Thursday, 26 February 2015

અબ તક છપ્પન 2: બીજા ભાગનો મોહ ક્યારે છૂટશે?





        એનકાઉન્ટર સ્પેસિયાલિસ્ટ દયા નાયકની જિંદગીનો આધાર લઈને ફિલ્મ બનાવવાની હોય ત્યારે આપણે રીયલ ઇન્સીડન્સની આશા લઈને જઈએ પણ ફિલ્મ હોય ત્યારે ફિલ્મ લિબર્ટી તો રહેવાની જ છે. આ લિબર્ટીનો સ્વીકાર કરીને ફિલ્મ જોતા હોઈએ પણ જો આ લિબર્ટી એટલી હદે લેવામાં આવી છે કે એનકાઉન્ટરને જાણે કાયદેસર બનાવી દેવામાં આવ્યું હોય અને એનકાઉન્ટર સેલ ખોલવામાં આવે! આટલે ન અટકતા નાના પાટેકરને જોતા જ ખબર પડે કે હવે તેઓ ૬૫ ઉપર નીકળી ગયા છે અને કોઈ પણ એંગલથી અધિકારી તરીકે ફીટ નથી લાગતા. લિબર્ટી ત્યાં સુધીની કે તેમની પોસ્ટ શું એ પણ ક્યાંય ક્લિયર નથી કરવામાં આવ્યું! પણ જો પહેલા ભાગ માંથી આપણે કમાણી કરી હોય તો બીજો ભાગ બનાવ્યા વગર કેમ રહી શકાય? મને તો સમજમાં જ નથી આવતું કે આ બીજા ભાગનો મોહ ક્યારે છૂટશે???


        શીમીત અમીનના ડેબ્યુ ડિરેક્શનમાં ’અબ તક છપ્પનનો પહેલો ભાગ જોવા મળેલો. આ પછી તેની બીજી ફિલ્મ એટલે ’ચક દે ઇન્ડિયા. ફિલ્મ જોઈને શાહરૂખ ખાનથી એલર્જી રાખતા લોકો પણ બોલ્યા કે ક્લાસ ફિલ્મ છે. લોકોના ધ્યાનમાં ન આવેલી કે ખાસ હીટ ન રહેલી ખૂબ સારી ફિલ્મ ’રોકેટ સિંઘ પણ તેમણે જ ડિરેક્ટ કરી હતી. જે કોઈ કારણો રહ્યા હોય પણ શીમીતને બીજા ભાગનું ડિરેક્શન ન સોંપતા નવા ડિરેક્ટર એઝાઝ ગુલાબને સોંપવામાં આવ્યું. ડિરેક્શનથી શું ફેર પડે છે તે ફિલ્મ જોઈને તરત જ તમે નક્કી કરી શકશો! એક પણ દ્ગશ્ય તમને એમ નહીં લાગે કે આ દ્ગશ્યમાં ડિરેક્શનનો ટચ જોવા મળે છે. જો કે તેમનું પહેલું ફિલ્મ છે એ ધારીને છૂટ આપી શકીએ પણ એક પ્રશ્ન તો સતત ઊભો થાય છે કે ફિલ્મ શૂટ થાય ત્યારે ડિરેક્ટર તરીકે તેઓ કોઈ ફ્રેમ કૅમેરા પર જોતા જ નહીં હોય? સિદ્ધાર્થ મોરેથી ખરાબ સિનેમેટોગ્રાફી મેં ક્યારેય જોઈ નથી! સિનેમેટોગ્રાફરની આળસ એટલી હદે દેખાય છે કે ક્લોઝ શોટ લેવા માટે પણ વાઇડ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે! સિનેમેટોગ્રાફીના રુલ્સ બ્રેક કરવા માટે જ હોય છે પણ એ રીતે બ્રેક કરો કે દર્શકોને માથે હથોડા ન લાગે. પ્રયોગ કરવા જતા માત્ર અને માત્ર વાઇડ એંગલ લેન્સનો જ ઉપયોગ થયો છે જે ખૂબ જ ખરાબ લાગે છે અને એ માટે સિનેમેટોગ્રાફરથી વિશેષ ડિરેક્ટરનો જ વાંક ગણી શકાય....


        નાના પાટેકરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ૧૯૭૮માં ’ગમન ફિલ્મથી થઈ. નાનાએ પોતાની સ્ટાઇલ અલગ રીતે જ રજૂ કરી. ચહેરા પર કોઈ જ ઍક્સ્પ્રેશન ન આપીને પણ એક્ટીંગ થઈ શકે એવું નાના પાટેકરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શિખવાડ્યું. ૧૯૭૮થી શરૂ થયેલી આ સફર લગભગ ૭૦ ફિલ્મ્સ સુધી પહોંચી છે અને આ રીતે જ નાનાનું એવૉર્ડ લિસ્ટ પણ મોટું છે. ’પરિંદામાં બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે નેશનલ એવૉર્ડ જીત્યા પછી આશરે ૧૬ જેટલા એવોર્ડ્સ નાનાએ જીત્યા છે. વર્ષો પહેલા દૂરદર્શન પર આવતી કાર્ટૂન સિરીઝ ’જંગલ બૂકના શેર ખાનનો અવાજ નાનાએ આપેલો જે આજે પણ કાનમાં ગુંજે છે. નાના ડિરેક્ટર તરીકે પણ અદભૂત રહ્યા છે. જો કે તેમણે ફરી ડિરેક્શન કર્યું જ નહીં પણ ’પ્રહાર જોઈને તેમના ડિરેક્શનના વખાણ કરવા જ પડે પણ નાના પાટેકરે હવે સમજીને આવા કૅરેક્ટર માટે પોતાની ડીગ્નીટી સાચવવા સામેથી ના પાડી દેવી જોઈએ. ગુલ પનાગ ભારત તરફથી મીસ યુનિવર્સ કોમ્પીટ કરી ચૂકી છે પણ બોલીવુડ કેરિયર છેક ૨૦૦૩માં ’ધૂપ ફિલ્મથી શરૂ થઈ. ગુલને માંડ માંડ ૧૫ ફિલ્મ્સ મળી છે અને તેમાં પણ નોંધ તો ક્યાંય પણ લેવામાં નથી આવી! કે ન તો આ ફિલ્મ માટે પણ તેની કોઈ નોંધ લેશે. ગુલ સિરિયલ્સ પણ કરી ચૂકી છે. નિર્માતાને બજેટનો પ્રશ્ન નડતો હોય ત્યારે આમ જાણીતા પણ ઓછા જાણીતા સ્ટાર પર પસંદગી વધારે ઊતારવામાં આવે છે. મોહન અગાસેના એક્ટીંગનો હું પ્રશંસક રહ્યો છું. વ્યવસાયથી ડૉક્ટર એવા મોહન અગાસે એક્ટીંગ માટે પ્રેક્ટીસ છોડી ચૂક્યા છે. ૧૯૭૨થી શરૂ થયેલી તેમની ફિલ્મ યાત્રા દરમિયાન ’ગાંધી, ’પાર, ’મશાલ, ’મીસ્સીસીપ્પી મસાલા, ’શક્સ, ’રંગ દે બસંતી જેવી અસંખ્ય નામાંકિત ફિલ્મ્સ આપી ચૂક્યા છે અહીંયાં તો તેમને આ રોલ કેમ કર્યો હશે એ પ્રશ્ન તમને પણ મારી જેમ જ થશે જ. આવા જ એક મહાન કલાકાર એટલે ગોવિંદ નામદેવ. બહુ મોટી ઉમરે ગોવિંદજીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. ૧૯૯૨માં તેમની પહેલી ફિલ્મ હતી ’શોલા ઔર શબનમ અ પછીની તેમની દરેક ફિલ્મ જુઓ તો ગોવિંદ નામદેવના વખાણ જ કરવા પડે, જેમ કે ’આંખે, ’બેન્ડીટ ક્વિન, ’પ્રેમગંથ, ’વિરાસત, ’સત્યા, ’સરફરોશ, ’સત્તા, ’ગર્વ, ’સરકાર રાજ, ’હીરોઇન અને કોણ જાણે બીજી કેટલી ફિલ્મ હશે. ગોવિંદ નામદેવ માટે આ બહુ જ નાનું પાત્ર હતું પણ તેમની એક્ટીંગ માટે તમે પ્રશ્ન નહીં કરી શકો. મને જીવનમાં વિક્રમ ગોખલે સાથે કામ કરવાનો એકવાર મોકો મળ્યો હતો જેને હું સદભાગ્ય ગણું છું. ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, હિન્દી, નાટક બધાં જ કામ માટે વિક્રમ ગોખલેને રીસપેક્ટ આપવી જ પડે એ રીતે તેઓ પોતાના કામને વફાદારી પૂર્વક નિભાવે છે પણ વિક્રમ ગોખલેની એક ખાસિયત રહી છે તેઓ ડિરેક્ટરના એક્ટર રહ્યા છે. આ ફિલ્મમાં ખાસ ન જામવા માટે તેમનાથી વધારે ડિરેક્ટરનો વાંક કહી શકાય. NSDના સ્ટૂડન્ટ આશુતોષ રાણાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી ૧૯૯૬ની ’સંશોધન ફિલ્મથી થઈ હતી. આ પછી મોટા ભાગે તેમને નેગેટિવ કૅરેક્ટર જ મળ્યા છે અને લોકોને ઘણા પસંદ આવ્યા છે પણ મનો દરેક વખતે ઓવર એક્ટીંગ કરતા જ લાગ્યા છે! આશુતોષે હિન્દી ઉપરાંત તેલુગુ, મરાઠી અને તામિલ ફિલ્મ્સ પણ કરી છે અને આ ઉપરાંત ટેલિવિઝન ક્ષેત્રે પણ તેમનું સારુ નામ રહ્યું છે. તેમને અહિંયાં પણ ઓવર એક્ટીંગનો મોકો આપવામાં આવ્યો છે. સતત બેલેન્સ કામ કર્યું છે પણ મોકો મળતા જ ઓવર એક્ટીંગ તો બતાવી જ દીધી છે....


        એનકાઉન્ટર જેવો હાર્ડકોર વિષય ઊઠાવવો હોય તો સ્ટોરી લેવલ પર પણ ઘણું કાંતવું પડે પણ નિલેશ ગીરકરની વાર્તા પણ એ રીતે જ ખરાબ છે જેમ ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી ખરાબ છે. ફિલ્મનું બજેટ બચાવવા પ્રોડ્યૂસર  રાજુ ચડા અને ગોપાલ દલવીએ આર્ટિસ્ટ્સ પણ સારા છતા ઓછા બજેટના શોધ્યા છે. કલાકારો માટે તમને કોઈ જ પ્રશ્ન નહીં હોય પણ કામ માટે થશે જ. ફિલ્મમાં એક પણ ગીત ન લઈને દર્શકો ઉપકાર મ્યુઝિક ડિરેક્ટર અમાલ મલ્લીકે ઉપકાર કર્યો છે.  અલુમ્બરા એન્ટરટેઇન્મેન્ટને પ્રોડક્શન કંપનીની ક્રેડિટ આપવામાં આવી છે અને વેવ સિનેમાં પોન્ટીએ ફિલ્મ રીલીઝ કરી છે. સૌથી સારી વાત એ છે કે ફિલ્મનો રન ટાઇમ ૮૦ મીનીટનો જ છે જે પણ એક વધારાનો ઉપકાર જ ગણી શકાય. ફિલ્મને જો કોઈ પણ બાબત માટે ૨ સ્ટાર આપવા હોય તો સિનિયર અને ગ્રેટ આર્ટિસ્ટ્સના ફિલ્મ સ્વીકારવા માટે આપી શકાય એમ છે...




પેકઅપ:

"વેલેન્ટાઇન મંથમાં ના કોઈએ ફૂલ આપ્યું, ના ચોકલેટ આપી કે ન તો કોઈએ પ્રોપોઝ કર્યું! મને થાય છે કે PK ના પ્લૅનેટ પર જતો રહું અને કહું કે ’ઉ ગોલામાં હમરી કોનુ ફીરકી લે રહા હૈ"

Friday, 20 February 2015

બદલાપુર: બદલા વચ્ચે પ્રેમની ફિલ્મ





        કોઈ પણ ફિલ્મ લખવાની શરૂ થાય ત્યારે દરેક પાત્રનું પાત્રાલેખન કરવામાં આવ્યું હોય તો ફિલ્મના પાત્રો પાસેથી કામ લેવું ખૂબ સહેલું થઈ જાય છે. પોતાના પાત્રને લઈને આર્ટિસ્ટ સતત ડિરેક્ટર સાથે બેસે છે અને પોતાના પાત્રને સમજવાની કોશિશ કરે છે. આ સમજણ જેટલી સારી એટલું જ સારુ એક્ટીંગ પડદા પર જોવા મળે. ’બદલાપુરમાં આ વાત સીધી જ સામે આવે છે. દરેક પાત્ર પોતાના કામ માટે એકદમ સ્યોર છે. ફિલ્મની મુખ્ય વાર્તા ભલે બદલાની ભાવનાની છે પણ જો તેમાંથી પાત્રને અલગ કરી લો તો પાત્રની પોતાની પણ એક વાર્તા છે. દરેક પાત્ર પોતાના ટાર્ગેટ પર જ રમે છે. ભલે ગમે તેટલી બદલાની ભાવના હોય પણ નેગેટિવ કૅરેક્ટરમાં પણ તમને પ્રેમ જોવા મળશે એટલે ફિલ્મને બદલા વચ્ચે પ્રેમની ફિલ્મ કહી શકાય....


        શ્રીરામ રાઘવન એટલે FTIIમાં રાજકુમાર હીરાણીના ક્લાસમેટ. અભ્યાસ દરમિયાન જ તેમણે એક શૉર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી ’ધ એઇટ કોલમ અફેર જે ૧૯૮૭માં નેશનલ એવૉર્ડ જીતી હતી. શરૂઆત જ આટલી સરસ હતી એટલે કામ તો મળવાનું જ હતું પણ શ્રીરામને પહેલો બ્રેક રામ ગોપાલ વર્માએ આપ્યો. શ્રીરામની પહેલી ફૂલ લેન્થ ફિલ્મ ’એક હસીના થી હતી. જેમણે પણ આ ફિલ્મ જોઈ હશે વખાણ જ કર્યા હશે. આ પછીની તેમની ફિલ્મ ’જોની ગદ્દાર બૉક્સ ઓફીસ પર ખાસ અસર નહોતી છોડી શકી પણ ખાસ ઓડિયન્સને પસંદ આવેલી. એ પછીની તેમની પ્યૉર કોમર્સિયલ ફિલ્મ એટલે ’એજન્ટ વિનોદ. સૈફ અલીખાન સાથેની આ ફિલ્મ હીટ ન કહી શકાય તો ફ્લોપ પણ ન જ કહી શકાય. કદાચ આ પહેલો મોકો છે જે અલગ અને છાપ છોડી શકે એવી ફિલ્મ તેમને ડિરેક્ટ કરવા મળી છે. તેમને મળેલા આ મોકાને તેમણે ખૂબ જ સરસ રીતે ઝડપી લીધો છે. નાની નાની વાતોમાં પણ ડિરેક્શનનો મોકો ચૂકવામાં નથી આવ્યો. ફિલ્મમાં કોઈ જ હાઇ-ફાઇ દ્ગશ્યોને બદલે સ્થિર કૅમેરા વડે પણ વાતને બહાર કાઢવામાં આવી છે. અરે જેલની અંદર થયેલું શૂટ એકદમ અદલ જેલની અંદર ચાલતા વહેવાર મુજબ જ શૂટ કરવામાં આવ્યો છે. જેલમાં ઇષ્ટો રમતા કેદીઓની કૂકરી એટલે દવાની ટેબલેટ્સ! આટલી ઝીણવટથી શ્રીરામ જ ડિરેક્ટ કરી શકે....


        એક સમયના મારા ફેવરીટ ડિરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર વરુણ મુખ્ય ભૂમિકામાં છે. ડેવિડ ધારત તો વરુણને સીધો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવી શક્યા હોત પણ વરુણને ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ’માય નેઇમ ઇઝ ખાનમાં કરણ જોહર સાથે રાખ્યો. પૂરા બે વર્ષ પછી કરણે તેને ’સ્ટુડન્ટ ઑફ ધ ઇયરમાં પહેલો બ્રેક આપ્યો. આ પછીની તેની ફિલ્મ ’તું મેરા હીરો સારી રહી જ્યારે ’હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ખાસ બિઝનેસ ન કરી શકી. ખરા અર્થમાં કહો તો વરુણને એક્ટીંગનો મોકો આપતી આ પહેલી ફિલ્મ કહી શકાય. વરુણનું એક્ટીંગ પોતાના પ્રમાણમાં સારુ જ હતું પણ વધુ પડતો શાહીદ કપૂરની કોપી કરતો જોવા મળ્યો તો પણ સારું જ કામ કર્યું. ફિલ્મમાં મુખ્ય વિલન તરીકે નવાઝુદ્દીન સીદ્દીકી છે. નવાઝુદ્દીન NSDઆ સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. તમને આશ્ચર્ય થશે કે ૧૯૯૯માં આવેલી ’શૂલ ફિલ્મમાં માત્ર રેસ્ટોરેન્ટમાં લેખક તરીકે એક કે બે દ્ગશ્યમાં દેખાયેલા. આ રીતે જ એ વર્ષમાં જ ’સરફરોશમાં પણ નાનો રોલ કર્યો હતો. ’ગેંગ્સ ઑફ વસ્સેપુર 2’ જોશો તો ખબર પડી જશે કે ’ગેંગ્સ ઑફ વસ્સેપુરના મનોજ બાજપેયીના એક્ટીંગને પણ ઝાંખું પાડવાની ક્ષમતા આ એક્ટરમાં છે. કોમર્સિયલ ફિલ્મ ’કીક સુધીની તેમની સફરમાં નવાઝુદ્દીનના વખાણ જ સાંભળવા મળ્યા છે. માત્ર ૨૦૧૩-૧૩ના એક જ વર્ષમાં નવાઝુદ્દીનને ૧૦ એવોર્ડ્સ મળ્યા છે. આ ફિલ્મમાં તો નવાઝુદ્દીનના એક્ટીંગના વખાણ કરતા અટકી શકાય એમ નથી. એક એક સિનમાં નવાઝુદ્દીન જ દેખાય છે. ફિલ્મના હીરો તરીકે ભલે વરુણ ધવન હોય પણ ફિલ્મનો રીયલ હીરો તો નવાઝુદ્દીન જ છે.  હુમા કુરેશીએ આમ તો મોડેલીંગના ઘણા કોન્ટ્રેક્ટ્સ કર્યા અને પછી મુંબઈ આવી ઓડીશન આપવાનું શરૂ કર્યું. ખૂબ મહેનત કરી પણ ખરી શરૂઆત અનુરાગ કશ્યપની નજર પડતા થઈ. ’ગેંગ્સ ઑફ વસ્સેપુરના બંને ભાગમાં દેખાતા સાથે જ  ફિલ્મ્સની ઑફર આવવા લાગી. આ સફરમાં ’દેઢ ઇશ્કીયા પણ તેને મળી. ૨૦૧૨ થી ૨૦૧૪ સુધીમાં આઇફા, ટાઇમ્સ, ઝી સીને, સ્ટારડસ્ટ, સ્ક્રીન જેવા બધા જ એવોર્ડસ હુમાને મળ્યા. આ ફિલ્મમાં તેને હિસ્સે નાનો રોલ છે પણ નાના કામને પણ કેમ દીપાવી શકાય એ હુમાએ બતાવીએ આપ્યું.  ’ચાંદ કે પાર ચલો સિરિયલથી પોતાની કેરિયર શરૂ કરનાર યામી ગૌતમની પહેલી ફિલ્મ ’વિક્કી ડોનર સુપર હીટ રહી. જો કે યામી કન્ન્ડ, પંજાબી અને તેલુગુ ફિલ્મમાં જાણીતું નામ બની જ ચૂકી હતી. યામી હિન્દી ફિલ્મમાં ખૂબ ચૂઝી છે. ’ટોટલ સિયપ્પા અને ’ઍક્શન જેક્શન ગણીએ તો આ તેની ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં આમ જુઓ તો ખાસ રોલ નથી પણ જે છે તેને ન્યાય આપવાની કોશિશ કરી છે. નવાઝુદ્દીનના પાર્ટનર તરીકે વિનય પાઠક છે. વિનયને તેની પ્રકૃતિ તદ્દન અલગ રોલ આપવામાં આવ્યો છે. ૧૯૯૮ ’બોમ્બે બોયઝથી શરૂઆત કરનાર વિનય અત્યાર સુધી લગભગ ૩૫ ફિલ્મ્સ કરી ચૂક્યા હશે પણ લોકો તેને ભેજા ફ્રાય પછી વધારે ઓળખવા લાગ્યા છે. વિનય પોતાના નાના પાત્રમાં માત્ર રૂમ બહાર બેસીને રડતા જુઓ ત્યાં જ વાહ બોલાય જશે. મારી ઓલ ટાઇમ ફેવરીટ દિવ્યા દત્તા પણ એક નાના પાત્રમાં છે. દિવ્યા પાસે હવે ૮૦ ફિલ્મ્સનો અનુભવ છે માટે કોઈ પણ રોલ હોય દિવ્યા સેટ જ હોય. વિનયની પત્નીના પાત્રમાં રાધીકા આપ્ટે છે. રાધીકા ૨૦૦૫થી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે. રાધીકાએ હિન્દી ઉપરાંત બેંગોલી, મરાઠી, તેલુગુ, તામિલ, મલયાલમ અને ઇંગ્લિશ ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે...


        સચીન-જીગરનું મ્યુઝિક પણ માણવા લાયક છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે શ્રીરામ રાઘવને જ લખ્યો છે સાથે અન્ય લેખક તરીકેની ક્રેડિટ અરીજીત બિશ્વાસને આપવામાં આવી છે. અનિલ મહેતાની સિનેમેટોગ્રાફી સિમ્પલ અને સરસ છે. ઇરોઝ ઇન્ટરનેશનલ દ્વારા રીલીઝ કરવામાં આવ્યું છે. સાંભળવામાં આવ્યું છે ત્યાં સુધી ફિલ્મનું બજેટ ૨૫ કરોડનું છે. હવે પ્રમોશનમાં કેટલા આમાં ગણાયા હોય એ ખબર નથી પડી. આમ તો ફિલ્મના દરેક પાસા ખૂબ જ સારા છે પણ જો કદાચ ન હોત તો પણ માત્ર અને માત્ર નવાઝુદ્દીન સીદ્દીકીના એક્ટીંગ પર ફિલ્મના રૂપિયા વસૂલ છે. આ પછીની વાત આવે તો ફિલ્મનો સ્ક્રીનપ્લે. ખૂબ જ સીધો સાદો સ્ક્રીનપ્લે હોવા છતા ક્યાંય ગ્રીપ છૂટતી નથી. આમ જુઓ તો ફિલ્મ પહેલા જ દ્ગશ્યમાં ઓપન થઈ જાય છે પણ અંત સુધીની સફરને મજબૂત સ્ક્રીનપ્લે જ જાળવી રાખે છે. ખૂબ નાનું પાત્ર હોય તો પણ એ પાત્ર પાસે મહેનત કરાવવામાં આવી જ છે. એક પણ દ્ગશ્યને વેડફવામાં નથી આવ્યું. દરેક દ્ગશ્યમાં એક્ટીંગ અથવા ડાયલૉગ અથવા સિનેમેટોગ્રાફી અથવા ડિરેક્શન કંઈ પણ એક વાત તો આફરીન બોલવા જેવી આવે જ છે. ફિલ્મ ૩.૫ સ્ટાર ડીઝર્વ કરતી મસ્ટવોચ લિસ્ટમાં જાય છે....




પેકઅપ:

"નોકરી જોઇન કરશો તે દિવસે ક્વાટર મળશે વાંચીને આલિયા ભટ્ટ ગ્લાસ સાથે પહોંચી ગઈ હતી"

Friday, 13 February 2015

રોય: ટીકીટના રૂપિયા માટે રોઈ લેવું



       



        એક હ્યુમન સાયકોલોજી મુજબ હું એક સમયે પ્રખ્યાત વ્યક્તિ હોઉં અને સમય જતા મને લોકો વીસરવા લાગે, કોઈ સારા ફંકશન કે કોઈ પ્રવૃત્તિમાં બોલાવવામાં ન આવે અને અચાનક જ તેને કોઈ એક પ્રોગ્રામનું આમંત્રણ મળે, એટલું જ નહીં પણ આ ઉપરાંત તેને મુખ્ય અતિથિ તરીકે માઇક પણ સોંપી દેવામાં આવે ત્યારે તે વ્યક્તિનું બોલવાનું ખૂટે જ નહીં, જાણે તેણે એક જ વારમાં જિંદગીના બધા જ અનુભવો કહી દેવા હોય પણ સામે બેઠેલ ઓડિયન્સને આ વાત સાંભળવામાં જરા પણ રસ ન હોય એટલે આખરે તો ઑડિયન્સ પર જ સહન કરવાનું આવે! આવું જ કંઈક પોતાના જીવનના પહેલા ડિરેક્શન માટે વિક્રમજીત સિંઘનું પણ થયું છે. તેમને પોતાની પાસે હોય એટલું આર્ટ એક જ ફિલ્મમાં બતાવી દેવાની કોશિશ કરી છે અને પહેલી ફિલ્મથી જ તેમણે મહાન બની જવું હતું પણ અફસોસ એ થયો કે તેમની વાર્તા જે તેમણે જ લખેલી હતી એ એટલી નબળી હતી કે પ્રેક્ષક તરીકે તમારે તો તમારા ખર્ચેલા રૂપિયા માટે રોઈ લેવું જ પડશે...



        ફિલ્મના કલાકારોની વાત કરો તો એક પણ નબળો કલાકાર નથી. ફિલ્મ અર્જૂન રામપાલ પર ચાલે છે અને એ જે ફિલ્મ બનાવી રહ્યો છે કે તેની વાર્તા છે એ રણબીર કપૂર પર ચાલે છે. અર્જૂન રામપાલ ૪૩ વર્ષના થયા પણ તેની ફીટનેસ આજે પણ બરકરાર છે. અર્જૂન મોડેલ તો હતા જ અને ૨૦૦૧માં તેની પ્રથમ ફિલ્મ આવી ’પ્યાર ઇશ્ક ઔર મહોબ્બત". પહેલી જ ફિલ્મ માટે તેને અન્ય એવોર્ડ્સ ઉપરાંત બેસ્ટ ડેબ્યુ મેલ તરીકે ફિલ્મફેર પણ જીત્યો. આ પછી તો અર્જૂન રામપાલને ઘણા એવોર્ડ્સ મળ્યા છે અને ઘણી ફિલ્મ્સ છે જેમાં તેનું ક્લાસ એક્ટીંગ પણ જોયું છે. ૨૦૦૫માં અર્જૂને પોતાની પ્રોડક્શન કંપની ’ચેઝીંગ ગણેશા ફિલ્મ્સ નામથી શરૂ કરી અને પહેલું ફિલ્મ ૨૦૦૬માં ’સી યુ રીલીઝ કર્યું. ફિલ્મ ભલે ખાસ ચાલી નહીં પણ અર્જૂન રામપાલનું નામ પ્રોડ્યૂસર તરીકે પણ લેવામાં આવવા લાગ્યું. અર્જૂન પાસે આ ફિલ્મમાં એક્ટીંગનો પૂરો સ્કોપ હતો અને પોતાના પાત્રને ન્યાય આપવા પણ પૂરો પ્રયાસ કર્યો છે. અર્જૂન જે ફિલ્મમાં ફિલ્મ લખી રહ્યો છે એ છે રોય નામના એક ચોરની અને આ પૅરેલલ ચાલતી ફિલ્મનો રોય એટલે રણબીર કપૂર. રણબીરની ત્રણ પેઢી એક્ટીંગ સાથે સંકળાયેલી હોય ત્યારે એક્ટીંગ તો બ્લડમાં જ આવે. જો કે રણબીરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’બ્લેકના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે મૂક્યો. તેની પહેલી ફિલ્મ પણ સંજય લીલા સાથે જ હતી ’સાવરિયાં. આ ફિલ્મ જોઈને ઘણા નારાજ થયા હતા પણ ’વેક અપ શીદ જોઈને થયું કે બંદામાં દમ તો છે. આ પછીની તેની બધી જ ફિલ્મ્સ એક લેવલની રહી છે, ખાસ કરીને ’રોકેટ સિંઘ, ’રાજનિતી, ’રોક સ્ટાર, ’બરફી કે પછી ’યહ જવાની હૈ દિવાની કોઈ પણ ફિલ્મ રણબીરના નામ પર ચાલી જાય. આટલાં નાના અને કોઈ પણ પ્રકારના મહત્વ વગરના પાત્રની ’રોયમાં રણબીરે કેમ હા પાડી હશે એ જ આશ્ચર્ય છે!  આ બંને પાત્રો સામે હીરોઇન તરીકે જેક્લીન ફ્ર્નાડીશ છે. મીસ શ્રીલંકા રહી ચૂકેલી અને ૨૦૦૬માં મીસ યુનિવર્સ બનેલી જેક્લીનની પહેલી ફિલ્મ ’અલાદીન હતી. આ ફિલ્મ માટે તેણે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એવૉર્ડમાં બેસ્ટ ડેબ્યુ ફીમેલ એવૉર્ડ પણ મળ્યો. જેક્લીન ને ઘણી જાણીતી ફિલ્મ્સ જેમ કે ’હાઉસફૂલ, ’હાઉસફૂલ ૨, રેસ ૨ મળી પણ સલમાનની ’કીક સાથે તેના દિવસો બદલાય ગયા છે. સાંભળવા મળ્યું છે હોલીવુડની ફિલ્મ ’ડેફીનેશન ઑફ ફીયર અન્ડર પ્રોડક્શન છે. અનુપમ ખેરને પણ એક નાનો રોલ અર્જૂનના પિતા તરીકે આપવામાં આવ્યો છે. લિજેન્ડ કહી શકાય એવા અનુપમ સર પાસેથી પણ ખાસ કામ નથી લઈ શકાયું. લગભગ ૧૦૦ ઉપર ફિલ્મ કરી ચૂકેલા અનુપમ સાહેબ માત્ર હિન્દી જ નહીં અંગ્રેજી ફિલ્મ્સ પણ કરી ચૂક્યા છે. ૧૯૮૨માં તેમની બે ફિલ્મ્સ ’આગમન અને ’સારાંશ આવી હતી અને પહેલી ફિલ્મથી જ તેમની બોલીવુડ પર પક્કડ રહી છે. શિવાની દાંડેકરનું કદાચ આ પહેલું ફિલ્મ છે. શિવાની સિંગર હોવા ઉપરાંત ’ઝલક દીખલાજા ૫, ’મીશન કવર શોટ, ’સ્ટાઇલ એન્ડ સીટી જેવા ઘણા શો હોસ્ટ કરી ચૂકી છે. રજત કપૂર જેવા એક્ટરને પણ નાના રોલમાં લઈને વેડફવામાં આવ્યા છે....


        ફિલ્મનો રનટાઇમ ૧૪૭ મીનીટનો છે અને ફૂલ ઑડિયન્સ સાથે શરૂ થયેલા ફિલ્મનો અંત જોવા માત્ર ૨૦ કે ૨૫ વ્યક્તિ વધ્યા હતા! આ વાત જ સાબિત કરે છે કે ફિલ્મ સહન કરવાની લોકોની લીમીટ પૂરી થઈ જાય ત્યાં સુધી ફિલ્મને ખેંચવામાં આવી છે. ફિલ્મની વાર્તા એટલી ખરાબ છે કે ઇન્ટરવલ સુધી અર્જૂનની પોતાની વ્યથા કે પોતે લખી નથી શકતો અને ફિલ્મ શૂટ કરવાનો સમય થાય છે અને પૅરેલલ રણબીર કપૂરને ચોર તરીકે બતાવી ફિલ્મ ચાલતી થાય છે. કોઈ પણ વ્યક્તિ સમજી નહોતું શકતું કે ફિલ્મ ક્યાં જઈ રહી છે. ડિરેક્ટર તરીકે વિક્રમજીતને એટલું પણ નથી સમજાયું કે વાત માંડતા પહેલા ક્લિયર કરવી જોઈએ કેમ કે ઇન્ટેલીજન્ટ ઑડિયન્સ જે સમજી શકે એ માત્ર ૧૦% થી વધારે નથી હોતી. એક ચોરની વાર્તા પર જો ફિલ્મ બનાવવું હોય તો ચોરી તો ઇન્ટરેસ્ટિંગ હોવી જ જોઈએ જેની જગ્યાએ માત્ર અર્જૂન રામપાલને વિચાર આવે કે પેઇન્ટિંગ એક છોકરી પાસે હોય એટલે ફિલ્મ એ દિશામાં ચાલતું થાય. છોકરી સાથે રણબીર રાત વિતાવે અને સવારે પેઇન્ટિંગ ગુમ થઈ જાય. આ સ્ટોરી સૌથી વધુ બોર તો ત્યારે કરે છે કે એ વાત સાથે આ બાજુ અર્જૂનનું જેક્લીન સાથે બ્રેકઅપ થાય અને સ્ટોરી ત્યાં થંભી જાય. વધુ પૂરતું આર્ટ બતાવવા માટે ૨૦૧૫ના સમય ગાળામાં પણ અર્જૂન રામપાલને ટાઈપરાઇટર પર સ્ટોરી લખતો બતાવવામાં આવ્યો છે! ફિલ્મનો અંત લગભગ બધાને ખબર જ હશે કે છેલ્લે ખાધું પીધું અને રાજ કરાયુંની જેમ ફિલ્મમાં રણબીરને અને રીયલમાં અર્જૂનને જેક્લીન મળી જ જશે પણ અંત સુધી પહોંચાડવામાં જે સમય બગાડવામાં આવ્યો છે એ માંડ સહન થશે...



        ફિલ્મનું મ્યુઝિક અંકીત તીવારી, અમાલ મલ્લીક અને મીત બ્રોસ અંજાને આપ્યું છે અને જે સાચે જ ખૂબ સારુ છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર સંજોય ચૌધરીનો છે જે પણ ચાલી જાય તેવો છે. હેમેન ધામેજાની સિનેમેટોગ્રાફીની ક્ષતિ સીધી જ દેખાય છે. ઓવર સોલ્ડર શોટમાં લેફ્ટ રાઇટની એક ક્રોનોલોજી હોય છે જે પણ તેઓ સાચવી નથી શક્યા અને સાથે સાથે ફોકસ ડી ફોકસની રમતમાં માત્ર રીએક્શન માટે કૅમેરા ફોકસ શિફ્ટ કરે ખૂબ જ ખરાબ લાગે છે. દિપીકા કાલરાએ સારુ એડીટ કરવાની કોશિશ કરી છે પણ વાતમાં દમ નથી એટલે ધારીને પણ ગતિ વધારી નથી શકી. કોઈ પણ રીતે ફિલ્મને ૧.૫ સ્ટારથી વધારે આપી શકાય તેમ નથી. આ ફિલ્મનો પ્રચાર ઘણો થયો છે માટે જેમ માઉથ પબ્લીસીટીથી ફિલ્મ ચાલે એમ જ માઉથ પબ્લીસીટીથી આ ફિલ્મ ફ્લોપ જશે...




પેકઅપ:

"સલમાન ખાન છોકરી જોવા ગયો... તેને જોઈને મમ્મી તરત જ બોલ્યા ’૨૪ વર્ષ પહેલા આ છોકરો મને પણ જોવા આવ્યો હતો!"