જો તમે અનુભવી ફિલ્મ પોડ્યૂસર
હો તો એક કલા તમારામાં આવી જ જાય કે ક્યા સમયે ફિલ્મ રીલીઝ કરવું. હાં, એ વાત અલગ છે
કે જો તમે નવા પોડ્યૂસર છો તો તમે નક્કી ન કરી શકો કે મારે ક્યા સમયે ફિલ્મ રીલીઝ કરવું
છે, બસ એટલું જ જોવાનું હોય કે ફિલ્મ રીલીઝ થાય છે. જ્યારે વર્લ્ડ કપની સીઝન અંત પર
હોય, જ્યારે એક્ઝામ્સ ચાલુ હોય ત્યારે ફિલ્મ રીલીઝ કરવાની હિમ્મત સારા સારા લોકો ના
કરે પણ નવા પોડ્યૂસર્સ માટે આવા ખરાબ સમય પર જ ફિલ્મ રીલીઝ કરવાનો ફોર્સ કરવામાં આવતો
હોય છે. શબાના હાઝમીના પ્રોડક્શનનું આ પહેલું ફિલ્મ છે માટે હજુ તેના મૂળિયા ઊંડા ન
જ ઊતર્યા હોય એટલે સહન તો કરવું જ પડે. માત્ર આ કારણો જ નહીં લવ સ્ટોરી જો હટીને ન
હોય તો ચાલતી નથી જ અને જો ચાલે તો પછી રોકાતી પણ નથી. અહીં હીરોઇનનું નામ બરખા છે
અને તેના નામ પરથી જ ફિલ્મનું ટાઇટલ રાખવામાં આવ્યું છે પણ બરખા એવી છે કે વરસી શકી
નથી...
ફિલ્મ એક સમૂહની ઘટના છે જો વાર્તા સારી હોય અને સ્ક્રીનપ્લે સારો
ન હોય કે પછી ડાયલૉગ સારા ન હોય તો ફિલ્મની મઝા મરી જાય. ’બરખા’ની વાર્તા
પણ જાણીતી વાત મુજબ જ શરૂ થઈ. ફિલ્મનો હીરો તહા શાહ હિમાચલ ફરવા જાય ત્યાં એક છોકરી
એટલે કે સારા લોરેનને જોઈ જાય અને પહેલી નજરનો પ્રેમ શરૂ થાય છે જે સાવ સામાન્ય પ્રેમ
કહાની છે. આ પછી એ જ છોકરી ફરી તેને મુંબઈમાં મળી જાય છે. હીરો હીરોઇનની મુલાકાત માટે
એક ખાસ પ્રસંગ ગોઠવવામાં આવ્યો. હીરોના પિતા પુનિત ઇસ્સાર પાસે શેટ્ટી એટલે કે આશિષ
રોય મળવા આવે છે જે એક બારના માલિક છે. પુનિત ઇસ્સાર શેટ્ટીનું કામ રૂપિયા વગર કરે
છે જેના માટે હીરો અને તેના મિત્રને તેના બાર પર આવવાનું કહે છે. હીરો બારમાં જ્યારે
હીરોઇનને બાર ડાન્સર તરીકે જુએ છે ત્યારે દિલ તો તૂટે જ છે પણ પ્રેમ અટકતો નથી. આખરે
હીરોઇન પ્રેમને સમજે છે પણ એ પહેલા એક વાત કહે છે કે આ પહેલા તેની સાથે એક વ્યક્તિ
રમત રમી ચૂક્યો છે. એ વ્યક્તિ તેની સાથે લગ્ન કરીને પોતાના બંગલામાં લઈ ગયો હતો અને
તે પ્રેગનેન્ટ થઈ ત્યારે છોડીને જતો રહ્યો. તેના થકી હીરોઇનને એક બાળકી પણ છે. હવે
જ્યારે હીરો લગ્ન જ કરવા માગે છે ત્યારે હીરોના પિતા હીરોના ભાઈ એટલે કે પ્રિયાંશુ
ચેટર્જીને બોલાવે છે. ભાઈ ઘેર આવીને છોકરીનો ફોટો જુએ છે ત્યારે કંઈ પણ બોલ્યા વગર
ઘર છોડીને જતો રહે છે. ફિલ્મને જોડવા માટે એક ’અક્સ’ ટાઇટલ સાથેની નોવેલ વણવામાં
આવી છે. ફિલ્મના અંતમાં પ્રિયાંશુ હાર્ટ એટેકમાં મૃત્યુ પામે છે અને નોવેલ પરથી હીરો
હીરોઇન સુધી પહોંચી જાય છે. આમ જુઓ તો આ વાત
નવી પ્રકારની લાગશે પણ જો ફિલ્મના ડાયલૉગ અને સ્ક્રીનપ્લે જોઇશો તો કોઈ પણ રીતે એક
બીજા સાથે સંલગ્ન હોય એવું ક્યાંય દેખાતું નથી. બે ચાર વાર ગાળો બોલાવીને ફિલ્મને
’એ’ સર્ટીફીકેટ
અપાવવામાં આવ્યું છે જે ગાળો પણ વ્યર્થ જ છે...
સારા લોરેનનું ખરું નામ મોના લીઝા હુસૈન છે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં
નામ બદલવું એ સામાન્ય ઘટના છે. સારા આમ તો મૂળ પાકિસ્તાની છે અને ત્યાંની પ્રખ્યાત
કહી શકાય એવી સિરિયલ્સ ’મહેર બનો ઔર શાહ બનો’, ’રિયાસત’, ’ઉમરા ઓ જાન એ અદા’ કરી
ચૂકી છે. પાકિસ્તાનના લોકલ એવૉર્ડ પણ જીતી ચૂકી છે. હિન્દી ઇન્ડસ્ટ્રીમાં તેનું પહેલું
ફિલ્મ ’કજરારે’ હતું.
આ પછી ’લવ મેં ગમ’ કર્યું અને છેલ્લે ’મર્ડર ૩’ પણ
કર્યું. સારાની બહુ જ ટૂંક સમયમાં ’ફ્રોડ સૈયા’, ’ઇશ્ક ક્લિક’ અને
’વેલકમ બેક’ છે.
સારા માટે ભલે આ મહત્વનું ફિલ્મ હોય કે નહીં પણ સારા પહેલી ફિલ્મથી લઈને અત્યાર સુધી
માત્ર એક સેક્સ ડોલ જેવી જ લાગી છે. સારા પાત્રને ન્યાય આપવો એ સારાની હજુ ત્રેવડ નથી
ઊભી થઈ. ફિલ્મનો હીરો તહા શાહ અબુધાબીમાં જનમ્યો છે અને વિદેશમાં અભ્યાસ કરી ચૂક્યો
છે. માત્ર ૧૬ વર્ષની ઉમરે જ મોડેલીંગમાં ઝંપલાવી ચૂક્યો હતો. તહાએ હોન્ડા, બકાર્ડી,
ઇમીરાત્સ બેંક, નેશનલ બેંક ઑફ અબુધાબી જેવી ઘણી એડ કરી ચૂક્યો છે. તહાની પહેલી ફિલ્મ
૨૦૧૧માં ’લવ કા ધી એન્ડ’ હતી. આ પછી તેણે ૨૦૧૩માં ’ગીપ્પી’ કરી
પણ ભાગ્યે જ કોઈ થિયેટરમાં લાગી. જો કે એક વાત કહી દઉં કે તહા કરોડપતિ ખાનદાનનો છે
તેને કોઈ પણ ફિલ્મ ચાલે કે ન ચાલે કોઈ જ ફેર નથી પડતો. હીરોઇનની ફ્રેન્ડના પાત્રમાં
શ્વેતા પંડિત છે. શ્વેતા આમ તો સિંગર છે અને સારી કંપોઝર પણ છે. શ્વેતાની પહેલી ફિલ્મ
’ડેવિડ’ હતી.
શ્વેતા ખૂબ મહેનત કરતી દેખાય છે પણ એક સલાહ કે તેણે એક્ટીંગ કરતા સિંગીંગમાં જ ધ્યાન
આપવું જોઈએ. પ્રિયાંશુ ચેટર્જી હીરોના ભાઈના રોલમાં છે. પ્રિયાંશુ ૨૦૦૦થી ફિલ્મ સાથે
જોડાયેલ છે. તેની પહેલી ફિલ્મ ’તુમ બીન’ હતી. આ પછી હિન્દી ફિલ્મ્સ ઉપરાંત મરાઠી
અને બંગાળી ફિલ્મ્સ પણ કરી. અહીં તેના માટે અલગ પ્રકારનો રોલ ચોક્કસ છે પણ હીરોઇન સામે
તેની ઉમર વધારે દેખાય છે. પુનીત ઇસ્સારનું પણ ઘણા સમયે કમબેક છે. પુનીત ઇસ્સારનો ઠાઠ
હજુ એવો ને એવો જ છે...
ફિલ્મનું મ્યુઝિક અમજદ-નદીમનું છે. મ્યુઝિકમાં પાકિસ્તાની સુફી મ્યુઝિકની
ઝલક દેખાય છે જે કર્ણપ્રિય તો છે જ. મુજાહિદ રઝાની સિનેમેટોગ્રાફી સારી ન કહી શકાય
તો ખરાબ કહી શકાય એમ પણ નથી. ફિલ્મમાં પ્રોડક્શન કંપની તરીકે ઝહારા પ્રોડક્શનને ક્રેડિટ
આપવામાં આવી છે અને અગાઉ વાત થઈ એ મુજબ નવા પ્રોડ્યૂસરનો કોઈ હાથ ન પકડે તેમ ઝહારા
પ્રોડક્શને જ ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટ કરી છે...
ફિલ્મ માટે લોકેશન્સથી લઈને કૉસ્ચ્યૂમ સુધી બધી જ મહેનત લેવામાં
આવી છે પણ ફિલ્મ પોતાની ઇમ્પેક કહી શકાય એ ઊભી કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. આ ઉપરાંત
સ્ક્રીનપ્લેમાં પણ ઘણી જગ્યા પર ખાંચા છે. હીરોનો મિત્ર દરગાહ પર હીરોઇન સાથે વાત કરતો
હોય અને દ્ગશ્ય હીરોના આઉટ હાઉસ પર જતુ રહે એટલાં માટે કે એ દેખાડવાનું હોય કે હીરો
હીરોઇનની બધી વસ્તુઓ સાચવે છે. આ રીતે જ હીરો હીરોઇનને પોતાના મા-બાપને મળાવે અને તેની
સાથે જ મા-બાપ રોષ જાહેર કરે કે હીરોઇન એક દીકરીની માં છે તો સમાજ શું વાતો કરશે? હવે
આ વાત કેમ થઈ ગઈ એ જાણી જ ન શકાય. પુનિત ઇસ્સારને એક સારા પિતા બતાવવામાં આવ્યા છે
પણ તેના મોઢે જૂના પુરાણો જોક ’સારો વકીલ એ
હોય જે વકીલાત જાણતો હોય અને શ્રેષ્ઠ વકીલ એ હોય જે જજને જાણતો હોય’નો પ્રયોગ
કરી એક ડીગ્નીટી વાળા પિતાના રોલને કેમ દાબવામાં આવ્યો હશે? જે હોય તે બસ ફિલ્મમાં
સમય બગાડવા જેવો નથી. બહુ કરીએ તો પણ ફિલ્મ ૨ સ્ટારથી વધારે ડીઝર્વ કરતું જ નથી...
પેકઅપ:
"ફિલ્મમાં મૂર્ખ બનવાની
મઝા જ અલગ છે. ’પ્યાર તો હોના હી થા’માં કાજોલ પબ્લિક ટોયલેટ યુઝ કરવા માટે સ્ટેશન
પર ઊતરે છે અને તેની ટ્રેઇન છૂટી જાય છે. કદાચ કાજોલને ખબર નહીં હોય કે ટ્રેઇનના દરેક
ડબ્બામાં ટોયલેટ હોય છે"