Friday, 20 March 2015

હન્ટર: હળવી વાત સાથે મોટો શિકાર





       ઘણી વાર ફિલ્મનો પ્રચાર કઈ રીતથી કરવો એ અઘરી વાત બની જાય છે. ક્યારેક નેગેટીવ પબ્લીસીટી ફિલ્મને ખૂબ સારો ધંધો અપાવી જાય છે તો ક્યારેક ખરાબ છાપ પણ છોડી જાય છે જેના કારણે ફિલ્મમાં એક લીમીટેડ વર્ગના પ્રક્ષકો જ જોવા મળે છે. ’હન્ટર’ ખૂબ ટૂંકા ગાળામાં શૂટ થયેલ ફિલ્મ હતી અને અચાનક જ તેને માર્કેટમાં મૂકી દેવામાં આવી. અનુરાગ કશ્યપ જે રીતે ખૂબ સારો ડિરેક્ટર છે એ રીતે જ હવે ખૂબ સારો બીઝનેસમેન પણ થતો જાય છે. આ કારણથી જ ફિલ્મના ટ્રેલર પહેલા ટીઝર રીલીઝ કરવામાં આવ્યું. આ ટીઝરમાં ફિલ્મમાં વપરાતો મુખ્ય શબ્દ ’વાસુ’નો અર્થ સમજાવવામાં આવ્યો અને એ સાથે જ યુ-ટ્યુબ પર હીટ વધવા લાગી. લોકો ટીઝર જોઈને હસ્યા છે અને ટ્રેલર જોવા પ્રેરાયા છે. ટ્રેલરની અંદર ખુલ્લી રીતે બોલવામાં આવતી ગાળ ફિલ્મમાં છૂપાવી દેવામાં આવી છે. પણ જો ખરા અર્થમાં ફિલ્મનો હાર્દ પકડો તો જે સંબંધોની વાત કરવામાં આવી છે એ માટે આપણે કહેવું પડે કે હળવી વાત સાથે મોટો શિકાર કરવામાં આવ્યો છે...


        હર્ષવર્ધન કુલકર્ણીનું કદાચ આ પહેલું ડિરેક્શન છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે પ્રજવ્વલ જોશીનો છે પણ વાર્તા હર્ષવર્ધનની જ છે. સ્ક્રીનપ્લેની રમત ખૂબ સરસ રીતે કરવામાં આવી છે પણ વધુ પડતો સારો સ્ક્રીનપ્લે બતાવવા જતા અલગ અલગ સમયની વાતને લીંક કરવામાં ઘણી થાપ ખાધી છે. બાળપણ, કોલેજ કાળ અને પરિપકવતા વચ્ચે રમાતી આખી રમત જે રીતે આગળ પાછળ લઈ જવામાં આવી છે તે વાર્તાની જ ખૂબી કહી શકાય. કોઈ પણના જીવનમાં ફિલ્મમાં આવતા પ્રસંગો નહીં બન્યા હોય એવું નહીં જ હોય અને જ્યારે મોસ્ટ કોમન વાતને રજૂ કરવી હોય ત્યારે જ સારા ડિરેક્શનની જરૂર પડે કેમ કે આ ઘટના પ્રેક્ષકના પોતાના સાથે જોડાતી હોય છે. હું ખૂબ સારુ ડિરેક્શન નહીં કહું પણ હર્ષવર્ધનના ડિરેક્શનને ખરાબ તો કહી શકાય એમ જ નથી....


        ગુલશન દેવૈયાને મુખ્ય પાત્ર એટલે કે ફિલ્મનો વાસુ એટલે કે મનહર પોંકસેને આપવામાં આવ્યું છે. ગુલશન આમ તો અનુરાગ કશ્યપની જ શોધ છે. ’ધ ગર્લ વીથ યલ્લો બૂટ’ તેની પહેલી ફિલ્મ હતી. આ પછી ગુલશને આઠ દસ ફિલ્મ કરી છે જેમાંથી બધાને યાદ હોય એવી કહેવી હોય તો ’ગોલીયોં કી રાસલીલા-રામલીલા’. આ ફિલ્મમાં તેને ખરા અર્થમાં લીડ કેરેક્ટર મળ્યું કહી શકાય. ફિલ્મમાં તેના ત્રણ શેડ છે. એક એક દમ રમતિયાળ છોકરો, બીજો કોલેજમાં ભણતો યુવાન અને ત્રીજો નોકરી કરી ઇમોશન સાથે જોડાયેલો વ્યક્તિ. આ ત્રણ શેડને જો જુદા કરીને જુઓ તો ખબર પડે કે ખૂબ સારી રીતે તેણે પોતાના પાત્રને નિભાવી જાણ્યું છે. ગુલશનની સામે રાધીકા આપ્ટે ત્રીપ્તી નામ સાથે એક મોડર્ન યુવતીનું પાત્ર ભજવે છે. રાધીકા ૨૦૦૫માં ’વાહ લાઇફ હો તો ઐસી’ ફિલ્મ સાથે ઇન્ટ્રોડ્યૂસ થઈ હતી. આ પછી અત્યાર સુધીમાં લગભગ ૨૫ ફિલ્મ્સ કરી ચૂકી છે. મને દરેક વાર રાધીકા વધારે ને વધારે સારી આર્ટિસ્ટ લાગી છે. મોડર્ન યુવતિઓની જે  બે કોમન વાત છે, એક તો લવ મેરેજ કે એરેન્જ મેરેજ અને બીજી વાત એ કે આગલા લવ ક્રશ માંથી કેવી રીતે બહાર આવવું એ બંને વાતને ખૂબ જ સારી રીતે રાધીકા રજૂ કરી શકી છે. રાધીકાના ફિલ્મના એન્ડ પર જતા એક જ વાતના બે પ્રકાર રજૂ કર્યા છે જે એકબીજાથી તદ્દન વિરુધ્ધ છે અને આવા સંજોગોમાં જ આર્ટિસ્ટ શું રજૂ કરી શકે છે તે જોવાતું હોય છે. સાંઈ તમાંકર યુવા અવસ્થામાં સામે રહેતા પાડોશીની પત્ની છે. સાંઈ પણ કદાચ અનુરાગ કશ્યપ દ્વારા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યૂસ થઈ છે. સાંઈની પહેલી ફિલ્મ ૨૦૦૮માં ’બ્લેક & વ્હાઇટ’ હતી. સાંઈ પણ લગભગ ૩૦ જેટલી ફિલ્મ્સ કરી ચૂકી છે. ’ગજની’માં નાનો પણ ખૂબ સારો રોલ સાંઈએ ભજવ્યો હતો. સાંઈનું જેણે પણ આ ફિલ્મ માટે કાસ્ટીંગ કર્યું હશે એ પરફેક્ટ કર્યું છે. ગુલશન સાથે જોડાનાર પહેલી છોકરી એટલે કે વિરા સક્શેના જાડી હોવા છતા એક જ સારા ડાયલૉગ સાથે ઘણા માર્ક લઈ ગઈ. ફિલ્મના અન્ય પાત્રો ખાસ જાણીતા નથી પણ જે ટૂંકુ કામ પણ હોય તે પણ તેમના પાત્રને ન્યાય આપી શક્યા છે....


        આમ તો આ ફિલ્મને બનાવવાનો કોઈ ખાસ ખર્ચ નહીં થયો હોય પણ પ્રોડ્યૂસર્સ તરીકે કીરીટ નાખવા, રોહિત ચૂંગાણી, કેતન મારૂ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાણી અને અનુરાગ કશ્યપના નામ આપવામાં આવ્યા છે. જોહન જેકોબની સિનેમેટોગ્રાફી છે. બહુ જ નાના અને ઓછા લોકેશનમાં તેમણે કેમેરાને ખૂબ સારી રીતે રમાડ્યો છે. પ્રોડક્શન કંપની તરીકે ટેલરમેડ ફિલ્મ્સ અને ફેન્ટમ ફિલ્મ્સ, શેમારુ એન્ટરટેઇન્મેન્ટ અને ફાલ્કોને આપવામાં આવી છે. ફિલ્મનું ડીસ્ટ્રીબ્યુશન પણ શેમારુ એન્ટરટેઇન્મેન્ટ એ જ સંભાળ્યું છે. મ્યુઝિક ખામોશ શાહનું છે. કંઈ ખાસ કહી શકાય એવું મ્યુઝિક નથી પણ ફિલ્મ પ્રમાણે ઓકે છે...


        ફિલ્મને મુલવતા પહેલા ફિલ્મ વિશેના થોડા મહત્વના પોઇન્ટ્સની વાત કરી લઈએ. ફિલ્મની વાત જ એક એવા વ્યક્તિની છે જે સ્ત્રીઓને પટાવવામાં જ સમય કાઢે છે અને તેના માટે રોજ નવો શિકાર એ એક શોખ છે. હવે જો આ જ વિષય હોત તો ફિલ્મ માત્ર અને માત્ર સેક્સ પર આધારિત હોવી જોઈતી હતી પણ ફિલ્મમાં માત્ર આ વાત છે એમ કહી જ ન શકાય. જ્યારે બીજી તરફની વાત ગણીએ તો બચપણથી સાથે રહેતા કઝીન્સ એક બીજા સાથે ખૂબ પ્રેમથી રહે છે. મીલ્ટ્રીમાં કામ કરતો હીરોનો કઝીન ખૂબ બધી છોકરીઓ ફેરવે છે અને એક એકદમ સામાન્ય લાગતી છોકરીના પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે તો શું વાર્તાનો ધ્યેય એ હતો કે પ્રેમ પાસે સેક્સ પણ પાંગળો છે? આ સાથે જ એક સરસ લવ સ્ટોરી હીરોની પણ ચાલે છે. એરેંજ મેરેજ માટે એ એક છોકરીને મળે છે અને તેનો સતત સાથ ઝંખતો રહે છે. તેને પણ ખબર નથી કે આ પ્રેમ છે કે શું છે! હીરોને બીજી છોકરીઓ શોધતો બતાવ્યો છે પણ હીરોઇન પર તેણે ક્યારેય પ્રયત્ન નથી કર્યો તો શું વાતનો મુખ્ય ધ્યેય પ્રેમ જ ગણી શકાય? હીરોના ભાઈને એક છોકરી જે હાયપોથેટીક પાત્ર છે તેને પ્રેમ કરતો બતાવાયો છે તો શું ફિલ્મનો ધ્યેય એવો હતો કે એક જ પાત્રને જીવનમાં પ્રેમ થઈ શકે? એક છોકરી જે તેના આગલા પ્રેમીની એંગેજમેન્ટ પછી પણ એટલી જ કેર લે અને પોતાના ઘેર રાત રોકે તો શું ફિલ્મની વાત એવી હતી કે છોકરીઓ પોતાના પહેલા ક્રશને ભૂલી નથી શકતી? આવા તો એક એક મીનીટ પર તમને પ્રશ્ન થશે પણ વાર્તા તમારી નજીકથી નીકળતી દેખાશે માટે ફેમીલી સાથે ના જોઈ શકો તો એકલા જઈને પણ ફિલ્મ જોઈ લેજો. હાં થોડું વલ્ગર લાગશે પણ ’ગ્રાન્ડ મસ્તી’ જેટલી હલકટ ફિલ્મ તો નથી જ. ફિલ્મની કન્ફ્યુઝન વાળી વાતને પણ ખૂબ સરસ રીતે રજૂ કરી શકવા માટે ફિલ્મને ૩ સ્ટાર.....





પેકઅપ:


"ફિલ્મ એટલે બધાને ખુશ રાખવાનું માધ્યમ દા.ત. ’રા-વન’ ફિલ્મમાં શાહરૂખ ખાન દક્ષિણ ભારતીય છે પણ તેની અંતીમ વિધી ક્રીશ્ચયન પરંપરા મુજબ કરવામાં આવે છે અને પછી અસ્થી નદીમાં પધરાવવામાં આવે છે"

No comments:

Post a Comment