Thursday, 25 October 2012

ચક્રવ્યુહ: તુમ સે યે ઉમ્મીદ નહીં થી!!!


      
      પશ્ચિમ બંગાળનું એક નાનકડું ગામ નક્સલબરી. સમય હતો ૧૯૬૭નો. બંગાળ એ સમયે ખાસ વિકસીત ન હતું અને એમાં પણ ગરીબો પરના અત્યાચારે લગભગ માઝા મૂકી દીધી હતી. ગામમાં રહેતો સામાન્ય માણસ સરકાર અને તેની નીતિઓથી તંગ આવી ચૂક્યો હતો. પોલીસના દમન સામે કોઈએ તો કંઈક કરવું જ પડશે એ વિચાર સાથે એક સંગઠન બન્યું. આ સંગઠન એટલે નક્સલાઈટ જેને ઘણા વિસ્તારમાં માવવાદી સંગઠન તરીકે પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલી આ મૂવમૅન્ટ ધીરે ધીરે વિસ્તરતી ગઈ અને આજની તારીખે બંગાળ ઉપરાંત ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાસ્ટ્રે અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી. સંગઠનનો મુખ્ય ધ્યેય હતો ગરીબ પ્રજાને સરકાર સામે લડવા ઉશ્કેરવી અને સરકારના ખોટા નીતિ-નિયમોનો વિરોધ કરવો. માવવાદી સંગઠન પ્રખર રીતે એવું માને છે કે સરકારના ધારાધોરણો બેવડા છે, સરકાર ગરીબ પ્રજા માટે કંઈ પણ કરતી નથી માટે સશસ્ત્ર વિરોધ કરવો. કાયદાનો સરેઆમ ભંગ કરવો. ૧૯૬૭માં પુર જોશથી શરુ થયેલી આ મૂવમૅન્ટ માટે વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘે પણ કહેવું પડ્યું કે ભારતને સૌથી મોટો આંતરિક સુરક્ષાનો ખતરો નક્સલાઇટ્સથી છે. લગભગ ૧૮૦ જિલ્લાઓ નક્સલાઇટ એક્ટીવીટીથી પીડીત છીંએ ત્યારે આવા હોટ ટોપીક ઉપર ફિલ્મ બનાવી રોટલો શેકવો કોને ન ગમે? પ્રકાશ ઝા આમ પણ મારામારી, વાયોલંસ, ગેંગ, ગુંડારાજ જેવા વિષયો પર ફિલ્મ બનાવવા માટે ખૂબ જાણીતા છે. એમની ફિલ્મ્સ લોકોને પસંદ પણ ખૂબ પડી છે પરંતુ ચક્રવ્યૂહ માટે કહેવું જ પડશે કે ’ઝા સાહબ તુમ સે યે ઉમ્મીદ નહીં થી

        પ્રકાશ ઝા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મસાલા સબ્જેક્ટ રહ્યા છે. બિહાર, ઝારખંડ વિસ્તારમાં રહેલા પ્રકાશ ઝા ફિલ્મ ઇન્સ્ટ્યુટમાં અભ્યાસ સમયે જ આમ તો ડોક્યુમેન્ટરીઝ બનાવવા લાગ્યા હતા પણ ફિલ્મમાં એમની એન્ટ્રી થઈ ’હીપ્પ હીપ્પ હુર્રેથી. ગુલઝારની લખેલી અદભૂત વાર્તાનું ડિરેક્શન પણ પ્રકાશ ઝા અનોખી રીતે કરવામાં સફળ થયા. આ પછી ’દામુલ માટે પ્રકાશ ઝાને નેશનલ એવૉર્ડ પણ મળ્યો. જો સમય મળે તો ક્યારેક દામુલ જોઈ લેજો એટલે ખ્યાલ આવશે કે પ્રકાશ ઝાના ડિરેક્શનમાં કેટલો દમ હતો. નિર્માતા અને નિર્દેશક તરીકેની એમની ઘણી બધી ફિલ્મ્સ આવી પણ ’ગંગાજળ જોઈને લોકો આફરીન પોકારી ગયા હતા. કોમર્સિયલ સિનેમાનો એક સૌથી મોટો ડ્રોબેક એ છે કે તમે સારુ સર્જન આપો એટલે ઓડિયન્સની અપેક્ષાઓ વધી જાય. આ પછી ’અપહરણ પ્રમાણમાં સારુ કહી શકાય એવું રહ્યું. ’રાજનીતિ એટલે મહાભારત પરથી ઉઠાવાયેલા પ્લૉટને આધુનિક રીતે ઢાળવાનો પ્રયોગ. બોક્ષ ઓફીસ પર આ ફિલ્મ ખૂબ સફળ રહી. જે તે સમયે મેં રાજનીતિ માટે પણ લખેલુ કે વિષય નવો છે પણ વાર્તા હજુ વધુ ચોટદાર બને એમ હતી. પ્રકાશ ઝા 'રાજનીતિ 2' અને 'ગંગાજલ 2'ની તૈયારીમાં લાગી ગયા છે. આશા રાખીએ કે આ વખતે એ ચક્રવ્યૂહની જેમ નબળી ફિલ્મ નહીં આપે.

        ડિરેક્ટર કદાચ એકવાર જે કક્ષાનું મનોરંજન આપવામાં સફળ થયો હોય એ બીજીવાર સફળ થાય એવું જરૂરી નથી તો પણ અનુભવના અંતે ડિરેક્ટરને એટલી તો ખબર પડવી જ જોઈએ કે ફિલ્મને સફળ બનાવવા માટે એક સુંદર કથાનક તો જોઈએ જ. ચક્રવ્યૂહમાં જો કંઈ ઘટતું હોય તો એ છે એક સારુ કથાનક. ફિલ્મની સ્ટોરી કોઈ પણ એંગલથી કંન્વીન્સીંગ નથી. ફિલ્મનું મુખ્ય પાત્ર આદિલ ખાન (અર્જુન રામપાલ) એક હોનહાર આઇ.પી.એસ. અધિકારી છે. મહંત્રા (કબીર બેદી) એન.આર.આઇ. ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે. મહંત્રાને પોતાના સ્ટેટમાં એક મોટી ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટે આમંત્રિત કરવામાં આવે છે પણ આ વિસ્તાર નક્સલીઓથી પ્રભાવિત છે. એક મોટા પોલીસ ઓપરેશનમાં ૮૯ પોલીસ કર્મીઓ માર્યા જાય છે ત્યારે મહંત્રા પ્રોજેક્ટ ન કરવાનું નક્કી કરે છે પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એમને મનાવી લે છે. આ વિસ્તારને હવે નક્સલીસ્ટ્સથી બચાવવાનું કામ આદિલ ખાનને સોંપવામાં આવે છે. આદિલ ખાનની પત્ની (ઇશા ગુપ્તા) પણ પોલીસ ઓફીસર છે. ગોવિંદ સુર્યવંશી (ઓમપુરી) જૂના નક્સલવાદી છે. પાયાથી નક્સલીસ્ટ રહેલા ગોવિંદ સુર્યવંશીની પહેલા જ ધરપકડ થઈ જાય છે. માવવાદી એક્ટીવીટીનો મુખ્ય ચીફ રાજન (મનોજ બાજપેયી) કમાંડમાં આવે છે. આ ગૃપ સાથે જુહી (અંજલી પાટીલ) વિંગ કમાંડર છે. જે રીતે આદિલ ખાન પોતાની એક્ટીવીટીઝ સ્ટ્રોંગ કરતો જાય છે એ રીતે જ સામે રાજન પણ પોતાની એક્ટીવીટીઝ સ્ટ્રોંગ કરતો જાય છે. આદિલ એક ટ્રેપમાં ફસાય જાય છે અને પોતાના ઘણા સાથીઓ ગુમાવે છે. આદિલ માટે આ એક અસહ્ય બનાવ છે. આદિલે કોઈ પણ સંજોગોમાં આ એક્ટીવીટીઝ રોકવી છે. આદિલને મદદે આવે છે એનો ખૂબ જૂનો મિત્ર કબીર (અભય દેઓલ). આદિલ કબીરને નક્સલીસ્ટના કૅમ્પમાં મોકલે છે. કબીર ધીરે ધીરે આ કૅમ્પમાં સ્થાન મેળવવા લાગે છે. આદિલ પાસે ઇન્ફોર્મેશન્સ આવતી રહે છે. અચાનક જ આદિલને કબીર થકી માહિતી મળે છે કે એક મોટી મીટિંગ ગોઠવવામાં આવી છે. આદિલ અચાનક જ એ સ્થળ પર હુમલો કરે છે. આ હુમલામાં નક્સલીસ્ટ ઉપરાંત નાના બાળકો અને નિર્દોષ સ્ત્રીઓ પણ મરે છે. રાજન આ ઘટનાના જવાબમાં ગોવિંદ સુર્યવંશીને છડે ચોક છોડાવવા જાય છે. રાજનના ટારગેટમાં આદિલ છે જ પણ કબીર રાજનની પીઠમાં ગોળી મારે છે. કબીર આમ પણ આ લોકો સાથે ભળવા લાગ્યો છે અને એમા એક ઘટના બને છે કે જુહી પર એક પોલીસ ઇન્સ્પેક્ટર બળાત્કાર કરે છે. બંને મિત્રો સામસામે આવી ગયા છે. કબીર નવો કમાંડર છે અને હવે કબીરનું નવું નામ આઝાદ છે. એક તરફથી પોલીટીકલ પ્રેશર, બીજી તરફથી મહંત્રાના પ્રોજેક્ટ માટેનું પ્રેસર અને ત્રીજી તરફ ઉપરી અધિકારીઓ તરફથી પ્રેસરમાં આદિલ ઘેરાયેલો છે. આવા સમયે આદિલની પત્નીને આદિલનો સાથ દેવા માટે તેની સાથે ડ્યુટી આપવામાં આવે છે. કબીર મહંત્રાના પુત્રને ઉઠાવી લે છે અને બદલામાં રાજનને છોડી દેવાની વાત કરે છે. અંત એકદમ જાણીતી વાતની જેમ જ. કબીર અને જુહી માર્યા જાય છે.

        જો તમને વાત વાંચીને ખાસ નવીન વાર્તા નથી એવું લાગ્યું હોય તો ચાલો હવે સ્ટોરીના માઇનસ પોઇન્ટ માટે વાતો કરીએ. ઇન્ટરવલ સુધી ફિલ્મનો માહોલ ઠીક ઠીક રહે છે. અભય દેઓલ જ્યારે દુશ્મનના કૅમ્પમાં એન્ટ્રી લઈ લે છે ત્યારે એક સમયે એમ લાગે છે કે હવે ખરેખરો ચક્રવ્યૂહ શરૂ થશે પણ એક સાવ સામાન્ય વાતની જેમ બધું જ એક્સ્પેક્ટેડ થાય છે. જો તમે આ વાતને સહન કરીને ફિલ્મના અંત સુધી પહોંચી જાવ તો અંતે તો કોઈ સીધોસાદો પ્રેક્ષક પણ બોલી ઊઠશે આમ હોય કંઈ!!! ફિલ્મના અંતમાં જ ઇશા દેઓલ એવો ખુલાસો કરે છે કે કબીર સાયકો છે તો તેં એને કેમ આવા કામ માટે રાખ્યો? હવે ગમે તેમ કરીને કબીરના ફરેલા મગજ માટે સાબિતી તો આપવી જ પડે એટલે વારંવાર આ ડાયલૉગ રીપીટ કરવામાં આવે છે. હીરોઇનને કંઈક કામ તો આપવું જ પડે એટલે ફિલ્મના અંતમાં મનોજ બાજપેયીને છોડતા પહેલા એના શરીરમાં એક ચીપ ઘુસાડવામાં આવે છે એટલે નક્સલીસ્ટનું લોકેશન મળી શકે. હવે જ્યારે અંતની ફાઈટ શરૂ થાય છે અને ઇશા મનોજ બાજપેયી જે તરફ જાય એ તરફ જ એનું હેલીકોપ્ટર લઈ જાય એટલે તરત જ અભય દેઓલને ખબર પડી જાય છે કે મનોજ બાજપેયીના શરીરમાં કોઈ ચીપ લાગેલી છે. મનોજ બાજપીયીના ઘાવ માંથી ખૂબ જ આરામથી અભય આ ચીપ શોધી લે છે. હમ્મ્મ ધાર્યા મુજબ જ અભય દેઓલ આ ચીપ લઈને ભાગે છે. પોલીસ બાકીના બધાને મૂકીને અભય પાછળ પડે છે. અભય જ્યારે બધા વચ્ચે ઘેરાય જાય છે એટલે એની હીરોઇન અંજલી પાટીલે આવવું જ પડે નહિતર વાત થોડી ફિલ્મી બને? અંતે અર્જૂને તો ગોળી ચલાવવી જ ન હોય એટલે ઇશા ગોળી ચલાવે. અંત એટલે ફૂલ ઑફ મેલો ડ્રામા. એક સારા સર્જક પાસે આટલી હદે નબળો એન્ડ આપે એવી અપેક્ષા જ રાખી ન શકાય.

        ફિલ્મના મુખ્ય વિષયને વળગી રહેવાને બદલે ફિલ્મને આગળ વધારવા માટે જે સમય પ્રકાશ ઝા એ લીધો છે એ માફ કરી શકાય એમ નથી. શોસિયલ પોલીટીકલ સબ્જેક્ટના માસ્ટર જ્યારે આવી ભૂલ કરે ત્યારે દુ:ખ સાથે કહેવું પડે કે ફિલ્મ કોઈ ગ્રીપ લઈ જ શકી નથી. અભય દેઓલ ફિલ્મ કરે છે ત્યારે હટીને જ હોય છે પણ આ ફિલ્મમાં અભય પોતાની છાપ ઊભી કરી શક્યો નથી. મનોજ બાજપેયી જામે છે પણ બહુ ટૂંકા કૅરેક્ટર સાથે મનોજને બાંધી દેવામાં આવ્યો છે. અર્જુન રામપાલ સારો કલાકાર છે જ પણ જ્યારે મેલોડ્રામા આવે ત્યારે ખૂબ જ નબળો સાબિત થાય છે. અચાનક જ સમીરા રેડ્ડી આવે અને કોઈ પણ કારણ વગર આઈટમ સોંગ કરી જાય એ પણ ખૂંચે છે. વિષય ગમે તેટલો અઘરો હોય વાતની રજૂઆત અને વાર્તા ન હોય તો સમય ના જ બગાડાય. ’કૉમરેડ તમને ’લાલ સલામ છે કે પૈસા ન બગાડજો



પેકઅપ:
"ફિલ્મ કેટલી વારમાં ગ્રીપ લેશે?"
"૧૦ મીનીટમા.........
અને ૧૦ મીનીટમાં ન લે તો ફરી આ મૅસેજ વાંચી લેજો"

2 comments:


  1. u r correct if abhay done a bad job no need to watch it....

    thanks to save my samay :)samii

    ReplyDelete