Friday, 9 November 2012

બે ફિલ્મ્સ: બોલીવુડની ખટપટ સાથે


       

          ફિલ્મ માટેનો ક્રેઝ એ હદે મને તો રહ્યો છે કે જે અઠવાડીયે નવી ફિલ્મનું બૅનર ન જોવા મળે એ અઠવાડીયુ ખરાબ ગયુ હોય એવું લાગે. આ અઠવાડીયે બે ફિલ્મ્સ આવી ’ઇટ્સ રોકીંગ દર્દે ડીસ્કો અને ’લવ શવ તે ચીકન ખુરાના. મુંબઈમાં હોઈએ તો એક રિવાજ રહ્યો છે કે ફિલ્મનું રીવ્યુ એક દિવસ અગાઉ રાખવામાં આવે જેથી બીજા દિવસે સવારના અખબારોમાં અને અત્યારના સંજોગોમાં નેટ પર મૂકી શકાય. આમ તો અન્ય ફિલ્મ સાથે સંકળાયેલા મિત્રોને મુંબઈ ફોન કરીને જાણી લેતો હોઉં છું તો પણ ફિલ્મને મૂલવવાની દ્ગષ્ટિ દરેકની અલગ અલગ હોય છે. ’અબતક દ્વારા અત્યાર સુધી ફિલ્મના રીવ્યુ માટે જ લખતો પણ આ વખતે એવું થયું કે રીવ્યુ સાથે સાથે બોલીવુડની થોડી ખટપટ પણ કરી લઈએ...

        "ઇટ્સ રોકીંગ દર્દે ડીસ્કો" દ્વારા બપ્પી લહેરીએ પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી છે. આ પહેલા બપ્પી દા ઘણી જગ્યાએ અને ફિલ્મ્સમાં જોવા મળ્યા હશે પણ આ ફિલ્મ એ એવી ફિલ્મ છે જ્યાં બપ્પી દા બાકાયદા એક ભૂમીકા ભજવે છે. ફિલ્મનું ટ્રેલર જોઇશો ત્યાં જ સમજી જવાશે કે આ ફિલ્મ એટલે ઘરઘરાઉ રમત કરતા કરતા બનાવેલી ફિલ્મ છે. કૉમેડીનો જ્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે બપ્પી દા પણ કેમ રહી જાય? બપ્પી દાનું નામ જ્યારે સાથે જોડાયેલું હોય ત્યારે ફિલ્મને રીલીઝ તો મળી જ રહે પછી ભલે ઑડિયન્સ મળે કે ન મળે!. બોલીવુડનો એક ટ્રેન્ડ રહ્યો છે કે જે કોઈ પોતાની બ્રાન્ડ ઊભી કરે એને એકાદ વાર સ્ક્રીન પર આવવાનો શોખ ઊભો થાય જ. જેમ કે હમણાં જ ઝી પર ૧૮ નવેમ્બરથી રજૂ થનારી સીરીઝ ’ઝી ક્લાસિક્સ ક્લાસિક લીજેન્ડમાં હાજર રહેલા અને જેના શબ્દોના લોકો દિવાના છે એવા જાવેદ અખ્ખતરે એક વાત યાદ કરતા કહ્યું કે એ છ વર્ષની ઉમરે હઝરત ગંજ થિયેટરમાં ’આન જોવા ગયા. એમણે ફિલ્મમાં જોયું દિલીપ કુમાર તલવારો વિઝેં છે, ઘોડા પર તબડક તબડક કરતા જાય છે, ગીતો ગાય છે અને બસ એમને પહેલી વાર થયું કે હીરો હોય તો આવો. દિલીપ કુમાર એ વખતના સુપર સ્ટાર તો પછી એમને એ અહેસાસ થયો કે હીરો એટલે શું. એમને પહેલીવાર જીવનમાં હીરોગીરીનો ખરો અહેસાસ થયો. બધા વચ્ચે જાવેદ અખ્ખતરે સ્વીકાર્યું કે લેખક બનતા પહેલા જો એમનું કોઈ સ્વપ્ન રહ્યું હોય તો એ હતું હીરો બનવાનું. હવે જો જાવેદ અખ્તર આ કક્ષાએ હોય છતાં પણ હીરો બનવાનું સ્વપ્ન અધુરું લાગતું હોય તો પછી બચારા બપ્પી દા નો શું વાંક? સોનાના શોરૂમ જેવા બપ્પી દાને આમ ઓડિયન્સે ક્યારેય સ્વીકાર્યા નથી એટલે થિયેટર પણ ખાલી ખાલી જ જોવા મળે છે.

        વિચિત્ર ટાઇટલ્સ માત્ર ગુજરાતી ફિલ્મમાં જ નથી હોતા. લાંબા લચક અને સરસ મઝાના બોર કરતા ટાઇટલનો જમાનો હવે બોલીવુડમાં પણ આવી ગયો છે. આ પાછળનું લોજિક એવું છે કે વિચિત્ર નામ લોકોને આકર્ષી શકે. કદાચ આ અઠવાડીયે રજૂ થયેલી ’લવ શવ તે ચીકન ખુરાના આ કારણે જ આવા ટાઇટલ સાથે રીલીઝ થઈ હશે. અનુરાગ કશ્યપ કાયમની માફક દરેક ફિલ્મમાં પોતાની થોડી થોડી ટાંગ અડાવતો રહે જ છે એટલે આ ફિલ્મમાં પણ રોની સ્ક્રુવાલ, સિદ્ધાર્થ રોય કપૂર સાથે પોતે પણ એક પ્રોડ્યૂસર છે. સમીર શર્મા અને સુમીત બેનર્જી એ લખેલી વાર્તા પંજાબના બૅકગ્રાઉન્ડ પર ચાલે છે. લંડન રિટર્ન એક વ્યક્તિની કૉમેડી સાથે ફરતી કથા પ્રમાણમાં માણવા જેવી છે. ’લવ શવ તે ચીકન ખુરાના માટે એટલું તો કહી જ શકાય કે અનુરાગ જોડાયેલો હોય એટલે કંઈક સારુ તો હોય જ. આ ઉપરાંત એ પણ એક હકીકત છે કે અનુરાગ કશ્યપને લોકો સારો બીઝનેસમેન પણ માનતા થયા છે. ફિલ્મનું કુલ બજેટ ૩.૨૫ કરોડનું જ છે એટલે જો પૂરતી ટૉકીઝ રીલીઝ માટે મળી જાય તો રૂપિયા તો ઊભા થઈ જ જવાના. પહેલા બે દિવસનું કલેક્શન લગભગ ૪ કરોડ તો થઈ જ ચૂક્યું છે. લો બજેટની ફિલ્મ અને સરસ મઝાની આવક કોને ન ગમે? હમણાં જ એકતા કપૂરે પણ આવો જ પ્રોજેક્ટ હાથમાં લીધો. બીજોય નામ્બીયારને કો પ્રોડ્યૂસર તરીકે લઈને   ’કુકુ માથુર કી ઝાંડ હો ગઈ.  શરૂ કરી. આમ જુઓ તો ’લવ શવ તે ચીકન ખુરાના જેવું જ ટાઇટલ અને આ ફિલ્મની જેમ જ ઓછા બજેટે ફિલ્મ બનાવીને કમાણી કરવાની ગણતરી. આ ફિલ્મનું ડિરેક્શન અમન સચદેવને સોંપવામાં આવ્યું છે. આવી ફિલ્મની ખાસિયત મુજબ જ ઓછા જાણીતા કલાકારો જેમ કે ભૂતપૂર્વ મીસ ઇન્ડિયા સીમરન કૌર અને ન્યુ કમર સિદ્ધાર્થ ગુપ્તાને લીડ રોલ સોંપવામાં આવ્યો છે. તાજા સમાચાર મુજબ લગભગ ૪૦% જેટલું શૂટ તો પુરુ પણ થઈ ગયું છે. ડિરેક્ટર પણ ચોખ્ખા શબ્દોમાં સ્વીકારે છે કે ’ખોસલા કા ઘોંસલ અને ’ઓયે લક્કી લક્કી ઓય  જેવી ફિલ્મ બનાવવાનો જ પ્રયાસ છે. હવે જ્યારે બાલાજી ફિલ્મ્સ ડીસ્ટ્રીબ્યુશનમાં હોય ત્યારે આ ફિલ્મ ખોટ નહીં કરે એટલું તો સ્વીકારવું જ પડે.

        આ અઠવાડીયે રજૂ થયેલી બંને ફિલ્મ્સ માટે કોઈ ખાસ પ્રોમોશન કરવામાં નથી આવ્યું બાકી અત્યારે તો કોઈ પણ ફિલ્મ હોય ઇન્ટરનેટ અને ટચુકડા પરદા પર પૂરતી પ્રોમોટ કરવામાં આવે જ છે.  જેમ કે ’દબંગ-2’. બોલીવુડમાં સમાચાર છે કે આરબાઝ ખાન નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર ’બીગ બોસની સીઝન ૬માં જોવા મળશે. સોનાક્ષી સિંહા પહેલી ફિલ્મથી જ સેલેબલ હીરોઇન બની ગઈ છે ત્યારે એઝ એક્સપેક્ટેડ સોનાક્ષીને ફરી આ ફિલ્મમાં પણ સલમાન ખાનની વાઇફના રોલમાં જોવાનો મોકો મળશે. આગલાં દબંગમાં મલ્લયકા અરોરાનું આઈટમ સોંગ હતું એમ જ આ ફિલ્મમાં પણ છે પણ વધારામાં લોકોને કરીના કપૂર પણ એક આઇટમ સોંગમાં જોવા મળશે. તો જોઈએ હવે ફિલ્મ ક્યારે જોવા મળે છે. આ દિવાળીએ તો ઘણા સ્ટાર વચ્ચે કાંટાની ટક્કર થવાની છે પણ ’સન ઑફ સરદારમાં સોનાલી મેદાન મારસે જ એવું ધારી શકાય.

        ફિલ્મ માટે કોન્ટ્રાવર્સી ઊભી કરવાનો રિવાજ છે જ એટલે બપ્પી દા એ ’ઇટ્સ રોકીંગ દર્દે ડીસ્કોની પ્રેસ કૉન્ફરન્સમાં થોડા આડાઅવળા જવાબ આપ્યા પણ મીડિયા હવે હોશિયાર થઈ ગયું છે કે ક્યાં વેઇટેજ આપવો અને ક્યાં ન આપવો માટે ક્યાંય પણ આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં ન આવ્યો. જો કે બચારા ડિરેક્ટર અમજદ ખાન પોતાની આગલી ફિલ્મ ’લે ગયા સદામની માટે ઉગ્ર રીતે જયપુરના મુફ્તી હાજી અબ્દુલ સતારના વિરોધને ફિલ્મ હીટ કરવા માટેનું સ્ટંટ નથી કહેતા. એમનું લોજિક આમ તો સ્વીકારી શકાય એવું છે કેમ કે અમજદ ખાન કહે છે કે ’જો મારે કોન્ટ્રાવર્સી જ ઊભી કરવી હોત તો હું ફિલ્મના રીલીઝના એકાદ બે દિવસ પહેલા કરત. આ ફિલ્મની કથા મુસ્લિમ ડિવોર્સ અને રીમેરેજની છે. હવે જ્યારે મુસ્લિમ વિષયની વાત આવે ત્યારે અમુક વાતો તો બાય ડીફોલ્ટ જ આવી જવાની. શરિયત મુજબ મુસ્લિમ પાત્રો ન ચાલે તો ગમે ત્યારે ફતવો આવી જાય!. ભારતની શાણી પ્રજાને હવે આ ફતવા અસર નથી કરતા બાકી એક સમયે ફતવા પર ફિલ્મ અટકી હોય એવા ઘણા દાખલાઓ છે. જોઈએ હવે આ ફિલ્મનું શું ભવિષ્ય થાય છે.

        વાચક મિત્રો, આ પહેલીવાર ફિલ્મ સાથે બોલીવુડની ખટપટ સાંકળીને નવો પ્રયોગ કર્યો છે. આપના અભિપ્રાયની ચોક્કસ પણે અપેક્ષા રાખુ છું.



પેકઅપ:

"બોલીવુડ માટે એક વધારે શેડ ન્યૂઝ... 
.
.
અનુમલીક એમના ઘર માંથી આજે સવારે જીવતા મળ્યા"

2 comments:

  1. 2 in 1 + massalla mastt good hai yaarr :)(y)

    ReplyDelete
  2. આ અનુરાગ ભાઈ આપડે ધરીએ તેના કરતા વધારે ઊંડા નીકળ્યા હવે તેઓ એક શોર્ટ ફિલ્મ મેકર ને લઇ ને એક ઈંટરનેશનલ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેનું ફલક વિશાળ હશે ...............અને રીલીઝ પણ મોટા પાયે કરશે મને ખબર છે ત્યાં સુધી ફિલ્મ નું ટાયટલ છે"ટોબાટેક સિંઘ "

    ReplyDelete