બીજો કોઈ રસ્તો મળતો જ નહીં હોય? હવે જ્યારે આવી જ વાર્તા હોય તો વારંવાર એક સરખું જોવું કોને ગમે?


       આ રીતે જ ફિલ્મ ખરાબ હોવાનું બીજું કારણ છે ફિલ્મના કલાકારો. આફતાબ શિવદાસાની ફિલ્મનો હીરો છે. ફિલ્મમાં આફતાબનું નામ જયદેવ વર્મા છે અને એનો મુખ્ય વ્યવસાય કાવ્યો લખવાનો છે. જે રીતની એની શાનદાર હવેલી બતાવવામાં આવી છે એ જોઈને એમ થયુ કે સૌથી શ્રેષ્ઠ કવિને પણ આવું મકાન નથી તો આ ભાઈએ એવું તે શું લખી નાખ્યું કે આટલા માલદાર થઈ ગયા? આફતાબની ઉમર હવે ચાડી ખાય છે. જે રીતે આફતાબ જાડિયો થયો છે એ રીતે કહી શકાય કે એ ફિલ્મ્સને જલદી અલવિદા કહેવા માગે છે. આફતાબની ફિલ્મોગ્રાફી જુઓ તો પણ ખબર પડે કે એક પણ દમદાર કહેવાય એવી ફિલ્મ આપી શક્યો નથી ત્યારે આખી ફિલ્મનો ભાર એના ખભા પર ન ઊંચકી શકે એટલું ડિરેક્ટરે પહેલા વિચારવું જોઈતું હતું. આફતાબની બહેનના પાત્રમાં વિદ્યા માલવડે છે. ફિલ્મમાં વિદ્યાનું નામ કરુણા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં ઘણા એવા પાત્રો જોયા છે જે કોક ડિરેક્ટરમાં ખૂબ સારા લાગે અને કોક ડિરેક્ટરમાં ખૂબ જ ખરાબ. વિદ્યા એટલે ’ચક દે ઇન્ડિયામાં ભારતની હોકી ટીમની કૅપ્ટન. ચક દે ઇન્ડિયામાં જોઈને મને લાગ્યું હતું કે આ છોકરીમાં દમ છે પણ ફરી જ્યારે આ ફિલ્મમાં જોઈ ત્યારે એમ થયુ કે આ ખૂબ ખરાબ લાગે છે. ફિલ્મમાં સ્મૃતિ અને સંગીતા બે નામ ધરાવતી છોકરી એટલે હીરોઇન તીયા બાજપાઈ. તીયાનું મૂળ નામ ટ્વિંકલ બાજપેઈ છે પણ ફિલ્મનો રંગ ચડે એટલે નામ તો બદલાવવું જ પડે! તીયા સિંગર પણ ખરી. આ પહેલા સારેગામા પા મેગા ચેલેન્જમાં એન્કરીંગ પણ કરી ચૂકી છે. હીરોઇન મટીરિયલ જેવું આ બહેનમાં કંઈ જ નથી. જો કે એ વાત એટલી જ સાચી છે કે તીયા ભૂત તરીકે ખરેખર જોવી ગમે છે. ડિરેક્ટરનું કદાચ એવું માનવું હોય એટલે જ હીરોઇન તરીકે લીધી હોય તો ના નહીં.


       ફિલ્મનું સારુ પાસું એ છે કે સ્પેશીયલ મેકઅપ અને સ્પેશીયલ ઇફેક્ટ અન્ય હોરર ફિલ્મ્સની સરખામણીએ ઘણા સારા છે. ફિલ્મને ડિરેક્ટ કરવાનું કામ ભુષણ પટેલને સોંપવામાં આવ્યું. ભુષણ પટેલનું આ પહેલું ડિરેક્ટર તરીકે ફિલ્મ છે. ડિરેક્ટરની નબળાઈ સીધે સીધી દેખાય છે તો પણ આશા રાખીએ કે અનુભવના અંતે ભાઈ ડિરેક્શન શીખી જશે. ફિલ્મમાં મ્યુઝિક ભટ્ટ ખાનદાનના જ ચિરંતન ભટ્ટે આપ્યું છે. સામાન્ય રીત ભટ્ટ કૅમ્પની ફિલ્મમાં મ્યુઝિક સારુ જ હોય છે એમ આ ફિલ્મમાં પણ ઘણા અંશે સારુ મ્યુઝિક છે પણ બૅકગ્રાઉન્ડ સ્કોર અન્ય ફિલ્મ્સ કરતા નબળો છે. હોરર ફિલ્મની મુખ્ય જરૂરિયાત બૅકગ્રાઉન્ડ સ્કોર હોય છે અને એના પર જ દર્શકોને ડરાવી શકાય છે.

     ૧૯૨૦ ઇવિલ રીટર્ન્સ જોઈને મને થયું કે થોડા લોકો મળીને જાતે જ નક્કી કરે કે ફિલ્મ બનાવીએ અને એક યાત્રા શરૂ થાય પછી જે લોકોને ગમે તે લોકોને ગમતું કામ આપી દેવામાં આવે પછી ફિલ્મ સારી બને કે ન બને એ નહીં જોવાનું કે વિચારવાનું. પૂરતા સાધનો, ખૂબ સારા લોકેશન, ખૂબ સારો મેકઅપ, સારુ કૅમેરા વર્ક છતા ફિલ્મ કેમ ખરાબ બને એ જાણવું હોય તો ચોક્કસ પણે આ ફિલ્મ તમારે જોઈ જ લેવું.

પેકઅપ:
" ડાકણથી તને બીક લાગે?"

"ના હું પરણેલો છું"

2 comments:

  1. hhhmm .. nice description .. you're right .. aftab is not so successful +effective as an actor .. while twinkle is ok .. bcoz it's bhatt camp movie ... i'd get tempted to atch it .. whether it's bad or good as it can never be boring even if it's not so good... anyways .. keep writing .. we enjoy it ..

    ReplyDelete